Spiritual Essay << Back
 
સહનશીલતા - 3
Date : 05/03/2018
 

શ્રીજીમહારાજના એ જ આદેશ-ઉપદેશને વરેલા એવા ગુરુવર્ય પ.પૂ.બાપજી એટલે સહનશીલતાની મૂર્તિ. પ્રતિકૂળતા અને અપમાનોની વરસતી ઝડી એ તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતજીવનનો પ્રારંભકાળ ને મધ્યકાળ હતો. કદી તેમણે દેહના સુખ સામું તો નથી જોયું પણ સ્વમાન એટલે શું તે પણ ખબર રાખી નથી. જીવનની હરએક ક્ષણ તેમણે સહનશીલતા કેળવી મહારાજ મળ્યાના આનંદમાં વિતાવી છે. કદાચ દ્વેષીઓના ત્રાસ ગુજારવાનો કે અપમાનિત વેણ બોલવાનો આરો આવે પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સહનશીલતાનો કદી આરો નથી આવ્યો.

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી સુરેન્દ્રનગરની ટ્રેનમાં મૂળી સમૈયામાં પધારી રહ્યા હતા. ટ્રેનના ડબ્બામાં સ્ત્રીઓ-પુરુષો બધાં જ હોવાથી ગુરુવર્ય પ.પૂ. બાપજી ખૂણામાં એક સીટમાં બિરાજ્યા હતા. તેમની સામે જ એક પરોક્ષના બાવાજી પણ બેઠા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતોના પંચવર્તમાન અનુસાર સ્ત્રીઓથી છેટા રહેતા હતા અને રખે ને અડી ન જાય તેનો ખટકો રાખતા હતા. પરોક્ષના બાવાજી સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી હતા. તેથી તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણના સંત છે તેવી ખબર પડતાં અપશબ્દોની ઝડી વરસાવવા માંડી. ન બોલવાનાં વેણ બોલી તિરસ્કાર કરવા લાગ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તો નતમસ્તકે નેત્ર મીંચીને માળા કરતા હતા. જાણે કે બાવાજીનું કાંઈ સાંભળતા જ ન હોય. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું મૌન જોઈ બાવાજી વધુ ઉગ્ર બન્યા અને હાથ ઊંચા કરી કરી મન ફાવે તેમ એલફેલ બોલવા લાગ્યા છતાંય ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રૂંવાડુંય ન હલ્યું.

બાવાજીના અપશબ્દોને સહન કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને જોઈ ડબ્બામાં બેઠેલા એક દરબારમાં મહારાજે પ્રવેશ કર્યો. દરબાર ઊભા થયા અને બાવાજીને હાકોટો મારી કહ્યું, ખબડદાર જો હવે એક શબ્દ બોલ્યા છો તો, બિચારા પેલા સંત કશું બોલતા નથી અને બધું સહન કરી લે છે તો તમે જેમ તેમ બોલ્યા કરો છો. હવે જો એક શબ્દ કીધો છે તો જોયા જેવી થશે. દરબારના શબ્દો સાંભળી બાવાજી ચૂપ થઈ ગયા.

પોતે સમર્થ હોવા છતાં સહેજે સહી લેવું એ જ તેમની મોટપ છે. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું છે કે, એવી સામર્થી યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકાં જરણા કરવી તે કોઈથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તો પરોક્ષના બાવાજી તરફથી તિરસ્કારની વરસતી ઝડીને સહી લીધી. પરંતુ જો આપણને પરિવારના કોઈ સભ્યો કે સંત-હરિભક્તો આવો તિરસ્કાર કે અપશબ્દો તો ન કહે પણ બે વેણ મોટેથી કહ્યાં હોય તો શું તે સમયે મૌન રહી શકાય ? માળા કરી શકીએ ? ગુરુવર્ય પ.પૂ. બાપજીની જેમ સહન કરી શકીએ ? ના... હરગિજ નહીં.

મહારાજ અને મોટાપુરુષ તો પોતે સમર્થ છે છતાં આપણને શીખવવા માટે પોતાના જીવનમાં સહનશીલતાનો ગુણ લક્ષ્યાર્થ કરીને બતાવે છે. ત્યારે આપણા જીવનમાં સહનશીલતાનું મહત્ત્વ સમજીએ અને તે ગુણની દૃઢતા કરીએ.

આપણા જીવનમાં જ્યાં સહન કરવાની વાત આવે ત્યાં આપણી વિચારસરણી કંઈક બદલાઈ જતી હોય છે. આપણે એવું વિચારીએ કે જેની પાસે કાંઈ તાકાત ન હોય, બોલી ન શકતા હોય, સામે જવાબ ન આપી શકતા હોય, લાચાર હોય, ગરીબ હોય તે સહન કરે. આપણે ક્યાં લાચાર છીએ ? પૂરા સક્ષમ છીએ તો શા માટે કોઈનું સહન કરવાનું ? તો આપણી આવી વિચારસરણી બહુ મોટી ભૂલભરેલી છે.

‘Tolerance is not a sign of weakness but a sing of strength.’ અર્થાત્ સહનશીલતા એ નિર્બળતાની નિશાની નથી પણ સધ્ધરતાની (પ્રચંડ શક્તિની) નિશાની છે.

સહનશીલતાનો ગુણ દૃઢ કરવાથી વ્યક્તિ ગમે તેવા સમય-સંજોગોમાં પણ સ્થિર રહી શકે છે. કોઈની ઉપર ક્રોધ, ઈર્ષ્યા, આંટી કે અન્ય દોષો ઊભા થતા નથી. તેનાથી તે વ્યક્તિમાં રહેલી પવિત્ર આંતરિક શક્તિથી સામેનાનું પરિવર્તન થઈ જાય છે.

એક મહાત્માજીને નિત્ય પ્રત્યે નદીએ સ્નાન કરવા જવાનો નિયમ હતો. તેઓ સ્નાન કરી પાછા ફરે એ વખતે એક પઠાણ તેમના પર પાન થૂંકતો. તેથી મહાત્માજી પાછા નદીએ જઈ સ્નાન કરી આવતા. આવું તો રોજ બનતું હતું. એક દિવસ મહાત્માજી બીજી વાર સ્નાન કરી આવ્યા ત્યારે પઠાણ ફરીથી તેમની ઉપર થૂંક્યાં. તેઓ ત્રીજી વાર સ્નાન કરી આવ્યા ત્યારે ફરી પઠાણ એમની ઉપર થૂંક્યા. આવું તો છ છ વાર બન્યું છતાં મહાત્માજીએ પોતાના સહનશીલ અને ક્ષમાશીલ સ્વભાવને અવિચળ જાળવી રાખ્યો. મહાત્માજીની આવી પવિત્ર સહનશક્તિ જોઈ પઠાણનું હૃદયપરિવર્તન થયું અને તેમના ચરણમાં પડી માફી માંગી. જે તેમની ઉપર થૂંકતા હતા તે જ પઠાણ તેમના પ્રશંસક અને આશ્રિત થઈ ગયા. એકમાત્ર સહનશીલતાના ગુણના પ્રભાવે.

આવી રીતે આપણા જીવનમાં પણ જેટલો સહનશીલતાનો ગુણ વધુ ને વધુ દૃઢ થાય એટલા આપણે બીજાને બદલવા નહિ પડે બીજા સૌ પોતાની જાતે જ બદલાઈ જશે. સાચા હૃદયથી સહન કર્યું હોય તો મહારાજ અને મોટાપુરુષ પણ ભેગા ભળે અને આપણને આવી પડેલી આંતરિક કે આધ્યાત્મિક આપત્તિમાંથી બહાર કાઢે છે. વર્તમાનકાળે સત્સંગમાં એવાં કેટલાંય પાત્રો છે જેમના ઘરમાં પહેલાં કુસંગ હતો પણ સત્સંગ માટે થઈ સહન કર્યું હોય તો આજે આખા પરિવાર તો સત્સંગના રંગે રંગાયા છે પરંતુ તેમના દીકરા-દીકરીને પણ ત્યાગાશ્રમના માર્ગે અર્પણ કરી દીધા છે. આ સહનશીલતાના ગુણથી કેટલાય પરિવારના પ્રશ્નો ટળી ગયા છે. આત્મીયતા અખંડિત બની છે, સત્સંગ સરાધાર પાર ઊતર્યા છે. માટે આપણા જીવનના અતિ અતિ મહત્ત્વના એવા સહનશીલતાના ગુણને ચરિતાર્થ કરવા આટલું કરીએ.

1.           હશે હશેની ભાવનાથી માફ કરતા શીખીએ :

સમય-સંજોગ અનુસાર સૌની સ્થિતિ-પરિસ્થિતિ અને વિચારધારા બદલાતી હોય છે. તેનાથી કદાચ આપણે કંઈ સહન કરવું પડે તો તેમના પ્રત્યે ઘૃણા ન લાવવી, હશે હશેની ભાવના રાખવી કે હશે તેમને ખબર નથી કે અજ્ઞાન છે એટલે આવું કરે છે, નહિ તો તે ન કરત. કદાચ કોઈએ બે વેણ કહ્યાં કે આપણી ઉપર ગુસ્સો ઠાલવ્યો તોપણ તેને સહી લેવો. તેના માટે દુઃખી ન થવું. ઉપરથી તેના પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ દાખવવી.

એક વખત એક રાજા શિકાર માટે જંગલમાં જઈ રહ્યા હતા. એ વખતે તેમના માથા પર અચાનક એક મોટા પથ્થરનો ઘા થયો. પોતે રાજા હોવાથી આવા અપકૃત્ય બદલ ગુસ્સે થઈ ગયા. આજુબાજુ નજર કરી તો એક વૃધ્ધ સ્ત્રી આ કરવા બદલ છોભીલી બનીને ઊભી હતી. તેમણે પૂછ્યું કે, “આ પથ્થર કેમ માર્યો ?” ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, રાજન્, માફ કરશો પરંતુ મેં તો ઝાડ પરથી કેરી પાડવા પથ્થર ફેંક્યો હતો પણ ભૂલથી તમને વાગી ગયો. રાજાએ તરત જ વિચાર કર્યો કે, જો ઝાડને પથ્થર મારે તોપણ તે બદલામાં ક્ષમા સાથે કેરી આપે છે તો શું હું ઝાડ જેવો પણ દયાળુ નહીં ? હું તો રાજા છું; મારે તો પ્રજાને ગમે તેવા ગુના બદલ માફ કરીને વિશેષ આપવું જોઈએ.” પથ્થરના ઘાને પણ હસતા મુખે સહન કરી રાજાએ તેમના બદલામાં તેમને તત્કાલિન ભોજનની વ્યવસ્થા કરી આપી તેમજ આજીવન એમના નિર્વાહ માટે વર્ષાસન બંધાવી આપ્યું.

આપણને તો કોઈ પથ્થરનો ઘા નથી મારવાનું પરંતુ કંઈક બે વેણ કે અલ્પ દેહનો ઘસારો સહન કરવાનો થાય ત્યારે આપણું હ્દય સહાનુભૂતિ અને દયા, કરુણાથી ભરાઈ જવું જોઈએ અને તેના પ્રત્યે હશે હશેની ભાવના રાખવી.

2.           મોટું પેટ રાખીએ :

ચોમાસામાં વરસાદ પડતાં નદીઓમાં પાણીની સાથે કચરો પણ તણાઈને આવતો હોય છે; નદીઓ સમુદ્રમાં પાણીની સાથે કચરો પણ તાણી લાવે છે છતાં સમુદ્ર માત્ર નદીના પાણીને જ નહિ પરંતુ મોટું પેટ રાખીને કચરાને પણ સહી લે છે તેમ આપણા જીવનમાં પણ કોઈના સારા-નરસા સ્વભાવ-પ્રકૃતિ કે કાર્યો હોય તેને મોટું પેટ રાખીને સહન કરીએ. કદી કોઈના પ્રત્યે ઘૃણા કે નફરત ન કરવી, સૌને હસતે મુખે સહી લેતા શીખીએ.

3.           કોઈની રોકટોક અને સલાહ-સૂચનને ગમાડીએ :

 આપણે આપણી જાતને પૂર્ણ જ માનીએ છીએ. આપણને એવું જ લાગે છે કે, હું જે કાંઈ કરું છું તે બધું બરાબર જ છે. પરિણામે જો કોઈ રોકટોક કરે કે કોઈ કાર્ય માટે કે આપણા જીવન માટે સલાહ આપે તો તેને આપણે અવગણી નાખીએ છીએ અથવા સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર કરી દઈએ છીએ અથવા તો સામે એવો જવાબ આપી દઈએ કે ફરી આપણને રોકટોક કરી જ ન શકે. પરંતુ તેનાથી આપણા જીવનની પ્રગતિ ન થાય. ભૂલ પણ ન સુધરે અને જીવનમાં બદલાવ પણ ન આવે માટે કોઈ રોકટોક કરે તો તેને સહર્ષતાથી સહન કરીએ, સ્વીકારીએ.

4.           ધીરજતા કેળવવી :

ક્યારેક કોઈ વ્યક્તિ પરત્વેથી કે સમય-સંજોગથી આપણા જીવનમાં સહન કરવું પડતું હોય ત્યારે શરૂઆતમાં તો આપણે સહન કરીએ પરંતુ છેવટે ધીરજ ગુમાવી બેસીએ ત્યારે જેટલું સહન કર્યું હોય તેના કરતાં વધારે બેહૂદું વર્તન થઈ જતું હોય. પરંતુ સહનશીલતા ધીરજતા રાખવાથી જ કેળવાય છે. ગમે તેવા સમય-સંજોગ-પરિસ્થિતિને ધીરજ રાખી હસતા મુખે સહન કરવાની કળા શીખવાથી જ જીવનમાં સફળતા મેળવી શકાય છે.

5.           સમજણ કેળવવી :

જે કાંઈ થયું છે, થાય છે ને થશે તે મહારાજની મરજીનું જ પરિણામ છે. મરજીમાં રહેવું એ જ આપણો પરમ ધર્મ છે. આપણા જીવનમાં કાયમ માટે મહારાજના કર્તાપણાની સમજણ દૃઢ કરવાથી આવી પડેલી આપત્તિઓ-વિઘ્નોમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય. માટે આપણા જીવનમાં અતિ મહત્ત્વના આ સહનશીલતાના ગુણને ચરિતાર્થ કરીએ એ જ અભ્યર્થના.

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy