Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
 
       
  Shikshapatri   Vachnamrut   Bapashri Ni Vato  
 
     
   
  મનનીય વચનામૃત  
 
ગ.પ્ર.પ્રકરણ :- ૬, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૭, ૩૮, ૪૪, ૫૦, ૫૧, ૫૪,૫૬, ૫૮, ૬૨, ૬૩, ૬૭, ૭૨, ૭૪, ૭૬.
સારંગપુર પ્રકરણ :- ૨, ૩, ૧૮.
કારિયાણી પ્રકરણ :- ૨, ૯.
લોયા પ્રકરણ :- ૧, ૮, ૧૭.
ગ.મ. પ્રકરણ :- ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૩૩, ૩૭, ૪૦, ૪૧, ૪૫, ૫૦, ૫૩, ૫૪, ૫૯, ૬૦, ૬૧, ૬૭.
વડતાલ પ્રકરણ :- ૧૬.
અમદાવાદ પ્રકરણ :- ૩, ૭, ૮
જેતલપુર પ્રકરણ :- ૩.
ગ.છે. પ્રકરણ :- ૧, ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૩, ૧૪, ૧૭, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૭, ૩૨, ૩૫, ૩૭, ૩૮, ૩૯.
 
   
  મુખપાઠ માટેના વચનામૃત  
   
     
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૬ઠું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) આ સત્‍સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુ:ખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્‍સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્‍સંગ કરે છે ને સત્‍સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્‍સંગમાં પ્રતિષ્‍ઠાહીન થઇ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્‍યાગ કરીને શૂરવીર થઇને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્‍સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃત || ૬ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) શ્રીકૃષ્‍ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્ત‍િ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંત:કરણમાં ન્‍યૂનતા વર્તે જે ગોલોક-વૈકુઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમયરૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્‍યાં સુધી મારું પરિપૂર્ણ કલ્‍યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. (૧)

       અને જે પ્રત્‍યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્‍ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઇ નથી ઇચ્‍છતો તેને તો ભગવાન પોતે બળાત્‍કારે પોતે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્ત‍િઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્‍ઠા હોય તેને પ્રત્‍યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ. (૨) ઇતિ વચનામૃતમ || ૯ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૫મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જેના હૈયામાં ભગવાનની ભક્ત‍િ હોય તેને એવી વૃત્ત‍િ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. (૧)

       અને વળી ભગવાનની મૂર્ત‍િને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્ત‍િ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય, ને નિત્‍ય નવી શ્રધ્‍ધા રાખે ને મૂર્ત‍િ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્‍પ થાય ને તે હઠાવ્‍યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે સંકલ્‍પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય, અથવા વીસ વર્ષ થાય અથવા પચવીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તો પણ કાયર થઇને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્‍ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે:-

       તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ || ૧૫ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૭મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના માગશર વદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળા પુષ્‍પની માળા પહેરી હતી ને પીળા પુષ્‍પનો તોરો પાઘને વિષે ખોસ્‍યો હતો અને અતિ પ્રસન્‍ન થકા વિરાજમાન હતા.

       તે સમયને વિષે મુક્તાનંદ સ્‍વામી તથા ગોપાળાનંદ સ્‍વામી આદિક સાધુને તેડાવ્‍યાને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્‍યે બોલ્‍યા જે, (૧) આપણા સત્‍સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્‍સંગીમાં પ્રવર્તે. તે સત્‍સંગમાં કુસંગ તે શું છે ? જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્‍સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ-ઉધ્‍ધારણ છે તે કલ્‍યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૂપ જે હ્દયમાં ધારવું તે કાંઇ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભક્ત‍િ ઇન્‍યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે, માટે હવે આજ દિનથી આપણા સત્‍સંગમાં કોઇ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ; સદા હિંમત સહિત જ વાત કરજ્યો; અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઇ જાય તે દિવસ ઉપવાસ કરવો. (૧) ઇતિ વચનામૃતમ્  ||૧૭ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૨૦મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા અને ધોળી પાઘ માથે બાંધી હતી ને તે પાઘને વિષે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળા પુષ્‍પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિષે ધોળા ને પીળા પુષ્‍પના ગુચ્‍છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢયો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ બોલ્‍યા જે, (૧) સાંભળો : સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્‍યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે જ ઉતર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઇને કહ્યું જે, હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થાશે માટે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રુપને જુએ છે ને કુરુપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃધ્‍ધપણાને જુએ છે, એવાં અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્યદ્રષ્‍ટ‍િએ કરીને પદાર્થને જોયા કરે છે. પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રુપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્‍વક્, રસના, ઘ્રાણ ઇત્‍યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે, ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રુપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે. (૧)

       ત્‍યારે શુકમુનિએ આશંકા કરી જે, (૨) પોતાનું સ્‍વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? ને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશે અજ્ઞાની રહે ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને સત્‍સંગ થયો છે, તેને તો પોતાના જીવાત્‍માનું દર્શન પોતાના હાથમાં જ છે ને કે દહાડે એણે પોતાના સ્‍વરૂપને જોયાનો આદર કર્યો, ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઇને તો સ્વપ્ન ને સુષુપ્‍ત‍િ અવસ્‍થામાં અંતદ્રષ્‍ટ‍િ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઇ દિવસ પોતાના સ્‍વરૂપને જોવાને અંતદ્રષ્‍ટ‍િ કરતો નથી અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દષ્‍ટ‍િ કરે છે, તે તો પોતાના સ્‍વરૂપને અતિશે ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. ને તે પ્રકાશને મધ્‍યે પ્રત્‍યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્ત‍િને જુએ છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. (૨) ઇતિ વચનામૃતમ્ || ૨૦ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૨૨મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મધ્‍યાહ્ન સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધાર્યા હતાં ને પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્‍પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્‍પના હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સાંભળો એક વાત કરીએ. ત્‍યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્‍યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા, તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે, તો એ ગાયુ તે ન ગાયા જેવું છે, ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવા તથા નામરટણ કરવુ તથા નારાયણ-ધુન્‍ય કરવી, ઇત્‍યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્ત‍િને સંભારીને જ કરવું અને ભજન કરવા બેસે ત્‍યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે ને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે, ત્‍યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્ત‍િ ભજનમાં બેસે ત્‍યારે પણ ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ‍િર થાય નહીં, માટે હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્‍યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્‍યારે ભગવાનમાં વૃત્તિ સ્‍થ‍િર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઇ હોય તેને તો ભજનમાં બેસે ત્‍યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઇને ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્‍યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે હવે કીર્તન ગાઓ. (૧) ઇતિ વચનામૃતમ્  || ૨૨ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૩૩મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્‍યારે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઊગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્‍યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       તે સમે મુક્તાનંદ સ્‍વામીએ પ્રશ્ન પૂછયો જે, (૧) ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારના શાસ્‍ત્રમાં કહ્યા છે, પણ તે મધ્‍યે એવું એક સાધન કિયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, ને તે આશરો અતિ દ્રઢ જોઇએ, જેને વિષે કાંઇ પોલ રહે નહિ, તે આશરામાં ત્રણ ભેદ છે : એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તો પણ ડોલે નહિ, અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તો ય પણ થાતી નથી, એવી રીતે જેને દ્રઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે, અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુધ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું, તથા અન્‍વય-વ્યતિરેકપણું, તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્‍વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્‍પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરૂષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરૂષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિકપ્રજાપતિરૂપે વર્તે છે, તથા જીવના કલ્‍યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે, અને પુરૂષોત્તમ ભગવાનને સર્વેથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્‍ટ‍િ પહોંચતી હોય તેને બુધ્‍ધ‍િએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્‍યો ટળે નહિ ને પોતાનો પણ ટાળ્‍યો ટળે નહિ અને ભગવાન મનુષ્‍યદેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુધ્‍ધ‍િને વિષે ભ્રાન્ત‍િ થાય નહિ. (૧)

       એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ, ત્‍યારે મુક્તાનંદ સ્‍વામી બોલ્‍યા જે પૂછો મહારાજ ! પછી એમ પૂછયું જે, (૨) અમે કહ્યાં જે ત્રણ અંગ તેમા તમારું કિયું અંગ છે ? અને એ ત્રણે અંગ ભગવાનના ભકતને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, માટે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કિયું અંગ છે ? પછી મુક્તાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા જે, અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યા. (૨) ઇતિ વચનામૃતમ્  || ૩૩ ||

 
 

Top        

 
  ગઢડા પ્રથમ પ્રકરણનું ૭૬મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૬ના પ્રથમ જયેષ્‍ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.

       તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, (૧) ક્રોધી, ઇર્ષ્‍યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્‍ય તે જો હરિભક્ત હોય તો ય પણ તે સાથે અમારે બને નહિ, અને ક્રોધ ને ઇર્ષ્‍યા એ બેય માનને આશરે રહે છે. (૧) અને કામીનો તો અમારે કોઇ કાળે વિશ્વાસ જ નથી, જે એ સત્‍સંગી છે અને કામી તો સત્‍સંગમાં હોય તો ય વિમુખ જેવો છે. (૨) અને જેને પંચવર્તમાનમાં કોઇ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઇએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઇ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય, તે પાકો સત્‍ંસંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઇએ તો પણ હેત થાય નહિ, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હ્દયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્ત‍િ હોય, તે ઉપર જ હેત થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્  || ૭૬ ||

 
 

Top        

 
  પંચાળા પ્રકરણનું ૫મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્‍યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી સ્વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ન પૂછયો જે, (૧) કિયે ઠેકાણે માન સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? ને કિયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે સત્‍સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્‍યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થાવું નહિ તે જ રૂડું છે; અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. (૧) ઇતિ વચનામૃત || ૫ ||

 
 

Top        

 
  ગઢડા મધ્‍ય પ્રકરણનું ૫મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી અને મુનિ તાળ-મૃદંગ લેઇને કીર્તન ગાવતા હતા.

       પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્‍યા જે, (૧) સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે, જે ભગવાનના ભક્ત હોય તેને એકપતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃધ્‍ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઇ બીજા પુરૂષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો અને પોતાના પતિનું કોઇ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઇને ગળી જાવું નહિ; અતિશે શૂરવીર થઇને જવાબ દેવો પણ પાજીપલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ એવી રીતે શૂરવીરપણું રાખવું. (૧) અને લોકમાં એમ કહે છે જે, સાધુને તો સમદ્રષ્‍ટ‍િ જોઇએ પણ એ શાસ્‍ત્રનો મત નથી કેમ જે નારદ-સનકાદિક ને ધ્રુવ-પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઇએ રાખ્યો નથી અને જે વિમુખનો પક્ષરાખતો હશે તે આ જન્મે અથવા બીજા જન્‍મે જાતો જરૂર વિમુખ થાશે, માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદિનો પક્ષ રાખ્યો જોઇએ અને વિમુખનો પક્ષ ત્‍યાગ્યો જોઇએ, આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ || ૫ ||

 
 

Top        

 
  ગઢડા મધ્‍ય પ્રકરણનું ૨૯મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૭૯ના ફાગણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજશ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) શ્રીકૃષ્‍ણ ભગવાનના સ્‍વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેનાં આવા લક્ષણ હોય જે પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય ને બેઠું થાવાની પણ શરીરમાં શક્ત‍િ ન રહી હોય ને તેવા સમામાં કાંઇક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઇને તે વાર્તાને કરવા-સાંભળવામાં અતિશે તત્‍પર થઇ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્‍કાળ સર્વે દુ:ખ થકી રહિત થઇ જાય, અને વળી ગમે તેવી રાજ્ય સમૃધ્‍ધ‍િને પામીને અવરાઇ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઇનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઇ જાય, એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દ્રઢ આસક્ત‍િ થઇ જાણવી.(૧)

       પછી મુક્તાનંદ સ્‍વામીએ પૂછયું જે, (૨) એ ભગવાનને વિષે એવી દ્રઢ આસક્ત‍િ શા થકી થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કાં તો પૂર્વજન્‍મનો એવો અતિ બળિયો સંસ્‍કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દ્રઢ આસક્ત‍િ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દ્રઢ આસક્ત‍િ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ || ૨૯ ||

 
 

Top        

 
  ગઢડા મધ્‍ય પ્રકરણનું ૩૭મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામીશ્રી સહજાનંદજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયો જે, (૧) ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્‍ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહિ. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાયે કરીને ટળે ? પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાણું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારૂ જે સત્‍પુરૂષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય અને ઉપદ.શના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુ:ખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઇ જાય, પણ એ વિના બીજો કોઇ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્‍યાની ઇચ્‍છા હોય, તેને પરમેશ્વર તથા સત્‍પુરૂષ તે સ્‍વભાવ ટાળ્‍યા સારૂ ગમે તેટલા તિરસ્‍કાર કરે, ને ગમે તેવાં કઠણ વચન કહે તો પણ કોઇ રીતે દુ:ખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઇ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો ય પણ ટળી જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ || ૩૭ ||

 
 

Top        

 
  ગઢડા મધ્‍ય પ્રકરણનું ૪૧મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૮૦ કાર્ત‍િક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામીશ્રી સહજાનંદજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પીળા પુષ્‍પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પીળા પુષ્‍પના તોરા ખોસ્‍યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્‍યા જે, (૧) જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્‍યારે પોતાનું મોટું ભાગ્ય માનીને તે સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્‍યાણને અર્થે ભક્ત‍િએ કરીને જ કરવી, પણ કોઇક વખાણે તે સારૂ ન કરવી અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્ત‍િ કરવી પણ સારી લાગે નહિ, અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઇ જઇને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહિયાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્‍વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શક્તો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઇને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્ત‍િ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્ત‍િ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ભારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્‍નતાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્ત‍િ તો રતનજી તથા મિયાંજી જેવા કોઇક જ કરતા હશે પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્‍વામીએ તુલસીદાસની સાખી કહી જે:-

કનક તજ્યો કામની તજ્યો, તજ્યો ધાતુકો સંગ;
તુલસી લઘુ ભોજન કરી, જીવે માનકે રંગ.

       એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઇ પદાર્થમાંથી આવતો નથી માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો. (૧) ઇતિ વચનામૃતમ્ || ૪૧||
 
 

Top        

 
  ગઢડા મધ્‍ય પ્રકરણનું ૪૯મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી, તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘમાં ધોળા પુષ્‍પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) પ્રત્‍યક્ષ ભગવાનની જે મૂર્ત‍િ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશે મૂર્ખ છે તે તો ભગવાનને ને માયિક આકારને સરખા જાણે છે કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંતકોટી કલ્‍પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે. (૧) અને જે ભગવાનના સ્‍વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્‍વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે, માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્‍યાન એમાંથી કોઇ કાળે મનની તૃપ્તિ થાતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. (૨) ઇતિ વચનામૃતમ્  || ૪૯ ||

 
 

Top        

 
  વડતાલ પ્રકરણનું ૧૯મું વચનામૃત  
     
 

       સંવત ૧૮૮૨ના મહા સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંઝને સમે શ્રી વરતાલ મધ્‍યે શ્રી લક્ષ્‍મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

       પછી ઠાકોરજીની સંધ્‍યા- આરતી થઇ રહી ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્‍યદેહ આવે છે ત્‍યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે, પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઇ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ, શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્‍ય હોય તે તો તે નરકને પરમ દુ:ખદાયી જાણે છે, તેમ જેને ભગવાનની ઓળખાણ થઇ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્‍ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્‍છવું નહિ અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથ કરે તે સર્વે સત્‍ય થાય છે, માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે, તે સારૂ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકમાં જે ભોગ-સુખ છે તેને કાકવિષ્‍ટા તુલ્‍ય જાણ્‍યાં જોઇએ ને મન-કર્મ-વચને કરીને ભગવાનના ભક્તને વિષે જ દ્રઢ પ્રીતિ કરી જોઇએ અને એમ સમજ્યું જોઇએ જે, જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઇ હોય તો તે પણ ઇંદ્રની પદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચોરાશીમાં તો જાય જ નહિ. ત્‍યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી.(૧) ઇતિ વચનામૃતમ્   || ૧૯ ||

 
 

Top