Ideology
 
   
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

       ભગવાનમાં અને મુકતમાં સાક્ષાતભાવ કે પ્રગટભાવ દ્રઢ કરવાનું માધ્યમ એટલે મૂર્તિ.

       પ્રેમી ભકતોના મનોરથોને, પ્રેમને, સેવાને અંગીકાર કરતું માધ્યમ એટલે મૂર્તિ.

       શ્રીજી મહારાજ અને તેમના મુકતો કયારેય જતા નથી, પણ સદાય પ્રગટ જ હોય છે. એટલે, આપણાં બાપાશ્રીએ આપણને શ્રીજીમહારાજનો એક પાયાનો સિધ્‍ધાંત સમજાવ્યો કે :-

       "જે ઘનશ્યામ મહારાજ સંવત ૧૮૩૭માં છપૈયાપુરને વિષે મનુષ્યરૂપે પ્રગટ થયા અને આ લોકમાં રહી અનેક લીલાઓ કરી જાણે અદ્રશ્ય થયા હોય તેવું પણ દેખાડયું એ મનુષ્યરૂપ મૂર્તિ, અક્ષરધામમાં જે તેજોમય છે તે મૂર્તિ અને આપણે જે મૂર્તિની સેવા-પૂજા-અર્ચન -આરાધના કરીએ છીએ એ પ્રતિમા સ્વરૂપે વિરાજમાન મૂર્તિ, આ ત્રણે સ્વરૂપમાં રોમ માત્રનો પણ ફેર નથી."

       અને એટલે જ આપણે તેમને દંડવત, દર્શન, પૂજા, આરતી, થાળ વિગેરે કરીએ છીએ. ભગવાનના સંબંધવાળા સત્પુરૂષ જયારથી એની પ્રતિષ્ઠા કરે ત્યારથી તે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ બને છે. પછી ભલે તે આરસની મૂર્તિ હોય કે નાની-મોટી ચિત્ર પ્રતિમા હોય. પછી મૂર્તિમાં ભગવાન રહ્યા છે એમ પણ ન બોલાય પણ એ મૂર્તિ જ સ્વયમ્ ભગવાન છે એમ કહેવાય. પછી આપણા પ્રેમને વશ થઇએ મૂર્તિરૂપ મહારાજ આપણી સેવાઓને અંગીકાર કરે છે, આપણી પ્રાર્થના સાંભળે છે, અને આપણા કામ કરે છે.

       જેમ સો રૂપિયાની નોટ અણસમજુ અને અજ્ઞાની બાળકને માટે કાગળીયું છે, પણ વાસ્તવમાં રૂપિયા જ છે. તેમ નાસ્તિકને માટે ફોટો છે. પણ આપણાં માટે મૂર્તિએ સાક્ષાત ભગવાન છે.

       સદ્ગુરૂ નિર્ગુણાનંદ બ્રહ્મચારી એક મંદિરમાં ભગવાનની સેવા કરતા. એક વખત સવારમાં ભગવાનને શણગાર અને વાઘા ધરાવતા તેમને પેટમાં ખૂબ દુઃખાવો ઉપાડયો. એટલે તેઓ તે ભગવાન આગળ પડદા પાછળ સૂઇ ગયા. આરતીનો સમય થવા આવેલો અને હજુ સેવા તો બધી બાકી જ હતી. સેવામાં ભગવાનને વિષે પ્રગટભાવ સમજનારા આ બ્રહ્મચારીજીએ સૂતા સૂતા પ્રેમથી મહારાજને કહ્યું, "હે દયાળુ, કયારેક સેવકને તકલીફ હોય ત્યારે આપ આપની જાતે વાઘા પહેરી લો તો કંઇ વાંધો આવે?" અને... ત્યાં તો મહારાજે પોતે જ પોતાની મેળે સૂરવાળ પહેર્યો, ઉપર અંગરખુ ધારણ કરવા માંડયું, માથે પાઘ બાંધવા માંડી. અને એમ જાતે જ બધા શણગાર ધારણ કરી લીધાં. આમ એક વખત નહી, પણ પછી તો જયારે જયારે આવું થાય ત્યારે પ્રેમી ભકતના પ્રેમને વશ થઇ ભગવાન આમ સેવા અંગીકાર કરી લેતા.

       જુઓ, આ મૂર્તિને વિષે પ્રગટભાવ. જો મૂર્તિ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ન હોય તો કંઇ આવું બને?

       એ જ રીતે તમે ભીલકુમાર એકલવ્યની વાત તો ભણ્યા હશો. એકલવ્યને ગુરુ દ્રોણાચાર્યે જયારે બાણવિદ્યા શીખવવાની ના પાડી ત્યારે એકલવ્યએ ગુરૂ દ્રોણાચાર્યની ગારાની એક મૂર્તિ બનાવી. તેમાં સાક્ષાત ભાવ કેળવ્યો અને વિદ્યા શીખવા માંડી. પછી તો આપને ખબર છે ને કે એકલવ્ય અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બાણાવાળી બન્યો. આનું મુખ્ય કારણ હતું ગુરુની પ્રતિમામાં સાક્ષાત ભાવ.

       જેમ ભગવાનની મૂર્તિ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એમ તેમના મુકતોની મૂર્તિ હોય તે પણ મુકતનું સ્વરૂપ છે. દા.ત. બાપાશ્રીની મૂર્તિએ સાક્ષાત બાપાશ્રી જ ગણાય.

       માટે આપણે મંદિરમાં દર્શન કરીએ, ઘરમંદિરની સેવા કરીએ કે આપણી પોતાની વ્યકિતગત પૂજા કરીએ કરીએ કે પછી આરતી કે થાળ કરીએ પણ એમાં સાક્ષાત મહારાજની અને તેમના મુકતોની હું સેવા કરું છું. મહારાજ મારી સામે જ બિરાજયા છે તે રીતે સેવા ભકિત કરવી.

       તો ઘનશ્યામ મહારાજ આપણી પર બહુ રાજી થાય. આપણે તો એમને રાજી જ કરવા છે ને?