પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (ડાભી વિજયભાઈ)

  December 28, 2016

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે કાયમ એવા શબ્દો સાંભળવા મળે કે, “મને કરોડપતિ કે વિદેશના હરિભક્તને જોઈને જેટલો હરખ ન થાય એટલો પંચમહાલના આદિવાસી હરિભક્તને જોઈને હરખ થાય. કારણ કે એ બધાયનાં જીવન નિર્દંભ હોય, નિર્દોષ હોય, પારદર્શક હોય, જેવા માંહી તેવા બહાર હોય, મહારાજને ગમે એવું દિવ્યજીવન હોય, સર્વોપરી નિષ્ઠા પાકી હોય એટલે વગર કર્યે સહેજે જ રાજીપો થાય.” પંચમહાલના આદિવાસી વિસ્તારની અજ્ઞાન, અંધશ્રદ્ધા, વ્હેમ, વ્યભિચાર વગેરેમાં જીવતી ભોળી પ્રજાનું જીવન બદલી દિવ્યજીવન બક્ષવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપાર કષ્ટો સહન કર્યાં છે. જેના ફળ સ્વરૂપે વર્તમાનકાળે એ દિવ્યપુરુષની કૃપાથી અનેકાનેક આદિવાસી બંધુઓના જીવનપરિવર્તન થયા છે. જેમાંથી એક આદિવાસી બંધુના જીવનપરિવર્તનને નિહાળીએ...

        આ પ્રસંગ છે પંચમહાલના બોરિયાવી ગામના નિવાસી ડાભી વિજયભાઈનો. જ્યારે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નહોતી થઈ, આવો દિવ્ય કારણ સત્સંગનો યોગ નહોતો મળ્યો, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષનો ભેટો નહોતો થયો તે પૂર્વે તેમનું જીવન કેવું નિમ્ન કક્ષાનું હતું તે વિષે જણાવતાં તેઓ કહે છે કે, “અમારા ઘરમાં પેઢીઓથી દારૂ પીવાનું ચાલતું હતું. આખો દિવસ પાન-મસાલા ખાઈને, દારૂ પીને, નશો કરીને ગમે ત્યાં ઝઘડતા રહેતા. વળી, મેલી વિદ્યા પણ ખૂબ કરતા. આ મેલી વિદ્યામાં અમે કૂકડા, બકરાં જેવાં અનેક જીવોની હિંસા કરી છે અને માંસ-મટન ખાધાં છે. આ બધામાં ઘણા રૂપિયા વાપરતા. વળી, મુખમાં ભગવાનનું ભજન નહિ પરંતુ ગાળોરૂપી અપશબ્દ રહેતા. નાની નાની બાબતમાં રોજ ઝઘડી પડતા. માબાપની સાથે પણ ઘરમાં રોજ ઝઘડો થતો અને વળી ઘરમાં ક્યારેય કોઈ બહેન, ભાઈ, કાકા, કાકી કે માતાપિતાને ‘તમે’ કહીને બોલાવતા નહોતા. ‘તું, તારી’ કહેતાં તુંકારે જ બોલાવતા હતા પરંતુ જ્યારથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અમને મળ્યા ત્યારથી મને અને અમારા પરિવારના તમામ સભ્યોને નવો જન્મ મળી ગયો છે. મારું અને મારા પરિવારના તમામ સભ્યોનું જીવનપરિવર્તન થઈ ગયું છે. પહેલાં અમે માંસ-મટન વગર રહી શકતા ન હતા. પરંતુ આ જે અમારા પરિવારમાં કોઈને ચા સરખું પણ વ્યસન નથી. એટલું જ નહિ, અમારા ઘરના સભ્યો તો ચા નથી પીતા પણ અમારા ઘરે કોઈ સંબંધી આવે તો તેને પણ ચા પિવડાવતા નથી. વળી, લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં પણ ક્યાંક બહાર જવાનું થાય તો ક્યાંય જમતા નથી, ગાળ્યા વગરનું પાણી પણ પીતા નથી. વળી, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના સમાગમે કરીને જ્યારથી આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સર્વોપરી નિષ્ઠા દૃઢ થઈ ત્યારથી મેલી વિદ્યા કરવી, નિર્દોષ મૂક જીવોની હિંસા કરવી, માંસ-મટન ખાવું આ બધાં જ કુલક્ષણો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે કહેતાં મૂળમાંથી છોડી દીધું છે. અને ભગવાન સ્વામિનારાયણના આપેલાં પંચવર્તમાન પૂરેપૂરા પાળીએ છીએ. સવારે દરરોજ નાહી-ધોઈને પૂજા કરીએ છીએ. દરરોજ ગામના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. માસિક સમૈયામાં કથાવાર્તાનો લાભ પણ ક્યારેય ચૂક્યા નથી.” વિશેષમાં જણાવતાં તેઓ કહે છે કે, “જ્યારથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મળ્યા અને સર્વોપરી સ્વામિનારાયણ ઓળખાયા ત્યારથી છતે દેહે મોક્ષની હા પડી ગઈ છે. અને દેહ અને આત્મા જુદા છે. દેહ તે મારું સ્વરૂપ નથી. દેહથી જુદો આત્મા તે હું છું, મને અનાદિમુક્ત કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ એ મારું સ્વરૂપ છે અને આ એસ.એમ.વી.એસ.નો કહેતાં અનાદિમુક્તોનો સમાજ એ મારો સમાજ છે આવું દૃઢપણે જીવસત્તાએ સમજાઈ ગયું છે. પંચમહાલના આદિવાસી વિસ્તારનાં અંતરિયાળ ગામોમાં વસતા અને પશુ કરતાં પણ ખરાબ જીવન જીવતા અમારા જેવા અનેક જીવોનું જીવનપરિવર્તન કરીને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, અનાદિમુક્તના પદની પ્રાપ્તિ કરાવી છે. તથા અપાર કષ્ટો અને દાખડાઓ સહન કરીને હરિને ગમે એવું દિવ્યજીવન કરાવ્યું છે તેવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદન હો... વંદન હો... વંદન હો...!!”