સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ તથા સર્વોપરી નિષ્ઠા

૧.સ્વામિનારાયણ ભગવાનનાં સર્વોપરીપણાનાં લક્ષણો

લક્ષણ ૧ : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ આમ અષ્ટાંગ યોગ સાધે ત્યારે એક વખત સમાધિ થાય. પૂર્વે ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા થઈ ગયા છતાં કોઈને થઈ નહોતી તેવી સવિકલ્પ-નિર્વિકલ્પ મિશ્રિત સમાધિ શ્રીજીમહારાજ અનંતાનંતને સહેજે કરાવતા. વળી, શ્રીજીમહારાજ અક્ષરધામની પણ સમાધિ કરાવતા. આવી દુર્લભ સમાધિ શ્રીજીમહારાજ પશુ, પક્ષી, મનુષ્ય, ભક્ત, અભક્ત આદિ સર્વે અનંતાનંતને માત્ર દૃષ્ટિથી, ચાખડીના અવાજે, સોટી અડાડીને તથા તાળી પાડીને પણ સહેજે કરાવતા. 

લક્ષણ ૨ : શ્રીજીમહારાજ સમાધિ કરાવતા તેમાં સમાધિને વિષે અન્ય અવતારના ભક્તોને તથા તેમના ઇષ્ટદેવને અર્થાત્‌ અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરતા દેખાડ્યા. 

લક્ષણ ૩ : પૂર્વે કોઈ અવતારોએ પોતે પોતાનું નામ જાતે પાડ્યું નથી. વળી, પોતાની હયાતીમાં ભગવાન તરીકે પ્રસ્થાપિત થઈ પોતાના નામનું ભજન કરાવ્યું નથી. જ્યારે શ્રીજીમહારાજે સંવત ૧૮૫૮ માગશર વદ એકાદશીના સદ્‌. રામાનંદ સ્વામીના ચૌદમાના દિને ફણેણી મુકામે પોતે સ્વમુખે પોતાનું સર્વોપરી એવું ‘સ્વામિનારાયણ’ નામ પાડ્યું તથા પોતાના સ્વમુખે આ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો અપાર મહિમા વર્ણવ્યો. 

લક્ષણ ૪ : સ્વામિનારાયણ ભગવાને કદી હાથમાં શસ્ત્ર લઈને કોઈને માર્યા નથી. તેઓએ અસુરોને નથી માર્યા પરંતુ તેમની અંદર રહેલાં કામ, ક્રોધ, લોભ, માન, સ્વાદ આદિક અંતઃશત્રુઓને માર્યા છે અને અસુરોને તાર્યા છે. તેઓએ જોબનપગી જેવા પાપના પર્વતોને પણ દૃષ્ટિમાત્રથી ઓગાળી નાખ્યા છે અને આદર્શ ભક્તો કર્યા છે. 

લક્ષણ ૫ : પૂર્વે મોટા મોટા ઋષિમુનિઓ તથા અવતારો પણ કામશત્રુને પરાજય કરી શક્યા નથી. જ્યારે શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોનો એવો સબળ અને વર્તનશીલ સમાજ ઊભો કર્યો કે જેમાં તેઓએ પોતે તો બ્રહ્મચર્ય પાળ્યું પરંતુ પોતાના સંતો અને હજારો ભક્તો-અનુયાયીઓને બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું. 

લક્ષણ ૬ : સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે પોતે, પોતાની પ્રતિમા - મૂર્તિને વિષે સદાય પ્રગટ છે એવા કોલ આપ્યા. વળી, પોતાના આપેલા કોલ-આશીર્વાદ મુજબ તેઓએ પોતાની પ્રતિમા સ્વરૂપ મૂર્તિને વિષે સદાય પ્રગટ છે તેની પ્રતીતિ કરાવતા સેંકડો પરચા-ચમત્કાર દેખાડ્યા. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ પ્રતિમાને વિષે જેવો પ્રગટ અને પ્રત્યક્ષભાવ છે તેવો બીજે ક્યાંય નથી. 

લક્ષણ ૭ : પૂર્વે હજારો વર્ષો સુધી તપ કરીને રાફડા થઈ ગયા. વાયુભક્ષણ કરીને સુકાઈ ગયા તોપણ આત્યંતિક કલ્યાણ થયું નથી. એવા આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાને અને તેમના પ્રતાપે તેમના સંતોએ સહજમાં અને ફદલમાં કરાવી છે. પશુ, પક્ષી, જીવ-પ્રાણીમાત્ર તથા પામર, પતિત, અધમ અને ભૂતયોનિને પામેલાં હોય તેવાનાં પણ તેમણે ફદલમાં કલ્યાણ કર્યાં છે. આમ, તેઓએ વર્તમાનકાળે પણ પોતાના સત્પુરુષ અને સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનાં સદાવ્રત ચાલુ રાખ્યાં છે.

લક્ષણ ૮ : શ્રીજીમહારાજની એક જ હાકલ-આદેશથી પોતાની વર્ષો જૂની રૂઢિગત વર્ણાશ્રમની માન્યતાઓનો ત્યાગ કરી એકસાથે ૫૦૦ મુમુક્ષુઓ હાજર થયા અને તેમને એકસાથે શ્રીજીમહારાજે પરમહંસની દીક્ષા આપી. આવું કાર્ય પૂર્વે કોઈ અવતારોએ કર્યું નથી.આ પરમહંસો પણ કોઈ સામાન્ય પુરુષો નહોતા. ભૂખે મરતા હોય, ગરીબ હોય, અભણ હોય, વધારાના હોય તેવા નહોતા. એમાં કેટલાક તો મોટા રાજ્યના રાજા તો કેટલાક રાજાના એકના એક કુંવર અને કેટલાક વિચક્ષણ બુદ્ધિવાન અને કેટલાક દોમ દોમ સાહેબીમાં ઊછરેલા હતા. જેમાં સદ્‌. બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પોતાના શરીર પર પોણો મણ સોનું ધારણ કરતા હતા તથા ચોવીસ કળાઓમાં પારંગત અને શતાવધાની હતા. સદ્‌. નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં બુંદેલખંડમાં, દાંતિયા ગામના રાજા હતા. તેઓ એ જમાનામાં એક કરોડના આસામી હતા. સોનાના સિગરામમાં બેસીને તેઓ જાત્રા કરવા નીકળ્યા હતા અને શ્રીજીમહારાજના શરણે આવી ગયા. આવા એક એકથી અધિક એવા ૫૦૦ પરમહંસોને શ્રીજીમહારાજે એકસાથે દીક્ષા આપી. આવા ૩૦૦૦ કરતાં પણ વધુ સંતો શ્રીજીમહારાજને ઇષ્ટદેવ માની તેમનું ભજન કરતા હતા.

લક્ષણ ૯ : શ્રીજીમહારાજે પોતે પોતાની હયાતીમાં પોતાનાં ભવ્ય શિખરબદ્ધ મંદિરો કરાવ્યાં તથા એ મંદિરોમાં પોતાનાં સ્વરૂપો પધરાવ્યાં. એવું કાર્ય પૂર્વે કોઈ અવતારોએ કર્યું નથી.એ જ રીતે શ્રીજીમહારાજે પોતાની હયાતીમાં પોતાના ઉપદેશનાં, લીલાચરિત્રનાં એવાં વિવિધ શાસ્ત્રોની રચના કરી અને કરાવી. આવું કાર્ય પણ પૂર્વે કોઈ અવતારોએ કર્યું નથી. પૂર્વે થઈ ગયેલા અવતારોનાં શાસ્ત્રો તેઓના અદૃશ્ય થયા બાદ ૨૦, ૩૮ વર્ષે તથા ૫૦૦, ૬૦૦ વર્ષ પછી તૈયાર થયાં છે પરંતુ પોતાની હયાતીમાં કોઈએ શાસ્ત્રો રચ્યાં-રચાવ્યાં નથી. વળી, પોતે પોતાની હયાતીમાં પોતાનાં ભજનભક્તિ શરૂ કરાવ્યાં અને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. તે પણ પૂર્વે કોઈ અવતારોએ કર્યું નથી.

લક્ષણ ૧૦ : શ્રીજીમહારાજ પોતાના આશ્રિતોને આત્યંતિક કલ્યાણના કોલ આપી, અગાઉથી દર્શન દઈ ભક્તોને ધામમાં લઈ જવાની અવધિ આપતા અને એ પ્રમાણે ધામમાં લઈ જતા. કોઈ ભક્તનું આયુષ્ય ન હોય તો તેને રાખે અને વળી આયુષ્ય હોય તોપણ પોતાના ધામમાં તેડી જાય. અરે ! એટલું જ નહિ પરંતુ કોઈના બદલે કોઈને ધામમાં લઈ જતા. આમ, આત્માનો અદલોબદલો પણ કરતા. આવું કાર્ય પૂર્વે કોઈ અવતારોએ કર્યું નથી.

લક્ષણ ૧૧ : પુરાણની અંદર સામુદ્રિક શાસ્ત્રોમાં સર્વોપરી ભગવાનનાં લક્ષણો આપેલાં છે જે તમામ લક્ષણો સ્વામિનારાયણ ભગવાનની મનુષ્યરૂપ અર્થાત્‌ અવરભાવની મૂર્તિને મળતાં આવતાં. જેમ કે ચરણમાં સોળ ચિહ્‌ન, સવા ચોસઠ તસુની ઊંચાઈ, અણિયાળું નાક, તિલ, ચિહ્‌ન વગેરે ઘણાં લક્ષણો સ્વામિનારાયણ ભગવાનને મળતાં આવતાં.

આમ, પૂર્વે જે જે અવતારો થઈ ગયા તેમણે કોઈએ જેવાં કાર્યો નથી કર્યાં એવાં ઉપરોક્ત તથા અન્ય બીજાં અનેક કાર્યો સ્વામિનારાયણ ભગવાને કર્યાં છે. આથી આપણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહીએ છીએ. માત્ર આપણા ઇષ્ટદેવ છે એટલે સર્વોપરી એવું સમજીને નથી કહેતા. વળી, ઉપરોક્ત લક્ષણોથી જ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું નથી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે તેથી તેમનામાં આ લક્ષણો જોવા મળે છે.

૨. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી

શ્રીજીમહારાજનો યથાર્થ સર્વોપરી મહિમા સમજવા માટે સર્વોપરી શબ્દના બે અર્થ સમજવા અનિવાર્ય છે. જેમાં એક ‘સર્વોપરી’ શબ્દનો ‘શબ્દાર્થ - સામાન્ય અર્થ’ અને બીજો ‘સૈદ્ધાંતિક અર્થ’ આ બે અર્થ સમજાય ત્યારે જ શ્રીજીમહારાજની સર્વોપરી મોટપ સમજાય.

શબ્દાર્થ 

સર્વોપરી શબ્દનો શબ્દાર્થ સમજીએ તો સર્વોપરી શબ્દ સંધિયુક્ત શબ્દ છે. જેમાં સર્વ + ઉપરી = સર્વોપરી. આમાં એક શબ્દ બહુવચન છે અને એક શબ્દ એકવચન છે. ‘સર્વ’ શબ્દ બહુવચન છે અને ‘ઉપરી’ શબ્દ એકવચન છે જે કેવળ શ્રીજીમહારાજ માટે જ વપરાયો છે. ‘સર્વ’ શબ્દ વાપર્યો એમાં કોણ કોણ આવી જાય ? તો, એક શ્રીજીમહારાજ સિવાય બધાય. એટલે કે શ્રીજીમહારાજ સર્વના ઉપરી છે. અર્થાત્‌ શ્રીજીમહારાજ સર્વેથી મોટા છે આવું સમજીએ તો ‘સર્વોપરી’ શબ્દનો શબ્દાર્થ સમજ્યા કહેવાય.

સૈદ્ધાંતિક અર્થ 

શ્રીજીમહારાજ સર્વેથી મોટા છે અને સૌના ઉપરી છે આ વાત સાચી છે. પરંતુ શ્રીજીમહારાજ અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ આ બંને લાઇનના ઉપરી કેવી રીતે છે ? આ વિગત સમજીએ ત્યારે જ સૈદ્ધાંતિક અર્થ સમજ્યા કહેવાય.અન્વયની લાઇનવાળા અનંત અક્ષરોથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીના શ્રીજીમહારાજની અન્વય શક્તિની સત્તાથી ઉત્તરોત્તર થયા છે અને એના આધારે જ રહ્યા છે. માટે અન્વય સ્વરૂપના સંબંધવાળાના શ્રીજીમહારાજ અન્વય શક્તિ દ્વારા ઉપરી છે. જ્યારે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા શ્રીજીમહારાજના વ્યતિરેક સંબંધે કરીને થયા છે અને એના આધારે જ રહ્યા છે. માટે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળાના શ્રીજીમહારાજ વ્યતિરેક સ્વરૂપે સીધા કારણ અને ઉપરી છે.

૩.સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને સમજવા માટે ચાર પ્રશ્નો 

શ્રીજીમહારાજને યથાર્થ સર્વોપરીપણે ઓળખવા માટે તેમના અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપને સ્પષ્ટપણે સમજવું ફરજિયાત છે. શ્રીજીમહારાજના અન્વય અને વ્યતિરેક એમ બે સ્વરૂપ જુદાં કેમ કહ્યાં ? શું શ્રીજીમહારાજના નિરાકાર અને સાકાર એમ બે સ્વરૂપ જુદાં છે ? ના. શ્રીજીમહારાજના એવી રીતે નિરાકાર અને સાકાર એમ બે સ્વરૂપ જુદાં નથી. તો પછી અહીં બે સ્વરૂપ કેમ કહ્યાં ? તો, બધાયને વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થતો નથી માટે બે સ્વરૂપ જુદાં કહ્યાં છે. શ્રીજીમહારાજનું સ્વરૂપ તો એક જ છે અને એ છે વ્યતિરેક સ્વરૂપ. શ્રીજીમહારાજના સ્વરૂપનો જેમ છે તેમ યથાર્થ સર્વોપરી નિશ્ચય દૃઢ થવાથી જ તેમના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થાય છે અર્થાત્‌ તેમની પ્રાપ્તિ થાય છે.શ્રીજીમહારાજના જે આશ્રિતને શ્રીજીમહારાજના સ્વરૂપનો આવો જેમ છે તેમ યથાર્થ સર્વોપરી નિશ્ચય દૃઢ ન હોય તેમને શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થતો નથી. અર્થાત્‌ જેમને આવા સર્વોપરી નિશ્ચયની દૃઢતા થઈ નથી તેમને શ્રીજીમહારાજનો સાક્ષાત્‌ સંબંધ થતો નથી. તેમને તો શ્રીજીમહારાજનો ઇનડાયરેક્ટ અર્થાત્‌ સીધો સંબંધ નથી એમ દર્શાવવા માટે અન્વય સ્વરૂપ કહ્યું છે. પરંતુ વાસ્તવિકતાએ અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ એમ બે સ્વરૂપ જુદાં નથી, સ્વરૂપ તો શ્રીજીમહારાજનું એક વ્યતિરેક સ્વરૂપ જ છે.

આમ, શ્રીજીમહારાજના સર્વોપરી નિશ્ચયની દૃઢતા થવાથી જ આત્યંતિક કલ્યાણના અધિકારી થવાય છે અને તો જ મૂર્તિના સુખને પામી શકાય છે. માટે આપણે જ્યારે શ્રીજીમહારાજનો આવો સર્વોપરી નિશ્ચય દૃઢ કરવો છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ સર્વોપરી સમજવા એ જ એકમાત્ર ઉપાય છે. શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરી સમજવા માટે ચાર પ્રશ્નો સમજવા ફરજિયાત છે :

૩.૧ સ્વામિનારાયણ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ એટલે શું ?

શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ એ જ એમનું વ્યતિરેક સ્વરૂપ છે. અવરભાવમાં દેખાતી અષ્ટ પ્રકારની મૂર્તિ છે તે પણ માયિક નથી. એ મૂર્તિને વિષે પણ તેજ, લાવણ્યતા આદિ બધું છે જ. માટે એ મૂર્તિ પણ દિવ્ય તેજોમય જ છે અને વ્યતિરેક સ્વરૂપ જ છે. ટૂંકમાં, શ્રીજીમહારાજની મૂર્તિ એ જ એમનું વ્યતિરેક સ્વરૂપ.

જેને પુષ્ટ કરતાં શ્રીજીમહારાજ શ્રીમુખે કહે છે, 

“જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું (શ્રીજીમહારાજનું) વ્યતિરેક સ્વરૂપ જાણવું.” અર્થાત્‌ જીવથી લઈને અક્ષર આ સર્વેથી પોતાની અન્વય શક્તિએ પર તથા વ્યતિરેકના સંબંધવાળા ચાર વર્ગના એ સર્વેથી પણ પર એવું જે શ્રીજીમહારાજનું સ્વરૂપ છે તે જ વ્યતિરેક સ્વરૂપ છે અને આવું વ્યતિરેક સ્વરૂપ એક જ છે, બે નથી.

૩.૨ અક્ષરધામ એટલે શું ?

શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતો અધોઊર્ધ્વ, ચારેકોરે પ્રમાણે રહિત તેજનો સમૂહ તેને કહેવાય અક્ષરધામ; જે શ્રીજીમહારાજને રહ્યાનું ધામ છે. આ અક્ષરધામ એ સ્થાનવાચક, સ્થળવાચક કે વ્યક્તિવાચક શબ્દ નથી. અક્ષરધામ એટલે મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ. આમ, અક્ષરધામ એ તેજવાચક છે માટે તે નિરાકાર છે પરંતુ સાકાર નથી.

શ્રીજીમહારાજે ઘણીબધી વાર શ્રીમુખે જ પોતાની મૂર્તિમાંથી નીકળતા તેજના સમૂહને અક્ષરધામ નામે કહેલ છે :

“અને જે અક્ષરબ્રહ્મ છે તે તો અમારા અંગનો પ્રકાશ છે અથવા અમારે રહ્યાનું ધામ છે.”

- પંચાળાનું ૧લું વચનામૃત

“સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે (પરભાવમાં એવું સિંહાસન નથી પરંતુ તેજ જ સિંહાસન રૂપે શોભા આપે છે), ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે વિરાજમાન છે.”

- લોયાનું ૧૪મુ વચનામૃત

“અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, તથા બ્રહ્મ કહીએ, ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિષે જે અમારી મૂર્તિ છે, તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ.”                  

 - ગઢડા મધ્યનું ૧૩મું વચનામૃત

“તેજોમય જે અમારું ધામ તેને વિષે અમારી મૂર્તિ રહી છે.”                                                    

- ગઢડા છેલ્લાનું ૩૧મું વચનામૃત

૩.૩ સ્વામિનારાયણ ભગવાનનું અન્વય સ્વરૂપ એટલે શું ?

શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતા તેજના સમૂહની અનંત કિરણોમાંની માત્ર એક જ કિરણ તેને કહેવાય શ્રીજીમહારાજનું અન્વય સ્વરૂ૫; જે મૂર્તિમાન નથી, નિરાકાર છે.

અનંત અક્ષરથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીમાં શ્રીજીમહારાજ પોતાના અન્વય સ્વરૂપે કરીને ઉત્તરોત્તર રહ્યા છે. આ અન્વય સ્વરૂપ માટે શ્રીજીમહારાજે વચનામૃતમાં ‘અન્વયપણે’, ‘સાક્ષી રૂપે’, ‘અંતર્યામીપણે’, ‘કાન્તિએ કરીને’, ‘અન્વય શક્તિએ’, ‘શક્તિએ કરીને’ આવી રીતે વિવિધ પ્રકારના શબ્દપ્રયોગ કર્યા છે. તથા એ જ રીતે ‘રોમ’, ‘કિરણ’ એવા વિવિધ શબ્દપ્રયોગો પોતાના તેજની એક કિરણ જે અન્વય સ્વરૂપ તે માટે જ વાપર્યા છે. જેનું નિદર્શન શ્રીજીમહારાજનાં શ્રીમુખ વચનોમાં જ થાય છે : 

“ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે એ અમારું અન્વય સ્વરૂપ છે.”

- સારંગપુરનું ૫મું વચનામૃત

“અમારું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક (કહેતાં એક) રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે.”                                                                                                                 

- ગઢડા પ્રથમનું ૬૩મું વચનામૃત

“તેમ અમારા એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે.”

- લોયાનું ૨જુ વચનામૃત

૩.૪ સ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ કોને કોને છે ?

“જેને અમારા સ્વરૂપનો યથાર્થ નિશ્ચય હોય તેને અમારો સંબંધ થયો કહેવાય.”

- ગઢડા પ્રથમનું ૬૨મું વચનામૃત

શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સીધો-સાક્ષાત્‌ સંબંધ પામેલા ચાર વર્ગના છે જેમાં 

૧. અનાદિમુક્ત

૨. પરમ એકાંતિકમુક્ત

૩. એકાંતિક ભક્ત

૪. ચાલોચાલ ભક્ત

આ ચારેય વર્ગના અનંતાનંત છે. આ ચારેય વર્ગમાં એકાંતિક ભક્ત અને ચાલોચાલ ભક્ત આ બંને સાધનદશામાં છે. જ્યારે અનાદિમુક્ત અને પરમ એકાંતિકમુક્ત સિદ્ધદશામાં છે. તેઓ બંને સિદ્ધદશામાં હોવા છતાં તેમના સુખમાં ભેદ રહે છે. અનંત અનાદિમુક્તો શ્રીજીમહારાજના પ્રતિલોમ ધ્યાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમપણે માંહી-બહાર પુરુષોત્તમરૂપ થયા છે. જેથી તેઓ સર્વદેશી સાધર્મ્યપણું પામ્યા છે. જ્યારે અનંત પરમ એકાંતિકમુક્તો શ્રીજીમહારાજના અનુલોમ ધ્યાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સાથે અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ થયા છે. જેથી તેઓ એકદેશી સાધર્મ્યપણું પામ્યા છે. માટે અનાદિમુક્તનું સુખ સિંધુને ઠેકાણે છે અને તેની સરખામણીમાં પરમ એકાંતિકમુક્તનું સુખ બિંદુને ઠેકાણે છે. માટે અનાદિમુક્ત જ સિદ્ધદશામાં છે, સંપૂર્ણ પુરુષોત્તમરૂપ અને સંપૂર્ણ સુખભોક્તા છે. આ અનાદિમુક્તની સ્થિતિ જ છેલ્લી અને કાયમી સ્થિતિ છે. તેથી પર કોઈ સ્થિતિ નથી. જ્યારે એકાંતિક ભક્ત અને ચાલોચાલ ભક્ત સાધનદશામાં છે. જેમાં એકાંતિક ભક્ત પોતાને બ્રહ્મરૂપ માને છે અને ચાલોચાલ ભક્ત દેહ રૂપે વર્તે છે. માટે વ્યતિરેકના સંબંધવાળા ચારેય વર્ગમાં અનાદિમુક્તની પદવી સર્વોત્તમ અને અંતિમ છે.

૪. સ્વામિનારાયણ ભગવાન સર્વ કારણના કારણ

અનંત અક્ષરોથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીના સર્વે અન્વયના સંબંધવાળા શ્રીજીમહારાજની અન્વય શક્તિની સત્તાથી ઉત્તરોત્તર થયા છે અને રહ્યા છે તથા વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચારેય વર્ગના શ્રીજીમહારાજના વ્યતિરેક સંબંધથી થયા છે અને રહ્યા છે. કોઈની પાસે કશું જ પોતાનું નથી. આમ, અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વેના કારણ બે ના હોઈ શકે; એક જ છે અને એ શ્રીજીમહારાજ છે. આમ સમજીએ તો શ્રીજીમહારાજને સર્વના કારણ સમજ્યા કહેવાય.

સર્વ કારણના કારણ શ્રીજીમહારાજ છે. ખરેખર અનંતકોટિ બ્રહ્માંડમાં કારણ સ્વરૂપ એક ને માત્ર એક જ છે. પરંતુ સર્વે કારણના કારણ કહ્યા એટલે કે બીજા ઘણા કારણો હોઈ શકે ? પણ એવું નથી. બીજા કોઈ કારણ છે જ નહીં. શ્રીજીમહારાજ એક જ કારણ છે. અને આ કારણને લઈને બેય લાઇનવાળા થયા છે ને રહ્યા છે.

સર્વેના કારણ કહ્યા તે સર્વેમાં કોનો કોનો સમાવેશ થઈ જાય ? તો સર્વેમાં અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અક્ષરોથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીના અને વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચાર વર્ગના સર્વેનો આમાં સમાવેશ થઈ જાય. આ બધા કારણો એટલે સ્વરૂપો આ કારણને લઈને જ છે. એટલે કે આ બધાયના કારણ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે.    

અન્વય સ્વરૂપના સંબંધવાળાના શ્રીજીમહારાજ પોતાની અન્વય શક્તિ દ્વારા કારણ છે અર્થાત્‌ સીધા કારણ નથી. જ્યારે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળાના શ્રીજીમહારાજ સીધા કારણ છે.

૫. સ્વામિનારાયણ ભગવાન સદાય પ્રગટ-પ્રત્યક્ષ         

આત્યંતિક કલ્યાણના માર્ગમાં પણ જો ભગવાન તરીકે એકમાત્ર શ્રીજીમહારાજના સ્વરૂપને જ પ્રગટ-પ્રત્યક્ષ સમજ્યા વિના ધ્યાન, ભજન, ઉપાસના તથા નિષ્ઠા આદિ કરવામાં આવે તો તે અર્થહીન છે. માટે આત્યંતિક કલ્યાણના માર્ગમાં પણ ભગવાન તરીકે એકમાત્ર શ્રીજીમહારાજના સ્વરૂપને જ પ્રગટ-પ્રત્યક્ષ સમજવું અનિવાર્ય છે. જો આ ન સમજાય તો આત્યંતિક કલ્યાણ થાય નહીં. કેમ જે કલ્યાણનું સ્વરૂપ શ્રીજીમહારાજની મૂર્તિ છે. તેને જો પ્રગટ-પ્રત્યક્ષ ન સમજાય ને માયિકભાવ રહે તો તે ભગવાનના સ્વરૂપને માયિક જાણ્યું કહેવાય. જો ભગવાનને માયિક જાણે તો તેનો માયિકભાવ કદી ટળે નહીં. માટે શ્રીજીમહારાજને સદાય પ્રગટ-પ્રત્યક્ષ સમજવા અતિ આવશ્યક છે.

શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા ત્યારે જ પ્રગટ થયા એવું નથી. શ્રીજીમહારાજ તો સદાય પ્રગટ, પ્રગટ ને પ્રગટ જ છે. પરંતુ આ બ્રહ્માંડ માટે સંવત ૧૮૩૭થી શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. જેથી આ બ્રહ્માંડ માટે શ્રીજીમહારાજ સંવત ૧૮૩૭થી પ્રગટ છે એવું કહેવાય પરંતુ શ્રીજીમહારાજ તો છે, છે ને છે જ એટલે કે શ્રીજીમહારાજ સદાય પ્રગટ જ છે. વળી, અત્યારે શ્રીજીમહારાજ મનુષ્યને મૂર્તિ સ્વરૂપે અર્થાત્‌ પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. આ પ્રતિમા સ્વરૂપ મૂર્તિ ચર્મચક્ષુએ દેખાય છે ફોટો, આરસ કે પ્રતિમા; પણ તે ફોટો, આરસ કે પ્રતિમા નથી. તેઓ તો સાક્ષાત્‌ જ છે, પ્રગટ જ છે, સદાય તેજના સમૂહમાં જ છે અર્થાત્‌ અક્ષરધામમાં જ છે. માટે શ્રીજીમહારાજ તો સંપૂર્ણ પરભાવનું જ સ્વરૂપ છે જે અવરભાવવાળાને પ્રતિમા સ્વરૂપે જણાય-દેખાય છે. અક્ષરધામનું સ્વરૂપ અને આ મૂર્તિ રૂપે જણાતું સ્વરૂપ જુદું નથી. આ સ્વરૂપ અક્ષરધામમાં જ છે. અક્ષરધામ એટલે મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ જે આ મૂર્તિ ભેળો જ છે. માટે અક્ષરધામ જુદું નથી કે અધ્ધર નથી. આ સ્વરૂપ અક્ષરધામમાં જ છે. આવો દિવ્યભાવ મૂર્તિને વિષે સમજવો એ જ શ્રીજીમહારાજને પ્રગટ-પ્રત્યક્ષ જાણ્યા કહેવાય. માટે આવી રીતે સમજીએ તેને જ શ્રીજીમહારાજનો પ્રગટ-પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો કહેવાય.

શ્રીજીમહારાજને પ્રગટ-પ્રત્યક્ષ જાણી તેમને વિષે પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો પરંતુ પરોક્ષપણે કહેતાં માયિક જાણીને ન કરવો. 

“અમારો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને અમારી ભક્તિ કરતો હોય ને અમારાં દર્શન કરતો હોય તોપણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે અક્ષરધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી અમારા સ્વરૂપની વાત પણ ન સાંભળવી.” 

- ગઢડા પ્રથમનું ૯મું વચનામૃત

અહીં શ્રીજીમહારાજ પોતાના આશ્રિતોને એવું કહેવા માગે છે કે તમારે સૌએ અમારો પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો પરંતુ પરોક્ષપણે નહીં. અહીં પ્રત્યક્ષપણે નિશ્ચય અને પરોક્ષપણે નિશ્ચય તેની વિગત સમજવી જરૂરી છે.

૫.૧ પ્રત્યક્ષપણે નિશ્ચય 

વર્તમાનકાળે શ્રીજીમહારાજ આપણને પ્રતિમા સ્વરૂપે દેખાય છે અર્થાત્‌ દર્શન આપે છે. આ પ્રતિમા સ્વરૂપ મૂર્તિને વિષેથી પ્રતિમાભાવ દૂર કરી દિવ્યભાવની-પરભાવની સમજણ કેળવવી અર્થાત્‌ તે મૂર્તિને પ્રતિમા ન સમજતાં એવું નક્કી કરવું કે ભલે આ આંખે કરીને મને મૂર્તિને વિષે આરસ, કાષ્ઠ, ધાતુ કે પ્રતિમા એવા ભાવ દેખાય છે પણ મૂર્તિને વિષે એવું કાંઈ નથી. હું જે શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન કરું છું એ સ્વરૂપ અક્ષરધામમાં જ છે. વળી, આ મૂર્તિને વિષે જ અનંત મુક્તો, ઐશ્વર્ય, લાવણ્યતા, તેજ અને અનંત કલ્યાણકારી ગુણો છે. માટે આ સ્વરૂપ પરભાવમાં જ છે અને મને એ સ્વરૂપ સાક્ષાત્‌ મળ્યું છે. આવી જે સમજણ દૃઢ થાય તેને મૂર્તિને વિષે પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો કહેવાય.

૫.૨ પરોક્ષપણે નિશ્ચય  

શ્રીજીમહારાજે સંવત ૧૮૩૭માં પંચભૂતનો દેહ ધર્યો અને સંવત ૧૮૮૬માં દેહનો ત્યાગ કર્યો અર્થાત્‌ અંતર્ધાન થયા. હવે મહારાજ અધ્ધર અક્ષરધામમાં છે પણ અહીં નથી. વળી અક્ષરધામમાં મહારાજ દિવ્ય તેજોમય છે એવું સમજે પણ આ પ્રતિમા સ્વરૂપે મનુષ્યને દેખાય છે એ મહારાજ દિવ્ય તેજોમય જ છે, એ મૂર્તિમાં જ તેજ, લાવણ્યતા, ઐશ્વર્ય, અનંત મુક્તો આ બધું છે એવું નથી સમજતો તે જ પરોક્ષભાવ છે. માટે અક્ષરધામની મૂર્તિ અને મનુષ્યરૂપ કે પ્રતિમા સ્વરૂપ મૂર્તિ આ ત્રણ સ્વરૂપ જુદાં મનાય અને હજુ મરીને ધામમાં જવાનું છે એવું અપૂર્ણપણું રહે તથા તેજોમય સ્વરૂપ જોવાની ઇચ્છા રહે તે જ પરોક્ષપણે નિશ્ચય કહેવાય.

૬. સ્વામિનારાયણ ભગવાન સદાય અંતર્યામી

અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અક્ષરોથી લઈ જીવ-પ્રાણીમાત્ર સુધીના સર્વેના શ્રીજીમહારાજ અન્વય શક્તિ દ્વારા અંતર્યામી છે. જ્યારે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચાર વર્ગના ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિકમુક્ત, અનાદિમુક્ત આ સર્વેના શ્રીજીમહારાજ વ્યતિરેક સ્વરૂપે અંતર્યામી છે. 

આમ, અનંતકોટિ બ્રહ્માંડમાં એક શ્રીજીમહારાજ જ અંતર્યામી સ્વરૂપ છે. અનંત વાસુદેવબ્રહ્મના અંતર્યામી અક્ષર છે તથા અનંત મૂળપુરુષના અંતર્યામી વાસુદેવબ્રહ્મ છે એવું નથી. અન્વય સ્વરૂપના સંબંધવાળા સર્વેના અંતર્યામી અન્વય શક્તિ દ્વારા એકમાત્ર શ્રીજીમહારાજ જ છે. વળી, અનંત અનાદિમુક્તોનું બધું જ શ્રીજીમહારાજ જાણે છે પરંતુ અનંત અનાદિમુક્તો ભેગા થઈ શ્રીજીમહારાજના સુખનું, મહિમાનું, ગુણોનું આ કોઈનું માપ કાઢી શકતા નથી. માટે, શ્રીજીમહારાજ સર્વનું જાણનાર છે પરંતુ એમનું કોઈ સંપૂર્ણ જાણી શકતું નથી અર્થાત્‌ માપ કાઢી શકતા નથી. માટે એ સર્વેના અંતર્યામી છે પરંતુ એમના અંતર્યામી કોઈ નથી. માટે ખરા અંતર્યામી એકમાત્ર શ્રીજીમહારાજ જ છે.

૭.સ્વામિનારાયણ ભગવાન સદાય દિવ્ય અને સદાય સાકાર         

૭.૧ સદાય દિવ્ય 

શ્રીજીમહારાજને સદાય દિવ્ય જાણવા માટે પ્રથમ ત્રણ શબ્દોની સમજ મેળવવી તથા તેમાં કોનો સમાવેશ થાય છે તે જાણવું આવશ્યક છે.

દિવ્ય 

દિવ્ય એટલે પુરુષોત્તમરૂપ. એકમાત્ર અનાદિમુક્ત જ સંપૂર્ણ પુરુષોત્તમરૂપ છે. માટે અનાદિમુક્તને જ સદા દિવ્ય કહેવાય. વળી, તેઓ દિવ્યાતિદિવ્ય જેવા હોવાથી તેમને દિવ્ય કહ્યા છે. પરમ એકાંતિકમુક્ત સંપૂર્ણ પુરુષોત્તમરૂપ થયા નથી. તેઓ અંગોઅંગ પુરુષોત્તમરૂપ છે જેથી તેમની સ્થિતિ અધૂરી છે. વળી, તેઓ પરભાવમાં જ છે માટે તેમને માયિક પણ ન કહેવાય. 

દિવ્યાતિદિવ્ય 

અનંતકોટિ બ્રહ્માંડમાં એમના જેવું દિવ્ય સ્વરૂપ બીજા કોઈનું હોય જ નહિ; તેમને દિવ્યાતિદિવ્ય કહેવાય. એવા દિવ્યાતિદિવ્ય સ્વરૂપ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન જ છે. કારણ કે એ કોઈના કર્યા થયા નથી તથા એ સ્વરૂપ કોઈનું બનાવેલું નથી. અને એમના સંબંધથી અનંત અનાદિમુક્તો દિવ્ય થયા છે ને થાય છે માટે તેમને જ એકમાત્ર દિવ્યાતિદિવ્ય કહેવાય.

૭.૨ સદાય સાકાર  

શ્રીજીમહારાજને સદાય સાકાર સમજવા માટે નીચેની સમજ મેળવવી તથા તેમાં કોનો સમાવેશ થાય છે તે જાણવું આવશ્યક છે. 

સદાય સાકાર 

સદાય સાકાર એટલે જેઓનું કદી પરિવર્તન નથી અર્થાત્‌ જેઓ કદી સાકાર મટી નિરાકાર થતા નથી તે. શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તનો સદાય સાકારમાં સમાવેશ થાય કારણ કે તેઓનું પરિવર્તન થતું નથી. અહીં શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત બંનેને સરખા કહ્યા, પણ એવું નથી. અનંતકોટિ બ્રહ્માંડમાં સદાય સાકાર તો એક શ્રીજીમહારાજ જ છે. કારણ કે એમનું સ્વરૂપ કોઈનું બનાવેલું નથી અને અનંત અનાદિમુક્તો મૂર્તિને લઈને સદાય સાકાર થયા છે. માટે શ્રીજીમહારાજ અને મુક્તોને સદાય સાકાર કેવી રીતે સમજવા ? તો શ્રીજીમહારાજ કદી મનુષ્ય જેવા થતા જ નથી, સદાય પરભાવમાં જ છે માટે તેમનું પરિવર્તન થતું નથી એમ સમજી સદાય સાકાર જાણવા. તથા અનાદિમુક્તની પદવી છેલ્લી છે માટે હવે તેમનું પણ પરિવર્તન થતું નથી એમ સમજી તેમને સદાય સાકાર જાણવા. જ્યારે પરમ એકાંતિકમુક્ત કાયમી રહેતા નથી. તેમને શ્રીજીમહારાજ કૃપા કરી અનાદિમુક્ત કરે છે. માટે તેમનું હજુ પરિવર્તન છે જેથી તેમની સ્થિતિ અધૂરી છે. માટે તેમને સદાય સાકાર કહેવાય નહિ, છતાં તેઓ સિદ્ધદશામાં છે માટે તેમને નિરાકાર પણ ન કહેવાય.

૭.૩ સ્વામિનારાયણ ભગવાનને સદાય દિવ્ય સાકાર મૂર્તિ કેવી રીતે સમજવા ?

સ્વામિનારાયણ ભગવાન સદાય દિવ્ય ને તેજોમય થકા પોતાના ધામને વિષે અર્થાત્‌ તેજના સમૂહ મધ્યે વિરાજમાન છે. આવું એમનું જે તેજોમય સ્વરૂપ કહેતાં એમનો પરભાવ એ જ એમનું સદા દિવ્યપણું છે. આ દિવ્યભાવનું કદી પરિવર્તન થતું નથી અર્થાત્‌ તેઓ પોતાનો પરભાવ છોડી મનુષ્ય જેવા કે પ્રતિમા જેવા થતા નથી, માયિક થતા નથી. કેમ જે પરભાવમાં હોય તે માયિક થાય જ નહીં. શ્રીજીમહારાજે સંવત ૧૮૩૭માં અવરભાવવાળાને અવરભાવ દેખાડ્યો અર્થાત્‌ મનુષ્યોને મનુષ્ય જેવા જણાયા-દેખાયા પરંતુ ખરેખર મનુષ્ય કે મનુષ્ય જેવા થયા નથી. તેઓ સદા એટલે કાયમ એક જ સ્વરૂપે છે અને સદા અક્ષરધામને વિષે અર્થાત્‌ તેજના સમૂહમાં કહેતાં સદા પરભાવમાં જ છે. આવું જે સમજવું તે એમને સદા દિવ્ય સમજ્યા કહેવાય.

૮. સ્વામિનારાયણ ભગવાન સર્વ કર્તા-હર્તા

૮.૧ સ્વામિનારાયણ ભગવાનને સર્વ કર્તા-હર્તા કેવી રીતે સમજવા ?

શ્રીજીમહારાજ માટે સર્વ કર્તા-હર્તા એમ કહ્યું છે જેમાં ‘સર્વ’ એ બહુવચન શબ્દ છે. તે સર્વ શબ્દમાં એક શ્રીજીમહારાજ સિવાય તેઓના અન્વય સ્વરૂપના સંબંધવાળા અને વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા તે સર્વેનો સમાવેશ થઈ જાય છે. એ સર્વેના કર્તા અને હર્તા એકમાત્ર શ્રીજીમહારાજ જ છે.

અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અક્ષરોથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીનાના શ્રીજીમહારાજ અન્વય શક્તિ દ્વારા કર્તા છે. અને એ અન્વય શક્તિ શ્રીજીમહારાજ પાછી લઈ લે તે અન્વયની લાઇનવાળા માટે શ્રીજીમહારાજનું હર્તાપણું કહેવાય. એ જ રીતે વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા ચારેય વર્ગવાળાના શ્રીજીમહારાજ વ્યતિરેક સ્વરૂપે સીધા કર્તા છે. પરંતુ અન્વય સ્વરૂપના સંબંધવાળામાં જેમ શ્રીજીમહારાજ હર્તાપણું જણાવે છે તેવું હર્તાપણું વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળામાં જણાવતા નથી. અર્થાત્‌ તેમને જે વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થયો છે તે કદી પાછો લઈ લેતા નથી. આવી રીતે અન્વય સ્વરૂપની લાઇનમાં સર્વ કર્તા-હર્તાપણું એકમાત્ર શ્રીજીમહારાજનું જ છે. અને વ્યતિરેક સ્વરૂપની લાઇનમાં પણ કર્તાપણું એકમાત્ર શ્રીજીમહારાજનું જ છે. એમના સિવાય બીજા કોઈની પાસે અલ્પ પણ પાવર પોતાનો આગવો નથી.

વિગતવાર સમજીએ તો, શ્રીજીમહારાજે પોતાની અન્વય શક્તિ દ્વારા કોઈને સામર્થ્ય-સત્તા આપી હોય તેથી તે અન્વય શક્તિની સત્તાથી કાર્ય કરી શકવાને સમર્થ થાય છે તે શ્રીજીમહારાજનું અન્વયની લાઇનમાં કર્તાપણું કહેવાય. વળી, જ્યારે સમય આવે ત્યારે અન્વય શક્તિ દ્વારા જે કાંઈ સામર્થ્ય આપ્યું હોય તે પાછું લઈ લે તે હરી લીધું કહેવાય. જેથી તે કશું જ કરવાને સમર્થ રહે નહીં. તે શ્રીજીમહારાજનું અન્વયની લાઇનમાં હર્તાપણું કહેવાય. 

અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અક્ષરથી લઈને જીવ-પ્રાણીમાત્રમાં શ્રીજીમહારાજનું સીધું કર્તાપણું નથી. તેમનામાં અન્વય શક્તિ દ્વારા ઉત્તરોત્તર (ઇનડાયરેક્ટ) કર્તાપણું છે.

૮.૨ કર્તુમ્‌-અકર્તુમ્‌-અન્યથાકર્તુમ્‌ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન  

શ્રીજીમહારાજે શ્રીમુખે પોતાને કર્તુમ્‌-અકર્તુમ્‌-અન્યથાકર્તુમ્‌ કહ્યા છે. આવું શ્રીજીમહારાજનું કર્તા, અકર્તા અને અન્યથા કર્તાપણું અન્વય સ્વરૂપના સંબંધવાળા અને વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા તે બંનેને વિષે છે તે સમજીએ.

કર્તુમ્‌ (કર્તા) 

અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ કર્તા છે જ નહિ એમ સમજવું તે સ્વામિનારાયણ ભગવાનને કર્તા સમજ્યા કહેવાય. જેમાં અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અક્ષરોથી લઈને જીવ-પ્રાણીમાત્ર સુધીનામાં શ્રીજીમહારાજનું અન્વય શક્તિ દ્વારા કર્તાપણું છે તથા વ્યતિરેક સ્વરૂપના ચાર વર્ગનામાં વ્યતિરેક સ્વરૂપે સીધું કર્તાપણું છે.

અકર્તુમ્‌ (અકર્તા) 

અકર્તુમ્‌ એટલે કર્તા થકા અકર્તા. અર્થાત્‌ ખરેખર કરે છે શ્રીજીમહારાજ પોતે પરંતુ કરનારો બીજો દેખાય છે. આમ, શ્રીજીમહારાજ પોતાની અન્વય શક્તિ દ્વારા બીજા પાસે કાર્ય કરાવે છે. એટલે દેખાય છે બીજો કોઈક કરનાર, પરંતુ ખરેખર અન્વય શક્તિ દ્વારા એ કાર્ય કર્યું છે તો શ્રીજીમહારાજે જ. આવું જે સમજવું તે કર્તા થકા અકર્તા સમજ્યા કહેવાય. 

જેમ કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે. તેમાં એવું દેખાય કે વરસાદના કર્તા ઇન્દ્ર છે. પરંતુ ખરેખર શ્રીજીમહારાજ પોતાની અન્વય શક્તિ દ્વારા વરસાદ વરસાવે છે. તેમ છતાં ઇન્દ્ર દ્વારા આ કાર્ય કરાવે છે એવું દેખાય છે તેથી લોકોને ઇન્દ્રએ કર્યું એવું લાગે કે દેખાય છે. માટે ભલે શ્રીજીમહારાજ કર્તા તરીકે દેખાતા નથી. કર્તા તરીકે તો ઇન્દ્ર જ દેખાય છે પરંતુ ઇન્દ્ર કર્તા નથી. ખરા કર્તા અન્વય શક્તિ દ્વારા શ્રીજીમહારાજ જ છે. આમ, શ્રીજીમહારાજ કર્તા થકા અકર્તા છે.

અન્યથા કર્તુમ્‌ (અન્યથા કર્તા) 

અન્વયની લાઇનવાળા કે વ્યતિરેકની લાઇનવાળા તે કોઈથી કશું થાય જ નહિ એટલે કે અનંતકોટિ બ્રહ્માંડમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન સિવાય અન્ય કોઈ કાંઈ કરી જ શકે નહીં. અર્થાત્‌ કોઈથી કશું થાય જ નહિ એમ સમજવું તે શ્રીજીમહારાજને અન્યથા કર્તા સમજ્યા કહેવાય.

૯. કલ્યાણનું સ્વરૂપ

૯.૧ કલ્યાણ એટલે શું ?

કલ્યાણ એટલે શ્રીજીમહારાજનું સ્વરૂપ. 

 “પ્રત્યક્ષ ભગવાનની (અર્થાત્‌ અમારા સ્વરૂપની) પ્રાપ્તિ તે જ પરમપદ છે.”

- ગઢડા મધ્યનું ૮મું વચનામૃત

 એવી રીતે શ્રીજીમહારાજનું સ્વરૂપ એ કલ્યાણનું સ્વરૂપ છે અને એમનો વ્યતિરેક સંબંધ થાય છે ત્યાંથી આત્યંતિક કલ્યાણ કહેતાં અનાદિમુક્તની સ્થિતિની શરૂઆત થાય છે.

૯.૨ કલ્યાણ કોનું થાય ? 

કલ્યાણ એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કહેતાં તેમનું વ્યતિરેક સ્વરૂપ. આ શ્રીજીમહારાજની જેમને સર્વોપરી નિષ્ઠા દૃઢ થાય તે કોઈ પણ વ્યક્તિ હોય તો તેને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્‌ સંબંધ થાય છે કહેતાં તેને શ્રીજીમહારાજનો વ્યતિરેક સંબંધ થાય છે. માટે જેને પણ આવો યથાર્થ સર્વોપરી નિશ્ચય થાય તેનું કલ્યાણ થાય.

૯.૩ કલ્યાણ ક્યાં થાય ?

કલ્યાણ એ સ્થાનવાચક નથી. જેથી કલ્યાણને કોઈ સ્થાન-સ્થળનું બંધન નથી.  એ જ રીતે કલ્યાણ એ વ્યક્તિ નથી કે તેને આશ્રમનું બંધન પણ નથી. કલ્યાણ એટલે શ્રીજીમહારાજનું સ્વરૂપ. જે સદાય તેજના સમૂહને વિષે વિરાજે છે. તેઓ સદાય પરભાવમાં જ છે અર્થાત્‌ કોઈ સ્થાનમાં નથી. અને જ્યાં કોઈ સ્થાનમાં જણાય છે તે બધો અવરભાવ છે કહેતાં માયિકભાવ છે જે ખોટો છે.

જ્યાં શ્રીજીમહારાજને યથાર્થ અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સનાતન ભગવાન, સર્વ કારણના કારણ એવી રીતે સમજાવીને નિશ્ચય દૃઢ કરાવવામાં આવતો હોય ત્યાં જ શ્રીજીમહારાજના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે આવી રીતે જ્યાં શ્રીજીમહારાજના સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાં જ કલ્યાણ થાય. 

૯.૪ કલ્યાણ કેવી રીતે થાય ?

સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ કલ્યાણનું સ્વરૂપ છે. આ શ્રીજીમહારાજની મૂર્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય ? અર્થાત્‌ તેનો વ્યતિરેક સંબંધ કેવી રીતે થાય ? 

“જેને અમારા સ્વરૂપનો નિશ્ચય હોય તેને અમારો સંબંધ થયો કહેવાય.”

- ગઢડા પ્રથમનું ૬૨મું વચનામૃત

 સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ યથાર્થ જાણવાથી સર્વોપરી નિશ્ચય થાય છે. તેથી આવી સર્વોપરી નિષ્ઠા, આશરો જેને થાય તેને કલ્યાણનું સ્વરૂપ હાથમાં આવી ગયું છે માટે એનું કલ્યાણ તો થઈ જ ગયું છે.

૧૦. સ્વામિનારાયણ ભગવાનને વિષે પતિવ્રતાની ભક્તિ

૧૦.૧ પતિવ્રતાની ભક્તિ એટલે શું ?

પતિ એટલે સ્વામી અને વ્રતા એટલે ટેક. આ ટેક કેવી ? તો એકમાત્ર પોતાના પતિને વિષે જ દૃઢ નિષ્ઠા, તેનો જ દૃઢ આશરો, તેનું જ સંપૂર્ણ કર્તાપણું, તેનું જ એકમાત્ર સ્વામીપણું, તેનું જ એકમાત્ર નિયંતાપણું, તેનું જ એકમાત્ર સુખદાતાપણું - આવી રીતે એકમાત્ર પોતાના સ્વામીના અસ્તિત્વમાં પોતાનાં સમગ્ર જીવિતવ્ય-અસ્તિત્વને ઓગાળી દેવું કે હોમી નાખવું તે પતિવ્રતાની ભક્તિ છે. 

૧૦.૨ પતિવ્રતાની ભક્તિ કોના વિષે ? શા માટે ?

જેને જે ભગવાન માનતા હોય તેને વિષે પતિવ્રતાની ટેક રાખવી તે પતિવ્રતાની ભક્તિની સાચી રીત નથી, તે પતિવ્રતા ભક્તિનો વિવેક નથી.

પરંતુ જે સનાતન સ્વરૂપ હોય, અવતારી સ્વરૂપ હોય, સર્વોપરી સ્વરૂપ તથા જે કારણ સ્વરૂપ હોય તેને વિષે જ પતિવ્રતાની ભક્તિ થાય. કેમ કે સનાતન સ્વરૂપના ઉપરી કોઈ નથી. તેઓને કોઈની ઉપાસના-ભક્તિ નથી. તેઓ કોઈના કર્યા થયા નથી. અને આવું તો અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ સ્વરૂપ છે ને તે સનાતન સ્વરૂપ એવા સ્વામિનારાયણ ભગવાન છે. તે સ્વામિનારાયણ ભગવાનને વિષે જ શ્રીજીમહારાજના આશ્રિતને પતિવ્રતાની ભક્તિ થાય.

અને એટલે જ શ્રીજીમહારાજે પતિવ્રતાની ભક્તિ કોના વિષે કરવી તે કહ્યું છે કે, “જેવી ભગવાનની (શ્રીજીમહારાજની) મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની (શ્રીજીમહારાજની) જે મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી.”

- લોયાનું ૧૧મું વચનામૃત

તેમજ કહ્યું છે કે, “અમારા વિના બીજા દેવની ઉપાસના ન કરવી અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે.”

- ગઢડા મધ્યનું ૧૯મું વચનામૃત