Spiritual Essay << Back
 
યૌવન : જીવનનો એક ઉત્સવ
Date : 19/08/2015
 

સમયની મહત્તા જાણનારા સમયના મહિમાની મીમાંસામાં ઘણું બધું કહ્યા કરે છે કે, ‘Time and Tide wait for noman.’ અર્થાત્ ‘સમય અને ભરતી કોઈની રાહ જોવા ઊભા રહેતા નથી.’ અને અંતે ‘પળે પળના સદ્ઉપયોગથી જીવન દીપાય છે.’ આવી સમયની મહિમાગાથા આપણને જીવનમાં સમયનું અધિકતમ, ઉચ્ચતમ અને વિશેષતમ મૂલ્ય જણાવે છે. છતાંય સમયના મૂલ્ય કરતાં પણ વધુ મૂલ્યવાન કોઈક વસ્તુ પણ છે, સમયની કિંમત કરતાં પણ વધુ કીમતી કોઈક ચીજ છે, અને સમયની મહત્તા કરતાં પણ વધુમાં વધુ મહત્તા કોઈક બાબતની છે.

સમયનું વહેણ, એનો પ્રવાહ અને એનો અવિરત ઝરતો સ્રોત પરિશ્રમ તથા પુરુષાર્થના માધ્યમે પાછાં આવી શકે, પાછાં ઊલટી દિશામાં વહી શકે અને ફરીથી મૂળ સ્થાને તે સ્થિર થઈ શકે છે. પણ મહાપ્રભુ પ્રેરિત બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવી છે જે ગયા બાદ જીવનમાં પુનઃ પ્રસ્થાપિત થઈ શકતી નથી. એટલે કે તે અવસ્થા આપણા જીવનમાં કેવળ એક વાર જ આવે છે. આમ, જીવન કેરી ઘણેરી અને અદકેરી અવસ્થાઓ આપણને અનુક્રમે શિશિરોત્સવ, વસંતોત્સવ અને પાનખરોત્સવ જેવા ઉત્સવોનું અદ્વિતીય આચમન કરાવે છે. તેમ છતાંય બધી જ અવસ્થાઓમાં યૌવન એ વીજળીના તણખા સમી, પ્રચંડ શક્તિના સ્રોત સરીખી તેમજ નવ્ય ક્રાંતિના મહા ઉદ્ઘોષ સમ ઘટમાં થનગનતી અવસ્થા છે.

યૌવન એટલે અનંત શક્તિનો મહાપુંજ.

યૌવન એટલે આભને આંબવાની તરવરતી ઝંખના.

યૌવન એટલે ઘૂઘવતા જીવનસાગરને નાથવાની મદમાતી મહત્ત્વાકાંક્ષા.

યૌવન એટલે કંઈક આગવું કરી છૂટીને સર્વોત્તમ પદ પામવાની યુયુત્સાવૃતિ.

યૌવન એટલે જીવનમૂલ્યો માટે અડીખમ ઊભા રહેવાની શક્તિ.

યૌવન એટલે જીવનપંથના કંટકો ભરેલા માર્ગને આંખના એકાદ પલકારામાં વીંધતી પ્રચંડ ને પ્રબળ ગતિ...

યૌવન એટલે જેના શ્વાસમાં જોમનો ગુલાલ ઊડી રહ્યો હોય અને લોહીમાં નવસર્જનની શરણાઈ વાગી રહી છે તે.

જીવનમાં ઉત્સવ સમો વસંતોત્સવ એટલે યૌવન. ઋતુના ચક્રમાં સૌથી મોખરે કોઈ હોય તો તે છે વસંત. વસંતમાં જેમ ચારે તરફ કંઈક નવો જ ઉન્મેષ, કંઈક નવો જ દમામ વર્તતો હોય તેમ યૌવનના ઉંબરે જોમ, જુસ્સો, ઉત્સાહ, તરવરાટ, ઉત્કંઠા, ઉત્તેજન અને ઉમંગની પૂરબહાર ખીલેલી જોવા મળે છે. તેથી કોઈ અનુભવીએ કહ્યું છે,

“આ સનસનતા વાયરા સરીખી, દોડતી અમારી યુવાની;

નિષ્ફળતાનો એકડો ઘૂંટવો છોડી, જય-શિખરો આંબતી અમારી યુવાની;

કંઈક નવું કરવાની – કરાવવા મથતી, આ અમારી યુવાની.”

યુવાવસ્થા સૌ કોઈના જીવનનો એક મહત્ત્વનો તબક્કો છે. આ તબક્કામાં પ્રારંભે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી અને શરીરશાસ્ત્રી કહે છે, “યુવાવસ્થા જીવનના પરિવર્તનનો ખેલ છે આ પરિવર્તનરૂપી ખેલ પ્રત્યેકના જીવનમાં વિધવિધ ઘટના રૂપે આવે છે. ઉંમરના એક ખાસ પડાવમાં પ્રવેશતાં જ આ પરિવર્તનની હારમાળા રચાવાનું શરૂ થઈ જાય છે. અને કેટલાંય વર્ષો સુધી તે કાર્યરત રહે છે.” તેઓ આગળ વધતાં એમ કહે છે, “આ યુવાવસ્થા માટે 15 થી 35 વર્ષનો ગાળો અતિ મહત્ત્વનો છે. લગભગ વીસ વર્ષનો યૌવનકાળ પૂર્ણ થતાં યૌવન ધીમે ધીમે ઢળવા લાગે છે. આ કાળ બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો સંનિધિકાળ કહેતાં સુવર્ણકાળ છે. તેથી અતિશય મહત્ત્વનો કાળ છે.”

યુવાવસ્થાના પ્રારંભે યુવાનમાં શારીરિક અને માનસિક પરિવર્તનો આવે છે. તો વળી આ સમયે ઉત્સાહ, ઉમંગ અને તરવરાટના ભાવ તેમજ વિચારો એનામાં ઊભરાય છે. અસંખ્ય ઉદ્વેગ અને આવેગો એનામાં ઊમટે છે. તો ક્યારેક શક્તિની પ્રચંડ ભરતી એનામાં છલકાય છે. આ બધું યૌવનકાળમાં કંઈક તીવ્ર ગતિએ થાય છે. ત્યારે તેને એક દિશા મળી રહેવી જોઈએ. નહિ તો લાગણીઓનો ઉશ્કેરાટ એટલો બધો હોય છે કે યુવાન પોતે પોતાના પરનું નિયંત્રણ ખોઈ બેસે છે.

યૌવનની શક્તિ અણુશક્તિ જેવી જ સર્જનાત્મક અને વિનાશાત્મક પણ હોય છે. જેમ શસ્ત્ર સારું કે ખરાબ નથી હોતું. એના વાપરનારનો ધ્યેય સારો કે ખરાબ હોય છે; તેમ યૌવન પણ એવી જ શક્તિ છે. એની પાસે જીવનમાં સર્જનાત્મક કાર્ય કરવા માટે વિશાળ કાર્યક્ષેત્ર છે. યૌવનને કશું બૂરું ગમતું નથી, કશું અધૂરું અને અપૂર્ણ ગમતું નથી. તેને બધું જ પૂર્ણ ગમે છે. ત્યારે તેના નવસર્જનના અભિગમને પરિપૂર્ણ કરવા બસ માત્ર જરૂર છે એક સુકાનરૂપી દિશાની. કારણ કે, યૌવન પાસે બધું જ છે, બધું જ કરી શકે છે પણ નથી એક સકારાત્મક દિશાની. આ દિશા એના બેસૂરા જીવનને ‘સા રે ગ મ પ ધ નિ સા’ ના સુરીલા સંગીતમાં ફેરવી નાંખે છે. આમ, યૌવનકાળમાં સકારાત્મક દિશા અપનાવનાર અનેક યુવાનો ઇતિહાસની અલમારીમાં રત્ન રૂપે સચવાઈ રહ્યા છે, જ્યારે જેણે નકારાત્મક દિશાને અપનાવી તે તો કાળનાં પૃષ્ઠોમાં એક જરીક જેટલી જગ્યા પામવાને બદલે અધોગતિની કારમી ખીણમાં પડ્યા બાદ ફરી ક્યારેય કોઈન જોવા મળ્યા નથી. યૌવનકાળમાં સર્જનાત્મક ને વિનાશાત્મકને વરેલા કેટલાક યૌવનની ગાથાને માણી, આપણા યૌવનને ઉત્સવ ન રહેવા દેતાં, મહોત્સવ સમો બનાવીએ...

ભગવાન સ્વામિનારાયણ એટલે યૌવનને તારનાર, યૌવનના મર્મી અને યૌવનની શક્તિઓને દિશા દઈ આ લોક ને પરલોકમાં શ્રેષ્ઠત્વ પ્રદાન કરનાર એક સાચા સુકાની. તેઓએ યુવાનોને નૈતિક્તા, સદાચાર અને અધ્યાત્મનો વારસો સ્વજીવનમાં વર્તાવીને પ્રદાન કર્યો. પરિણામે ભગવાન સ્વામિનારાયણની દિશાદીપક તરીકેની ભૂમિકાએ ગુજરાતમાં શાંતિ અને ભક્તિની એક લહેર ફરી વળી. હજારો યુવાનો પોતાનું જીવન સમર્પિત કરી પરમહંસ થયા અને લાખો યુવાનો શ્રીહરિની અનુજ્ઞામાં રહી ગૃહસ્થ હોવા છતાંય આદર્શ જીવન જીવ્યા. એ યુવાનોએ પોતાની જીવનનૈયા અનેકવિધ પ્રલોભનો ઠુકરાવીને અને વિરોધના વંટોળો વચ્ચે ઝુકાવી દીધી. તેની પણ પ્રેરણાત્મક ગાથા છે. અહીં થોડાંક એવાં યુવા પાત્રોમાંથી આપણે પણ સ્વજીવનને નવપલ્લવિત કરવા પ્રેરણા પામીએ...

ગઢડાની સીમ. સીમમાંથી એક અઢાર વર્ષનો યુવાન વાયુવેગે પસાર થતો હતો. તેણે કચ્છ વાળીને ધોતિયું પહેર્યું હતું. ઉપર ગોઠણ સુધી અંગરખું પહેર્યું હતું, માથે ધોળો રૂમાલ વીંટ્યો હતો, ને તેમાંથી ફરફર કરતી એની ઉન્મત્ત શિખા દેખાતી હતી. યુવાનના ઓજસપૂર્ણ મુખ પર મહાપ્રભુને ભેટવાની ઉત્સુક્તા નીતરતી દેખાતી હતી. એના હોઠ મહામંત્રના જાપથી હાલી રહ્યા હતા. એની દૃષ્ટિ ગઢપુરમાં બિરાજતાં શ્રીહરિનાં દર્શન સારું આતુર હતી. તેણે ગામમાં દાદાનો દરબાર પણ જોયો નહોતો. છતાંય એક કલ્પનામાં તે ગામ ભણી ચાલ્યો જતો હતો. તેને તો એક હરિવર વરવાની લગની લાગી હતી. કુટુંબ-પરિવાર અને દેહનાં સગાંઓને પાછળ મૂકી, એક હરિવરને વરવાની ઉત્કંઠા તેના ડગલે-ડગલે વિશેષ પડઘાતી હતી. તે નિરંતર એક જ વિચારમાં રાચ્યા કરતો હતો કે, “શ્રીહરિ ક્યારે મને એમનો સાધુ કરે... આ જગતમાં મારું અવતરણ બસ એમને પામવા માટે જ છે.” આવી અલખની વિચારભેખમાં ધમરોળ રહેતો એ યુવાન શ્રીહરિની અનુજ્ઞા ઝીલવાને તત્પર થઈ છેક ડભાણથી ચાલતાં ચાલતાં ગઢપુરના પાદરે શ્રીહરિના દર્શનથી એક નવજીવન પામ્યો. શ્રીહરિએ આ યુવાનને આવકારી પોતાની નિકટ રાખ્યો અને એમને સદ્. શુકાનંદ સ્વામી એવું નામ આપ્યું.

ડભાણના જગન્નાથજીએ જ્યારે શ્રીહરિનો મહિમા જાણ્યો ત્યારે પોતે એક સવળો ને સર્જનાત્મક નિર્ણય લઈ પોતાના યૌવનને ઘાટ આપવા અનંતકોટિ બ્રહ્માંડના મહાસુકાની એવા મહાપ્રભુના સેવક બન્યા. પછી તેઓ મહાપ્રભુને અહોનિશ રાજી કરવા ટુક ટુક થઈ સેવા કરી, દિવ્યજીવનને પામ્યા. શ્રીહરિના લહિયા સંત તરીકેની સેવાને લીધે વચનામૃત ગ્રંથનો અવિભાજ્ય ભાગ બની, સ્વામિનારાયણ સંપ્રદાયને મહાપ્રભુની વિરાટ રુચિનો મહાગ્રંથ વારસામાં આપી, આજેય 232 વર્ષ પછી પણ શુકાનંદ સ્વામી યૌવનના ઉચ્ચ આધ્યાત્મિક ગૌરવની મહા છડી પોકારી રહ્યા છે.

“દીકરા, આમ ન કરાય, અત્યારે તું લગ્ન કરવા જાય છે. લગ્ન કરીને પછી શ્રીજીમહારાજ પાસે જજે.” “પણ... મહારાજે સેવકને બોલાવ્યો છે; એમાં વિલંબ ન કરાય.” આમ, પોતાના પિતાને કહી, લગ્નનો માંડવો છોડી તે પહોંચ્યા સીધા ગઢડે. પછી ત્યાં પહોંચી શ્રીહરિને નમ્ર ભાવે કહ્યું, “દયાળુ, બોલો મહારાજ ! શું આજ્ઞા છે ?” મહારાજ તેઓના હાથમાં રહેલા મીંઢળને જોઈને બોલ્યા, “ભગત, આ તમારા હાથમાં મીંઢળ ! ક્યાં જતા હતા ?” “મહારાજ, લગ્ન કરવા જતો હતો. પણ રસ્તામાં આપની ચિઠ્ઠી મળી એટલે તરત સીધો આવ્યો છું.” મહારાજ કહે, “જાવ, અત્યારે જ પાછા જાવ અને લગ્ન કરીને પછી આવજો.” પ્રભાશંકર લગ્નની વિધિ પૂર્ણ કરી, છેડાછેડી છોડાવવા મહારાજ પાસે આવ્યા. ત્યાં તો મહાપ્રભુએ પ્રભાશંકરના યૌવનકાળને આકારિત કરવા, ઘડવા એક લીલા આદરી. મહાપ્રભુ બોલ્યા, “ભગત, તમે બંને ભાઈબહેન લાગો છો.” આ વચન સાંભળતાં જ પળનાય વિલંબ વિના પ્રભાશંકર ને તેમના ઘરનાં મહારાજની રુચિ જાણી ગયાં. અને તરત જ નવદંપતી બંને હાથ જોડી બોલ્યાં, “ભલે, દયાળુ. મહારાજ ! અમે બંને અત્યારથી જ ભાઈબહેન છીએ.” મહાપ્રભુના પથદર્શન હેઠળ પોતાના જીવતરને, યૌવનને ઘાટ આપવા સારું ક્ષણનોય વિલંબ કર્યા વિના, ત્વરિત અને અડગ નિર્ણય લેનાર યુવાન દંપતીને ધન્યવાદ છે. તેઓએ શ્રીહરિની અનુજ્ઞાને મુખ્ય કરી. પોતાના જીવનનું સમર્પણ કરી, શ્રીહરિનો રાજીપો મેળવ્યો. આવા યુવાન ભક્તરાજ પ્રભાશંકર સત્સંગમાં સદાયને માટે જીવનસમર્પણની અદ્વિતીય પ્રેરણામૂર્તિ બની રહ્યા.

ભગવાન સ્વામિનારાયણના આવા અનેકવિધ મહાન સાચા યૌવનને વરેલા યુવાન સંતો-ભક્તોની એક અણખૂટ મોતીમાળા સંપ્રદાયના ઇતિહાસના પર્ણે પર્ણે પ્રેરણાસૌરભ બની મ્હોરી રહી છે.

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy