પૂ.સ્વામીશ્રીએ એક હરિભકતનું ઉજજડ કપાળ દેખી તેને હવેથી કાયમ તિલક-ચાંદલો કરવાનું સૂચન કર્યું ત્યારે હરિભકતે કહ્યું. “દયાળુ ! રાજી રહેજો ! મારાથી એ નહિ થાય ! આશ્ચર્ય સહ પૂ,સ્વામીશ્રીએ પૂછયું, “કેમ, વળી ? એમાં કયાં મોટી ધાડય મારવાની છે તે નહિ થાય ?” હરિભકતે પૂ.સ્વામીશ્રી સમક્ષ જેવું હતું તેવું નિર્દોષભાવે કહી દીધું. “ મારે એક કુટેવ છે. મને પિકચર જોવાનો ગાંડો શોખ છે. અઠવાડિયે એક વાર થિયેટર પર જવું જ પડે. જો હું તિલક-ચાંદલો કરું તો મારે બધુંય બંધ કરવું પડે ! નહિતર હું પાપમાં પડુ. અને એ મારાથી બંધ થાય એમ નથી. મારા માટે એ બહુ અઘરું છે. માટે રાજી રહેજો.”
હરિભકતની વાત સાંભળી પૂ.સ્વામીશ્રીએ કહું. “ભલે હમણાં કુટેવ રહેતી પણ તિલક-ચાંદલો કરવાની એક સુટેવ પાડો. તમને જરૂર ફાયદો થશે. અને નુકશાન તો છે જ નહિ. એટલે આટલું નિયમ તો રાખો જ.” હરિભક્ત પૂ,સ્વામીશ્રીના હેતાળ વચનોને ઠેલી શકયા નહિ. કમને પણ તિલક-ચાંદલો કરવાનો શરૂ કર્યો. એક દિવસ કુટેવને વશ ફિલ્મ જોવા થિયેટરમાં ગયા. ટિકિટ માટેની લાઇનમાં ગોઠવાઇ ગયા. બારી પાસે બીજો ત્રીજો નંબર જ હતો. ત્યાં આજુબાજુવાળા તેમના કપાળ સામું જોઇ પછી વેધક દ્રષ્ટિથી એના મોં સામું જુએ.હરિભકતને થયું કે કેમ લોકો મારા સામું જુએ છે ? ત્યાં કોઇક બોલ્યુ, “ભલા માણસ, કપાળે આવો સરસ તિલક-ચાંદલો કર્યો છે ને ફિલ્મો જુઓ છો ? આવી રીતે ટિકિટ લેવા લાઇનમાં ઊભા છો તે શરમ નથી આવતી ? અને ખરેખર સત્સંગી ભાઇ શરમાઇ ગયા. વાતની જીવમાં ચોંટ લાગી ગઇ. અને તરત ટિકિટ બારીએ નંબર આવ્યો છતાં ટિકિટ લીધા વગર રવાના થઇ ગયા. હવે પછી કદી ફિલ્મ નહિ જોવાની પ્રતિજ્ઞા લઇ લીધી. જો કે આજના હોશિયાર માણસો હોશિયારી વાપરશે. બીજી વખત તિલક-ચાંદલો ભૂંસીને લાઇનમાં ઉભા રહેશે, ખરું ને?”
વડોદરાના આપણા એક સત્સંગી યુવાન,ભણવામાં ખૂબ જ તેજસ્વી અને ૧૯૬૮માં બોર્ડમાં એમનો નંબર આવેલો તેવા સત્સંગી ભાઇ કપાળે સુંદર તિલક-ચાંદલો પણ નિયમિત કરે. આગળ અભ્યાસ માટે કોલેજમાં એડમિશન મેળવેલું. કોલેજના વાતાવરણમાં પણ તિલક-ચાંદલો તો નિયમિત કરવાનો જ. એમાં કદી કોઇની શેહ-શરમ નહિ. કોલેજના વિદ્યાર્થીઓ મારા માટે શું વિચારશે એની બીક કે ડર કે ક્ષોભ નહિ. એ કોલેજના પ્રિન્સિપાલ આને રોજ કપાળે તિલક-ચાંદલા સાથે જુએ. પ્રિન્સિપાલ વિચિત્ર હતા. એને ટીલાં-ટપકાં પ્રત્યે પૂર્વાગ્રહ.
એક દિવસ એ સત્સંગીને પોતાની કેબિનમાં બોલાવીને કહ્યું, “ આ કોલેજ છે – મંદિર નથી. આવાં ટીલાં-ટપકાં કરીને આવવું નહિ. ટીલાં-ટપકાં મને પસંદ નથી માટે કોલેજમાં આવું ટીલું કરીને આવવું નહિ.” પ્રિન્સિપાલની આવી કડક ચેતવણી સાંભળી સત્સંગી યુવક ડર્યો નહિ, પોતે ખૂબ જ હોશિયાર હતા. અને સત્સંગ પ્રત્યેનું ગૌરવ અદ્દભૂત હતું. એણે ખુમારીથી પ્રિન્સિપાલને જવાબ આપ્યો, “સર, તમે કોલેજના પ્રિન્સિપાલ છો નહિ કે મારા તિલક-ચાંદલાના. સાંભળો, આ તિલક-ચાંદલો હું કદાપિ છોડી શકું એમ નથી. અને જો તમે મને બહુ જ પ્રેસર કરશો તો હું કોલેજ છોડી દઇશ પણ તિલક-ચાંદલો હરગિજ નહિ છોડું.” આવું સ્પષ્ટ નીડર હાજરજવાબીપણું સાંભળી પ્રિન્સિપાલ તો સડક થઇ ગયા. એને ફરી કશું જ કહ્યા વિના જવા દીધો. આ છે શ્રીજીમહારાજે આપેલ તિલક-ચાંદલાનું સત્સંગીને મન ગૌરવ !
જયારે ઘણા કિશોરો સવારે પૂજામાં તિલક-ચાંદલો કરે પણ કોલેજ જવાનું થાય ત્યારે ભૂંસી નાખે !
૧૯૮૬માં આપણા વાસણા મંદિરનું બાંઘકામ પૂરજોશમાં ચાલતું હતું. એ વખતે પૂ,સ્વામીશ્રી અને સંતો નાનકડી કાચી ઓરડીમાં રહેતા. એક સત્સંગીનો દીકરો M.com. થયેલો પણ ક્યાંય નોકરી નહિ. એ વખતે સરકારી નોકરી માટે વય મર્યાદાઅ ૨૫ વર્ષની હતી. ૨૫ વર્ષ પછી સરકારી નોકરી મળી શકે નહિ. તેને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઇન્ટરવ્યુ આવેલો. તેમાં ૧૩ સીટ જ લેવાની હતી ને અરજદારો ઘણા હતા. એટલે બપોરે ૧૨ વાગ્યે વાસણા મંદિરે પૂ.સ્વામીશ્રીને મળવા આવ્યો. પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરીને કહ્યું, “રીઝર્વ બેંકનું ઇન્ટરવ્યુ છે. મેં રિટન ટેસ્ટ (written test) પાસ કરેલ છે. પણ ઓરલ બાકી છે. તેથી આજે ઇનટરવ્યૂ આપવા ત્રણ વાગ્યે આશ્રમરોડ પર આવેલી રીઝર્વ બેંકની ઓફિસે જવાનું છે. આપ મહારાજને પ્રાર્થના કરો. આપની પ્રાર્થના મહારાજ સાંભળે છે. મારે માટે આ છેલ્લો ચાન્સ છે. મારે ૨૫ વર્ષ પૂરાં થવાની તૈયારી છે. જો અહીં નોકરી નહિ મળે તો પછી કોઇ ચાન્સ રહેતો નથી. માટે આપ કૃપા કરી આશીર્વાદ આપો.”
પૂ,સ્વામીશ્રીએ કહ્યું, “ તમારે માટે મહારાજને પ્રાર્થના કરીશ. પણ મહારાજ પ્રાર્થના નહિ સાંભળે.” “ કેમ નહિ સાંભળે ?” “તમે અમારું માનતા નથી ને એટલે !” પછી કહ્યું કે “તમે રોજ પૂજા કરો છો ?” “ હા..” “તિલક-ચાંદલો કરો છો ?” “ના..” “ તમે આ આજ્ઞા માનતા નથી ને એટલે !” સ્વામીશ્રીએ ખુલાસો કર્યો. “તો પછી દયાળુ, તમે મહારાજને પ્રાર્થના કરો. હવે કે હું કાલથી જરૂર તિલક-ચાંદલો કરીશ.” ત્યારે પૂ.સ્વામીશ્રી કહે, “કાલથી નહિ, આજથી જ કરો. આજથી જ નહિ, અત્યારથી જ શરૂ કરો.” એમ કહી કહ્યું, “લાવો, તમને તિલક-ચાંદલો કરી આપું. અને તિલક-ચાંદલો કરીને જ ઇન્ટરવ્યૂ આપવા જાવ.” “પણ, સ્વામી દયાળુ, રાજી રહેજો. આજે રહેવા દો, કાલથી જરૂર કરીશ. આજે ઇન્ટરવ્યૂ આપવાનો છે. અને ત્યાં સાહેબોને મળવા જવાનું છે. માટે, આજે રહેવા દો તો સારું.” ત્યારે પૂ.સ્વામીશ્રી કહે, “તું જેને મળવા જવાનો છે એના કરતાંય મોટા સાહેબનો તિલક-ચાંદલો છે ! અને એનાથી મોટા સાહેબ કોઇ નથી.” “પણ સ્વામી શરમ બહુ આવે છે.” પૂ.સ્વામીશ્રી કહે, “તને તો તારો તિલક-ચાંદલો દેખાતો નથી પછી શાની શરમ આવે ? બોલ, તું રોજ તિલક-ચાંદલો કરવાનો હોય ને અત્યારે કરીને જાય તો અમારી પ્રાર્થના મહારાજ જરૂર સાંભળશે. મહારાજની આજ્ઞામાં વર્તો તો સંત રાજી થાય અને સંત રાજી થાય તો મહારાજ તરત રાજી થાય.”
હરિભકતને ખરી ગરજ હતી એટલે મને-કમને પણ પૂ,સ્વામીશ્રીના હસ્તે તિલક-ચાંદલો કરીને ઇન્ટરવ્યૂ આપવા ગયા. ઇન્ટરવ્યુમાં એમનો ૧૮૭મો ટોક્ન હતો. વારાફરતી બધાયના નંબર આવતા ગયા એમ આ હરિભકતનો પણ નંબર આવ્યો. ઇન્ટરવ્યૂ લેવા સાત સાહેબોની પેનલ બેઠેલી હતી. એમાં મુખ્ય સાહેબ હતા તે સત્સંગી હતા. જોકે તેમણે તિલક-ચાંદલો કરેલો નહિ. પણ પેલા હરિભકતે તિલક-ચાંદલો કર્યો હતો તે જોયું હતું. બીજા કોઇ સાહેબ પ્રશ્ન પૂછે એ પહેલાં આ મુખ્ય સાહેબે પ્રશ્ન પૂછયો, “નિયમ,નિશ્ચય અને પક્ષ એટલે શું ? હવે આ પ્રશ્ન તો ગઢડા મઘ્ય પ્રકરણના ૬૧મા વચનામૃતનો હતો. આ હરિભક્ત સમાગમ રોજ કરતો એટલે તરત ઉત્તર કર્યો, “ભગવાનના કહેલા નિયમનું પાલન કરવું તે નિયમ અને ભગવાનને સર્વોપરી જાણવા તે નિશ્ચય અને એવા નિયમ ને નિશ્ચયવાળાનો પક્ષ રાખવો એ પક્ષ રાખ્યો કહેવાય.” જવાબ સાંભળી પેલા મુખ્ય સાહેબે ગળાની કંઠી દેખાડી કહ્યું, “મારે પણ તમારો પક્ષ રાખવો પડશે.” અને એ હરિભકતને નોકરી મળી ગઇ. ફકત ૧૩ સીટમાં એમનો નંબર લાગી ગયો. ભલે આજ્ઞા નાનકડી છે પણ રાજીપો મોટો થઇ ગયો.
સુરેન્દ્રનગરના એક હરિભકત જયેશભાઇ મણિયાર છે. પોતે જ્ઞાતિએ જૈન વાણિયા છે. પરંતુ સ્વામિનારાયણના સત્સંગી છે. સત્સંગી છે એટલું જ નહિ, સર્વોપરી નિષ્ઠાવાળા સત્સંગી છે. એમનો દીકરો ખિલેન ભણવામાં ખૂબ જ હોશિયાર. તે પોતે સી.યુ.શાહ કોલેજમાં BCA નો કોર્સ કરે. કાયમ એનો દરેક સેમિસ્ટરમાં કોલેજમાં પ્રથમ નંબર જ આવે. પરંતુ યુનિવર્સિટીમાં બીજો નંબર આવે. આવું ચાર સેમિસ્ટર સુઘી ચાલ્યું. એક વખતે મંદિરે એના પપ્પા સાથે દર્શન કરવા આવ્યો. પૂ.સંતોએ ખિલેનને કહ્યું, “તું તિલક-ચાંદલો નિયમિત કરવાનું ચાલુ કર. મહારાજ રાજી થશે. મહારાજ રાજી થશે તો યુનિવર્સિટીમાં પણ પહેલો નંબર આવશે.” અને ખિલેને વચન માની નિયમિત તિલક-ચાંદલો કરી કોલેજ જતો થયો. પાંચમાં સેમિસ્ટરમાં મહારાજને કરવું ને કોલેજમાં પ્રથમ નંબર આવ્યો. ને યુનિવર્સિટમાં પણ પ્રથમ નંબર આવ્યો. તિલક-ચાંદલો કરવાનું થોડો સમય બરાબર ચાલ્યું. પાછો એ આજ્ઞાનો ભંગ કર્યો તો જયારે છઠ્ઠા સેમિસ્ટરમાં એનો નંબર છઠ્ઠો આવ્યો ત્યારે ખૂબ પસ્તાવો થયો. ત્યાર પછી આજે તો એ MCA પણ થઇ ગયો અને નિયમિત તિલક-ચાંદલો પણ કરે છે.
આપણા ઘણા કિશોરો વિદેશમાં વસે છે ત્યાં તેઓ અચૂક તિલક-ચાંદલો કરતા હોય છે. દુબઇમાં આપણા કિશોરો છે તે મુસ્લિમ દેશમાં તિલક-ચાંદલો કરવો એ ઘણું અઘરું છે. છતાં તેઓ તિલક-ચાંદલાનો નિયમ ચૂકતા નથી. એક કિશોર પોતે સિવિલ એન્જિનિયર છે. તેને દુબઇમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ટરવ્યુ હતો. તેને તિલક-ચાંદલો કરવાની નિયમિત ટેવ એટલે કપાળે તિલક-ચાંદલો હતો. ઇન્ટરવ્યુ લેનાર અરબી હતો. ઇન્ટરવ્યુ ખૂબ જ સારો ગયો. નોકરી પાકી જ હતી. પણ અરબીએ તેના કપાળ સામે જોઇ પૂછયું. “આ શું કર્યુ છે ? શેનું ચિહન છે ?” સત્સંગી કિશોરે કહ્યું, “ આ અમારા ઇષ્ટદેવનો તિલક-ચાંદલો છે અમારા ઘર્મનું પ્રતીક છે.” અરબીએ રીજકટેડ કરી દીધો. સત્સંગી કિશોરને થોડો ચચરાટ જરૂર થયો કે તિલક-ચાંદલાના હિસાબે નોકરી મળી નહિ. પરંતુ તેણે તિલક-ચાંદલો બંધ કર્યો નહિ અને થોડા જ દિવસમાં મહારાજને કરવું ને તેથી ડબલ પગારવાળી બીજી નોકરી મળી ગઇ.
ગમે તેવા દેશકાળમાંય પોતાના ઇષ્ટદેવના ગૌરવ સમા તિલક-ચાંદલાથી અળગા ન થાય કે તિલક-ચાંદલાને કપાળેથી અળગો ન કરે તેવા ખુમારીવાળા સત્સંગીઓ મહારાજને બહુ વ્હાલા છે.
અને જે લોકલાજથી ડરે છે, ને તિલક-ચાંદલો કરવામાં ખચકાટ અનુભવે છે એવા માટે મુકતાનંદ સ્વામીએ કહ્યું છે,
“લોકનકી લાજ ડરું , જો ન ભકત ચિહન ધરું,
પાવક કે મધ્યે મેરે , તનકુ પ્રજારિયો..” |