સકામ મટી નિષ્કામ થવાના વચનામૃત

વચનામૃત ગઢડા પ્રથમનું ૬૧

માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ભગવાન જેમ જેમ મુને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થાશે અને અને પળમાત્ર મુજથી છેટે નહિ રહે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થાવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારૂ પાછો પગ ભરવો નહિ.


વચનામૃત ગઢડા પ્રથમનું ૭૦

ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો જે, હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ-ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઇચ્છા રાખીને સત્સંગ કરે ને એ પદાર્થની ઇચ્છા પૂરી થાય તો અતિશે પાકો સત્સંગી થઈ જાય અને જો ઇચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઇચ્છા તો રાખવી જ નહિ, કાં જે ઘરમાં દસ માણસ હોય ને તે દસેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે ? કે હાથમાં રામપત્તર આવવાનું હોય ને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું, એમ અતિશે દુ:ખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું પણ એ જીવને એમ સમજાતું નથી અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે.


વચનામૃત ગઢડા મધ્યનું ૬૨

ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારનાં દુ:ખ આવે છે તે દુ:ખના દેનારાં કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુ:ખને પ્રેરે છે, અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હ્રદયમાં રહીને જોયા કરે છે, પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે ? એ તો ભગવાનની જ ઇચ્છા છે, એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્ન રહેવું.


વચનામૃત ગઢડા છેલ્લાનું ૧૩

કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, હે મહારાજ ! આ મારું દુ:ખ છે તેને ટાળો, શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુ:ખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું.


વચનામૃત ગઢડા છેલ્લાનું ૨૫

ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય ? તો પોતાના દેહમાં કોઈક દીર્ધ રોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઇત્યાદિક ગમે એટલું દુ:ખ અથવા સુખ તે આવી પડે તોપણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે; રતિવા સરસ થાય તેને ખરો ભક્ત કહીએ.