Spiritual Essay << Back
 
અંતર્યામીપણામાં સ્વાધીન
Date : 05/07/2017
 

“સત્પુરુષ છે અંતર્યામી, જીવોના અંતરનું જાણે રે;

અંતર ઉદભવતા સંકલ્પો, કહી દેખાડે આ ઠામે રે.”

અંતર્યામીપણું એ મહારાજ અને મોટાપુરુષનો આગવો અલૌકિક ગુણ છે. મોટાપુરુષ કોઈ પણ પ્રકારના આવરણે રહિત સૌના અંતરનાં સંકલ્પો અને ક્રિયાને જાણે છે. કેટલીક વાર કોઈને જણાવે અને ન પણ જણાવે, પરંતુ એમનાથી કશું જ અજાણ હોતું નથી.

ઈ.સ. 1982માં ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા એ વખતે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ ખૂબ દુર્બળ હતી. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી મંદિરમાં પાછળના ફળિયામાં વાલોળ, ગલકા, તૂરિયાં, દૂધી, ભીંડા જેવાં કેટલાંક શાકભાજી ઉગાડતા. એક દિવસ બપોરે 2 વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી ટેબલ ઉપર ચડી વાલોળ ઉતારી રહ્યા હતા. ત્યારે એક સંતે મંદિરમાંથી આ દૃશ્ય જોયું તો તેમને સંકલ્પ થયો કે, “પ.પૂ. બાપજી આવા મોટા દિવ્યપુરુષ છે છતાં આવી નાની સેવા કેમ કરે છે ? આવી સેવા તો હરિભક્તોને આપી દેવી જોઈએ.” પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી અંતર્યામીપણે આ સંકલ્પ જાણી તુરત જ ઉપર પધારી એ સંતની સામે બિરાજી ગયા. સંતે નેત્ર ખોલી જોયું તો સામે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજ્યા હતા. તેથી સંતે પૂછ્યું કે, “દયાળુ, તમે કેમ પાછા આવતા રહ્યા ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “શું કરીએ અમે વાલોળ ઉતારીએ તોય કેટલાકને સંકલ્પો થાય છે કે આવી સેવા શું કામ કરતા હશે ?” પણ કોઈને ક્યાં ખબર છે કે માત્ર વાલોળ નથી તોડતા; એ વાલોળ જે જે જમશે તે કારણ સત્સંગમાં આવશે એવા સંકલ્પ કરીએ છીએ પણ એને કોણ જાણે ?” આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે નિકટના સંતો-હરિભક્તોને અંતરના સંકલ્પો કહ્યા હોય તેવા હજારો પ્રસંગો મોજૂદ છે.

અત્યારે હાલ પૂ. આનંદસ્વામી છે તેઓનું પૂર્વાશ્રમનું નામ બહેચરભાઈ હતું. તેઓ 1987-88માં વાસણા મંદિરે સેવામાં હતા. નૂતન મંદિરમાં શ્રાવણ મહિનામાં પ્રથમ વખત જ હિંડોળાનું આયોજન કર્યું હતું. હિંડોળાના દિવસોમાં એક દિવસ ગાંધીનગર ખાતે શિબિર ગોઠવી હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બહેચરભાઈ અને સોમાભાઈ કે જે દાનભેટમાં બેસતા હતા. તેમને વાસણા મંદિર સાચવવા માટે રહેવાની આજ્ઞા કરી. બહેચરભાઈ હરિકૃષ્ણ મહારાજને હિંડોળામાં ઝુલાવતા હતા. તેમને મનમાં સંકલ્પ થયો કે, “સંસ્થાના સર્વે સંતો-હરિભક્તો બધા જ શિબિરમાં જવાના છે. લાભ બહુ મોટો છે. જો ગુરુવર્ય પ.પૂ. બાપજી મને શિબિરમાં એમની સાથે લઈ જાય તો સારું.”

એ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી ભોંયરામાં હરિભક્તો પાસે બેઠા હતા. પરંતુ લઘુ કરવાના બહાને ઉપર આવી બહેચરભાઈની સામે ઊભા રહી ગયા અને કહ્યું, “શું બેઠા બેઠા સંકલ્પ કરો છો ? શિબિરમાં આવવાનો સંકલ્પ મૂકી દો. તમે અને સોમભાઈ ઘરના કહેવાવ; માટે તમારે અહીં મંદિર સાચવવા ને સેવા માટે રોકાવાનું છે. તમને અહીં બેઠા શિબિરનું પૂરેપૂરું ફળ આપી દીધું. હવે બીજો કોઈ સંકલ્પ ન કરશો. ” ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય શબ્દો સાંભળતાં બહેચરભાઈનો શિબિરમાં જવાનો સંકલ્પમાત્ર ટળી ગયો અને રાજી રાજી થઈ ગયા કે મારે તો ઘેર બેઠા સેવા પણ થશે અને મફતમાં શિબિરનું ફળ મળી ગયું. આવી રીતે અનેકાનેક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રેમી હરિભક્તોના મનોરથો અંતર્યામીપણે જાણી તેમના સંકલ્પો પૂરા કરી રાજી કરે. કેટલાકને અંતર્યામીપણે કસર જણાવી શુદ્ધ પાત્ર પણ કરે. સત્સંગી – બિનસત્સંગી જે જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અંતર્યામીપણાનો અનુભવ કરે છે તેઓ અહોભાવમાં ગરકાવ થઈ જાય છે.

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy