Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
   
 

 
  પ્રશ્ન - ૧ ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?  
  પ્રશ્ન - ર સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરિપણાના વિશિષ્ટ લક્ષણો.  
  પ્રશ્ન - ૩ સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?  
  પ્રશ્ન ૪ સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?  
  પ્રશ્ન - ૫ સ્વામિનારાયણ ભગવાનને સનાતન અથવા સર્વોપરિ કેવી રીતે સમજવા?
 
  પ્રશ્ન - ૬ સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?  
  પ્રશ્ન - ૭ સગુણપણું અને નિર્ગુણપણું એનો અર્થ શું સમજવો?  
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

પ્રશ્ન -૧ ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?
ઊત્તર : આ વાત ખોટી છે. રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ બધાય ભગવાન એક નથી. બધાંય જુદા જુદા છે. જેમ કે, સામાન્ય દ્રષ્ટાંતો જોઇએ તો,

૧લા ધોરણમાં ભણતો હોય તેને વિદ્યાર્થી કહેવાય. પમા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી કહેવાય. ૧૦મા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી જ કહેવાય અને કોલેજમાં ભણતો હોય તેને ય વિદ્યાર્થી જ કહેવાય. આમ ભણતા હોય તે દરેકને વિદ્યાર્થી કહેવાય. પણ બધા વિદ્યાર્થી સરખા કે એક નથી. બધા જુદા જુદા છે. દરેકની પાત્રતા જુદી જુદી છે. તો શું વિદ્યાર્થી ન કહેવાય? વિદ્યાર્થી કહેવાય, પણ બધા વિદ્યાર્થી જુદા જુદા છે.

પ૦ પૈસા, ૧ રૂપિયો, ૨ રૂપિયાની, પ રૂપિયા, ૫૦ રૂપિયાની નોટ, ૧૦૦ રૂપિયાની નોટ કે પ૦૦ રૂપિયાની નોટ. આ સર્વેને નાણું કહેવાય. પણ આ બધું નાણું સરખું નથી. જુદું જુદું છે તેમ.

ભગવાન એટલે ભગ+વાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળા. આ સંસ્કૃત શબ્દ છે. જેનામાં ઐશ્વર્ય હોય તે બધાને ભગવાન કહેવાય. પણ બધા ભગવાન સરખા નથી.

જો બધા ભગવાન સરખા એટલે એક જ હોય.. એટલે કે રામ એ જ કૃષ્ણ અને એ જ સ્વામિનારાયણ ભગવાન એમ હોય તો, ભગવાન એક જ હોય, તેથી તેમનું ધામ પણ એક જ હોય. જે તે અવતાર કાર્ય પતાવી, પોતાના એના એ એક જ ધામમાં પાછા પધારે. આમ બધાનું ધામ એક જ હોવું જોઇએ. પણ એવું નથી. શિવનું ધામ કૈલાસ છે, રામચંદ્રજીનું ધામ વૈકુંઠ છે, કૃષ્ણનું ધામ ગોલોક (ગવલોક) છે, નરનારાયણનું ધામ બદ્રિકાશ્રમ છે, વાસુદેવબ્રહ્મનું ધામ બ્રહ્મપુર છે, જયારે સ્વામિનારાયણ ભગવાનનું ધામ અક્ષરધામ છે. આ બધાના ધામ પણ જુદા જુદા છે. આથી ભગવાન પણ બધા જુદા જુદા છે.
જેમ ભારતના ર૬ રાજયોના મંત્રીને મુખ્યમંત્રી કહેવાય. પણ બધા મુખ્યમંત્રી એક નથી. બધા જુદા જુદા છે. આ તમામ મુખ્યમંત્રીના એક ઉપરી છે. જેની આજ્ઞામાં સર્વે મુખ્યમંત્રી રહે છે. તેને વડાપ્રધાન કહેવાય. આ વડાપ્રધાનની સત્તાથી મુખ્યમંત્રી કાર્ય કરે છે.

આવી રીતે આ તમામ અવતારોના એક ઉપરી છે અને તેની આપેલી સત્તાથી, ઐશ્વર્યથી સર્વે અવતારો કાર્ય કરે છે. તે તમામ અવતારોના અવતારી, ઉપરી એટલે આપણા સ્વામિનારાયણ ભગવાન.

શ્રીજીમહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ આ વાત સમજાવી છે કે બધા ભગવાન જુદા જુદા છે.

જેમ કે, પંચાળાનું ૧લું : આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે પશુ કરતા મનુષ્યમાં સુખ અધિક છે, તેથી રાજાનું સુખ, તેથી દેવતાનું સુખ, તેથી ઇન્દ્રનું સુખ, તેથી કૈલાસનું સુખ, તેથી વૈકુંઠનું સુખ અધિક છે, તેથી ગોલોકનું સુખ અધિક છે, તેથી અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. આમ અહીં ધામ જુદા જુદા છે તેના દરજજા આપ્યા. આમ, ધામ અલગ અલગ છે તો તે ધામોના ધામી પણ જુદા જુદા જ હોય ને... ગઢડા પ્રથમના ૪૧મા વચનામૃતમાં પણ સર્વે અવતારો જુદા જુદા છે તે બહુ સરસ વાત કરી છે. અનેક વચનામૃતો દ્વારા આ સમજી શકાય છે કે, બધા ભગવાન જુદા જુદા છે.

Top      

પ્રશ્ન - ર સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરિપણાના વિશિષ્ટ લક્ષણો.
ઊત્તર: જે કાર્ય કોઇ અવતારોએ નથી કર્યા, તેવા અનેક કાર્યો સ્વામિનારાયણ ભગવાને કર્યા છે.
તેમાંના ૧૧ વિશિષ્ટ લક્ષણો સર્વોપરિપણાના છે. જે નીચે મુજબ છે.

(૧)

અષ્ટાંગયોગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણાને સમાધિ) સાધે ત્યારે એક વખત સમાધિ થાય. આવી દુર્લભ સમાધિ શ્રીજીમહારાજ સહેજે સહેજે કરાવતા. પશુ, પક્ષી, માણસો, ભકત-અભકત... આદિક અનંતાનંતને દ્રષ્ટિમાત્રે, ચાખડીના અવાજે, સોટી અડાડીને, તાળી પાડીને આવી રીતે સહેજે સહેજે સમાધિ કરાવતા. તેમના સંતો અને હરિભકતો પણ સમાધિ કરાવતા.
     પૂર્વે ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા થઇ ગયા, છતાં સમાધિ નથી થઇ તેવી સમાધિ, શ્રીજીમહારાજ અનંતાનંતને સહેજે સહેજે કરાવતા. વળી, શ્રીજીમહારાજ અક્ષરધામની સમાધિ કરાવતા. આવી નિર્વિકલ્પ સમાધિ તો શ્રીજીમહારાજ સિવાય બીજા કોઇએ કરાવી નથી અને કરાવી શકે પણ નહિ.

(૨)

સમાધિમાં અનંતાનંત અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરતા દેખાડયા છે.

(૩)

કોઇ અવતારોએ પોતે પોતાનું નામ નથી પાડયું-જયારે શ્રીજીમહારાજે પોતાનું સર્વોપરિ એવું સ્વામિનારાયણ નામ, પોતાની જાતે પાડયું છે. (સંવત ૧૮પ૮ માગશર વદ એકાદશી-રામાનંદસ્વામીના ચૌદમાના દિવસે ફણેણી મુકામે...) વળી, આ સ્વામિનારાયણ મહામંત્રનો સ્વમુખે અપાર મહિમા વર્ણવ્યો. (જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે...)

(૪)

સ્વામિનારાયણ ભગવાને કદી હાથમાં શસ્ત્ર લઇને કોઇને માર્યા નથી, પરંતુ જોબનપગી જેવા અનેક પાપના પર્વતોને, દ્રષ્ટિમાત્રે કરીને ઓગળી નાંખ્યા છે અને આદર્શ ભકતો કર્યા છે. એટલે માણસને નથી માર્યા, પરંતુ તેની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, માન, રસાસ્વાદ આદિક અંતઃશત્રુઓને માર્યા છે અને માણસને તાર્યા છે.

(૫)

સ્વામિનારાયણ ભગવાને પોતે બ્રહ્મચર્ય પાળ્યું છે અને પોતાના હજારો અનુયાયીઓને પળાવ્યું છે. અત્યારના ઘોર કળિકાળમાં પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે હજારો સંતો, હરિભકતો અને સાંખ્યયોગી બાઇઓ બ્રહ્મચર્યવ્રત પાળે છે.
     નિષ્કામી વર્તમાનની આટલી દ્રઢતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. તેવી બીજે કયાંય નથી.

(૬)

સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ છે.. પ્રતિમાને વિષે આવો પ્રગટ અને પ્રત્યક્ષભાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એવો કયાંય નથી. હજારો પરચા એવા છે કે પ્રતિમા સ્વરૂપે ભગવાને પ્રત્યક્ષભાવ જણાવ્યો હોય.

(૭)

હજારો વર્ષો સુધી તપ કરીને રાફડા થઇ જાય, વાયુભક્ષણ કરીને સુકાઇ જાય તોય આત્યાંતિક મોક્ષ ન થાય... તેવા આત્યાંતિક કલ્યાણની પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોએ સાવ ફદલમાં કરાવી. પશુ, પક્ષી, જીવપ્રાણીમાત્ર, પામર, પતિત, અધમ, ભૂતયોનિને પામેલા હોય તેવા... અનંતાનંતના શ્રીજીમહારાજ અને તેમના સંતોએ ફદલમાં કલ્યાણ કર્યા છે અને પોતાના સંતો-મુકતો દ્વારા આત્યાંતિક કલ્યાણના સદાવ્રત ચાલુ રાખ્યા છે.

(૮)

એક સાથે પ૦૦ પરમહંસોને દિક્ષા આપી... કોઇ અવતારોએ આ કાર્ય કર્યું નથી. આ પરમહંસો પણ કંઇ ભૂખે મરતાં હોય ગરીબ હોય, અભણ હોય, વધારાના હોય એવા નહોતા.
    બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પોણો મણ સોનું શરીર પર ધારણ કરતા હતા. ર૪ કળામાં પારંગત હતા. નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં બૂંદેલખંડના, દંતિયા ગામના રાજા હતા. એક કરોડના આસામી હતા. સોનાના સિગરામમાં બેસીને જાત્રા કરવા નીકળેલા. આવા એક એક થી ચડે એવા પ૦૦-પ૦૦ પરમહંસોને એક સાથે દિક્ષા આપી. આવા ૩૦૦૦ સાધુઓ શ્રીજીમહારાજનું ભજન કરતા હતા.

(૯)

શ્રીજીમહારાજે પોતે પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા. માંહી પોતાના સ્વરૂપો પધરાવ્યા. પોતાની હયાતીમાં પોતાના શાસ્ત્રો રચ્યાં અને રચાવ્યાં. આમ શ્રીજીમહારાજે એકાંતિક ધર્મનું સ્થાપના કર્યું અને પોતાની હયાતીમાં પોતાનું ભજન-ભકિત કરાવ્યું. કોઇ અવતારોએ આ કાર્ય કર્યું નથી.

(૧૦)

શ્રીજીમહારાજ અગાઉથી દર્શન આપી ભકતોને ધામમાં લઇ જવાની અવધિ આપી, એ પ્રમાણે ધામમાં લઇ જતાં. કોઇને આયુષ્ય ન હોય તોય રાખે અને આયુષ્ય હોય તોય લઇ જાય. અરે... કોઇના બદલે કોઇને ધામમાં લઇ જાય. આમ આત્માનો અદલો-બદલો પણ કરતાં. આવું કાર્ય કોઇ અવતારોએ કર્યું નથી.

(૧૧)

પુરાણની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં સર્વોપરિ ભગવાનનાં લક્ષણો આપેલા છે જે તમામ લક્ષણો સ્વામિનારાયણ ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિને મળતા આવે છે. જેમ કે ચરણમાં સોળ ચિન્હ, સવા ચોસઠ તસુની ઊંચાઇ, અણીયાળું નાક, તિલ, ચિન્હ વગેરે ઘણા લક્ષણો, સ્વામિનારાયણ ભગવાનને મળતા આવતા.
      આમ, જે બીજા કોઇ અવતારોએ નથી કર્યા તેવા, આવા અને બીજા અનેક કાર્યો સ્વામિનારાયણ ભગવાને કર્યા છે. આથી આપણે તેમને સર્વોપરિ ભગવાન કહીએ છીએ. માત્ર કે તા કે તી નથી કહેતા.
      આ લક્ષણોથી જ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ છે એવું નથી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ છે તેથી તેમનામાં આ લક્ષણો જોવા મળે છે.

Top      

પ્રશ્ન - ૩ સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?
ઊત્તર : નીચેની ચાર બાબતો સમજે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા કહેવાય.

(૧)

સ્વામિનારાયણ ભગવાનને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા વગેરે રીતે યથાર્થ જાણવા.

(૨)

સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મુકતો સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ તથા સદાય સાકાર મૂર્તિમાન છે.

(૩)

સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય દિવ્ય છે.

(૪)

સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય અંતર્યામી છે.

(૫)

સ્વામિનારાયણ ભગવાન સંપૂર્ણ કર્તા-હર્તા છે.

Top      

પ્રશ્ન ૪ સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?
ઊત્તરઃ- જે કોઇના કર્યા થયા નથી અને કોઇના કાઢ્યા જતા નથી. સદાય છે, છે ને છે જ. વળી, સ્વયં સત્તાધીશ અને એક અને અજોડ છે, એનું નામ સનાતન ઇશ્વર.
- જે સનાતનની આપેલી સત્તાથી સત્તાયમાન છે. તથા સનાતન ભગવાનના કર્યા થાય છે અને એમના કાઢયા જાય છે.. કહેતાં આપેલી સત્તા, ઐશ્વર્ય લેવા ઇચ્છે તો લઇ શકે તેમ છે. જેની પાસે પોતાનું ચપટી પણ નથી તેને આધુનિક ઇશ્વર કહેવાય.

- આધુનિક ઇશ્વર અનંત છે અને સનાતન ઇશ્વર તો એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ જ છે. સનાતન ઇશ્વર એ જ ખરેખર ભગવાન છે. બીજા બધા ભગવાન કહેવાય છે હકીકતમાં છે નહિ.

Top      

પ્રશ્ન - ૫ સ્વામિનારાયણ ભગવાનને સનાતન અથવા સર્વોપરિ કેવી રીતે સમજવા?
ઊત્તર : મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્ર સુધીના શ્રીજીમહારાજની એક કિરણની સત્તાથી થયા છે અને સત્તાના આધારે રહ્યા છે, જયારે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચાર વર્ગના શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપના સંબંધે કરીને થયા છે અને સંબંધના આધારે રહ્યા છે. આ સર્વે અનંતાનંત છે. આ કોઇનીય પાસે ચપટીયે પોતાનું નથી... આમ સમજીએ, તો શ્રીજીમહારાજને સનાતન ભગવાન જાણ્યા કહેવાય.

Top      

પ્રશ્ન - ૬ સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?
ઊત્તર : સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી સમજવા માટે નીચે મુજબ ત્રણ પ્રકારના અવતારની રીતને સમજવી પડે.

૧) ઐશ્વર્યાવેશ અવતાર :

- શ્રીજીમહારાજના ઐશ્વર્યનો (અન્વય શકિતનો) જેમનામાં આવેશ (આવિર્ભાવ) થયો હોય તેને ઐશ્વર્યાવેશ અવતારો કહેવાય.
મૂળઅક્ષરથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ (મહેશ)... સુધીના અનંતાનંત અવતારો ઐશ્વર્યાવેશ અવતારો ગણાય.
- તેઓ કેવી રીતે થયા?... તો શ્રીજીમહારાજની સત્તાથી (કિરણથી) થયા અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે.
-તેમનું કાર્ય શું ?... તો ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનું....

ર) મુકતાવતાર :
-શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા પરમ એકાંતિકમુકતોને મુકતાવતાર કહેવાય.
મુકતાવતારમાં એકલા પરમ એકાંતિક મુકતો જ આવે. અનાદિમુકતો ન આવે. કારણકે અનાદિમુકતો તો મૂર્તિમાં જ છે. મૂર્તિમાંથી બહારા આવતાં જ નથી. જયારે પરમ એકાંતિક મુકતોને મહારાજ પોતાની નિષ્ઠા કરાવવા અવરભાવમાં લાવે છે. (આપણને એવું દેખાય છે.)
-તેઓ કેવી રીતે થયા ?... તો વ્યતિરેક સ્વરૂપના સંબંધથી થયા અને સંબંધના આધારે રહ્યા છે.
-તેમનું કાર્ય શું ?... તો મહારાજની નિષ્ઠા કરાવવાનું.

૩) સંકલ્પાવતાર :
- શ્રીજીમહારાજનું વેશાંતરભાવે દેખાતું સ્વરૂપ તેને કહેવાય સંકલ્પાવતાર અથવા સંકલ્પ સ્વરૂપ.
આમ, સંકલ્પાવતાર એટલે મહારાજ પોતે જ. પણ બીજા સ્વરૂપે.
-તેઓ કેવી રીતે થયા ?... તો મહારાજ પોતે જ છે. એટલે આમાં એવું ન આવે.
-તેમનું કાર્ય શું ?... તો અનાદિમુકતની લટક આપવાનું.
આમ, ઐશ્વર્યાવેશ અવતાર અને મુકતાવતાર આ બંને અવતારના અવતારી અને ત્રણેય પ્રકારના અવતારની રીતને સમજે તો શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી સમજયા કહેવાય.
અન્વય સ્વરૂપના અનંતાનંત અવતારો શ્રીજીમહારાજની અન્વયશકિત (એક કિરણ)ની સત્તાથી થયા છે અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે. કોઇને પોતાનો આગવો પાવર નથી અને અનંત મુકતાવતારો (પરમએકાંતિક મુકતો) શ્રીજીમહારાજના સંબંધથી થયા છે અને સંબંધના આધારે રહ્યા છે. આમ અનંતકોટી બ્રહ્માંડમાં કોઇની પાસે પોતાનું ચપટી ય નથી. બધું શ્રીજીમહારાજનું જ છે.
અનંતાનંત ઐશ્વર્યાવેશ અવતારોના શ્રીજીમહારાજ એક કિરણ દ્વારે ઉપરી અને મુકતાવતારના ડાયરેકટ વ્યતિરેક સ્વરૂપે ઉપરી... અને સંકલ્પાવતારની રીતને જાણે... ત્યારે શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી યથાર્થ સમજયા કહેવાય.

Top      

પ્રશ્ન -૭ સગુણપણું અને નિર્ગુણપણું એનો અર્થ શું સમજવો?
ઊત્તર : ગઢડા મધ્યનું ૪ર અને કારિયાણીનું ૮... આ બંને વચનામૃતમાં સગુણપણું અને નિર્ગુણપણું સમજાવેલું છે. સગુણપણું અને નિર્ગુણપણું શ્રીજીમહારાજનું નથી પરંતુ શ્રીજીમહારાજના તેજની એક કિરણનું છે.

સગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રને ઉત્તરોતર ધરી રહી છે તે સગુણપણું કહેવાય.

નિર્ગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ ભાગરૂપે મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રમાં ઉત્તરોત્તર વ્યાપીને રહી છે તે નિર્ગુણપણું કહેવાય.

સમજૂતી : જીવકોટી સુધીના મૂળપુરૂષના તેજની એક કિરણના આધારે છે... આવા અનંત મૂળપુરૂષ, વાસુદેવબ્રહ્મના તેજની એક કિરણના આધારે છે. આવા અનંત મૂળઅક્ષરો... શ્રીજીમહારાજના તેજની એક કિરણના આધારે છે. આ તેજની એક કિરણ કે જેના આધારે અનંતાનંત મૂળઅક્ષરોથી માંડી જીવપ્રાણીમાત્ર ઉત્તરોત્તર રહેલા છે. તે તેજના કિરણનું સગુણપણું કહેવાય.

શ્રીજીમહારાજના તેજની એક કિરણ અનંત મૂળઅક્ષરોમાં વ્યાપીને રહી છે. તેમાંના એક મૂળઅક્ષરના તેજની એક કિરણ દ્વારે અનંત વાસુદેવબ્રહ્મમાં વ્યાપીને રહી છે. આવી રીતે ઉત્તરોત્તર જીવપ્રાણીમાત્ર સુધીમાં વ્યાપીને રહી છે તે તેજની એક કિરણનું નિર્ગુણપણું કહેવાય.

આમ, ધરીને રહ્યું તે સગુણપણું અને વ્યાપીને રહ્યું તે નિર્ગુણપણું. શ્રીજી મહારાજનું નહિ, આખા તેજનું નહિ, તેજની એક કિરણનું.

Top