Spiritual Essay << Back
 
સુહૃદભાવ - 2
Date : 12/05/2018
 

સુહૃદભાવરૂપી ગુણ આપણા રોજબરોજના જીવનમાં ક્યાં ક્યાં કેળવવાની જરૂર છે તેનું માર્ગદર્શન મેળવીએ.

એક નગરમાં ચાર વણિક ભાઈઓ તેમનાં માતાપિતા તથા પુત્ર-પરિવાર સાથે હળીમળીને રહેતા હતા. પરંતુ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ દુર્બળ હતી. આર્થિક પરિસ્થિતિને સુધારવા પ્રભુ-પ્રસન્નતા સિવાય બીજો કોઈ ઉપાય હવે બચ્યો નથી એવું જાણી ચારેય ભાઈઓએ જંગલમાં જઈ તપથી પ્રભુને પ્રસન્ન કરવાનું વિચાર્યું.

એક દિવસ ચારેય ભાઈઓએ જંગલની વાટ પકડી. જંગલમાં એક પર્ણકુટિર બનાવી ચારેય ભાઈઓએ નિવાસ કર્યો. તપ અને પ્રભુભક્તિની સાથે દેહનિર્વાહ કરવો પણ જરૂરી હોવાથી ચારેય ભાઈઓએ સેવા વહેંચી લીધી. સૌથી મોટા ભાઈએ કહ્યું કે, “હું જંગલમાંથી લાકડાં શોધી લાવીશ.” બીજા નંબરના ભાઈએ કહ્યું કે, “હું નગરમાં ઝોળી માગવા જઈશ.” ત્રીજા ભાઈએ કહ્યું કે, “હું પાણી લાવીશ તથા રસોઈ બનાવીશ.” ચોથા ભાઈએ કહ્યું કે, “હું વાસણ સાફ કરીશ તથા પર્ણકુટિર સાફ કરીશ.” આવી રીતે સેવાની વહેંચણી કરી, ચારેય ભાઈઓ તપશ્ચર્યા અને પ્રભુભક્તિ સાથે આત્મીયતાથી દિવસો પસાર કરી રહ્યા હતા.

ચારેય ભાઈઓમાં રહેલ સુહૃદભાવ અને એકતાના પરિણામે એક દિવસ ભગવાને વનવાસીનું રૂપ લઈ ચારેયની પરીક્ષા લેવાનું વિચાર્યું. ભગવાન વનવાસીનું રૂપ લઈ પહેલાં લાકડા લાવવાવાળા ભાઈ પાસે ગયા અને કહ્યું કે, “તું ભલે તારા ભાઈઓ માટે લાકડાં લાવવાની મજૂરી કરે છે પરંતુ તેઓ તારા વિષે ખરાબ બોલે છે અને તારું સારું ઇચ્છતા નથી.” એવી વાત કરી એકબીજાનાં મન જુદાં કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આટલું સાંભળતાં જ તે બોલ્યો, “અરે ! મારો ભાઈ મારા માટે આવું બોલે જ નહીં. અને કદાચ કંઈ કીધું હોય તોય મારો ભાઈ છે. તમે કોણ અમારી વચ્ચે તિરાડ ઊભી કરનારા ? ખબરદાર મારા ભાઈ માટે એક પણ શબ્દ બોલ્યા છો તો ! આ દુનિયામાં મારે મન મારા ભાઈથી અધિક કોઈ નથી. માટે તમે રસ્તો ભૂલ્યા.” આવો સણસણતો જવાબ સાંભળી વનવાસી વેશે આવેલા ભગવાન ત્યાંથી નીકળી ગયા અને બીજા ભાઈ પાસે નદીએ ગયા. એમ વારાફરતી ભિક્ષા માગનારા અને પછી પર્ણકુટિર સાફ કરતા ભાઈ પાસે ગયા.

ચારેયને એકબીજાના અભાવ-અવગુણની વાત કહેવા છતાંય આશ્ચર્યકારક વાત તો એ બની કે, ચારેય પાસેથી એક જ જવાબ મળ્યો. ચારેય ભાઈ પોતાના ભાઈઓ માટે પોણી સોળઆની વાત સાંભળવા તૈયાર નહોતા. તેમની વચ્ચે મને કરીને જરા પણ છેટાપણું નહોતું. તેમની વચ્ચે મને કરીને એકતા હતી. તેથી ભગવાન પણ તેમની આત્મીયતાને ન તોડી શક્યા. તે જોઈ ભગવાને પ્રસન્ન થઈ તેમના ઇચ્છિત મનોરથ પૂર્ણ કર્યા અને પોતાના ઘરે પાછા ફરવાનું કહ્યું.

આને કહેવાય મનની એકતા - સુહૃદભાવ કે જે કોઈનો તોડ્યો તોડી નથી શકાતો.

સુહૃદભાવની અદૃશ્ય દુનિયામાં જે પ્રવેશે તે જ સુહૃદભાવને માણી શકે. તે વિના સુહૃદભાવવાળી વ્યક્તિની ભાવનાઓ, અભિલાષા અને લાગણીઓને સમજી પણ ન શકાય. એ તો જ્યારે એમના સ્થાને બેસીને વિચારવામાં આવે ત્યારે કંઈક તેમની સુહૃદભાવની ઉચ્ચતમ વિચારધારાને પામી શકાય.

સુહૃદભાવ બંને પક્ષે હોવો ફરજિયાત નથી. તે તો ક્યાંક એકતરફી પણ હોઈ શકે. પરંતુ તે એકતરફી સુહૃદભાવ સામેના પક્ષે જે તે વ્યક્તિના હૃદયમાં સુહૃદભાવની ચેતના પ્રગટાવનાર પ્રેરણાસ્રોત બની રહે છે. જેમ પ્રગટેલ દીવાથી જ અન્ય દીવો પ્રગટે છે તેમ સુહૃદયી વ્યક્તિત્વથી જ બીજા સુહૃદયી વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. તેમ કરતાં કરતાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સુહૃદભાવરૂપી સૂર્યપ્રકાશનાં અજવાળાં પથરાઈ જાય.

તેથી જ અરસપરસ સુહૃદભાવના નાતે જોડાયેલા રહેવું એ ખૂબ મહત્ત્વનું છે.

સુહૃદભાવની જરૂરિયાત :

દેહે કરીને જોડે રહેવું એને સંપ કહેવાય, પણ મને કરીને એક રહેવું એને કહેવાય સુહૃદભાવ. સંપની અખંડિતતા, શાશ્વતતા અને સલામતીનો સંપૂર્ણ આધાર સુહૃદભાવ પર છે. ઘર-પરિવાર, સમાજ કે સત્સંગમાં સભ્યો વચ્ચે પરસ્પર સુહૃદભાવ હશે તો જ લાંબા સમય સુધી સંપ જળવાયેલો રહેશે. નહિતર સુહૃદભાવના અભાવે ઘણાં વર્ષોથી જળવાયેલ સંપને ક્ષણવારમાં કુસંપમાં પરિણમતા વાર નથી લાગતી. કૌટુંબિક પ્રશ્નો કે ધંધા-વ્યવહારમાં સુહૃદભાવના અભાવે પરિવારના સભ્યોની લાગણી દુભવી દેવામાં આવે, તેમને સમજી ન શકાય, તેમની ઉપેક્ષા કરવામાં આવે તો પરિવારના સભ્યોનાં મન જુદાં પડી જાય છે અંદરોઅંદર એકબીજા વચ્ચેનાં અંતર વધતાં જાય છે અને અંતે આત્મીયતાનું ખંડન (નાશ) થાય છે. પરિણામે મહારાજ અને મોટાપુરુષનો રાજીપો ચાલ્યો જાય છે. પ.પૂ. સ્વામીશ્રી આ અંગે કાયમ જણાવે છે કે, “અમારી દૃષ્ટિએ નિષ્કામી વર્તમાન કરતાં પણ આત્મીયતાનું મૂલ્ય અનેકગણું છે. અમારો ખરો રાજીપો તેમાં છે.” સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “જ્યાં એકબીજાનાં મન નોખાં પડે ત્યાં અધર્મના સર્ગનો પ્રવેશ થાય છે.”

જ્યાં એકબીજાનાં મન જુદાં થાય છે ત્યાં આત્મીયતા જળવાતી નથી. પરિણામે ઝઘડા-કંકાસ, ઉદ્વેગ, પ્રશ્નો, મૂંઝવણ, ક્રોધ-અકળામણ, વાદવિવાદ, ઈર્ષ્યા, મારું-તારું, અહમ્‌-મમત્વ વગેરે અધર્મના સર્ગરૂપી દોષો કુટુંબે સહિત આવીને નિવાસ કરે છે કે જે પરિવારની સુખ-શાંતિ અને આનંદને હણી લે છે. આવા સર્વોપરી, સનાતન ભગવાન સ્વામિનારાયણ, મોટાપુરુષ અને મહામોંઘા કારણ સત્સંગની પ્રાપ્તિ થઈ હોવા છતાં દુઃખિયા મટાતું નથી અને સુખિયા રહી શકાતું નથી તેનું મુખ્ય કારણ અરસપરસ સભ્યોનાં મનની જુદાઈ અર્થાત્‌ સુહૃદભાવનો અભાવ છે.

ઘણી વખત એવું બનતું હોય છે કે ઘર એક હોય પણ મન નોખાં (જુદાં) હોય. પણ આવું ક્યાં સુધી ચાલે ? આજે મનની જુદાઈ છે તો આવતી કાલે તનની જુદાઈ થતાં વાર નહિ લાગે. તનની જુદાઈ મનની જુદાઈથી જ થાય છે. મોટી મોટી સલ્તનતોનાં પતન પણ મનભેદના કારણે જ થયાં છે.

માટે, ઘર-પરિવાર, સમાજ કે સત્સંગમાં શાશ્વત આત્મીયતાના સર્જન તેમજ સુખદ અને આનંદમય જીવનને માણવા માટે સુહૃદભાવને દૃઢ કરવો ખૂબ જરૂરી છે.

આપણા જીવનમાં સુહૃદભાવ કેળવવામાં જ્યાં જ્યાં કાચ્યપ રહેતી હોય તેને નિવારવા કટ્ટીબદ્ધ બનીએ.

 

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy