Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
 
       
  Shikshapatri   Vachnamrut   Bapashri Ni Vato  
 
     
 

 
     
 

વચનામૃત શું છે?

       સર્વોપરિ સર્વાવતારી એવા પૂર્ણ પુરૂષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખવાણી, તેમના વચનામૃતો આ પૃથ્વી પર કયાંથી શ્રવણગોચર થઇ શકે? એ તો પોતે કૃપા કરી નરનાટક ધરી પૃથ્વી પર પધારી આશ્રિતજનોને શ્રવણમનોહર વચનામૃતો સંભળાવે ત્યારે જ તે બની શકે.

       સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ઠેર ઠેર વિચરતા અને અનેક જીવોને વાતોચીતો રૂપી અમૃતપાનથી સુખીયા કરતા. શ્રીહરિની આ વાતો સર્વ શાસ્ત્રોના સારરૂપ હોવા છતાં એટલી બધી સરળ અને હ્દયભેદક હતી કે સામેની વ્યકિતને જીવસોંસરી તે ઉતરી જતી. એટલું જ નહીં પણ મહાપ્રભુ ઘણી વખત એવા તો, ઘરાળુ, રોજ-બરોજના જીવનમાં બનતા કે જોવા મળતા પ્રસંગોને ઉદાહરણ તરીકે મૂકી સિધ્‍ધાંત સમજાવી દેતા કે ગમે તેવી તત્ત્વજ્ઞાનની અઘરી વાત સાવ અભણને પણ સહજ રીતે સમજાઇ જાય.

       શ્રીજીમહારાજની સાથે પોતાનું સમગ્ર જીવન સમર્પ‍િત કરી સાથે જ વિચરનાર અને અક્ષરધામમાંથી સાથે આવેલા સંતો આ અમૃતવાણીને લખી લેતા. સભામાં જે પ્રશ્નો પૂછાતા ને શ્રીજીમહારાજ તેના સચોટ ઉત્તરો કરતા તેનો સંગ્રહ મહદઅંશે સંપ્રદાયના પાંચ મોટેરા સદ્ગુરૂઓ જેવા કે સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્.શ્રી મુકતાનંદ સ્વામી, સદ્.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્.શ્રી નિત્યાનંદ સ્વામી અને સદ્.શ્રી શુકાનંદ સ્વામીએ કર્યો. સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના શાસ્ત્રથી જ થાય એવી મહારાજની અભિરૂચિ જાણી, યાવદ્ચંદ્રદિવાકરૌ આ શ્રીજીસ્થાપિત જ્ઞાનમાર્ગ સૌ આશ્રિતજનોને સદૈવ મળી રહે તે માટે વચનામૃત નામક ગ્રંથ રૂપે સંપ્રદાયના એક મુખ્યગ્રંથ તરીકે પ્રકાશિત થયો. દરેક વચનામૃતની શરૂઆતમાં જ સચોટ પુરાવારૂપે મહાપ્રભુ કઇ સાલમાં કયા દિવસે, કયા સમયે, કયાં કેવા વસ્ત્ર અલંકાર ધારણ કરી ને કેવી રીતે બિરાજમાન થયા હતા તે માહિતી આપેલ છે. જે કોઇ ઇતર સંપ્રદાયમાં વિદિત નથી. વળી જ્ઞાન સમજતા પહેલા મહાપ્રભુ સદાય પ્રગટ છે. એ ભાવે મૂર્ત‍િનું સભાએ સહિત ધ્યાન થાય તે પણ પ્રારંભિક પેરેગ્રાફનું એક કારણ છે. બ્રહ્માંડોના શાસ્ત્રો ભેળા કરે તોય આ વચનામૃતગ્રંથની તોલે ન આવે એવો અજોડ ગ્રંથ છે અને એટલે જ કહ્યું છે કે-

"જગતના સર્વેગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે
જીવોના મોક્ષને માટે સર્વોતમ સૌથી ન્યારો છે."

આ સર્વોત્તમ ગ્રંથમાં કુલ ર૭૩ વચનામૃત છે. જેનું વિગતવાર પૃથ્થકરણ આ પ્રમાણે છે.

 
 
        પ્રકરણ
૧. ગઢડા પ્રથમ
ર. સારંગપુર
૩. કારિયાણી
૪. લોયા
પ. પંચાળા
૬. ગઢડા મધ્ય
૭. વડતાલ
૮. અમદાવાદ
૯. અશ્લાલી
૧૦. જેતલપુર
૧૧. ગઢડા છેલ્લા
કુલ
વચનામૃત સંખ્યા
૭૮
૧૮
૧૨
૧૮
૦૭
૬૭
૨૦
૦૮
૦૧
૦૫
૩૯
૨૭૩
 
 

       જોકે આ બધા વચનામૃતોને મોટા મોટા સંતોએ લખ્યા છતાં જેમ સદ્ગુરૂ શ્રી શુકાનંદ સ્વામી કહેતા કે,"અમે આ વચનામૃતના ખરડા લખ્યા, શોધ્યા ને વાંચ્યા છતાં જયારે મહારાજની સમગ્ર રૂચિને અભિપ્રાય ને જાણનારા તેમના સંકલ્પસ્વરૂપ અનાદિમુકત સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ વચનામૃત સમજાવ્યા ત્યારે જ તેના ખરા અર્થ સમજાયા. ટૂંકમાં, શ્રીજીમહારાજે ભલે ગમે તેટલી સરળ ભાષામાં વાતો કરી અને લખી છતાં શ્રીજીમહારાજની તત્ત્વજ્ઞાનની વાતો એટલે કે શ્રીજીનો અંતર્ગત અભિપ્રાય તો તેમના ઘેરથી આવેલા મુક્ત પ્રગટ થાય તો જ સમજાવે. એટલે જ શ્રીજીમહારાજના સંકલ્પથી પ્રગટ થયેલા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃતના ગુઢ અર્થો ને સરળ કરી રહસ્યાર્થ પ્રદિપીકા ટીકામાં સમજાવી અનંતાનંત મુમુક્ષુજનો ઉપર મહાન પરોપકાર કર્યો છે. જે વિના શ્રીજીમહારાજના વચનામૃતો સાચા વાસ્તવિક અર્થમાં સમજવા ઘણાં કઠણ પડે છે તે હકીકત છે.

વચનામૃત માહાત્મયઃ-

       પોતાની હયાતીમાં શ્રીજીમહારાજે આ વચનામૃતો કરાવ્યાં, જોયાં ને દિવ્ય આશીર્વાદ પણ આપ્યા કે, "આ વચનામૃત ગ્રંથનું જે સ્ત્રી-પુરુષ શ્રધ્‍ધાને માહાત્મ્યથી વાંચન, શ્રવણ, મનન આદિનો આગ્રહ રાખશે તે ભકતને શ્રીજીમહારાજની પ્રસન્નતાના કારણને એકાંતિક ધર્મ, સર્વોપરિ શ્રીહરિની ઉપાસના માહામ્યે સહિત ભકિત અને સ્વરૂપનિષ્ઠા આદિ સર્વ સાધન સિધ્‍ધ થાય છે. અને વચનામૃતના અભ્યાસને વિષે પ્રીતિવાળા જે ભકત થાય છે. તે વ્યવહારમાં રહ્યા થકા જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહે છે અને શ્રીજીમહારાજની મૂર્ત‍િની સ્મૃતિ તેમને અખંડ રહે છે અને જે સ્ત્રી-પુરૂષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવમાં રહેલા પંચવિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષમાત્ર નિવૃત્તિ પામે છે.

       વળી, જ્ઞાની ભક્ત મને પ્રિય છે. એ જ્ઞાન વચનામૃતમાં છે. પણ બાહ્યદ્રષ્ટિવાળાને જેમ છે તેમ સમજાય નહિ, પણ જેને અમારી મૂર્ત‍િ આકારે દ્રષ્ટિ થઇ હોય અથવા સદ્ગુરૂની દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય એને જ યથાર્થ સમજાય છે અને વચનામૃત તો મારી વાણીરૂપી મૂર્ત‍િ છે. મારી રૂચિ, મારો રહસ્ય અભિપ્રાય તથા મારો સિધ્‍ધાંત તે સર્વે વચનામૃતમાં છે. સર્વે શાસ્ત્રનું મૂળ કારણ વચનામૃત છે અને વચનામૃતમાંથી જ મારું સર્વોપરિ જ્ઞાન સમજાય છે અને તે સમજવાથી જ મારા સુખની પ્રાપ્તિ થાય છે.

       જે સભાને વિષે વચનામૃત વંચાય છે ને તેના રહસ્યનું વિવેચન થાય છે અને તેનું શ્રવણ થાય છે તે સભાને વિષે મુકત સહિત હું નિવાસ કરું છું અને જે સ્ત્રી-પુરૂષ પોતાના ઘરને વિષે વચનામૃતનું પુસ્તક રાખે છે અને તેનો પાઠ કરે છે તેના ઘરને વિષે સર્વે તીર્થમાત્ર નિવાસ કરે છે અને જે સ્ત્રી-પુરુષ માહાત્મ્ય સમજીને નિત્ય એક, બે કે પાંચ વચનામૃતનો પાઠ કરે છે તે મારા જ્ઞાનની સિધ્‍ધ્‍િા ને પામે છે અને જે નિત્ય એક વચનામૃત વાંચે છે તે પ૦૦ પરમહંસ જમાડયાનું ફળ પ્રાપ્ત કરે છે અને જે વચનામૃતનું શ્રવણ-મનન કરે છે તે શિખરબંધ મંદિરમાં અમારા સ્વરૂપ પધારાવ્યા છે તેમનાં દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે અને જે સ્ત્રી-પુરુષ પોતપોતાના ધર્મમાં રહીને વચનામૃત કથા બીજાને વાંચી સંભળાવે છે તેમના પર મારી પ્રસન્નતા થાય છે અને સાક્ષાત્ પુરુષોત્તમ એવો જે હું તે વચનામૃત સ્વરૂપે સદા પ્રત્યક્ષ છું અને જે સ્ત્રીપુરૂષ અમારી પ્રસન્નતાને અર્થે વચનામૃતનું પારાયણ કરાવે છે તે મારા અક્ષરધામને પામે છે અને જેઓ વચનામૃતનું રહસ્યજ્ઞાન સત્પુરૂષ થકી સમજે છે તે સર્વોપરિ એવી અનાદિમુકતની સ્થિતિ પ્રાપ્ત કરે છે અને મૂર્ત‍િના સુખભોકતા થાય છે."

       આમ વચનામૃતનો મહિમા અપાર અપાર પોતાના સ્વમુખે પોતે જ વર્ણવ્યો છે.