Ideology
 
   
     
 
         
       
   પૂજા કોની કરવી ? શા માટે ?  પૂજા કયા સમયે કરવી ?
   નિત્ય પૂજા એટલે શું ?  પૂજા કયા સ્થળે કરવી ?
   નિત્યપૂજાનો અધિકાર કોને-કોને ?  પૂજા વખતે પરિધાન કરવાનાં વસ્ત્રો
   વ્યકિતગત પૂજા કેમ, શાથી ?  પૂજાનો ક્રમ
 

પૂજા કોની કરવી ? શા માટે ?

   
 
 
 
 
 
 
 

       અનંતકોટિ બ્રહ્માંડોને વિષે એક અને અજોડ, એકમેવાદ્વિતીય બ્રહ્મ એવા સનાતન પુરુષોત્તમ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરાય.

       એ શ્રીજીમહારાજ આપણા ઇષ્ટદેવ છે.

       ઇષ્ટદેવ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી, ભાવથી આદર-સત્કાકર કરવો, સર્મિપત થઇ જવું કે એમનામાં સમાઇ જવું કે પછી એમને આદરપૂર્વક આભારિત થવું એટલે જ પૂજા.

       રાત્રે સૂઇ ગયા પછી રોજ સવારે આપણને ઉઠાડી એક નવું જીવન, નવો દિવસ, નવી પળ, નવો ઉત્સાહ, નવી શકિત ને નવી ર્સ્ફૂર્તિ બક્ષે છે, જેના અગણિત ઉપકારો પ્રત્યે આપણે મૌન રીતે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. ત્યારે એમને આપણે નત મસ્તકે માત્ર "થેંક યુ" (Thank You) પણ ન કહી શકીએ ? શું આપણે એટલા બધા કૃત્‍ઘ્ની છીએ ? ના, આપણને કૃતઘ્ની બનવું પાલવશે નહીં. અને એટલા માટે જ પ્રભાતના પરમમાંગલિક અવસરે પ્રભુને "થેંક યુ" (Thank You) કહેવું એ જ આપણી પૂજા બની જશે.

Top    

નિત્ય પૂજા એટલે શું ?

 
 • સનાતન પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાનની રોજ નિયમિતપણે વ્યકિતગત થતી પૂજા એટલે નિત્યપૂજા.
 • નિત્યપૂજા એટલે ઇષ્ટદેવ સાથે અંગત મિ‍‍ટિંગ.
 • નિત્યપૂજા એટલે મહારાજ સાથે મીઠી ગોઠડી (ગોષ્ઠિ).
 • નિત્યપૂજા એટલે મહારાજ સાથે અંતરાય રહિતની સ્થિતિનું નિર્માણ.
 • નિત્યપૂજા એટલે મહારાજ સાથે ઓતપ્રોત, સંલગ્ન, એકાકાર થવાનો સમયગાળો.
 • નિત્યપૂજા રોમાંચિત ગાત્રે, પ્રેમવિભોર થઇ, પ્રગટ અને પ્રત્યક્ષ ભાવે મહારાજનો અત્યંત રાજીપો કમાવાનું સાધન
 • નિત્યપૂજા એટલે મહારાજને ભેટવાનો અવસર.
 • નિત્યપૂજા એટલે "હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મને રાખ્યો મૂર્તિમાં ને આવ્યું મારે સુખ ભોગવવાનું ટાણું." એ પ્રમાણે અનુભવ કરવાનો અવસર.
 
 
 
 
 
 

Top    

નિત્યપૂજાનો અધિકાર કોને-કોને ?

   

       શ્રીજીમહારાજે પ્રત્યક્ષ પૂજાનો અધિકાર દરેક વ્યકિતને બક્ષ્યો છે. બાળ, કિશોર, યુવક, બાલિકા, યુવતી કે મહિલા એમ ગૃહસ્થોને તેમજ ત્યાગીઓને પણ પૂજા કરવાની આજ્ઞા કરી છે. શ્રીજીમહારાજે તથા મોટાપુરુષોએ રુચિ બતાવી કે બાળક ૮ વર્ષનું થાય ત્યારથી જ એને નિત્યપૂજા આપી દેવી જોઇએ અને તે પ્રત્યક્ષ પૂજા ૮૦ વર્ષની ઉંમર સુધી તો અવશ્યપણે કરવી જોઇએ. ૮૦ વર્ષથી વધારે ઉંમરવાળાને પૂજા ન જ કરવી એમ ન સમજવું, પણ જે શરીર નીરોગી હોય અને દૈહિક ક્રિયા બરાબર થતી હોય તો પૂજા કરી શકાય. એમાં રાજીપો વિશેષ થાય. પરંતુ શારીરિક અક્ષમતાને કારણે નિત્યપૂજા ન થઇ શકે તો એમાં કોઇ દોષ નથી. માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની પૂજા અવશ્ય કરવી.

Top    

વ્યકિતગત પૂજા કેમ, શાથી ?

 

       મંદિરોમાં તથા આપણા ઘરમંદિરોમાં શ્રીજીમહારાજ પ્રતિમાં સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. તો ત્યાં પૂજા ન થઇ શકે ? જરૂર થઇ શકે પરંતુ એ સામૂહિક પૂજાનાં સ્થળો છે. એ સહિયારો સત્સંગ છે. શ્રીજીમહારાજે સહિયારો સત્સંગ નહીં પરંતુ દરેકને આગવો, વ્યકિતગત સત્સંગ એટલે કે દરેકને વ્યકિતગત પૂજા કરવાની આજ્ઞા કરી.

       સમૂહ પૂજા કે સમૂહ સેવા અને વ્યકિતગત પૂજા બન્ને વચ્ચે મોટા તફાવત છે. બન્નેની સરખામણી થઇ શકે જ નહી. જેમ ઠંડી પોતાને લાગી હોય અને સ્વેટર બીજો પહેરશે તો પોતાની ઠંડી ઉડશે ? ઠંડી ઉડાડવા પોતે જ સ્વેટર પહેરવું જોઇએ. જો તરસ આપણને લાગે ને પાણી કોઇ બીજો પીવે તો ચાલશે ? આપણને કકડીને ભૂખ લાગી હોય ને બીજો ધરાઇને જમી લે તો આપણને ચાલશે ? ઊંઘ આવે આપણને એને બદલે કોઇ બીજો ઊંઘશે તો ચાલશે ? હરગિજ નહીં ચાલે. આપણે જ આપણી ભૂખ ભાંગવા જમવું પડે. આપણે જ પાણી પીવું પડે તો જ તરસ છીપાય. આપણે સૂઇએ તો જ આપણી ઊંઘ પૂરી થાય. એમ કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આગવી જ કરવી પડે ? એમાં કોઇનો લાગ-ભાગ ચાલે નહીં. એવી રીતે નિત્યપૂજા એ આગવી ક્રિયા છે. અને તે વ્યકિતગત છે. વ્યકિતગત પૂજા એટલે વ્યકિતનું પોતાનું સુવાંગ (આગવું) ઘડતર...! સુવાંગ સેવા.. સુવાંગ રાજીપો... સુવાંગ મુલાકાત... સુવાંગ સુખ.

 • પૂજા માત્ર કરવા ખાતર જ ન થઇ જાય તે માટે પૂજા કરનારે આટલું જાણપણું રાખવું.
 • પૂજા એ માત્ર પ્રક્રિયા (processor) નથી.પૂજા એ કાંઇ ઠાકોરજી જમાડવાનું લાયસન્સ નથી.
 • પૂજા કદી મશીનવત્ ન થાય.
 • પૂજા પરાણે ન કરવી. એમાં આળસ ન કરવી.
 • ચાલશે, આજે નથી કરવી, એક દિવસ ન કરીએ તો શું ખાટું - મોળું થઇ જવાનું છે, એવી ભાવના ન રાખવી.
 • ટેલીફોન કરવાનાં હોય તો પૂજા કર્યા પછી જ બધું થાય.
 • પૂજા કર્યા વગર જળનું ટીપું પણ મોંમાં ન મુકાય તો પછી જમી તો કેમ શકાય જ ?
 • પૂજા રૂટિન ન બની જવી જોઇએ.
 • શુષ્કભાવે કરેલી પૂજા, પ્રભુ અંગીકાર કરતા નથી.
 • પૂજાને વેઠ ન સમજવી.

       સૂતકના દિવસોમાં પૂજા ન કરાય. પણ તિલક-ચાંદલો માનસીપૂજા કે માળા કરી શકાય.

       પૂજા ગમે ત્યાં જઇએ, દેશમાં હોઇએ કે પરદેશમાં હોઇએ, ગામમાં હોઇએ કે પરગામ જઇએ. લગ્નમાં કે પ્રસંગમાં, કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય, ચાહે કોઇપણ ઋતુ હોય પણ પ્રત્યક્ષ પૂજા અવશ્યપણે આપણી સાથે હોવી જોઇએ અને કરવી જોઇએ.

       ઘણા ઘરે હોય ત્યારે પૂજા કરે પણ બહારગામ જાય ત્યારે સાથે પૂજા ન લઇ જાય. કેમ, તો કહે શરમ આવે છે અથવા તો કહેશે કે બેગમાં જગ્યા રોકાય છે ! પણ એ જ વ્યકિત જયાં જાય ત્યાં દાઢી કરવાનો સામાન તો સાથે ને સાથે જ લઇ જાય છે. એની શરમઆવતી નથી ! એ સામાન બેગમાં જગ્યા નથી રોકતો ઘણાંય દાઢી (Shaving) તો નિત્યપૂજાની માફક જ નિત્ય કરતા હોય છે. જો દાઢી કર્યા વગર દરરોજ ચાલતું ન હોય તો પછી ભગવાનની પૂજા કર્યા વગર ચાલે જ કેમ ? ભગવાન તો આપણું જીવન છે, આપણો શ્વાસ છે. આપણું હૃદય છે. એની પૂજા કર્યા વગર એક મિનિટ પણ કેમ ચાલે ?

 
 
 
 
 
 

Top    

 

પૂજા કયા સમયે કરવી ?

   
 
 
 
 
 
 
 

       વ્યકિતગત પૂજાનો આદર્શ સમય બ્રહ્મમુહૂર્ત છે. બ્રહ્મ કહેતાં ભગવાન, ભગવાનમાં જોડાવાનો સમય એને કહેવાય બ્રહ્મ-મુહૂર્ત. શ્રીજીમહારાજે પ્રાતઃસમયે જ પૂજા કરવાની આજ્ઞા કરી છે. દિવસ દરમ્યાન ગમે ત્યારે ગમે તે સમયે, પૂજા કરી લેવી એવી આજ્ઞા નથી કરી. દિવસના પ્રારંભે જ શૌચ વિધિ સ્નાનાદિક વિધિથી પરવારી, સાંસારિક પ્રવૃત્તિ કરતાં પહેલાં જ, નિત્યપૂજા કરી લેવી અને પછી જ તમામ વ્યવહારિક ક્રિયામાં જોડાવાય.

       પ્રાતઃસમયે શાંત-રમણીય વાતાવરણમાં મનુષ્યનું મન શાંત હોય, પ્રવૃત્તિનો પ્રારંભ થયો ન હોય. પ્રવૃત્તિની પરાકાષ્ઠાએ હજુ પહોંચ્યા ન હોય એવું નિર્મળ શાંત ફ્રેશ મન, ભગવાનને પ્રથમ અર્પણ કરવું. એવા સમયે સ્હેજે જ વૃત્તિઓ ભગવાનમાં પરોવાઇ જતી હોય છે. જો પૂજા મોડી કરીએ તો ઘરનાં બાળકો જાગી ગયાં હોય. ફોનની રીંગો ચાલુ થઇ ગઇ હોય અને જો પૂજા કરવા બેસીએ તો નાનાં બાળકો પૂજાના આસન ઢસડી જશે, મૂર્તિઓ ઉઠાવશે, પૂજાની પ્રસાદી ઉપાડી જશે... વગેરે... પૂજાની એકાગ્રતા ચલિત થશે. પરિણામે પૂજા કરવા ખાતર જ થશે અને અડધો કલાકની પૂજા પાંચ મિનિટમાં આટોપાઇ જશે.

Top    

પૂજા કયા સ્થળે કરવી ?

 

       પૂજા દરમ્યાન કોઇ વિક્ષેપ કે ખલેલ ન પહાચે એવું શાંત અને એકાંત સ્થળ પસંદ કરવું. જગ્યા શુધ્ધ અને પવિત્ર પસંદ કરવી. ઘરમાં પૂજા કરતા હોય તો જયાં પૂજા કરવાની હોય તે સ્થળને વિષે પોતું કરી જગ્યા ચોખ્ખી કરી નાંખવી. અને જો મંદિરની નજીક રહેતા હોઇએ તો પૂજા મંદિરે કરવી. ત્યાંનું વાતાવરણ ભગવાનમય હોય છે. પવિત્ર અને સાત્ત્વિક હોય છે માટે તે પૂજા કરવાનું અતિ ઉત્તમ સ્થાન છે.

Top    

પૂજા વખતે પરિધાન કરવાનાં વસ્ત્રો

   
 
 
 
 

       શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે કે જે બીજા કોઇ વસ્ત્રને અડયા ન હોય એવું શુધ્ધએ વસ્ત્ર એક પહેરવું તથા એક ઓઢવું. પુરુષ વર્ગે ફરજિયાતપણે ધોતી પહેરવી અને ઉપરણી (ઉપવસ્ત્ર) ઓઢવી. પૂજાનાં વસ્ત્રો અન્ય વસ્ત્રોથી નોખાં રાખવાં. પૂજા બાદ વસ્ત્રોને વાળીને તેના સ્થાનકે મૂકી દેવાં. લાંગ વગર પૂજા ન થાય. ધોતિયાના ચારેય છેડા ખોસેલા હોય તેવી ધોતી પહેરવી. તે આદર્શ ધોતી કહેવાય. ધોતિયાને શરીરની ફરતે ટુવાલ ને લૂંગીની માફક વીંટાળીને પૂજા ન કરાય. ઘણા ધોતી પહેરતાં શરમ કે સંકોચ અનુભવતા હોય છે. પરંતુ શ્રીજીમહારાજને રાજી કરવા જ છે તો અલ્પ આજ્ઞા પણ આપણે લોપવી નથી. એવા ભાવથી પૂજા કરવી.

       પૂજા લૂંગી, ચડ્ડી, ટુવાલ, લેંઘો-બનિયાન કે પેન્ટ-શર્ટ પહેરીને ન કરાય કે પછી મહારાજ સન્મુખ ઉઘાડે શરીરે પણ ન બેસાય. આપણે કોઇ મોટી વ્યકિતને મળવા જઇએ છીએ ત્યારે શરીર ફરતે ટુવાલ વીંટાળીને કે લૂંગી પહેરીને ઉઘાડે શરીરે જઇએ છીએ ? તો પછી પૂજામાં તો રાજામહારાજાધિરાજ મહાપ્રભુને મળવાનું છે. માટે એવા અરુચિકર વસ્ત્રો ન પહેરાય.

Top    

પૂજાનો ક્રમ

 

 (૧) આસન પાથરવું. (૨) તિલક-ચાંદલો કરવો. (૩) માનસીપૂજા કરવી. (૪) મૂર્તિઓ પધરાવવી (૫) આવાહન મંત્ર બોલવો. (૬) માળા ફેરવવી. (૭) તપની માળા ફેરવવી. (૮) પ્રદિક્ષણા કરવી. (૯) દંડવત પ્રણામ કરવા. (૧૦) પ્રસાદ ધરાવવો. (૧૧) પ્રાર્થના કરવી. (૧૨) મૂર્તિઓનું વિસર્જન કરવું. (૧૩) પુસ્તિકાઓનું વાચન કરવું.

 

(૧) આસન

       સૌ પ્રથમ શુધ્ધર ધોતી-ઉપરણી ધારણ કરી પૂજા કરવા માટે પોતાને સારી પેઠે બેસી શકાય એવું, ફાટેલું, કાણાંવાળું, મેલું, જર્જરિત ન હોય એવું તથા ગરમ વસ્ત્ર અથવા બને તો ઊનનું પાથરણ પાથરવું. ત્યારબાદ પૂજાપેટી ખોલવી. પૂજાપેટી પણ શુધ્ધ અને પવિત્ર જોઇએ.

       હવે શ્રીજીમહારાજને વિરાજમાન કરવાના છે. એમના માટે ઓછામાં ઓછાં બે કે ત્રણ આસન બિછાવવાં. આપણા ઘેર કોઇ મહેમાન આવે ત્યારે સુંદર બિછાનાં બિછાવીએ છીએ, નવી ચાદર પાથરીએ છીએ, એમ મહારાજ માટે પણ શુધ્ધપ, પવિત્ર, પોચાં-મલમલનાં કે રેશમી કે ઊનનાં ગરમ વસ્ત્ર બિછાવવાં.

       ઠાકોરજીનાં આસન પણ મેલાં-ઘેલાં કે લઘર-વઘર, જીર્ણ થયેલાં ડાઘા-ડૂઘી પડેલાં ન ચાલે. ઠાકોરજીનાં આસનને પંદર દિવસે કે મહિને અચૂક ધોઇ નાખવાં.

       ઠાકોરજીના માટે સુંદર બિછાનું તૈયાર કરી એના ઉપર મૂર્તિઓને એકત્ર રાખીને જે બિરાજમાન કરવી. શિક્ષાપત્રી સાર, બાપાશ્રીની ટૂંકી વાતો, હરિને ગમે એવા થવું છે પુસ્તિકા પણ એકત્ર કરીને મૂકો. પ્રસાદીની વાટકીમાં પ્રસાદ પણ મૂકી દેવો.

 
 

Top    

(૨) તિલક-ચાંદલો

 
 
 
 

       તિલક એ મહારાજનું પ્રતીક છે અને ચાંદલો એ મુકતનું પ્રતીક છે. તિલકમાં ચાંદલો રહેલો છે તેમ મહારાજમાં મુકત રહેલા છે. તિલક-ચાંદલો એ અનાદિમુકતની સ્થિતિનું પ્રતીક છે. પુરુષવર્ગે કુમકુમનો ચાંદલો ભાલને વિષે કરવો અને ચંદનનું તિલક કરવું. સ્ત્રી વર્ગે માત્ર કુમકુમનો ચાંદલો કરવો.

       આપણને મોટાપુરુષોએ અનાદિમુકતની સ્થિતિની લટક પ્રમાણે પ્રતિલોમપણે પૂજાનો પ્રારંભ કરવાનું શિખવાડયું છે એટલે કે મહારાજ જ મહારાજના ભાલને વિષે, બાહુને વિષે, છાતીને વિષે તિલક-ચાંદલો કરી રહ્યા છે. અંતરે સ્વામિનારાયણ-સ્વામિનારાયણ રટણ કરતાં રહેવું. તિલક- ચાંદલો પૂજાના પ્રારંભ પહેલાં જ કરી લેવાં. પછી જ પૂજા શરૂ થાય. તિલક-ચાંદલો એ સત્સંગીનું આભૂષણ છે. અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. ઠાકોરજી સાથે હથેવાળો થયો છે તેનું ચિહ્ન છે. માટે સત્સંગીએ ફરજિયાતપણે તિલક-ચાંદલો કરવો જ. એમાં શરમ ન રાખવી.

       ચાંદલો નાનકડી ટીબકડી જેવડો કે નાની બિંદી જેવો ન કરવો. મોટા સંતો કહેતા કે ચાંદલો રૂપિયા જેવડો મોટો કરવો. દૂર કોઇ ઊભો હોય તો એને પણ દર્શન થાય. ચાંદલો જોઇને કોઇ બોલે કે "જો સ્વામિનારાયણિયો ઊભો છે" તો તેનું પણ મહારાજ રૂડું કરે. છેલ્લો જન્મ કરે. કોઇ ભાવથી બોલે કે કુભાવથી બોલશે તોયે જરૂર એનું રૂડું તો થશે જ. માટે નિઃસંશય થઇને, શરમને મૂકીને સ્કૂલ,કોલેજમાં ભણતા હોય કે કોઇની મેનેજર પોસ્ટ હોય કે દેશના વડાપ્રધાનનું પદ હોય તો પણ ફરજિયાત તિલક-ચાંદલો કપાળમાં ધારણ કરેલાં હોવા જ જોઇએ. શ્રીજીમહારાજનો ચાંદલો આપણા સુધી હોય કયાંથી ? એવું અખંડ ગૌરવ રાખવું.

Top    

(૩) માનસીપૂજા

       (જે વિષે વિગતવાર પછીના અંકમાં જોઇશું ત્યાં સુધી સંસ્થામાંથી પ્રકાશિત થયેલ માનસીપૂજા કેસેટને ખાસ સાંભળવી અને તે પ્રમાણે કરવી.) ભગવાનને જગાડવાની પ્રથમ માનસીપૂજા કરવી. માનસીપૂજા રોમાંચિત ગાત્રે ષોડશોપચારથી ઠાકોરજીની સેવા-પૂજા વગેરે કરવાં.

 
 

Top    

(૪) મૂર્તિઓ પધરાવવી

 
 
 
 

       મૂર્તિ એ કાંઇ ફોટો નથી. સ્વયં સાક્ષાત્ અક્ષરધામનું સ્વરૂપ છે. શ્રીજીમહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન થવાના છે. માટે એક એક મૂર્તિને ચરણ-સ્પર્શ કરતા થકા, શુધ્ધા વસ્ત્ર વડે (જે કાયમી પૂજામાં રાખવું.) હળવેથી લૂછવા (સ્નાન કરાવવું.) મહારાજને સ્નાનાદિક વિધિ કરાવીએ છીએ એવો ભાવ અખંડ રાખવો. ત્યારબાદ મહારાજને વાગી ન જાય એવા પ્રગટભાવે ચરણસ્પખર્શ કરી મૂર્તિને આસન પર પધરાવવી.

       મૂર્તિઓને વિષે ખાસ ધ્યાન રાખવું કે આપણી પતિવ્રતાની ભકિત છે. આપણે સર્વોપરી ઉપાસનાના ઉપાસકો છીએ. એટલે દિવ્યપૂજાને વિષે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને એમના સર્વોપરી સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવ્યું છે એવા આપણા બાપાશ્રી તથા આપણી અમીરપેઢીના સદ્ગુરુઓની મૂર્તિઓને પધરાવવી.

       મહારાજ અને મૂકતની પૂજામાં બધું જ આવી જાય છે. એટલે બીજી કોઇ મૂર્તિઓ રાખવી એવો આગ્રહ રાખવો જરૂરી નથી પૂજાની મૂર્તિ ખંડિત કે જીર્ણ થયેલી રાખવી નહીં. તેમજ માનસીપૂજામાં મહારાજની ચંદનથી પૂજા કરવી પણ પ્રત્યક્ષ પૂજામાં ચંદનથી પૂજા ન કરવી. પૂજામાં શિક્ષાપત્રી સાર બાપાશ્રીની ટૂંકી વાતો અને હરિને ગમે એવા થવું છે એ પુસ્તિકાઓ અવશ્ય રાખવી.

Top    

(૫) આવાહન મંત્ર

       કેવળ કૃપા કરી આપણી સેવાને અંગીકાર કરવા મહારાજ અને મુકતને પ્રગટ અને પ્રત્યક્ષપણે વિરાજમાન કરવા માટે હાથ જોડી, પ્રાર્થનારૂપે આવાહન મંત્ર બોલવો. :

ઉત્તિષ્ઠોત્તિષ્ઠ નાથ, સ્વામિનારાયણ પ્રભો ।
ધર્મસુનો દયાસિન્ધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ ।।
આગચ્છ ભગવન્ દેવ, સ્વસ્થાનાત્ પરમેશ્વર ।
અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ ।।

       કદાચ આ સંસ્કૃત શ્લોક ન આવડતો હોય તો પ્રાર્થના કરવી કે હે, "હે દયાળુ ! આપ જયારે મને સેવા આપવા તત્પર બન્યા છો તો આપ આ પ્રત્યક્ષ પૂજામાં આવીને વિરાજમાન થાવ. સેવાને અંગીકાર કરો. મારી પાત્રતા ન હોવા છતાં આપ જયારે પધાર્યા છો ત્યારે ભાવથી મારી પૂજાનો સ્વીકાર કરો, દયાળુ ! સેવાનો સ્વીકાર કરો. પૂજામાં કાંઇ ક્ષતિ-ત્રૂટી રહી જાય તો પણ હે દયાળુ ! સ્વીકારી લેશો. પધારો મહારાજ... પધારો મહારાજ .!" એમ પ્રાર્થના કરવી.

 
 

Top    

(૬) માળા

 
 
 
 

       માળાને ગૌમુખીમાં રાખીને ફેરવવી પણ ઉઘાડી ન ફેરવવી. અને એકાગ્રતાથી માળા ફેરવવી. માળા નીચે જમીનને ન અડે એમ ફેરવવી. મણકે-મણકે સ્વામિનારાયણ મંત્રનું એકાગ્રતાથી રટણ કરવું. એવી ઓછામાં ઓછી પાંચ માળા ફેરવવી ત્યારબાદ એક માળા ગુરુમંત્રની પણ ફેરવવી. આપણો ગુરુમંત્ર છે... "અહં અનાદિમુકત સ્વામિનારાયણ દાસોસ્મિ." અને જો એ સંસ્કૃતમાં બોલતાં ન ફાવે તો ગુજરાતીમાં "શ્રીજીમહારાજે મારા ચૈતન્યને અનાદિમુકત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે." એવી રીતે મૂર્તિરૂપ થઇ દેહાધ્યાસનો પ્રલય કરતા થકા એક માળા ફેરવવી.

       પૂજામાં મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજયા છે માટે તેમની આમન્યા રાખવી. પૂજા વખતે ન બગાસું ખાવુ કે ન આડા અવળાં ડાફોળિયા મારવાં કે બોલવું કે ન ઇશારા કરવા કે ન મોબાઇલ ફોનથી વાત કરવી. સીધા ટટ્ટાર બેસી સુખેથી માળા ફેરવતાં ફેરવતાં, મહારાજના સ્વરૂપમાં લીન થઇ જવું.

       બોટાદના શિવલાલ શેઠ પૂજા કરવા બેસતા ત્યારે શ્રીજીમહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ પધારતા. મંદિરેથી સંતો અને હરિભકતો પણ શિવલાલ શેઠની પૂજામાં પધારેલા મહારાજનાં દર્શન કરવા આવતા. શિવલાલ શેઠની તમામ સેવાને અંગીકાર કરતા એવા દર્શન સંતોને થતાં હતાં. એક વખત અડધી પૂજાએ સંતો ઉઠીને ચાલ્યા ગયા. શિવલાલ શેઠે પૂછયું, "સંતો, રોજ તમે મારી પૂજા પતી ગયા પછી જ જાવ છો. આજે કેમ અડધી પૂજાએ જતા રહ્યા ?" સંતોએ કહ્યું, "શિવલાલ શેઠ, આજે તમે અડધી પૂજાએ તમારા મુનીમે તમને કાંઇક પૂછયું અને તમે ઇશારાથી એને સાન કરી એટલે મહારાજ પૂજામાંથી જતા રહ્યા. મહારાજના દર્શન બંધ થઇ ગયાં. અમે તો મહારાજનાં દર્શન કરવા આવતા હતા. મહારજ જતા રહ્યા." પછી અમારે બેસીને શું કામ હતું ? માટે વહેલા જતા રહ્યા. માટે પૂજા એકાગ્રતાથી તથા ખૂબ જ પ્રગટભાવે કરવી.

Top    

(૭) તપની માળા

       પૂજા સ્થાને ઊભા થઇ. ડાબા પગે ઊભા રહી, જમણા પગથી આંટી આપવી. જેમ નીલકંઠવર્ણીએ જે તપ કર્યું હતું તેની સ્મૃતિરૂપે તપની એક અથવા બે માળા ફેરવવી.

 
 

Top    

(૮) પ્રદક્ષિણા

 
 
 
 

      પૂજાની ફરતે ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષિણા કરવી. મહારાજ આપણા જીવનના કેન્દ્રસ્થાને છે. જીવનમાં જે કાંઇ કરવાનું છે તે મહારાજને સેન્ટરમાં રાખીને જ કરવાનું છે. લગ્નમાં જેમ ફેરા ફરાય છે તેમ અહ જીવના જીવન સાથેના ફેરા છે. મહારાજ સાથે લગ્નગ્રંથિ એટલે કે આપણા જીવનપણાના આધારથી જોડાયા છીએ તેના પ્રતીકરૂપે પ્રદક્ષિણા છે.

Top    

(૯) દંડવત્

       આપણું અંગે અંગ મહારાજને સમર્પિવત કરવું છે. એ સમર્પણની ભાવનાના પ્રતીકરૂપે દંડવત પ્રણામ છે. દંડવત્ કરતી વખતે પ્રાર્થનાના શ્લોકો બોલવા. "આવ્યા અક્ષરધામના આ રાજા." ઓછામાં ઓછા પાંચ દંડવત્ કરવા અને છઠ્ઠો દંડવત્ શ્રીજીમહારાજે ગ.મ. ૪૦ ના વચનામૃતમાં આજ્ઞા કરી તે મુજબ જાણે, અજાણે, મન, કર્મે કે વચને વ્યતિરેકના સંબંધવાળા કોઇ મોટા મુકત કે મુકતનો અપરાધ-દ્રોહ થઇ ગયો હોય તો તેના પ્રાયશ્ચિત્તરૂપે એક દંડવત્ અધિક કરવો. ત્યારબાદ પ્રસાદ ધરાવવો. જો દંડવત્ કરતી વખતે હાથ વડે નીચે જમીનને સ્પર્શ થયા હોય તો જળ વડે શુધ્ધક કરી નાખવો. પછી જ પ્રસાદ ધરાવવો.

 
 

Top    

(૧૦) પ્રસાદ

 
 
 
 

      પ્રસાદ સ્ટીલ કે ચાંદીની વાટકીમાં ધરાવવો. પણ પ્રસાદીની ડબ્બીના ઢાંકણામાં ન ધરાવાય. પ્રસાદ માટેની વાટકી પણ સ્વચ્છ રાખવી.

       પ્રસાદમાં ખાંડ ન ધરાવાય, મહારાજને ખાંડના બુકડા ન ભરાવાય. પ્રસાદમાં શેકેલી સીંગ, સાકર, કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે ધરાવવા. પ્રસાદ ધરાવતી વખતે થાળ પણ બોલાય.

"જમોને જમાડું રે જીવન મારા"

       દયાળુ, અમારા આ બાળભોગનો સ્વીકાર કરો... સ્વીકાર કરો.. ત્યારબાદ પ્રસાદી મહારાજની હાજરીમાં જમીન ન જવી, પ્રસાદીની વાટકીથી સીધું મોંમાં પ્રસાદ ન નખાય. વળી પૂજા પતી ન જાય ત્યાં સુધી પ્રસાદી જમવી નહીં.

Top    

(૧૧) પ્રાર્થના

       ત્યારબાદ મહારાજને ખૂબ ગદ્ગદભાવે પ્રાર્થના કરવી, "હે મહારાજ ! અંતરના અને બહારના કુસંગ થકી રક્ષા કરજો, ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો, કોઇનો ય અજાણે પણ અભાવ-અવગુણ કે દ્રોહ ન થઇ જાય તેનું જાણપણું રખાવજો. આપને રાજી કરવા મંડી પડીએ, અખંડ મૂર્તિ આકારે વર્તાય સર્વે ક્રિયામાં અખંડ આપનું અનુસંધાન રહ્યા કરે, સર્વે ક્રિયામાં આપ જ કર્તા બનો પણ કયાંય "હું પણું" ન આવે અને દિવ્યજીવન જીવી શકીએ એવી આ સેવકની પ્રાર્થનાનો સ્વીકાર કરો.. સ્વીકાર કરો..." *

"તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા"

       "પહેલી ને છેલ્લી એ જ અરજ છે, મૂર્તિના સુખની એક ગરજ છે." દયાળુ ! જેવા છીએ તોયે તમારા છીએ. અમને મહાપથારી (છેલ્લા શ્વાસ) સુધી નિભાવશો અને ખૂબ ખૂબ મૂર્તિનું સુખ આપશો.

 
 

Top    

(૧૨) વિસર્જન

 
 
 
 

      હાથ જોડી પ્રાર્થના કરવી... "દયાળુ ! પૂજામાં આપની સેવામાં કાંઇ ક્ષતિ-ત્રુટી રહી ગઇ હોય તો ક્ષમા કરશો. ત્યારબાદ વિસર્જન મંત્ર બોલવો.

સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ્ ।
ઇષ્ટકામ-પ્રસિધ્ધયયર્થમ્ પુનરાગમનાય ચ ।।

       ત્યારબાદ મૂર્તિઓને ચરણસ્પર્શ કરી ભાવથી ક્રમ પ્રમાણે એકત્રિત કરી લેવી.

Top    

(૧૩) વાચન

       શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ શિક્ષાપત્રીના સંસ્કૃત શ્લોકના પ્રત્યક્ષાર્થ સમજાય તે માટે શિક્ષાપત્રી સાર વાંચવી, બાપાશ્રીની ટૂંકી વાતો ઓછામાં ઓછી પાંચ વાંચવી. તેમજ દિવ્યજીવન જીવવા માટેની અદ્ભૂત પુસ્તિકા "હરિને ગમે એવા થવું છે." તે પુસ્તિકાની પ્રાર્થના અથવા પાંચ મનનીય વાકયો વાંચવાં. પછી પૂજાની સમાપ્તિ કરી સંકેલી લેવી. પૂજા થઇ ગયા પછી ઘરમંદિરે પાંચ દંડવત્ કરવા અને માતા-પિતા, વડીલોને ચરણસ્પર્શ કરી અને નાનાને હાથ જોડી જય સ્વામિનારાયણ કહેવા.

 
 
   

Top