શિક્ષાપત્રી પરિચય

૧. શિક્ષાપત્રી એટલે શું ?

  • શિક્ષાપત્રીનો સરળ ભાષામાં અર્થ શિખામણની પત્રી એવો થાય છે. આ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે, વર્તવાની શીખ આપી છે. પરંતુ ઉપાસનાલક્ષી વચનો શ્રીજીમહારાજે પોતાના સ્વમુખવાણી વચનામૃત ગ્રંથમાં કહ્યાં છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને યથાર્થ ઓળખવા માટે તો એકમાત્ર વચનામૃત ગ્રંથ છે એટલે જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને આજ્ઞા કરી છે, “ભગવાનનું (અમારું) સ્વરૂપ તો અમારા શાસ્‍ત્રોમાંથી (વચનામૃતમાંથી) જ ઓળખાય તેમ છે. માટે અમારા ભક્તોએ અમારા રચાયેલાં શાસ્‍ત્રોમાંથી ઉપાસનાની દૃઢતા કરવી.” આમ, શ્રીજીમહારાજે આજ્ઞારૂપી પાયાનું બંધારણ ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે અને પોતાની ઉપાસનારૂપી પાયો વચનામૃત ગ્રંથમાં વિશેષ લખ્‍યો છે.

૨. શિક્ષાપત્રી સાર એટલે શું ?

  • ભગવાન સ્વામિનારાયણ રચિત ‘શિક્ષાપત્રી’ ગ્રંથમાં કુલ ૨૧૨ શ્લોકો છે. આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને શિખામણ આપવા માટે કહેતાં આદર્શ ભક્તજીવનની દિશા આપવા માટે લખી છે. જેમાં કેટલીક આજ્ઞાઓ શ્રીજીમહારાજે ભક્તભાવે કરી છે, તો કેટલીક આજ્ઞાઓ સેવકભાવે તથા મુક્તભાવે તથા અન્‍ય અવતારોની મિષ લઈને કરી છે. જેથી આ આજ્ઞાઓ પોતાની મેળે સરળતાથી સમજાતી નથી... એ આજ્ઞાઓને સમજવા માટે પણ એવા અનુભવી સત્પુરુષની જરૂર પડે છે. એવા સત્‍પુરુષના સંગમાં રહેવાથી શ્રીજીમહારાજે કરેલી આજ્ઞાઓનો યથાર્થ હેતુ સમજાય છે. ત્યારે એવા અનુભવી સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી પ.પૂ.સ્વામીશ્રીએ શિક્ષાપત્રીમાં આદર્શ ભક્તજીવન જીવવા માટે કરેલ આજ્ઞાઓને સ્પષ્ટ સમજવા તથા શીરાની જેમ જીવનમાં ઉતારવા માટે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને મુખ્ય રાખીને આ શિક્ષાપત્રીની દરેક આજ્ઞાઓનો સમન્વય કરી સાર દર્શાવતો ‘શિક્ષાપત્રી સાર’ નામનો ગ્રંથ આપ્યો છે.

૩. શિક્ષાપત્રીની રચના ક્યારે અને કોણે કરી ?

  • સ્વયં શ્રીજીમહારાજે સંવત ૧૮૮૨ મહા સુદ ૫ વસંતપંચમીના શુભ દિવસે વડતાલ ગામે શિક્ષાપત્રીની રચના કરી.
  • સ્વયં શ્રીજીમહારાજે શિક્ષાપત્રીની રચના કરી છે.

૪. શિક્ષાપત્રીનો ઉદ્ભવ કેવી રીતે થયો ?

  • ભગવાન સ્‍વામિનારાયણ પ્રસ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય એ વર્તનનો સંપ્રદાય છે. જેમાં વાણી, વિચાર અને વર્તન આ ત્રણની સામ્‍યતા દર્શિત થાય છે. આ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણના કેટલાક ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ હતા અને આજે પણ એ જીવંત છે અને યાવદ્ચંદ્રદિવાકરૌ જીવંત રહેશે. પરંતુ એના માટે જરૂર પડે છે કોઈક બંધારણની કે જે બંધારણમાં રહી સમગ્ર ભક્તસમાજ અને સંતસમાજ ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ મુજબનું દિવ્યજીવન જીવે.
  • આજ્ઞા અને ઉપાસના આ બે પાયા ઉપર રચાયેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાના ઉચ્ચ આદર્શો અને સંકલ્‍પોને યાવદ્ચંદ્રદિવાકરૌ જાળવી રાખવા આજથી વર્ષો પહેલાં વડતાલની ભૂમિ ઉપર સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમ (વસંતપંચમી)ના રોજ રામપ્રતાપભાઈના બંગલે, મહાપ્રભુએ સ્વહસ્તે સંસ્કૃતમાં શિક્ષાપત્રી લખી હતી. ત્યારબાદ સદ્‌. નિત્યાનંદ સ્વામીએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. સમગ્ર શિક્ષાપત્રી સત્સંગીજીવનના ચોથા પ્રકરણમાં મુકાવી હતી.
  • શિક્ષાપત્રી સાથે બીજો સંક્ષિપ્ત ઇતિહાસ જોડાયેલ છે. તા. ૨૬-૨-૧૮૩૦ની સાલ હતી. રાજકોટ ખાતે સર માલ્કમ સાથે શ્રીજીમહારાજની મુલાકાત થયેલી. તેમણે મહારાજને કહ્યું કે, “આપનો કોઈ ધર્મગ્રંથ કે કોઈ ‘કોડ ઑફ કન્ડક્ટ’ જેવું હોય તો આપો.” તે વખતે શ્રીજીમહારાજે પ્રસન્ન થઈ તેમને સ્વહસ્તલિખિત શિક્ષાપત્રી આપી. આ બાજુ દાદાખાચરે રાજરસમ મુજબ તેમને રોઝો ઘોડો ભેટમાં આપ્યો. તે જોઈ સર માલ્કમ બોલી ઊઠ્યા, “આ જે શિક્ષાપત્રી મને મળી છે તે તમારા હજાર ઘોડા કરતાં પણ મારે મન અધિક છે.” જિજ્ઞાસાવશ તેઓ તે વખતના સંસ્કૃતના પ્રૉફેસર મોનિપર વિલિયમ્સ પાસે અંગ્રેજી ભાષાંતર મેળવી, વાંચીને રાજી રાજી થઈ ગયા હતા. હાલમાં તે પ્રત લંડન ખાતે બુડોલિયન લાઇબ્રેરીમાં સંગ્રહિત છે.

 

૫. શિક્ષાપત્રીના શ્લોકો કેટલા ?

  • શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્લોકો લખાયેલા છે.