Ideology
 
   
     
 
         

       શ્રીજીમહારાજે પોતાના આશ્રિત તરીકેની માન્યતા મેળવવા માટે પાંચ નિયમો આપ્યાં જેને સાંપ્રદાયિક ભાષામાં પંચ વર્તમાન કહેવાય છે. જેમાં ગૃહસ્થાશ્રમી (સાંસારિક જીવન જીવનારા) બાઇ-ભાઇ દરેક માટેનાં પાંચ વર્તમાન જુદા આપ્યા અને ત્યાગાશ્રમી (સંસારનો જેણે ત્યાગ કર્યો હોય) માટે તે ઉપરાંત બીજા પાંચ વર્તમાન આપ્યા. આ પ્રમાણે જે વર્તે એજ ખરેખર શ્રીજી મહારાજનો આશ્રિત ભકત થવાને લાયક ગણાય. આ રહ્યા તે વર્તમાન.

       
   ગૃહસ્થના પંચ વર્તમાન  સંતોના પંચ વર્તમાન
 

ગૃહસ્થના પંચ વર્તમાન

 

(૧) દારૂ વર્તમાન

       જે ખાવાથી, જે પીવાથી, જે જોવાથી, જે સાંભળવાથી કે જે અનુભવવા કે ભોગવવાથી દરેક ઇન્દ્રિયો, અંતઃકરણને કેફ (નશો) ચડતો હોય તે વસ્તુ કે તે ક્રિયા દારૂ તુલ્ય ગણાય છે. દા.ત. પ્રત્યક્ષ દારૂ દેશી કે પરદેશી ઉપરાંત ચ્હા, કોફી, બીડી, સીગારેટ, તમાકુ, અફીણ, ભાંગ, ગાંજો, કોકા, પીણાં, ડોકટરી કે વૈદ્યનું ઔષધ કે જેમાં આલ્કોહોલીક પદાર્થનો સંસર્ગ હોય તે દરેક પદાર્થ દારૂ તુલ્ય ગણાય.

       આ સિવાય નાટક, સિનેમા, ટી.વી., સરકસ, ભાંડ-ભવાયા, તાયફા, જગતના મેળા, ચોપાટ, ગંજીપો, લોટરી, આંકડા, સટ્ટો, રેસ, મદારીના કે જાદુના ખેલ વગેરે ક્રિયાઓથી પણ ઇન્દ્રિયો, અંતઃકરણને કેફ ચઢે છે એટલે એ પણ દારૂ તુલ્ય જ ગણાય. આ સર્વેનો ત્યાગ કરે ત્યારે દારૂનો ત્યાગ કર્યો કહેવાય.

       શ્રીજીમહારાજે આ વર્તમાન માટે શિક્ષાપત્રી શ્લોક નં. ૧પ, ૧૮, રર, ૩૧માં પણ આજ્ઞાઓ કરેલી છે.

 
 
 

(૨) માટી વર્તમાન

 
 

      પ્રત્યક્ષ માંસ કે માંસાદિક વસ્તુ સિવાય સીધી કે આડકતરી રીતે સ્થૂળ કે સૂક્ષ્મ જીવ-જંતુઓનો જેમાં સંસર્ગ હોય અને જે પદાર્થ તમોગુણી તથા શાસ્ત્ર નિષિધ્ધ હોય તે, સર્વે માટી તુલ્ય ગણાય.

       જેમ કે ચાળ્યા વગરનો લોટ, સાફ કર્યા વગરનું અનાજ કે મસાલા, ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘી વગેરે (કારણકે માછીમાર છ માસ માછલાં મારે ને તેને જેટલું પાપ લાગે તેટલું પાપ એક વખત અણગળ પાણી, તેલ, ઘી કે દૂધ વાપરનારને થાય છે.) એટલે જ બહારનું હોટલ તથા લોજનું, બજારનું ખાવા, પીવાનો મહારાજે કડક નિષેધ કર્યો છે. આ સિવાય, ડુંગળી, લસણ, હીંગ તથા ઉંબરાના ફળ માંસ તુલ્ય છે. માટે એ પણ ન વપરાય. તથા ઝીણી જીવાત જેમાં હોય તેવા શાકભાજી પણ ન વાપરવા.

       શિક્ષાપત્રીમાં શ્લોક નં. ૧પ, રર તથા ૩૦માં શ્રીજીમહારાજે કડક આજ્ઞા કરી છે કે યજ્ઞ કે દેવનું નૈવેદ્ય હોય તો પણ તે વસ્તુ ન લેવાય.

 

(૩) ચોરી વર્તમાન

       કોઇનું ઘર તોડવું કે ફોડવું કે છાનામાના વસ્તુ ઉપાડી લેવી તેટલા પુરતો જ ચોરીનો અર્થ મર્યાદિત નથી. પણ એ સિવાય આપણા જીવનમાં ઘણી રીતે ચોરી થઇ જાય છે. જેમ કે કોઇની ધણિયાતી વસ્તુ કે માર્ગમાં પડેલી વસ્તુ ધર્મ કરવાને અર્થે પણ સત્સંગીએ ન લેવાય. (શિ. શ્લોક-૧૭) દા.ત. ચોરોના સરદાર વેરાભાઇ સત્સંગી થયા ત્યાર પછી એક વખત મહારાજ માટે એક દાતણ તેના ધણીને પૂછયા વગર લીધું. મહારાજે વેરાભાઇ પાસે તે ખેડૂતની માફી મંગાવી પ્રાયશ્ચિત કરાવ્યું.

 • કોઇની થાપણ ન ઓળવવી (પચાવી ન પાડવી.)
 • વ્યવહાર કાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (શિ.શ્લોક નં.ર૬)
 • ચોર માર્ગે કરીને પેસવું નહી કે નીસરવું નહી તથા જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછયા વિના ઉતારો ન કરવો.
 • દેવનો દશાંશ-વિસાંશ (આવકમાંથી ધર્માદો) કાઢવો (શિ. શ્લોક નં. ૧૪૭) આ સિવાય સમયનો ધર્માદો પણ ભગવાનને અર્થે સેવા સમાગમમાં ન વાપરે તો એ ચોરી જ કરી કહેવાય.
 • પોતાના મજૂર, નોકર-ચાકરને જેટલું વળતર આપવાનું કહ્યું હોય તેથી ઓછું ન આપવું. (શિ.શ્લોક નં. ૧પર)
 • આ સિવાય ઓફિસમાં નોકરીના સ્થળેથી કાગળ, સ્ટેશનરી વિગેરે વસ્તુ પોતાના અંગત ઉપયોગ માટે ન લેવી.
 • નોકરીના સમયમાં જયાં ત્યાં રખડવું કે કામ ઓછું કરવાનો ઇરાદો ન રાખવો.
 • કાયદાની નાની-મોટી ચોરીઓ કરવી એ પણ ચોરી જ છે.
 • ભગવાન અને સત્પુરૂષને કહેવા જેવી વાત પણ એમનાથી છૂપાવવી એ એક ચોરી છે.
 • ઘરમાં ખાવા-પીવામાં એક બીજા પ્રત્યે ભેદભાવ રખાતો હોય તો એ પણ ચોરી જ છે.

       આમ આ બધી બાબતોને વર્તનમાં ઉતારાય તો ચોરી વર્તમાન પાળ્યું કહેવાય.

 
 
 
 
 
 
 
 
 
 

(૪) અવેરી વર્તમાન

 
 
 
 

      અવેરી એટલે બ્રહ્મચર્ય. વ્યાભિચાર એ પતનનું મોટું પગથિયું છે. (શિ. શ્લોક નં. ૧૮) પુરૂષે પર સ્ત્રી કે સ્ત્રીએ પરપુરૂષ સાથે મન, કર્મ કે વચને દુરાચાર ન કરવો.

 • તેવી સ્ત્રી સાથે કુદૃષ્ટિએ કરીને જોવું નહીં કે તેને ભોગવવાનો મનથી પણ સંકલ્પ ન થવો જોઇએ.
 • પુરૂષે પર સ્ત્રી સાથે અને સ્ત્રીએ પર પુરૂષ સાથે એકાંતમાં રહેવું નહીં કે ચાલવું નહી.
 • પુરૂષે પોતાની મા, બહેન કે દીકરી એની સાથે અને સ્ત્રીએ પોતાના બાપ, ભાઇ કે દીકરો એની સાથે પણ એકાંત સ્થળને વિષે ન રહેવું. (શિ. શ્લોક નં. ૧૩૬)
 • સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. (શિ. શ્લોક નં. ૧૩પ)
 • પોતાની સ્ત્રીઓનો પણ આસકિતએ રહિત સંગ કરવો. તેમાં પણ એકાદશીના દિવસો, તેના આગલા પાછલા દિવસો, અમાસ, શ્રાવણ માસ, શ્રાધ્‍ધના દિવસો, તીર્થના સ્થળો, વ્રતના-યજ્ઞાદિકના દિવસોમાં પોતાની સ્ત્રીનો પણ સંગ ન કરવો.
 

(૫) વટલવું નહીં કે વટલાવવા નહીં

       વટલવું નહીં કે વટલાવવા નહીં :- ન ખપતું હોય તેનું ખાવું નહીં અને જેને ન ખપતું હોય, તેને ખવડાવવું નહી (શિ. શ્લોક નં. ૧૯) જયાં ધર્મ નિયમ યથાર્થ ન પળાતા હોય, ક્રિયાની શુધ્ધિ ન હોય ત્યાં ખાવું પીવું નહીં.

 

Top    

સંતોના પંચ વર્તમાન

 
       ગૃહસ્થના ઉપરોકત વર્તમાન ઉપરાંત ત્યાગીએ નીચેના પાંચ વર્તમાન દ્રઢપણે કરીને પાળવાં.
(૧) નિષ્કામ

આઠ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઇએ.

 • સ્ત્રીઓની વાણી ન સાંભળવી અથવા પ્રત્યક્ષ સ્ત્રીઓનું ચિંતવન ન કરવું.
 • સ્ત્રીઓના રૂપ, ગુણ અથવા અંગ-પ્રત્યંગનું વર્ણન ન કરવું.
 • સ્ત્રીઓ સાથે હોળી કે ઠઠ્ઠા મશ્કરી વિગેરે રમતો ન રમવી.
 • કોઇ સ્ત્રી આદિકના કામોત્તેજીત એવા ફોટાઓ, સિનેમાના ચિત્રો વગેરે જોવા નહી કે તેનું ચિંતવન ન કરવું.
 • કોઇ અપ્રાપ્ય સ્ત્રીના માટે વ્યર્થ અને પાપપૂર્વક પ્રયત્ન ન કરવો.
 • પ્રત્યક્ષ સંગ ન કરવો.

       આ સિવાય રસ્તામાં એકલા કયારેય ચાલવું નહી. સ્ત્રીને કે સ્ત્રીએ પહેરેલા વસ્ત્રને અડવું નહી. સ્ત્રીને વિષે બાળ, યૌવન ને વૃધ્‍ધપણાનો કે કાળા-ગોરા રંગનો કે ગુણ અવગુણનો નિર્ણય ન કરવો

 

(ર) નિર્લોભ

       દ્રવ્ય કે દ્રવ્યાદિક પદાર્થને પોતાનું કરીને રખાય કે રખાવાય નહીં. દ્રવ્યનો તો ભગવાનને અર્થે પણ સ્પર્શ ન થાય. ૧ર વસ્ત્ર ઉપરાંત વધારે વસ્ત્ર પોતાના કરીને રખાય નહીં. માદરપાટ સિવાય ઝીણા વસ્ત્ર પહેરાય ઓઢાય નહ. તે પણ રામપુરની માટીથી જ રંગાય. શરીરને કે કપડાને સાબુથી ધોવાય નહી. શ્રીજીમહારાજે તો ગૃહસ્થ હરિભકતોનેય આજ્ઞા કરી છે કે જે સાધુ પૈસા રાખતા રખાવતા હોય તેના મુખ થકી ભગવાનની કથા ન સાંભળવી અને સંભળાઇ જાય તો એક ચાંદ્રાયણ વ્રત કરી પ્રાયશ્ચિત કરવું.

 
 
(૩) નિઃસ્વાદ

       કોઇપણ રસનો સ્વાદ નહી. જે પદાર્થો ભગવાનની ઇચ્છાથી પ્રાપ્ત થાય તેને આસકિતએ રહિત લાકડાના પાત્રમાં બધું ભેળું કરી, માંહી પાણી મેળવીને જ નિઃસ્વાદી કરીને જ જમાય.

       પાણી પીવા માટે કોઇ ધાતુના વાસણનો ઉપયોગ ન થાય.

 

(૪) નિઃસ્નેહ

       ભગવાન વિના બીજા કોઇને વિષે સ્નેહ ન રાખવો.

       પોતાના પૂર્વાશ્રમના સગા સંબંધી સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ન રાખવો.

 
 
(પ) નિર્માન

       કોઇપણ પ્રકારનું માન ન રાખવું. માન થાય તોય રાજી ને અપમાન થાય તોય રાજી

Top