Spiritual Essay << Back
 
ભગવાન તો એક સ્વામિનારાયણ
Date : 05/03/2017
 

ન્યૂજર્સી અમેરિકા ખાતે પંચમ વાર્ષિક પાટોત્સવનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. બાપજી પરત ભારત ખાતે  સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમન માટે ભવ્ય સામૈયું રાખ્યું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિકૃષ્ણ મહારાજ સાથે ગાડીમાંથી નીચે ઊતર્યા ત્યાં તો ધૂનનો ગુંજનાદ સંભળાયો - “એક, દો, તીન, ચાર... સ્વામિનારાયણનો જય જયકાર... પાંચ, છે, સાત, આઠ બાપાશ્રીનો જય જયકાર.. આપણાં ગુરુ કોણ છે ? ગુરુવર્ય પ.પૂ. બાપજી... એમનું નામ શું છે ?...” ધૂનના સૂર જ્યાં કર્ણપટ ઉપર પડ્યા કે એકદમ ગુરુવર્ય પ.પૂ. બાપજી ચોંક્યા અને હાથના ઇશારા વડે મોટેરા સંતને બોલાવ્યા અને ધૂન બંધ રખાવવા કહ્યું. પેલા સંતે પ્રાર્થના કરી, “બાપા, મહારાજનું નામસ્મરણ કર્યા બાદ તો આપનું નામસ્મરણ કરે છે ને !” એ સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપ્રસન્ન મુખારવિંદે કહ્યું કે, “કીધું ને ધૂન બંધ કરાવી દો. ભજન એક સ્વામિનારાયણનું જ થાય. બંધ કરાવો આ ધૂન. આવી ધૂન નહિ બોલવાની.” અને તુરત ધૂન બંધ કરાવી દીધી. વળી, એટલેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીથી ન રહેવાયું તો સમૈયામાં પ.પૂ. સ્વામીશ્રી સાથે ચાલતા હતા તેમને કહ્યું કે, “આ બધા સંતો અને હરિભક્તોને કડક શબ્દોમાં કહી દેવું કે ભજન એકમાત્ર સ્વામિનારાયણ નામનું જ કરવાનું.”

ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ હોય. વાસણા મંદિર ખાતે મોટો સભામંડપ અને ઉપર-નીચે બંને ભોજનશાળા એમ ત્રણે હૉલમાં હરિભક્તો ખીચોખીચ બેઠા છે. ચાતક પક્ષીની જેમ ગુરુનું પૂજન કરવા તત્પર છે. આજનો સમૈયો એટલે ગુરુના મહિમાગાનનો અવસર. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સભામાં સત્પુરુષના મહિમાની-દિવ્યભાવની ખૂબ વાતો કરી. સભાના અંતમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને આજના પ્રસંગે આશીર્વાદ આપવા માઇક આપ્યું. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદનો પ્રારંભ કર્યો, જેના પ્રારંભિક શબ્દો હતા, “તમે બધાએ ગુરુ - સત્પુરુષનો મહિમા ભલે ખૂબ સાંભળ્યો ને સમજ્યા પણ જો તમારે સાચો મહિમા સમજવો હોય તો બધા બે હાથ ઊંચા કરીને આપણા શ્રીજીમહારાજના શબ્દોનો ગુંજારવ કરો : ‘અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. બે નથી.’ ફરી બોલો... એમ કરતા ૩-૪ વખત આ વાક્ય પાકું કરાવી કહ્યું, “તમે બધા એક સ્વામિનારાયણ ભગવાન સિવાય અનંતકોટિ બ્રહ્માંડમાં બીજો કોઈ સનાતન ભગવાન નથી એવું સમજો તો જ અમે રાજી. અનંત મુક્તો મૂર્તિરૂપ છે છતાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે એ કદી ન ચૂકવું. જો અમને સેવ્યા હોય તો કદી વેદિયા ને વેવલા ન થતા. નિષ્ઠાવાન બનજો.”

ભાવનગર નિવાસી પ.ભ. પ્રકાશભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા. તેઓનું અતિશે પ્રેમનું અંગ એટલે દંડવત કરી સીધા ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણ ઝાલી ચોંટી પડ્યા. “બાપા, આપનાં દર્શન થયાં, સ્પર્શ થયો ને હું તો ધન્ય બની ગયો. મારે તો આપનાં દર્શન એટલે ભગવાનનાં દર્શન. મારા માટે તો આપ જ ભગવાન છો.” આટલું કહ્યું ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને ટકોર કરતાં કહ્યું, “પ્રકાશભાઈ, તમને પ્રેમ ખૂબ છે પણ સમજણ દૃઢ રાખો કે અનંતકોટિ બ્રહ્માંડમાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય. તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન... ભગવાન સ્વામિનારાયણ દર્શાવતા હોય. હરિભક્તોને સમજણ પાકી કરાવવા સામેથી પૂછે, “અત્યારે ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હશે ?” અને જ્યાં કોઈ બોલે કે, “હા, મોટાપુરુષ રૂપે...” ત્યાં જ એમની કથા ચાલુ થાય, “અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. સંવત ૧૮૮૬ પછી શ્રીજીમહારાજનું પ્રગટપણું યાવદ્‌ચંદ્રદિવાકરૌ - મૂર્તિ રૂપે જ સમજવું. મનુષ્ય રૂપે - સત્પુરુષ રૂપે નહીં જ.”

કેટલું મહારાજનું મુખ્યપણું અને પોતાનું સેવકપણું...!!

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy