Ideology
 
   
     
 
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

       એક મોટા શહેરમાં ફુટપાથ પર શિયાળાની એક રાત્રે કડકડતી ઠંડીમાં કેટલાક ગરીબ લોકો ટુંટીયુ વાળીને સૂતેલા. ઠંડી અસહય હતી. એવામાં ત્યાંથી એક ગાડીવાળા ભાઇ નીકળ્યા. ભાઇને આ ઠંડીમાં સૂતેલા લોકો ઉપર દયા આવી. એટલે રાતોરાત નવા ધાબળાની આખી ટ્રક ભરી લાવ્યા. અને દરેક સૂતેલા માણસો પર એક એક ધાબળો ઓઢાડી દીધો.

       સવારે આ સૂતેલા સૌ ઉઠયા. ઊઠીને જોયું તો દરેકને એક એક નવો ધાબળો કોઇએ ઓઢાડેલો. તેઓ તો આનંદમાં આવી ગયા અને બધા એક દુકાને ધાબળાને અડધી કિંમતમાં વેચી આવ્યા અને તે પૈસામાંથી દારૂ પીધો. પછી આખી રાત તોફાન કર્યું. ફરી પાછા એજ માણસો એજ રીતે ટુંટીયું વાળીને સૂતા થઇ ગયા.

       આવુ બનવાનું કારણ હતું સંસ્કારનો અભાવ. જો તેમને ધાબળા આપ્યા એના કરતા સંસ્કાર આપ્યા હોત તો આવું ન બનત.

       આજે શાળા-કોલેજમાં મોટી મોટી ડીગ્રીઓ આપવામાં આવે છે. પણ સંસ્કારો અપાતા નથી. ભણતર રહ્યું છે પણ ગણતર ગયું છે.

       એક મોટા ડોકટર આવ્યા. તેમણે વાત કરી કે તેમના કુટુંબમાં બધા ભણેલા છે. દીકરો એન્જીનીયર છે. પુત્રવધુ ડોકટર છે. દીકરી ડોકટર છે. છતાંય ઘરમાં સભ્યોને ભેગા થયે બનતું જ નથી. તરત ઝગડો થાય છે. આમ કેમ?

       ભણી ગણી ડોકટર થયા કે વકીલ થયા પણ પછી ઓપરેશન કરાવનાર પૈસા કયાંથી લાવશે? તેનું શું થશે? એવું કંઇજ વિચાર્યા વિના મોટી મોટી ફી દર્દી પાસેથી લેવામાં તેમને કેમ દુઃખ નહીં થતું હોય?

       બેંકના મેનેજર કે ઓફિસર કક્ષાના મહિને સારામાં સારું કમાતા એ ગ્રેડના સ્ટાફવાળાએ પણ દર મહિને વ્યાજથી શરાફના ઘર કેમ ભરવા પડતા હશે?

       બે-બે કલાક માળા લઇ ભગવાન સામે બેસી રહેવા છતાંય ઘેર જઇ ઘરના સભ્યો સાથે સ્નેહની ભીનાશ કેમ નહી જળવાતી હોય?

       પોતે ગરીબી જોઇને આવ્યા હોય છતાં પણ શિક્ષકનું સર્ટીફિકેટ મળ્યા પછી વિદ્યાર્થી પાસેથી ટયુશનની મોટી આવકની આશાઓ કેમ વધતી જાય છે?

       આ બધાની પાછળ બસ એક જ જવાબ દેખાય છે કે સમાજ સંસ્કારોથી દૂર જતો જાય છે. સંસ્કારની અછતના જ આ કારણો છે. એટલે જ અંગ્રેજીમાં કહ્યું છે, "ઊરીહ ઝરટ્ઠટ્ઠિષ્ઠંીિ ૈજ ર્ઙ્મજં, ીદૃીિઅંરૈહખ્ત ૈજ ર્ઙ્મજં." એ ઉક્તિ આજે ભૂલાઇ ગઇ લાગે છે.

       સંસ્કાર એ કોઇ બજારમાં વેચાતી ચીજ નથી. એ આપી શકે ભગવાનના સંસ્કારી સત્પુરૂષ.

       બાળક તેના મા-બાપ સામે જયારે ફડ ફડ જવાબ આપે ત્યારે એ જરૂર બોલશે. "સાલામાં સંસ્કાર નથી." પણ વાલી એમ નથી વિચારતા કે અમે બે પતિ-પત્ની ખૂબ ઝઘડીએ છીએ, મારામારી કરીએ છીએ કે અમે અમારા ઘરડાં મા-બાપ સામે બોલીએ છીએ, તેમની સેવા કરતા નથી એનું શું? એ સંસ્કાર કે અસંસ્કાર?

       બાળકનો ઉછેર સમાજના સભ્યો વચ્ચે થાય છે. અને ખાસ કરીને તેના વડીલોની રીતરસમ તેના જીવનનું ઘડતર કરે છે. બાળક પૂજા કરતાં શીખે છે એ પણ ઘરમાંથી જોઇને, જયારે ઝઘડતા શીખે છે તે પણ ઘરમાંથી જોઇને.

       એક રાજા છુપાવેશે નગરચર્યા કરવા નીકળ્યો. એક ઘરમાં પ્રવેશ કરતાં તેણે જોયું કે એક પાંજરામાં પુરાયેલો પોપટ બોલી રહ્યો હતો. "મારી નાખો, કાપી નાખો, તોડી નાખો, ફોડી નાખો, જો જો જાય નહી." રાજા ત્યાંથી નીકળી આગળ જતાં બીજા એક ઘરમાં પ્રવેશ્યો. ત્યાં પણ બારણામાં જ એક પોપટ પાંજરામાં હતો. તે પણ બોલતો હતો, "આવો... પધારો... બેસો... ઉઠો... જમો... રમો ને આનંદ કરો."

       રાજાએ બંને પોપટની બોલી પરથી નક્કી કર્યુ કે, પહેલી વખત જે ઘરમાં ગયો તે નક્કી કોઇ કસાઇનું કે ખાટકીનું ઘર હોવું જોઇએ, જયારે બીજુ ઘર કોઇ શાહુકાર કે દિવાનનું હોવું જોઇએ. કારણકે ઘરના વાતાવરણ પરથી જ પોપટ બોલતાં શીખ્યો છે.

       આપણે રૂપિયા, સોનું-દાગીના, મકાન, મોટર વિગેરે સંપત્તિ ને કેટલી સાચવીએ છીએ? પણ આપણી સંતતિની કોઇ સાચવણી ખરી? એના સંસ્કાર પાછળ આપણે ધ્યાન નથી આપતા એજ આપણામાં રહેલી સંસ્કારોની અછત બતાવે છે.

       એક પિતા કહેતા કે મને એ વાતનો બહુ આનંદ છે કે ભલે મેં મારા બાળકોને રૂપિયા નથી આપ્યા પણ સંસ્કાર તો જરૂર આપ્યા છે. લાખો-કરોડોની મૂડી હશે પણ સંસ્કાર નહીં હોય તો મૂડી સહજમાં વેડફાઇ જશે.

       એક તત્વચિંતકે સાચે જ કહ્યું છે કે, "દુનિયાને બદલવી હોય તો બાળકોને બદલો." બાળકમાં એવી અભૂતપૂર્વ શકિત પડેલી છે કે જનાથી ધાર્યુ કામ થાય. પણ... આજના કલુષિત અસંસ્કારી વાતાવરણથી બાળકની શકિત અવળા રસ્તે વેડફાઇ રહી છે. અને તે માટે ખાસ કરીને તેના વડીલો વધુ જવાબદાર છે. એક પિતાને ખબર નહીં કે તેમનો બાળક કયા ધોરણમાં ભણે છે. તો વધુ આશા તો આપણે તેમની પાસેથી કેમ રાખી શકીએ?

       ૩પ વર્ષનો ચંબલડાકુ સોહનસિંહ જયારે ૧૦૮ ખૂન પછી પકડાયો અને તેને ફાંસીની સજા અપાઇ ત્યારે તેણ છેલ્લા શબ્દો એજ કહ્યાં કે, "હું નાનો હતો ત્યારે પહેલા કીડી-મકોડા મારતો થયો, પછી પક્ષી મારતો થયો, પછી કૂતરાના કુરકુરીયા મારતો થયો અને પછી માણસ મારતો થયો. પણ જો કીડી-મકોડા મારતા જ મારી માએ મને અટકાવ્યો હોત તો મારી આ પરિસ્થિતિ ન થઇ હોત. માટે મારી સજા માટે મારી મા જ મુખ્ય જવાબદાર છે."

       પહેલાના વખતમાં રોજ રાત્રે દાદા-દાદી બાળકોને પાસે બેસાડી ભગવાનની, શૌર્યની, સંસ્કારલક્ષી વાતો કહેતા. જયારે આજે? આજે દાદા-દાદી સાથે બેસી બાળકોને ટી.વી. પર સિનેમા કે અન્ય બિભત્સ પ્રોગ્રામો દેખાડે છે. સ્કૂલોમાં પાઠ અને કવિતાઓ પણ એવી સંસ્કારલક્ષી આવતી જેમ કે-

"ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારા નિત્ય ગાઇએ, થાય અમારા કામ."
જયારે આજે કવિતા આ પ્રકારની હોય છે. -
"કાળુડી કૂતરીને આવ્યા ગલુડીયા..."

       જયારે પાઠ શરૂ થાય તો પહેલું જ વાકય હોય... "બા ચા પા." માટે જ બાળકને ઘરનાં કે સમાજના વાતાવરણમાંથી સંસ્કાર મળવા આજે દુર્લભ બન્યું છે. જે મળે છે ફકત એવા સાચા સત્પુરૂષના સાનિધ્યથી.

       ત્યારે આવા સંસ્કાર કેન્દ્રમાં સક્રિયપણે રસ લઇ જોડાઇ જવું એ ઘણું આવકાર્ય છે. આપણાં માટે, આપણાં બાળકો માટે અને તેમના બાળકો માટે ખૂબ જરૂરી છે.
એ માટે જ આ અભ્યાસક્રમ છે. પરીક્ષાઓ છે.

       આવો એક એક પ્રકરણમાં રહેલા હાર્દને વાંચીએ, સમજીએ અને અમલમાં ઉતારીએ. એ બધાના નીચોડ એટલે જ સંસ્કાર પ્રાપ્તિ..