શિસ્ત-1

  March 5, 2019

શિસ્તપાલન સ્વૈચ્છાએ સ્વીકારેલી લગામ છે; કોઈએ લાદેલી હાથકડી નથી.

અહો આશ્ચર્યમ્ !!

શ્રીજીમહારાજની અન્વય શક્તિ દ્વારા નિર્માણ પામેલ પ્રકૃતિ કેટલી શિસ્તને અનુસરે છે !

સૂર્ય-ચંદ્રનું ઊગવું, આથમવું, ઋતુનું બદલાવું બધું જ શિસ્તમાં કાર્ય કર્યા કરે છે.

એક વિચાર કરીએ કે પ્રકૃતિ શિસ્તમાં ન વર્તે તો !!

સૂર્યોદયનો સમય નિયમિત છે. એ નિયમિતતા ઉપર જ માનવી પોતાના જીવનનાં અતિ મહત્ત્વનાં કાર્યો કરતો રહે છે. પણ આજે સૂર્યોદય સવારે પાંચ વાગ્યે થાય અને ક્યારેક સવારે દસ વાગ્યે થાય તો મનુષ્યજીવન કેટલું ખોરવાઈ જાય !

ઋતુઓ પોતાની શિસ્ત છોડી દે તો !!

સૂર્ય-ચંદ્રનું શિસ્તબદ્ધ રીતે ઊગવું-આથમવું, પૃથ્વીનું પોતાની ધરી પર નિયમિત રીતે ભ્રમણ કરવું, સમયે સમયે ઋતુમાં બદલાવ આવવો, વૃક્ષો પર નિયમિતપણે ફળ-ફૂલનું આવવું તે કેટલું શિસ્તબદ્ધ થાય છે !

પ્રકૃતિ જો એક પળ માટે પણ અનુશાસન છોડે તો સજીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ જાય. પ્રકૃતિમાં પણ અનુશાસનનું આટલું મહત્ત્વ છે તો મનુષ્યજીવનમાં તેનું કેટલું બધું મહત્ત્વ હોય !!

શિસ્ત વગર એક ઍથ્લીટની સ્પર્ધામાં જીત અશક્ય છે. શિસ્ત વગર કપ્તાન જહાજને ચલાવી શકવા અસમર્થ છે. એક સંગીતના પ્રોગ્રામમાં ગાયક અને વાદકની વિસંવાદિતા અને અશિસ્ત પ્રોગ્રામને બેસૂરો અને ફિક્કો બનાવી દે છે તો મનુષ્યજીવનમાં શિસ્ત કેટલો મોટો ફાળો ભજવતું હશે !

ખરા અર્થમાં શિસ્ત એટલે શું ? શિસ્ત એટલે અનુશાસન. અનુશાસન ‘અનુ’ ઉપસર્ગ અને ‘શાસન’ મૂળ શબ્દના મેળથી બનેલો શબ્દ છે. ‘અનુ’નો અર્થ સાથ આપવો એટલે કે અનુકરણ કરવું. ‘શાસન’નો અર્થ નિયમો અથવા વ્યવસ્થા. આમ, અનુશાસનનો અર્થ થાય છે, “નિયમ-વ્યવસ્થાનું અનુકરણ કરવું.” બીજા અર્થમાં જોઈએ તો,

‘Discipline refers to systematic instruction given to a disciple.' અર્થાત્ શિસ્ત એટલે અનુશાસકને આપવામાં આવતી લયબદ્ધ સૂચનાઓ.’

ટૂંકમાં, શિસ્ત એટલે આપણે જે દેશમાં રહીએ છીએ, જે શહેરમાં રહીએ છીએ, જે સમાજની વચ્ચે રહીએ છીએ, જે સંપ્રદાયમાં રહીએ છીએ તેની સંપૂર્ણ આચારસંહિતામાં રહેવું તે.

કોઈ પણ દિશામાં પ્રગતિ ઇચ્છનાર દરેક વ્યક્તિને ત્રણ મુખ્ય પરિબળોની આવશ્યકતા રહે છે : Money, support and strength. અર્થાત્ નાણું, સહકાર અને શક્તિ. તેમ શિસ્તપાલન એ બેંકમાં રહેલી રકમ સમાન છે, સાચો મિત્ર છે અને આંતરિક શક્તિ છે. માટે આપણે જેટલા શિસ્તબદ્ધ રહીશું એટલા આપણે જીવનમાં પ્રગતિના પંથે આગળ વધી શકીશું.

શિસ્તના પાઠ શીખવા ક્યારથી જરૂરી છે ? ૧૦વર્ષની અવસ્થાથી ? કિશોર કે યુવાન થયા પછી ? કે જીવનસંધ્યાવેળાએ ? શિસ્તના પાઠ બાળપણથી મળવા અત્યંત જરૂરી છે. બાળક માટે માતાપિતા અને પરિવાર શિસ્તના પાઠ શીખવાનું પ્રથમ માધ્યમ છે. માતાપિતા, ઘર-પરિવારના સભ્યોમાં શિસ્તપાલનની જેટલી દૃઢતા હશે તેટલી જ બાળકોમાં તેની ગંભીરતા આવશે. માટે, બાળક પોતાના જીવનના પ્રારંભકાળથી જ અનુશાસિત હશે તો એ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ બનશે.

ઘણી વખત શિસ્તપાલન અને આજ્ઞાની ભેદરેખા આપણા માનસમાં અસ્પષ્ટ હોય છે. આજ્ઞા એ કોઈ ચોક્કસ સમય માટે, ચોક્કસ હેતુથી કરવામાં આવતો હુકમ છે, જ્યારે શિસ્ત એ કાયમી ધોરણે વિવેકપૂર્ણ રહેવાની ગુરુચાવી છે.

ઘણી વખત શિસ્તને જડતાની સાથે સરખાવી શિસ્તપાલન માટે અરુચિ પ્રવર્તતી હોય છે. ચાલતી ટ્રેનને તેના પાટા પરથી ઉતારવામાં આવે તો ટ્રેન ચાહે ત્યાં જવા માટે આઝાદ થઈ જાય પરંતુ હવે શું ટ્રેન એક કિલોમીટર પણ અંતર કાપી શકશે ? ના, ટ્રેનનું પાટા પર જ દોડવું તે જડતા નહિ પરંતુ ટ્રેનની સલામતી માટે છે. તેમ આપણા જીવનમાં શિસ્ત પાટા સમાન છે. તે આપણા જીવનની ગાડીને સુવ્યવસ્થિત ચલાવવા માટે છે. જડતા એટલે મૂઢપણે કોઈ પણ બાબતને અનુસરવી જેની પાછળ કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ થતો નથી. જ્યારે શિસ્ત એટલે કોઈ ચોક્કસ હેતુને પાર પાડવા માટે તટસ્થપણે કોઈક નિયમોને વળગી રહેવું. શિસ્ત એ આપણે નક્કી કરેલા ધ્યેયને પામવાનો ગુરુમંત્ર છે. શિસ્ત એ વિવેકપૂર્ણ ઇચ્છાઓને પોષવાની જડીબુટ્ટી છે. શિસ્ત એ આપણા જીવનને યોગ્ય આકાર આપતી કાતર છે. માટે, શિસ્ત એ ખરેખર જડતાનું નહિ પણ અનુકૂળતાનું પ્રતીક છે.

ઘણી વખત એવી માનીનતા પ્રવર્તતી હોય છે કે, 'Highly educated people have more discipline.' અર્થાત્ ‘ઉચ્ચ ભણતર પામનારા લોકોના જીવનમાં શિસ્ત વણાયેલી હોય છે.’ પરંતુ આ વિચારધારા ક્યારેક ખોટી ઠરતી હોય છે. કારણ, ભણતર અને શિસ્તને એવો ગાઢ સંબંધ નથી. દુનિયામાં જેમની પાસે ઉચ્ચ કક્ષાની ઉપાધિઓ (degrees) નથી તેમ છતાં પણ તેઓ જગવિખ્યાત બન્યા છે કારણ, તેમના જીવનમાં શિસ્ત અને ચોકસાઈ વણાયેલી હોય છે.

મુંબઈની ‘ડબ્બાવાળા ઍસોસિયેશન’ કંપનીની શિસ્ત અને ચોકસાઈની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. આ કંપનીમાં કાર્ય કરનાર કાર્યકરોનું ભણતર માત્ર ૧૦થી ૧૨ ધોરણ સુધીનું જ છે. છતાં તેમનું શિસ્તબદ્ધ રીતે થતું કાર્ય ભલભલા ડિગ્રીધારીઓને પણ શરમાવે તેવું હોય છે. તેઓ એક જ કલાકમાં નોકરી-ધંધા પર કામ કરતા લોકોને તેમના ઘરેથી ગરમાગરમ ટિફિન પહોંચાડે છે. પરંતુ, આશ્ચર્ય ઉપજાવે એવી વાત એ છે કે, આજ દિન સુધી એક પણ ટિફિન ભૂલથી બીજી જગ્યાએ પહોંચ્યું નથી. આ બધા જ ટિફિનની હેરફેર મુંબઈની ટ્રેન દ્વારા જ કરવામાં આવે છે. તેમની આ શિસ્તથી પ્રભાવિત થયેલા લંડનના પ્રિન્સ ચાર્લ્સ ઍસોસિયેશનની મુલાકાત લેવા માગતા હતા તોપણ તેમને નિર્ધારિત સમયે જ મળવાનું કહ્યું. વળી, USAની વિશ્વવિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ તેઓના શિસ્તપાલન પર સંશોધન કર્યું છે.

મહાન વ્યક્તિઓના જીવનમાં શિસ્તપાલનનું ઘણું મહત્ત્વ હોય છે. શિસ્તપાલન એ મહાનતાનો આદર્શ છે.