ભક્તિમય આહનિક - 3

  November 11, 2019

નિત્યપૂજા :
હેતુ : ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સત્સંગી તરીકે પ્રાતઃ સમયે નિત્યપૂજા કરવી એ સૌપ્રથમ લક્ષણ છે. કદાચિત્ આપણા માનસમાં એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે, અમે અમારા ઘરમાં ઘરમંદિરની સેવા કરીએ જ છીએ તો પછી આગવી પૂજા શા માટે ?
એનો હેતુ શું છે? મહારાજે અવરભાવની પોતાની હયાતી દરમ્યાન શિખરબદ્ધ મંદિરોની રચના કરાવી. પરંતુ આ મંદિરોમાં માત્ર સંતો કે બ્રહ્મચારી કહેતાં જે ત્યાગાશ્રમને વરેલા હોય તેઓ જ ઠાકોરજીની સેવા-પૂજાનો લાભ લઈ શકે. હરિભક્તો કહેતાં ગૃહસ્થાશ્રમીઓ ઠાકોરજીની સેવામાં બાકાત રહી જાય. આમ ન થાય એ હેતુથી શ્રીજીમહારાજે દરેક હરિભક્તોને ઘરમાં ઘરમંદિર રાખવાની આજ્ઞા કરી છતાંય આ ઘરમંદિરની સેવા-પૂજા પણ ઘરના સભ્યોની સંયુક્ત થઈ માટે દરેકને વ્યક્તિગત ઠાકોરજીની અંગત સેવા-પૂજાનો લાભ મળે, ઠાકોરજી સાથે અંગત સંબંધ કેળવાય, નિકટતા કેળવાય એવા ગૂઢ હેતુથી મહાપ્રભુએ પોતાના દરેક આશ્રિતમાત્રને વ્યક્તિગત પૂજા આપી છે.
નિત્યપૂજાની રીત : સવારમાં વહેલા ઊઠી, સ્નાનાદિક ક્રિયા પતાવી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ એક શુદ્ધ વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું અને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે પૂજા કરવા બેસવું. બેસવા માટે એક આસન રાખવું. ત્યારપછી મૂર્તિઓ પધરાવવા માટે ઓછામાં ઓછા બે આસન પાથરવાં અને તેની ઉપર પૂજાની મૂર્તિઓ ભેગી મૂકવી. ત્યારપછી ભાલના મધ્ય ભાગમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રતીક સમાન તિલક કરવું અને તિલકના મધ્યમાં મુક્તના પ્રતીક સમાન કુમકુમનો ચાંદલો કરવો. આ જ રીતે ચંદનનું તિલક અને ચંદનનો ચાંદલો બંને હાથ ઉપર (બાહુ ઉપર) અને છાતીના મધ્ય ભાગમાં પણ કરવો. જયારે સ્ત્રી વર્ગે ફક્ત કુમકુમનો ચાંદલો ભાલમાં કરવો પણ તિલક ન કરવું.
ત્યારબાદ નેત્ર બંધ કરી પ્રથમ માનસીપૂજા કરવી. ત્યારબાદ પૂજામાં રહેલી મૂર્તિઓને સાક્ષાતભાવથી પૂજામાં સ્થાપન કરવી અને આહ્વાન મંત્ર બોલી મૂર્તિઓને બિરાજમાન કરવી. ત્યારબાદ મૂર્તિ સામે એકાગ્ર ચિત્તે જોઈ મણકે મણકે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતાં પાંચ માળા ફેરવવી. ત્યારબાદ એક ગુરુમંત્રની માળા ફેરવવી. આપણો ગુરુમ સ્વામિનારાયણ દાસોસ્મિ. ત્યારબાદ એક પગે ઊભા રહી એક તપની માળા ફેરવવી. પછી એક માળા પ્રદક્ષિણા સાથે ફેરવવી. પછી ઓછામાં ઓછા છ દંડવત પ્રણામ કરવા અને સ્વામિનારાયણ ભગવાન પાસે માંગવું કે, “હે મહારાજ ! કુસંગ થકી મારી રક્ષા કરજો અને મારાથી મન-કર્મ કે વચનથી જાણે-અજાણે પણ તમારો કે તમારા કોઈ મુક્તનો-ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરજો. જેના પ્રાયશ્ચિત્ત રૂપે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો છે. ત્યારપછી શ્રીજીમહારાજને પ્રસાદ ધરાવવો અને પછી વિસર્જન મંત્ર બોલી, “પૂજાવિધિમાં કાંઈ કસર રહી ગઈ હોય તો ક્ષમા કરજો” એમ પ્રાર્થના કરી મૂર્તિઓને ચરણસ્પર્શ કરી એકત્ર કરવી અને શિક્ષાપત્રી સાર”, “બાપાશ્રીની ટૂંકી વાતો” તેમજ “હરિને ગમે એવા થવું જ છે વગેરે પુસ્તિકાઓનું પઠન કરી પૂજા પૂરી કરવી. આમ, નિત્યપૂજા પૂરી થયા બાદ જ સત્સંગીએ બીજી તમામ ક્રિયા કરવી.
ધ્યાન : હેતુઃ કારણ સત્સંગ એટલે જ મૂર્તિનો સત્સંગ કહેતાં મૂર્તિના સુખનો સત્સંગ. આ મૂર્તિનું સુખ લેવા માટે ધ્યાન એ છેલ્લું અને ફરજિયાત સાધન છે. વળી, ધ્યાને કરીને જ મૂર્તિનું સુખ ભોગવવા માટેની પાત્રતા બંધાય છે. વળી, ધ્યાનથી કારણ શરીરની વાસના બળે છે તેમજ દોષોનું બળ ઘટે છે.
ધ્યાનની રીત : ધ્યાનની મુખ્ય બે લટક છે : ૧. અનુલોમપણું અનુલોમ એટલે મહારાજની મૂર્તિને સન્મુખ ધારવી. ૨. પ્રતિલોમપણું પ્રતિલોમ એટલે મૂર્તિમાં રહીને મૂર્તિ ધારવી. માળા :
હેતુ માત્ર સેવા, વ્યવહાર અને પ્રવૃત્તિ એ અધ્યાત્મમાર્ગને વરેલા મુમુક્ષુ માટે વિધ્વરૂપ છે. કારણ કે નર્યો વ્યવહાર અને પ્રવૃત્તિ કરવાથી બહારવૃત્તિવાળું જીવન બની જાય. જેને લીધે મહારાજમાં જોડાઈ શકાય નહીં. આથી સેવા-પ્રવૃત્તિઓની હારમાળાઓ વચ્ચે પણ મહારાજમાં જોડાયેલા રહેવાય, આપણા અધ્યાત્મ સંબંધી ધ્યેયથી ચલિત ન થઈ જવાય, પ્રવૃત્તિના ફેર ન ચડી જાય તે માટે માળા કરવામાં આવે છે. માળા કરવાની રીત : માળા જમણા હાથથી જ ફેરવવી. માળા ફેરવવા માટે પ્રથમ આંગળીનો ઉપયોગ ન કરવો.
વચલી આંગળી પર માળા રાખી અંગૂઠા વડે માળા ફેરવવી અને માળામાં વચ્ચે રહેલો મેળ આવે ત્યારે એક માળા પૂર્ણ થઈ કહેવાય; ત્યારે માળાની સાઇડ બદલવી. પછી જ નવી માળા ફેરવવાની શરૂઆત કરવી.
માળા ગૌમુખીમાં જ ફેરવાય તથા માળા દરમ્યાન સંપૂર્ણ મૌન રહેવાનો પ્રયત્ન કરવો. મણકે મણકે મૂર્તિમાં રહીને સ્વામિનારાયણ મહામંત્રનું નામોચ્ચારણ કરવું.
માળામાં ૧૦૮ મણકા ફરજિયાત હોવા જોઈએ. માનસીપૂજા :
હેતુ : માનસિક રીતે કરવામાં આવતી મહાપ્રભુની પૂજાને માનસીપૂજા કહેવાય છે. દિવસ દરમ્યાન પ્રવૃત્તિ કરતાં કરતાંય નિવૃત્તિમય જીવન જિવાય, નિરંતર મહારાજમાં જોડાયેલા રહી શકાય તે માટે માનસીપૂજા કરવામાં આવે છે.
વળી, દિવસ દરમ્યાન આપણે જે કંઈ દૈહિક ક્રિયાઓ કરીએ છીએ તે મહારાજની ચેષ્ટાનો, સેવા-પૂજાનો લાભ મળે તે હેતુથી માનસીપૂજા કરવામાં આવે છે.
માનસીપૂજાની રીત :
નેત્ર મીંચી, સીધા ટટ્ટાર બેસી માનસિક રીતે મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં મહાપ્રભુની સેવા-પૂજા કરવી.
ગઢડા મધ્ય પ્રકરણના ૧૯મા વચનામૃતમાં શ્રીજીમહારાજે માનસીપૂજા કરવાની આજ્ઞા કરેલ છે. માનસીપૂજા દિવસમાં પાંચ વખત કરવાની હોય છે. જેમાં, ૧. પ્રથમ માનસીપૂજા (ઠાકોરજી જગાડવા) : સવારે પથી ૭: ૦૦ વાગ્યા દરમ્યાન ૨. દ્વિતીય માનસીપૂજા (ઠાકોરજીને જમાડવા) : બપોરે ૧૦:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન ૩. તૃતીય માનસીપૂજા (ઠાકોરજીનું ઉત્થાપન કરવું) : બપોરે ૩:૩૦થી ૫:૦૦ વાગ્યા દરમ્યાન ૪. ચતુર્થ માનસીપૂજા (ઠાકોરજીને જમાડવા) : સાંજે ૬:૩૦થી ૮:૦૦ વાગ્યા દરમ્યાન ૫. પંચમ માનસીપૂજા (ઠાકોરજીને પોઢાડવા) : રાત્રે ૯:૦૦થી ૧૦:૩૦ વાગ્યા દરમ્યાન દર્શન:
હેતુઃ જેમ આપણે આપણા કોઈ મિત્ર કે સંબંધીની સાથે રોજ મળવાનું થતું હોય ત્યારે એમની અને આપણી વચ્ચેના સંબંધો ગાઢ બનતા હોય છે. એવી રીતે મહારાજનાં નિત્ય દર્શનથી મહારાજ સાથેના આપણા સંબંધો ગાઢ બને છે, મહારાજ સાથેની નિકટતા કેળવાય છે, મહારાજના સ્વરૂપમાં પ્રીતિ થાય છે. વળી, મહારાજની દિવ્ય દૃષ્ટિ આપણા ઉપર પડવાથી આપણા અંતરનો મલિન કચરો સાફ થતો જાય છે.
દર્શનની રીત : દર્શન કરવા માટેની મુખ્ય ત્રણ રીતો છે :
૧. To see (જોવું) : ઉપરછલ્લી દૃષ્ટિએ દર્શન કરવાં. બહિવૃત્તિથી દર્શન કરવાં. જેમ બીજા પદાર્થને જોઈએ છીએ તેમ જ મહારાજને જોવા.
૨. To observe (નિહાળવું) : મહારાજની અવરભાવની મૂર્તિનાં, વાઘા, શણગાર વગેરેનાં ઝીણવટથી દર્શન કરવાં. આ કાર્ય સત્સંગની રીત છે.
૩. To darshan (દર્શન) : દર્શન શબ્દ એ પરભાવનો શબ્દ છે. દર્શન કરવાં એટલે મહારાજને તેજોમય, પ્રગટ, પ્રત્યક્ષ સમજવા. આ મૂર્તિમાં જ અનંત મુક્તો, સુખ, લાવણ્યતા રહેલાં છે. આવા સાક્ષાતભાવથી દર્શન કરીને તેને દર્શન કર્યા કહેવાય.
હે મહારાજ આપના રાજીપાના આહનિક કરવામાં અમને કદી થાક,કંટાળો કે આળસ આવે તેવી કૃપા કરજો.