સહનશીલતા ભાગ - 2

  April 5, 2019

ઘર કે સ્મશાનગૃહ ?
 
એવું કહેવાય છે કે,  જમાના બદલ ગયા હૈ.  વધી રહેલા આજના ભોગવિલાસી જીવનમાં બધું જ બદલાતું જાય છે. આજથી 25-30 વર્ષ પહેલાં લોકો ગારમાટીથી લીંપેલા મકાનમાં રહેતા હતા, જ્યારે આજે મોટી મોટી આલીશાન બિલ્ડિંગો અને મકાનોમાં રહેતા થયા છે. પરંતુ એ ગારમાટીના મકાનમાં જે સુખ, શાંતિ અને સહાનુભૂતિ હતાં તે આજે મોટી બિલ્ડિંગ અને મકાનોમાં નથી. લોકો ઘરમાં ભૌતિક સુખસાહ્યબીને પુષ્ટ કરતી ચીજવસ્તુઓ વસાવી રહ્યા છે. ઘરનો બાહ્યિક દેખાવ સારો કરવા સારામાં સારા રંગ-રોગાન તથા રાચરચીલું કરાવે છે. પરંતુ અનેકનાં મનને મૂંઝવતો આ એક પ્રશ્ન છે કે એ ઘરમાં બધું જ છે પણ સુખ, શાંતિ, આત્મીયતાભર્યું વાતાવરણ ક્યાં છે ?
 
એટલે જ પૂ.સ્વામીશ્રી ઘણી વાર કહેતાં હોય છે કે,  ઘરમાં સોફા સેટ હોય છે, લેમન સેટ હોય છે, ટીવી સેટ હોય છે, બધું જ સેટ હોય છે પરંતુ ઘરમાં રહેતા પરિવારના સભ્યો જ અપસેટ હોય છે. 
 
આજે ઘરમાં હાશ અનુભવવાને બદલે ત્રાસ અનુભવાય છે. ઘરમાં મસ્ત રહેવાને બદલે ત્રસ્ત રહેવાય છે. હાસ્ય તો માત્ર એક શો-પીસ (દેખાવ) બની ગયો છે. બહારથી કાંઈક જુદું હોય છે અને અંદરની સત્યતા કંઈક જુદી જ હોય છે. આપણે ડ્રોઈંગ રૂમમાં હસીએ છીએ અને બેડરૂમમાં ભસીએ છીએ. એટલે આપણા ઝઘડા-કંકાસ ચાલુ જ રહે છે. ભલે લોકો કદાચ એ જાણતા નથી, પરંતુ શું આપણે એ ઘરમાં સુખ-શાંતિનો અનુભવ કરી શકીએ છીએ ? ઘરની અંદર આરામખુરશી પણ આપણને આરામ આપી શકતી નથી. ઘણી વખત આપણા ઘરમાં આપણે વસાવેલી વસ્તુઓ, ફર્નિચર વગેરે આપણને બોજારૂપ લાગે છે. અરે ! ઘરમાં રહેનારા સભ્યો પણ બોજારૂપ લાગે છે.
 
દિવાળીના દિવસે પણ આપણા ઘરમાં હોળી જેવું વાતાવરણ હોય છે. ઘરનું નામ આપ્યું હોય  શાંતિ સદન , પણ ઘરમાં અશાંતિ સિવાય બીજું કાંઈ જ જોવા ન મળે. પતિપત્ની, ભાઈબહેન, ભાઈભાઈ, સાસુવહુ, માતાપિતા બોળકો દરેકના અલગ અલગ પ્રશ્નોથી ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય છે. આવા ઘરમાં શાંતિનો અનુભવ ક્યાંથી થાય ? આવા ઘરમાં સુખેથી ભગવાનનું ભજન કે નામ-સ્મરણ પણ ક્યાંથી થાય ? જેમ સ્મશાનગૃહમાં જઈને કોઈ એવું વિચારે કે મારે અહીંયાં શાંતિનો અનુભવ કરવો છે કે ભગવાનનું ભજન કરવું છે, તો શું શક્ય છે ? આપણે કહીશું... ના. તો શું આપણા ઘરમાં પણ આવું તંગ વાતાવરણ રહેતું હોય તો એને આપણે ઘર કહીશું કે સ્મશાનગૃહ ? શું આવા ઘરમાં સુખચેનથી રહી શકાય?
 
ઘરમાં આવું વાતાવરણ સર્જાવાનાં મુખ્ય કારણો છે સાસુવહુ, પતિપત્ની, માતા-પિતા અને બાળકો વચ્ચેના ઝઘડા-કંકાસ અને એકબીજા વચ્ચેનું ઘર્ષણ. ઘણી વાર ઘરમાં કોઈ એકબીજાને સમજવા તૈયાર હોતું નથી. દરેક એવું જ માને છે કે હું જ સાચો છું જેથી ઘરમાં અરસપરસ પાંચ મિનિટ પણ પ્રેમથી બેસી શકાતનું નથી. આપણે પૈસો કમાવવા માટે ગાંડાની માફક આંધણી દોટ મૂકીએ છીએ અને એના માટે જ મથ્યા કરીએ છીએ, પરંતુ એકબીજાને સમજવા માટે અપણે કેટલો સમય કાઢ્યો ? આપણે ઘરમાં શાંતિ રહે તેના માટેના નાનામોટા ઘણા ઉપાય કરીએ છીએ, પરંતુ જે સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે તેને પકડતા નથી અને પરિણામે આપણા પ્રશ્નોનો કાયમી ઉકેલ આવતો નથી. આપણા અનેક પ્રશ્નોનું સમાધાન કરતું એવું એક અમોઘ શસ્ત્ર છે ઘરસભા. ઘરસભા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા અનેક પ્રશ્નોનું સમાધાન લાવી શકાય છે.
 
અમોઘ શસ્ત્ર ઘરસભા
 
માત્ર ચાર અક્ષરોનો બનેલો આ એક શબ્દ છે :  ઘરસભા . એમાં એક અદ્ભુત શક્તિ સમાયેલી છે. એનો એવો અદ્ભુત પ્રભાવ છે કે જેનાથી વર્ષોથી જે પ્રશ્નોનું સૉલ્યુશન ન આવ્યું હોય તેવા પ્રશ્નોનું સૉલ્યુશન માત્ર 25-30 મિનિટની ઘરસભાથી આવી જાય છે. ઘરસભા જ એક એવું માધ્યમ છે કે જેનાથી બે કાર્ય એકસાથે સર છે : એક, આપણા કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ અને બીજું સત્સંગની ગોષ્ઠી.
 
જેમ માથાનો દુઃખાવો થયો છે કે પેટનો દુઃખાવો થયો છે, તો તે ટાળવાનું શસ્ત્ર શું ? ગોળી. તેમ આપણા કૌટુંબિક પ્રશ્નો અને ઝઘડા-કંકાસનું સમાધાન કરતું અમોઘ શસ્ત્ર એટલે જ ઘરસભા. આપણને થાય કે શું ખરેખર ઘરસભા આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે ? એકબીજાથી હજારો, લાખો ગાઉ દૂર થઈ ગયેલાં મન અને આત્માને ફરીથી જોડી શકાય ? હા, જરૂર. સામાન્ય લાગતી આ ઘરસભામાં આપણા બધા જ પ્રશ્નોનું સમાધાન સમાયેલું છે. દવા ભલે સામાન્ય લાગે પરંતુ એની અસર સામાન્ય નથી હોતી. માથાની કે પેટના દુઃખાવાની ગોળી માથા જેવડી કે પેટ જેવડી નથી હોતી. પરંતુ, એ નાની ગોળીમાં એટલી બધી શક્તિ છે કે એ માથાના કે પેટના દુઃખાવાને દૂર કરી દે છે. તેમ સામાન્ય લાગતી આ 25-30 મિનિટની ઘરસભા આપણા પરિવારના તમામ રોગોને દૂર કરી, આત્મીયતાભર્યું વાતાવરણ ખડું કરી દેશે.
 
ગુજરાતીમાં એક કહેવત છે કે,  મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી ફરી ભેગાં ન થાય.  પરંતુ આ એક એવું અમોઘ શસ્ત્ર છે કે જેણે અનેક તૂટેલા પરિવારોને ફરી જોડી દીધા છે, જેણે 25-25 વર્ષથી કપાઈ ગયેલા સંબંધોને ફરીથી જીવંત કરી દીધા છે. હજારો હરિભક્તો ઘરસભા માટેના પોતાના અનુભવો જણાવતાં કહે છે કે ઘરસભાથી...
 
 અમારો તૂટી ગયેલો પરિવાર ફરીથી જીવંત બન્યો છે. યંત્રવત્ ચાલતું અમારું ઘર આજે લાગણીઓથી ભરાઈ ગયું છે. 
 મારો બાળક કુસંગના માર્ગેથી પાછો વળી સત્સંગના માર્ગે પ્રગતિ પામ્યો છે. 
 મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાનું એક સામૂહિક અભિયાન શરૂ થયું છે. 
 એકબીજા વચ્ચે ખુલાસો કરવાથી અમારા તમામ પ્રશ્નો અને મૂંઝવણોનું સમાધાન થયું છે. 
 એક ઘરમાં રહેવા છતાં જુદા જુદા રૂમમાં રહેવા ટેવાયેલા ઘરના સભ્યો સમૂહજીવન જીવતા થયા છે. આજે અમે ઘરના બધા જ સભ્યો સમૂહમાં જ ભોજન, ભજન, શયન, ઘરસભા કરીએ છીએ. 
ઘરસભા માટેના આવા તો અનેક અનુભવો નોંધાયા છે. 25-30 મિનિટની ઘરસભામાં આટલા બધા ફાયદા સમાયેલા હોય તો શા માટે શરૂ ન કરીએ ઘરસભા ? આજે જ દૃઢ સંકલ્પ કરો કે દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ તો ઘરસભા કરવી જ છે. ઘરસભા કરવાનો મક્કમ નિર્ધાર કરવા છતાં, આટલું થશે તો જ ઘરસભા શરૂ થશે અને નિયમિત રીતે થશે.
 
માનસિક તૈયારી કરો કે, ઘરસભા કરવી જ છે.
રાજી કરવા જ છે એવી ભાવના કેળવો.
ધીરજ કેળવો   ઘરના કોઈ સભ્ય ન આવે તો ધીરજતાથી કામ લો.
સમયનું સેટિંગ કરો.
ટી.વી. આદિક મનોરંજનનાં સાધનોમાં કાપ મૂકો.
મહેમાનને પણ ઘરસભામાં બેસાડો.
સત્સંગ સભા અને સંતોનો જોગ રાખો.
                                                                                                                                                            વધુ આવતાં અંકે...