Spiritual Essay << Back
 
મંદીના સમયે આર્થિક વ્યવહાર - 3
Date : 19/05/2017
 

આપણા સૌનો એકમાત્ર અવરભાવનો ધ્યેય છે મહારાજ અને મોટાપુરુષની પ્રસન્નતા. તો આવો આ લેખમાળા દ્વારા આપણે મહારાજ અને મોટાપુરુષના રાજીપામાં રહીને અવરભાવના વ્યવહારો કેવી રીતે કરવા તે શીખીએ.

 ધન કમાવો : સેવા માટે; શો (દેખાડા) માટે નહીં : આબરૂ અને પ્રતિષ્ઠાની પાછળ પાગલ બનીને હું શું કરું તો લોકોની વચ્ચે સારો દેખાઉં અને લોકો મારી વાહ વાહ કરે તે માટે થઈ વધુ ને વધુ ધન કમાવવા પ્રયત્ન થતા હોય છે. મારી પાસે આટલો પૈસો છે, સંપત્તિ છે તે દેખાડવા માટે ધન ન કમાવવું પરંતુ મહારાજ જે કાંઈ દયા કરી દ્રવ્ય આપે તે સેવા માટે વાપરવું તેવા વિચારથી ધન કમાવવું. પરંતુ અન્યને દેખાડો કરવા માટે ન વાપરવું.

શ્રીજીમહારાજે લોયાના ૧૦મા વચનામૃતમાં કહ્યું છે કે,

“માયામાં તો કેવળ દુઃખ જ છે કે સુખ પણ કંઈક છે ? એ પ્રશ્ન છે.”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “માયા તો કેવળ દુઃખદાયી છે.”

ત્યારે શ્રીજીમહારાજે આગળ વાત કરી જે, “માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશે સુખદાયી છે.” માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. કારણ ભગવાનના ભક્તનું બધું ભગવાન અને સંતની સેવાને અર્થે જ વપરાતું હોય માટે આપણું ધન પણ ભગવાન અને સંતની સેવામાં વપરાય તે રીતે કમાવવું.

ધન કમાવો ­- આજીવિકા માટે : આજીવિકા માટે એટલે કે જમવાનું, રહેવાનું, પહેરવાનું અને જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજવસ્તુઓનો ખર્ચો સહેજે નીકળી શકે તેટલું જ ધન કમાવવું. વધુ પડતી ધનપ્રાપ્તિની લાલસા રાખવી નહિ કે વધુ ને વધુ કમાઈ મોટા બૅંકના બૅલેન્સ કરવા નહિ કે સંગ્રહખોરી કરવી નહીં.

શ્રીજીમહારાજ પોતાના સ્વજીવનની રીતભાતથી સૌના જીવનમાં અપરિગ્રહવૃત્તિ (સંગ્રહ ન કરવો તે) કરવાનો સંદેશ આપતા. તેને સદ્‌. આધારાનંદ સ્વામીએ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૬ના તરંગ-૬૬માં વર્ણવ્યું છે કે,

“શ્રીજીમહારાજના આખો દિવસ હરિભક્ત દર્શન-પૂજા કરવા આવતા ત્યારે ફૂલના હાર, મેવા અને ઘણાં ફળ લાવતા. પોશ (ખોબો) ભરીને ધન આપતા પણ શ્રીહરિ તેને પોતાના હાથમાં લેતા નહીં. શ્રીહરિના ચરણમાં જ્યારે ભેટ મૂકતા ત્યારે જે સેવક હોય તે ઉપાડી લેતા. સમૈયામાં એક પહોર જેટલા સમયમાં હજારેક જેટલું ધન આવતું તે અનુમાનથી હું લખું છું. જેટલી આવક થતી તેટલો ખર્ચ શ્રીહરિ કરવા દેતા. ક્યારેય ધનને ભેળું (સંચય) ન કરાવતા. વધારાના ધનમાંથી બ્રાહ્મણ જમાડતા, મંદિરો કરતા.”

શ્રીજીમહારાજ સ્વયં પુરુષોત્તમનારાયણ હોવા છતાં પોતાના જીવન દ્વારા પોતાના આશ્રિત ગૃહસ્થ સત્સંગીમાત્રને આજીવિકા પૂરતું કમાઈ અપરિગ્રહી રહેવાની રીત શીખવાડતા.

 ધન કમાવો : સુખ-શાંતિ માટે; અશાંતિ અને ઉદ્વેગ માટે નહીં : કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે ધન શા માટે ? તો, સુખ અને શાંતિથી રહેવાય તે માટે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વધુ ને વધુ ધન કમાવાની લાલસાને કારણે હડકાયા કૂતરાની જેમ ધનની પાછળ દોડી દોડીને સમગ્ર જીવન પૂરું થઈ જાય છે. સુખ અને શાંતિ મેળવવાના ઇશકથી ધન-ઉપાર્જન કરવામાં પણ ઉદ્વેગ, અશાંતિનાં વાદળો છવાઈ જાય છે. માટે જે ધન-ઉપાર્જન સુખ-શાંતિથી થાય, કોઈ માનસિક ઉદ્વેગ કે અકળામણ ન થાય તેવું અને તેટલું ધન-ઉપાર્જન કરવું. કારણ, આ લોકમાં ગમે તેટલા ધન કમાવાથી કાંઈ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી.

 ધન કમાવો : બાળકોના સંસ્કાર અને પ્રેમના ભોગે નહીં : સંતતિના ભોગે સંપત્તિ ભેગી ન કરવી. ઘરમાં ઊછરતું બાળક માતાપિતાના પ્રેમ અને હૂંફને ઇચ્છતું હોય છે પરંતુ આજે ધનપ્રાપ્તિનું ઘેલું લાગેલાં માતાપિતા બાળકોને પૈસા આપી દે છે, તેને જોઈએ તે વસ્તુ આપે છે પરંતુ તેમના માટે પોતાનો સમય ફાળવી શકતા નથી. બાળકો પાસે બેસી તેમની વાતને સાંભળવાની દરકાર કરતા નથી. રવિવારના રજાના દિવસોમાં પણ ઓવરટાઇમ નોકરી કરે છે પરંતુ બાળકોના સંસ્કારનું શું ? તેમના ભણતરનું શું ? તેમને વાલી તરીકેનો પ્રેમ કોણ આપશે ? તેનો કોઈ વિચાર હોતો નથી. જેના કારણે બાળકો બીજે ટી.વી., પિક્ચરો કે અન્ય વિજાતિ મિત્રો પાસે પ્રેમ શોધતાં ફરે છે. માટે ધન પાછળ એવી દોટ ન મૂકવી કે બાળકોના સંસ્કાર નામશેષ થઈ જાય. બાળકો માટે પૂરતો સમય ફળવાય, તેમની પાછળ ધ્યાન અપાય અને તેમને વાલી તરીકે પ્રેમ-હૂંફ આપી શકાય તેવી રીતે ધન-ઉપાર્જન કરવું.

આ લેખમાં આપણે પ.પૂ. સ્વામીશ્રીનો ધન કમાવવા બાબતની ભલામણો જોઈ, આગામી ભલામણો આપણે આવતા લેખમાં જોઈશું.

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy