Ideology
 
   
     
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

       અનાદિકાળથી વિષય વાસનામાં ડૂબેલો જીવાત્મા દિવસે દિવસે આ ઘોર કળિયુગમય વાતાવરણમાં લેવાતો જાય છે. બોલવામાં, સાંભળવામાં, જોવામાં, સ્પર્શ કરવામાં વિષયસુખનો જ સ્વાદ માણે છે. પરિણામે જન્મમરણના ફેરારૂપી ખાઇમાં ઊંડોને ઊંડો ધકેલાતો જાય છે.

       ત્યારે આ જન્મમરણના ફેરામાંથી છોડાવી, મનુષ્ય જન્મની સાર્થકતા સિધ્‍ધ કરી ભગવાનમાં જોડવા માટે સ્વામિનારાયણ ભગવાનના સંતોએ, અથાગ દાખડો કર્યો છે, અને કરી રહ્યા છે. અત્યારે આ કળિયુગના વાતાવરણમાં સરળતાથી ભગવાનમાં જોડાવાય તેવું એકમાત્ર સાધન એટલે કીર્તન ભકિત.

       ભગવાનના મહિમાનું ગુણગાન, અંતરના ઊંડાણમાંથી નીકળતી ઊર્મિઓ, પ્રેમ તથા પ્રભુપ્રાપ્તિ માટે થનગનાટ, પ્રભુપ્રાપ્તિનો આનંદ તથા વિરહ વ્યાકુળતા જેવા ભાવો ને રજૂ કરવા માટેનું સાધન એટલે કિર્તન ભકિત.

       શ્રીજીમહારાજે પણ કીર્તનભકિત ખૂબ ગમતી. તેઓ કાયમ સભા પહેલા સંતો પાસે કીર્તન ગવડાવતા. સંતોના જે કીર્તનો છે તેના શબ્દો હ્દયને સ્પર્શે છે. હ્દયને દિવ્યતાથી ભીંજવી નાંખે છે. કયારેક વાતાવરણ એવું જામે છે કે કાળ અને સ્થળને પણ ભૂલી જવાય છે.

       ભગવાનને રાજી કરવા તથા ભગવાનમાં પ્રેમ કેળવવા માટે આ કીર્તન ભકિત ખૂબ જરૂરી છે.

૧. કીર્તન-ઓરડાના પદો

       લાખોના જીવનપ્રાણ ભગવાન શ્રીહરિ એક સમયે ગઢપુરથી ગુજરાત તરફ આવેલા. ઘણો લાંબો સમય વીત્યો પણ મહારાજ હજુ પાછા ન આવ્યા. માછલી જેમ જળ વગર તલપે, એમ સૌ સંતો-હરિભકતો-બાઇઓ ગઢપુરમાં પોતાના પ્રાણાધારના દર્શન માટે ઝુરી રહેલા. એમાં એક દિવસ પ્રેમમૂર્તિ સદ્ગુરુ પ્રેમાનંદસ્વામી, રાત્રીએ ઉંઘ આવતી નહોતી, તેથી મધ્યરાત્રીએ ઉઠી હાથમાં સારંગી લીધી અને માણિગરની મૂર્તિમાં લીન બની કીર્તન ઊપાડયા. એવા એક પછી એક કીર્તનની વણઝર ચાલી.

       અને... અને પ્રેમભીના પ્રભુને પ્રેમસખી પ્રેમાનંદ ના પ્રેમને પોષવા આવવું પડયું. મહાપ્રભુ રૂમના દ્વાર પર આવી ઉભા રહ્યા, પણ સ્વામી સંપૂર્ણપણે મહારાજની મૂર્તિમાં મગ્ન બની ગયા હતા, અને અંતે બંને એકમેકમાં ખોવાઇ ગયા. ભકત ભગવાનમાં ને ભગવાન ભકતની ભકિતમાં. સમય વીતતો ગયો. પ્રભાત થયું. સ્વામીનું ગાન બંધ થયું અને અને જયાં સ્વામીની દ્રષ્ટિ દ્વાર પર ઉભેલા મોળીડાધારી મહારાજ પર પડી. અહાહા... મહારાજ, મારા નાથ, આપ કયારે પધાર્યા? કયાં હતા? ને અત્યારમાં કયાંથી આવ્યા? એમ કહેતાંક સ્વામી દેહભાવ ભુલી મહારાજના ચરણમાં પડયા. બેસવા ચાકળો પાથરી આપ્યો ને આજીજી કરી, "મહારાજ, આપ થાકી ગયા હશો, માટે બિરાજો... બિરાજો મારા જીવનપ્રાણ" આમ પ્રેમવિભોર થયેલા સ્વામીને મહારાજ બાથમાં ઘાલી મળ્યા. ખૂબ સુખ આપ્યું ને નિત્યક્રમ માટે છુટા પડયા.

       પણ સ્વામીને આજે થયેલા દિવ્ય દર્શન અને બનેલો પ્રસંગ અંતરમાંથી ખસતો નહોતો. તેથી જ નિત્યવિધી પતાવી સ્વામી કીર્તન લખવા બેસી ગયા. આજની આ કૃતિને આપણે ઓરડાના પદ તરીકે ઓળખીએ છીએ. જે પ્રથમ બે પદ આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ... તથા સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ... (જે બંને પદ આગળની સત્સંગ સંસ્કાર ભાગ-૧માં છે.) આ બંને પદો લખતા લખતા ઠાકોરજીના હરે થયા.

       મહાપ્રભુ જમવા પધાર્યા. સંતોની પંકિત પડી. મહારાજે પંકિતમાં નજર કરી અને કહે, "અરે... અમારા પ્યારા પ્રેમાનંદસ્વામી કયાં છે.?" મહારાજ સ્વયમ્ બોલતા બોલતા સ્વામીના આસને પહાચી ગયા ને કહે "સ્વામી, ચાલો ઠાકોરજી જમાડવા. થાળ ઠંડા થઇ જશે." સ્વામી કહે, "મહારાજ, આપ જમાડી લ્યો. મારું રોજના ચાર પદ બનાવ્યા પછી જ જમવાનું નિયમ પુરુ થયું નથી. દયાળુ, બે પદ લખ્યા છે ને બે હજુ બાકી છે. એ પત્યા પછી જ જમાડીશ."

       મહારાજ કહે, "સ્વામી, લાવો કલમ, બાકીના બે પદ હું લખી દઉં." અને.... નૂતન ઇતિહાસ સજર્યો. સ્વમ્ શ્રીજીમહારાજે આ ત્રીજુ ચોથુ પદ બનાવ્યા. જેમાં પોતાનો અંતર્ગત અભિપ્રાય, પોતાના સ્વરૂપનો મહિમા, સ્વમુખે પોતે આપ્યો. ભકતો પર કેટલી અપાર કરૂણા વરસાવી! આ રહ્યા એ બે પદો.

કીર્તન-૧

બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સાંભળાવ્યાનું છે મન
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુકત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુકત
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથિ રે, શકિત ગુણે કરી અભિરામ
અતિ તેજોમય રે, રવિશશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઇ ન પામે પાર
જીવ ઇશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરૂ રે, સહુનો પ્રેરક હું ભગવાન
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઇથી તરણું નવ તોડાય
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કરી છે મારી
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેહ

કીર્તન-ર

વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;
પરમ સિધ્‍ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ
સહુ હરિભકતને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુધ્‍ધ ભાવે થઇ નિષ્કામ
સહુ હરિભકતને રે, રહેવું હોયે મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ
મુજવિના જાણજો રે, બીજા માયીક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જુઠાં જાણી કુટુંબ પરિવારુ
સહુ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારા નેમ;
તમ પર રીઝશે રે, ધર્મને ભકિત કરશે ક્ષેમ
સંત હરિભકતને રે, દીધો શિક્ષાનો ઊપદેશ;
લટકાં હાથનાં રે, કરતાં શોભે નટવર વેશ
નિજ જન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ
શોભે સંતમાં રે, જેમ કાંઇ ઊડગુણમાં ઊડુરાજ;
ઇશ્વર ઊદય થયા રે, કળિમાં કરવા જનનાં કાજ
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર

       અ.મુ. સદ્.શ્રી મુક્તજીવનદાસજી સ્વામીશ્રી એ શ્રી હરિજ્ઞાનામૃત કાવ્ય ગ્રંથમાં શ્રીજીમહારાજના સર્વોપરી સિધ્‍ધાંતના અને જીવનપ્રાણ બાપાશ્રીના મહિમાના અનેક કીર્તનો રચ્યા છે. જે મૂર્ત‍િના, મહિમાના સિધ્‍ધાંતના તેમજ બળભર્યા અનેક કીર્તનોની હારમાળા છે. આ રહી તેમાની કીર્તન પ્રસાદી.