સાચા ભાવની પ્રાર્થના

  May 12, 2019

પ્રાર્થના એટલે આત્માનો પોકાર
ખરી પ્રાર્થના કોને કહેવાય ?
શું ભગવાન પ્રાર્થના સાંભળે ?
મુશ્કેલીમાં ઊગરવાનો ઉપાય - પ્રાર્થના
 
        "સ્વામી, સ્વામી સાંભળ્યું આ બાવો શું બોલે છે ? સ્વામી એવું લાગે છે કે આ બાવો ચોક્કસ આપણા નાક-કાન કાપી નાંખશે. આપણે શું કરીશું ?" સદ્.બ્રહ્માનંદસ્વામી સદ્.મુકતાનંદસ્વામીને કહી રહ્યાં છે.
       પ્રસંગ એવો બન્યો કે એક વખત સ્વામિનારાયણ ભગવાનના મહાસમર્થ સંતો સદ્.મુકતાનંદસ્વામી અને સદ્.બ્રહ્માનંદસ્વામી વિચરણ કરતા કરતા કારેલા ગામે પધાર્યા. ગામનાં પાદરમાં જ એક આશ્રમ જેમાં ખરાબીદાસ નામનો એક વૈરાગી બાવો રહે. આ બાવાનું જેવું નામ એવા જ ગુણ. સ્વામિનારાયણ ભગવાનનાં સંતો આવે તો મારે એમના નાક કાન કાપી નાંખવા છે અને આજે એને તક મળી ગઇ. જયાં સંતોને દૂરથી આવતાં જોયાં ત્યાં તેણે યુકિત કરી. સંતોની પાસે જઇને બે હાથ જોડી કહ્યું, "સંતો જય સ્વામિનારાયણ. તમે બહુ મોટા છો, સમર્થ છો, તમારા દર્શન થયાને હું તો ન્યાલ થઇ ગયો. હવે તમે આશ્રમમાં પધારી મારા આશ્રમને પણ પાવન કરો." સંતો તો વૈરાગીના ભાવને જોઇને આશ્રમમાં આવ્યા. જયાં આશ્રમમા અંદર આવ્યા કે તરત જ ખરાબીદાસે આશ્રમનું બારણું બહારથી બંધ કરી દીધું અને મોટો છરો લઈ ધાર કાઢતો જાય અને બોલતો જાય. "આજે તો સ્વામિનારાયણનાં મુંડિયા આવ્યા છે ને એમના નાક-કાન કાપવાનાં છે." આમ બોલતો જાય ને છરો ઘસતો જાય.
 
      ખરાબીદાસના આ શબ્દો સાંભળી સદ્.બ્રહ્માનંદસ્વામી ઉપરોકત વાત સદ્.મુકતાનંદસ્વામીને કહી રહ્યા છે.
 
       સદ્.મુકતાનંદસ્વામી કહે, "હા સ્વામી, હવે, આપણી પાસે બચવાનો કોઇ જ ઉપાય નથી. હવે આપણો એક જ આાધાર છે. આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. ચાલો આપણે એમને પ્રાર્થના કરીએ." સદ્.મુકતાનંદસ્વામી અને સદ્.બ્રહ્માનંદસ્વામી દીનઆધિન થઇ પ્રાર્થના કરે છે :
 
                                                               "મેરે તો એક તુમ હી આધારા,
                                                               નાવ કે કાગ કી ગતિ ભય મેરી;
                                                               જહાં દેખું તહા જલનિધિ ખારા"
 
       "હે મહારાજ ! અમારે એક આપનો જ આધાર છે દયાળુ. હે મહારાજ જેમ કોઇ સ્ટીમરના સઢ ઉપર કાગડો બેઠો હોય અને સ્ટીમર મધદરિયે પહાચે પછી સ્ટીમરની ચારે બાજુ પાણી... પાણી... પાણી જ હોય. હવે, આ કાગડાને કોઇ કદાચ ઉડાડે તો એ કયાં જાય...? કાગડાને એક સઢનો જ આધાર છે. એમ હે મહારાજ! અમારે તો તમારો એક જ આધાર છે. આપ સિવાય અમને બચાવનાર કોઇ નથી. હે મહારાજ, દયા કરો, રક્ષા કરો..." અને જયાં પ્રાર્થના પૂરી થઇ ત્યાં મહારાજે દયા કરી. બે-ચાર પનિહારી બાઈઓ આશ્રમ આગળથી પાણી ભરી ઘરે જઇ રહી હતી. તેમણે વૈરાગી બાવાનાં આવા શબ્દો સાંભળ્યાં. બાઈઓ ગભરાઈ ગઇ. "અરેરે... આ વૈરાગીબાવો તો સ્વામિનારાયણનાં સંતોના નાક-કાન કાપી નાંખશે. અરેરે... આ તો ભગવાનના સંતોનો અપરાધ થાય અને બાઈઓએ જઇ પગીને બધી વાત કરી. પગી તો લાકડી લઇને દોડે છે. પગી જયાં આશ્રમમાં આવ્યો ત્યાં બાવાનાં શબ્દો સાંભળ્યાં એટલે તે ગુસ્સે થઇ ગયો અને બાવા પાસે આવી લાકડી વડે બાવાને ફટકારે છે અને નિર્દોષ સંતોને છોડાવે છે."
 
       વાહ મહારાજ !! વાહ !! આપ કેટલા દયાળુ છો... સાચાભાવે પ્રાર્થના કરનારની આપ રક્ષા કરો છો !!!
 
       જયારે કોઇ આધાર ના હોય, ઊગરવાનો કોઇ ઊપાય ન હોય... બચવાની કોઇ શકયતાં ન હોય... કોઇ મદદ કરનાર ન હોય એવા સંજોગોમાં પણ કયારેય ના હમત ના થવું... ભલે આપણી પાસે કાંઇ નથી... ભલે ગમે તેવું અશકય છે, ભલે બચવાની કાંઇ શકયતા જ નથી... તેમ છતાં મહારાજ આપણી પાસે છે. અશકયને શકય બનાવનાર, અનંતને ઊગારનાર... અનંતના નાડીપ્રાણ જેના હાથમાં છે. અનંતકોટી બ્રહ્માંડમાં જેની મરજીથી જ બધું થાય છે એવા સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાન આપણી સાથે છે. તો શાનો ડર...? શાની બીક...? શાનો ભય...? પ.પૂ.બાપજી કહે છે, "આવા સમયે જો કોઇ મહારાજને સાચાભાવે દીનઆદિન થઇને 'મેરે તો તુમ એક હી આધારા...' પ્રાર્થના કરે તો મહારાજ આ પ્રાર્થના પૂરી પણ ન થવા દે... પૂરી થતાં પહેલાં ન મહારાજ દયા કરી દે..." સાચાભાવે ખરા ગરજુ થઇને ખરી પ્રાર્થના કરવામાં આવે તો મહારાજ સાંભળે જ... જરૂર સાંભળે... ન કેમ સાંભળે...?
 
       એક ગરીબ માણસ જો કોઇ શેઠિયા આગળ રડે... કગરે આકંદ કરે... તો એ શેઠિયાને પણ ગરીબ માણસ પર દયા આવી જાય છે... તો અનંતને દયાના દેનાર દિલનાં દરિયાવ ગરીબ નિવાજ, કરૂણાનિધિ... એવા મહાપ્રભુને જો આપણે પ્રાર્થના કરીએ તો શું એમને દયા ન આવે ?? આપણી પ્રાર્થના એ જરૂર સાંભળે. પણ જરૂર છે આપણાં સાચાભાવની નિષ્કામભાવની... આત્માના પોકારની... જયારે અંતર આત્મા પોકારી ઊઠે ત્યારે સાચાભાવે પ્રાર્થના થાય...
 
       પ્રાર્થના એક કાંઇ દેખાડવાની વસ્તુ નથી. પ્રાર્થના એ કાંઇ રુટિન પ્રક્રિયા નથી. સમૂહમાં બોલવામાં આવતું સમૂહગાન નથી. જયારે પ્રાર્થના બોલાય ત્યારે ભલે હજારો લાખોની વચ્ચે હોઇએ તેમ છતાં આપણી વૃત્તિઓ મહારાજમાં એકાગ્ર બની જાય. સમય... સ્થાન... સંજોગોનું ભાન ભૂલી જવાય અને પછી ભગવાન સાથે જે વાતો થાય એને કહેવાય સાચાભાવની પ્રાર્થના.
 
       સાચાભાવની પ્રાર્થના અને ઉંમરને કાંઇ લેવા દેવા નથી. એક નાનકડો બાળક પણ સાચાભાવે પ્રાર્થના કરી શકે છે... હા જરૂર કરી શકે... તો આપણે કેમ નહિ ?
 
       એક નાનકડો ત્રણ-ચાર વર્ષનો બાળક મંદિરમાં રોજ ભગવાન આગળ ઊભો રહી બે હાથ જોડી હોઠ ફફડાવી કાંઇક બોલે... બધાને નવાઇ લાગે કે... આટલો નાનકડો બાળક શું બોલતો હશે...? તેને કોઇકે પૂછ્યું... ત્યારે કહે, "હું ભગવાનને પ્રાર્થના કરું છું...!" "શું પ્રાર્થના ?" તો કહે, "હું ભગવાન આગળ પાંચ વખત છમ્ઝડ્ઢ બોલું છું...!" "છમ્ઝડ્ઢ...? તે કાંઇ પ્રાર્થના કહેવાય...!" બાળક કહે, "મને તો બધાના જેવું બોલતા નથી આવડતું એટલે ભગવાનને કહું છું કે, 'હે ભગવાન આ છમ્ઝડ્ઢમાંથી મારા માટે સારામાં સારી પ્રાર્થના બનાવી લેજો...'" જોયું કેટલી નિર્દોષતા ??
 
       મહારાજ અને મોટાપુરૂષના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે, દયાળુ ! કપરા સંજોગોમાં મુશ્કેલીના સમયે. પણ, અમે નિરાશ ન થતાં દુઃખી ન થતાં... નિષ્કામભાવથી આપના આધારે આપના બળે આનંદમાં રહી શકીએ. વળીહ દિવસ દરમ્યાન પણ આપને રીઝવવા પ્રાર્થનાનું અખંડ બળ રાખી આપનો રાજીપો કમાઇ શકીએ એવી દયા કરો... દયા કરો... દયા કરો...