Spiritual Essay << Back
 
ક્ષમાયાચના -1
Date : 19/07/2018
 

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્.’ ક્ષમા એ વીરનું આભૂષણ છે, એ આભૂષણને ધારણ કેવી રીતે કરવું ? તેનું માર્ગદર્શન મેળવીએ.

દરેક વ્યક્તિ સમૂહજીવનમાં જ રહે છે. દુનિયાની સાડા સાતસો કરોડ કરતાં પણ વધુ એવી માનવમેદનીમાં કોઈ બે વ્યક્તિના પણ ચહેરા સરખા હોતા નથી, તેમાં કાંઈક તો ફેરફાર હોય જ છે. દરેકની ડાઈ જુદી જ હોય છે. તેમ સમૂહજીવનમાં રહેનાર દરેક વ્યક્તિના સ્વભાવ, રીતભાત, મત-મતાંતર બધું જુદું જ હોય છે અને સર્વદા રહે છે. આવી સ્થિતિ-પરિસ્થિતિમાં એકબીજા વચ્ચે સંવાદિતા સાધવા, પારસ્પરિક સંબંધો સુહૃદભાવભર્યા જાળવવા, સુખ-શાંતિમય જીવન વિતાવવા ‘ક્ષમાયાચના’ એ અકસીર ઔષધ છે.

ક્ષમા એટલે શું ? તો,

ક્ષ - ક્ષણનો પણ વિલંબ કર્યા વિના

મા - માફી માગવી - માફી યાચવી

ક્ષમાયાચના એ વાણી, વર્તન, વિચાર, મનથી કે પત્ર વગેરે દ્વારા પ્રદર્શિત થતી અંતરની વિમલ ભાવનાઓ છે. ક્ષમાયાચના એટલે વ્યક્તિના પોતાનામાં રહેલા સત્ત્વ અને સત્યને પસ્તાવા રૂપે વર્તનમાં પરિવર્તિત કરવાનો સ્વયંભૂ નિર્ણય.

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌’ આ ઉક્તિને સાંભળવા છતાં રોજબરોજના જીવનમાં ક્ષમા માગવાની વાત આવે ત્યારે બહુધા વ્યક્તિનું માનસિક વલણ નકારાત્મક બની જાય છે. આપણને સૌને ક્ષમા માગવી ઉચિત લાગતી નથી એટલે કે ક્ષમા માગવી એ લાચારી અને કમજોરી લાગે છે. જાણે કે પોતાનું સ્ટેટસ ઘવાતું હોય કે પોતે નાના અને નીચા થઈ જતા હોઈએ એવું અનુભવાય છે. પરંતુ ખરેખર ક્ષમા માગવી એ નામર્દાનગી નથી પરંતુ શૂરવીરતા છે; વિચારશીલ જીવનનું સાહસ છે. એટલે જ શ્રીહરિચરિત્રામૃતસાગરના પૂર-૬, તરંગ-૮૦માં આલેખ્યું છે કે, “ક્ષમા (માગવી) એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે.” જો આ કળા હસ્તગત થઈ જાય તો તેના માટે કશું અઘરું નથી. પરંતુ તેને હસ્તગત કરવી એ બાબત આપણને અઘરી લાગે છે.

 થોડા વર્ષો પહેલાં એક હરિભક્ત નૂતન વર્ષે પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. દર્શન કરી પ્રાર્થના કરતાં કહ્યું કે, “સ્વામી, આજે નવા વર્ષનો પ્રારંભ છે તો મને કંઈક નિયમ આપો.” પ.પૂ. સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું કે, “વધુ નહિ, પણ એક નિયમ આપવો છે. આજે તમે તમારા ઘરના મહિલા સભ્યની માફી માગી લેજો કે આખા વર્ષ દરમ્યાન કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, બે શબ્દો કહેવાઈ ગયા હોય તો માફ કરી દો, રાજી રહેજો.” આટલું સાંભળતાં જ પેલા ભાઈ બોલ્યા, “સ્વામી, આ કેવો નિયમ છે ? મારે એમની માફી માગવાની ? કેવું લાગે ? એ માફી માગવાનું કામ તો મહિલાઓનું છે. મારું નહીં. માટે તમે એ નહિ, બીજો નિયમ આપો. જે નિયમ આપશો તે ગમે તેવો અઘરો હશે તોય પાળીશ.” પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ઘરમાં સંપીને રહેવું હશે અને મહારાજને રાખવા હશે તો આટલું કરવું જ પડશે. આ એક નિયમમાં બધા નિયમ આવી ગયા. મહારાજના ભાવથી તેમની માફી માગજો, ધર્મપત્ની તરીકે નહિ જ.”

તેમ છતાં તે હરિભક્ત ક્ષમાયાચના કરવા માટે તૈયાર ન થયા. તેમને શરમ આવતી હતી અને પોતે ન્યૂન થઈ જતા હોય તેવું લાગતું હતું. પ.પૂ. સ્વામીશ્રીએ તેમને અતિશે આગ્રહ કરી ક્ષમાયાચનાનું મૂલ્ય સમજાવ્યું ત્યારે પરાણે કમને ક્ષમાયાચના કરવા તૈયાર થયા પરંતુ તેમનું અંતર આ વાતને સહર્ષ સ્વીકારતું ન હતું. તેમને ક્ષમાયાચના કરવાની બાબત તેમના જીવન સાથે સેટ ન થતી હોય તેવું લાગતું હતું.

ક્ષમા માગવી એ એક એવું અમોઘ શસ્ત્ર છે કે જે વાપરે તેને અને તેના માટે અન્યને કોઈ પ્રશ્નો રહેતા જ નથી. જે પોતાના અહંકારના ચૂરા બોલાવી, અંતરની ઊર્મિઓથી બીજાના અંતર સાથે ભળવાની તક આપે છે. ને તે જ તક તેને મહાન વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. દુનિયાના કોઈ પણ મહાન વ્યક્તિ હોય તેમના જીવનમાં પણ પાયા સ્વરૂપે ક્ષમાનો ગુણ રહેલો હોય છે. તેમની ક્ષમાયાચના કરવાની સહજતા જ તેમની મહાનતાનો ખ્યાલ આપે છે.

મહાનતાના ગુણો પામવા માટે ક્ષમાયાચના કરતા શીખીએ.

 

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy