ડિસ્ટ્રિક કોવિડ હૉસ્પિટલ


એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા જન આરોગ્ય હિત માટે કાર્યરત એસ.એમ.વી.એસ.  સ્વામિનારાયણ હૉસ્પિટલને ગુજરાત સરકારના આદેશથી ડિસ્ટ્રિક કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી. જેના પરિણામે ટૂંક જ સમયમાં અર્થાત્ તા. ૧૫-૬-૨૦ના રોજ કોવિડના દર્દીઓ માટે સરકારના નિયત ધારાધોરણ મુજબ આરોગ્ય સેવાનો પ્રારંભે કરવામાં આવ્યો હતો. આ ડિસ્ટ્રિક કોવિડ હૉસ્પિટલના પ્રારંભ એસ.એમ.વી.એસ. સંસ્થાના ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા : “આ હૉસ્પિટલમાં જે કોઈ આવે તે બધા સાજા થઈ ઘેર જાય... સૌની ઉપર મહારાજ , બાપા તથા બાપજી ખૂબ ખૂબ કૃપા કરજો...”


હાલ કોવિડના દર્દીઓ માટે ચોવીસથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હૉસ્પિટલના પચાસથી વધુ ડૉક્ટર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ અહોનિશ દર્દીઓની સેવામાં ખડે પગે રહે છે. ડિસ્ટ્રિક કોવિડ હૉસ્પિટલમાં બાવન દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે અને ચોવીસથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલમાં કોઈ કોવિડ દર્દી સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે જઈ રહ્યાં હોય ત્યારે હૉસ્પિટલ સ્ટાફ દ્વારા તેમને પુષ્પ-પુષ્પ માળાથી વધાવી તેમજ તાળીઓ વગાડી તેમનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવે છે. ડીસાના દિલીપભાઈ કરિયાણીએ એમના અનુભવમાં જણાવ્યું હતું : “એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલમાં વ્યવસ્થાપન પણ સુંદર છે. દરેક સ્ટાફ સતત અમારી સેવામાં ઉપલબ્ધ જ હોય. એમની સેવા જોતાં ઘરની સ્મૃતિ થઈ આવતી.”
આમ, ડિસ્ટ્રિક કોવિડ હૉસ્પિટલ તરીકે સેવા બજાવતી એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલ કોરોના સામે લડી રહેલ દેશવાસી સાથે રહીને કોરોના વોરિયર્સની વંદનીય ભૂમિકા બજાવી રહી છે.