Ideology
 
   
     
 
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

       પ્રભાતના શાંત વાતાવરણમાં ભગવાનનો ભકત ઉઠતાની સાથે જ પ્રભુ સ્મરણમાં લીન બનતો હોય છે. ભકતની વૃત્તિઓ ભગવાનમાં અખંડ ચાટેલી રહે તે માટે આપણાં નંદસંતોએ મૂર્તિના વર્ણનરૂપે, પ્રાર્થનારૂપે તો વળી પ્રભુને જગાડવા સબંધી ઘણાં પ્રભાતિયાંના પદો બનાવ્યા છે. આપણાં એ સમર્થ સંતો પ્રાતઃકાળે વહેલા ઉઠી હાથમાં સિતાર લઇ જયારે આ પદો ગાતા અને દેહભાવ ભૂલી મહારાજની મૂર્તિમાં મગ્ન બનતા ત્યારે કોયલના કલરવ ને પક્ષીઓના કિલકિલાટ કયારેક થંભી જતાં, અને કયારેક તો મહારાજ પણ સ્વયમ્ આ દિવ્ય મધુરા પદોને સાંભળવા આવી ને ઉભા રહી જતા.

       આ રહ્યા એવા જ બે પ્રભાતી પદો, જેમાં સદ્. બ્રહ્માનંદસ્વામીની કંઇક દર્દભરી પ્રાર્થના હોય એવું જણાય છે...

       વડતાલથી મહાપ્રભુ સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદસ્વામીને સાથે લઇ ગઢપુર આવવા નીકળ્યા છે. પણ કોણ જાણે કેમ મહાપ્રભુએ સ્વામી સાથે અબોલા લીધા છે. સ્વામી પોતા તરફના મહાપ્રભુના વર્તનથી ખૂબ ગમગીન બની ગયા છે. રસ્તામાં સીંજીવાડા ગામે વહેલી સવારે સ્વામી આંસુભીના નેત્રે કરૂણાદ્ર સ્વરે આ પદો ગાઇ રહ્યા અને સાંભળીને મહારાજ બધું વિસરી ગયા ને સ્વામીને બાથમાં ભેટી પડયા.

પદ-૧

અધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરધર, અવિચળ ટેક તમારી રે, ...... અધમ૦
ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે. ................. અધમ૦
જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;
પેટ પડયો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી રે. ..........અધમ૦
અનળ અહિ જો ગ્રહે અજાણે, તે છોડાવે રોવારી રે;
બાળકને જનની સમ બીજુ, નહિ જગમાં હિતકારી રે. ..........અધમ૦
બ્રહ્માનંદની એજ વિનંતિ, મન ધારીએ મુરારી રે;
પ્રીત સહિત દર્શ પરસાદી, જોયે સાંજ સવારી રે. ...............અધમ૦

પદ-ર

મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે;
અધમઉધ્‍ધારક પતિતજનપાવન, બિરુદ તમારૂં ચહાવા રે. ...... મન૦
સહુ દેખતાં શામળિયા તમે, માડી થયા છો માવા રે;
છોરૂની ચિંતા રાખીને, માં દેશો મુંઝાવા રે ...................... મન૦
બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કુટાણે ખાવા રે;
જનની શેષ ન લેખે જાણે, અણસમજુ હોય આવા રે ............ મન૦
શેરડીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે;
સબળ થઇ કોઇ લીએ ચુંટીઆ, તો માતા જાય મેલાવા રે ....... મન૦
મનગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવા રે.
બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવારે ............. મન૦