ગ્રહણ ક્રિયાશુદ્ધિમાં ધ્યાનમાં રાખવાની બાબતો.
તા. ૦૭/૦૯/૨૦૨૫ ને રવિવાર ના દિવસે સમગ્ર ભારત દેશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાવાનું છે જે પાળવાનું રહેશે. આ ગ્રહણના દિવસે હરિભક્તોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તથા મંદિરમાં ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી તેની માહિતી નીચે પ્રમાણે છે. તે પ્રમાણે સૌએ અનુસરવાનું રહેશે.
ગ્રહણનો સમય: તા. ૦૭/૦૯/૨૦૨૫, રવિવાર
વેધ :- બપોરે ૧૨:૫૭ વાગ્યે
સ્પર્શ :- રાત્રે ૦૯:૫૭ વાગ્યે
મોક્ષ :- રાત્રે ૦૧:૨૬ વાગ્યે
હરિભક્તો માટેની માહિતી
- તા. ૦૭/૦૯/૨૫ ના રોજ બપોરે ૧૨:૫૭ વાગ્યે ગ્રહણનો વેધ બેસે છે તેથી તે પછી જમી શકાય નહિ, ફક્ત પાણી પી શકાય.
- ગ્રહણમાં વેધ અને સ્પર્શની વચ્ચેના સમયમાં ઘર મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવવા માટે દૂધમાં જ બનાવેલ વસ્તુ ધરાવી શકાય. (વેધ અને સ્પર્શ વચ્ચેનો સમય : બપોરે ૧૨:૫૭ થી રાતના ૦૯:૫૭ સુધી)
- સાંજે ૪:૦૦ વાગ્યે ઠાકોરજીને જગાડી ફ્રુટ ધરાવી શકાય પરંતુ તે ફ્રૂટની પ્રસાદી પણ આપણે જમાડી શકાય નહીં.
- ગ્રહણમાં વેધ બપોરે ૧૨:૫૭ તથા સ્પર્શ રાત્રે ૦૯:૫૭ વાગ્યે છે તો તે સમયમાં ઠાકોરજીની નિયત સમયની સેવા જેમ કે ૪ વાગ્યે જગાડવા, સંધ્યા થાળ, સંધ્યા આરતી તથા રાત્રે પોઢાડવાની સેવા કરી શકાય.
- ઠાકોરજીને સંધ્યા થાળ દૂધમાં જ બનાવીને ધરાવી શકાય. પાણીમાં બનાવેલ વસ્તુ ના જ ધરાવાય.
- ગ્રહણ દરમ્યાન ઠાકોરજીને દૂધમાં બનાવીને ધરાવેલ વસ્તુ તથા ફ્રુટ ગ્રહણ પૂર્ણ થયા બાદ જમી શકાય.
- ગ્રહણમાં સ્પર્શ લાગ્યા બાદ (રાત્રે ૦૯:૫૭ થી રાતના ૦૧:૨૬) પાણી પણ પીવાય નહિ.
- ગ્રહણમાં સ્પર્શ લાગ્યા બાદ ઘરમાં કે અન્ય સ્થળે કાપડની વસ્તુઓનો સ્પર્શ કરવો નહિ. ઊન, રેકઝીન કે પ્લાસ્ટિકના આસનોને અડવામાં બાધ નથી.
- ગ્રહણના સમયે (રાત્રે ૦૯:૫૭ થી રાતના ૦૧:૨૬) નજીકના SMVS મંદિરમાં અથવા મંદિર દૂર હોય તો ઘરે સમૂહમાં ભજન-ભક્તિનો લાભ લેવો. આ સમયે સુવું નહિ અવશ્ય જાગરણ કરવું.
- ગ્રહણ પૂર્ણ થયા બાદ (રાત્રે ૦૧:૨૬ પછી) પહેરેલા વસ્ત્ર સહીત સ્નાન કરવું. જે મુકતોએ જનોઈ પહેરી છે તેમને સ્નાન કરતી વખતે જનોઈ પાવડરથી ફરજીયાત ઘસવી.
- શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ ગ્રહણ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ યથાશક્તિ પ્રમાણે નજીકના SMVSના મંદિરમાં ઠાકોરજીને દાન કરવું.
ગ્રહણ ક્રિયાશુદ્ધિમાં ધ્યાનમાં રાખવાની બાબતો.
- ગ્રહણનો સ્પર્શ થાય તે પહેલા મંદિર/ઘરમાં જે કાઈ ભીનું એઠું સીધુંસામાન, પાપડ કે રસોઈ હોય તેનો નિકાલ કરવો. આ ઉપરાંત કોઈ વાસણ પણ એઠાં ન રાખવા અને રસોડાને પણ પાણીથી ધોઈ ચોખ્ખું કરવું.
- ઠાકોરજીના થાળ માટે ચોખ્ખો લોટ, મસાલા તથા તેલ, ઘી વાપરવા. જુનો એઠો (પાણી વાળા હાથે અડેલા) લોટ, મસાલા, તેલ, ઘી વગેરે ગ્રહણ પહેલા વાપરી કાઢવું.
- ગ્રહણ દરમ્યાન ઠાકોરજીના ચોખ્ખા થાળનું મેનુ (દૂધમાં) અગાઉથી નક્કી કરવું. અને તે પ્રમાણેનું સીધું-સામાન (લોટ, મસાલા, તેલ, દૂધ વગેરે) ચોખ્ખા હાથે તૈયાર કરી રાખવું. (પાણીવાળા ભીના હાથે અડવું નહિ)
- ગ્રહણ દરમ્યાન ઠાકોરજી માટે રસોઈ બનાવવાની થાય તો હાથ કોરા રાખવા. પાણી વાળા હાથે ક્યાય અડવું નહિ.
- ઠાકોરજીના રસોઈના વાસણ, ગરણું, દૂધની થેલી, શાકભાજી વગેરે અગાઉથી કોરા કરવા. (પાણીવાળા ભીના હાથે અડવું નહિ)
- ગ્રહણના દિવસે સ્પર્શ (રાત્રે ૦૯:૫૭) પહેલા RO, માટલીનું પાણી તથા ફ્રીજનું પાણી તથા બરફનો નિકાલ કરવો.
- જે સેન્ટરમાં પુરુષ સભ્યો થાળ બનાવતા હોય અને ખ્યાલ ન આવતો હોય તો જે તે સેન્ટરના પૂ.સંતોને પૂછવું. અને જો મહિલા થાળ બનાવતા હોય અને ખ્યાલ ન આવતો હોય તો જે તે સેન્ટરના પૂ.મહિલા મુક્તોને પૂછવું.