Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
 
       
  Shikshapatri   Vachnamrut   Bapashri Ni Vato  
 
   
   
 

રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત                          રહસ્યાર્થ વચનામૃતની વિશેષતા

 
     
 

રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત

 
 

જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે,
જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્‍યારો છે.

       સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખવાણી એટલે વચનામૃત. જગતભરનાં શાસ્‍ત્રોનો સાર આ વચનામૃતમાં છે. અતિ કીમતી એવા મનુષ્‍ય જન્મનો હેતુ જીવાત્‍માના મોક્ષનો છે. આ આત્‍યાંતિક કલ્‍યાણની ચાવીરૂપ વાત તથા આધ્‍યાત્‍મ‍િક માર્ગના ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભક્ત‍િ, આત્‍મનિષ્‍ઠા, ઉપાસના, નિર્માનીપણું, દાસભાવ, પ્રેમલક્ષણાભક્ત‍િ વગેરે અનેક સદ્ગુણો તથા મોક્ષના માર્ગમાં પરમવિઘ્‍નરૂપ એવા કામ, ક્રોધ, ઇર્ષ્‍યા, માન, આંટી, હઠ, રસાસ્વાદ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત, મત્‍સર, દ્રોહ વગેરે અનેક દોષોની ઊંડાણપૂર્વક સમજૂતી તથા તે ટાળવાના ઉપાયોની વાત આ વચનામૃત ગ્રંથમાં છે.

       ટૂંકમાં માનવજીવનમાં અનુભવાતો કોઇપણ પ્રશ્ન કે ઉદ્ભવતો કોઇપણ પ્રશ્ન અને તેનો ઉકેલ આ વચનામૃત ગ્રંથથી બાકાત નથી.

       ગામડાના સાવ અભણને કે ખૂબ ભણેલાને કે વિદ્વાનને, શાસ્‍ત્રીને કે જ્ઞાનીને સૌને સમજાય તથા સમાસ થાય તેવી વાતો આ ગ્રંથમાં છે... અને હોય જ ને ...! કારણકે સર્વે જીવોના રુડા માટે, આત્‍યાંતિક કલ્‍યાણ માટે, જીવોની શુધ્‍ધ‍િ અને વૃધ્‍ધ‍િ માટે, આધ્‍યાત્‍મ‍િક માર્ગના શ્રેષ્‍ઠ શિખરે સૌને પહોંચાડવા માટે તો શ્રીજીમહારાજનું આ બ્રહ્માંડમાં પ્રાગટય હતું.

       પ્રશ્ન એ થાય કે આવો સર્વોત્તમ, લોકભોગ્ય ગ્રંથ વચનામૃત છે તો પછી તેના પર ટીકા-સમજૂતી કે વિવેચન લખવાની શી જરુર...?

       પરંતુ વચનામૃતનો અતિ ધ્‍યાનપૂર્વક બારીકાઇથી અભ્‍યાસ કરતાં જણાય છે કે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે વાતો પીરસી છે તે, તે સમયે સામે સભામાં બેઠેલા શ્રોતાઓની કક્ષા પ્રમાણે એટલે કે પાત્રતા પ્રમાણે વાતો કરી છે. તેથી કેટલીક વાતો પરોક્ષભાવે કરવી પડી છે. શ્રીજીમહારાજે ક્યાંક પોતાને ભક્ત તરીકે, તો ક્યાંક પોતાને અનાદિમુક્ત તરીકે તો ક્યાંક પોતાને સાધુ તરીકે તો ક્યાંક પોતાને અવતાર તરીકે તો ક્યાંક પોતાને સર્વાવતારી ભગવાન તરીકે વર્ણવ્યા છે. તેથી ભક્તજનોને-સાચા મુમુક્ષુજનોને ભગવાનનાં સ્‍વરૂપ વિષે નિર્ણય કરવામાં મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે.
જેમ કે,

(૧) અમારા હ્રદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઇના ઉપદેશે કરીને મુક્ત થયો નથી. ગઢડા પ્રથમનું-૧૮
(૨) નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી. ગઢડા પ્રથમનું-૩૨
(૩) અમે તો ભગવાન જે નરનારાયણ ઋષિ તે છીએ. જેતલપુરનું-૫
(૪)

શ્રીકૃષ્‍ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્‍ય બિરાજે છે. જેતલપુરનું-૫

(૫)

મારા હ્રદયમાં તેજને વિષે જે મૂર્ત‍િ છે તેને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છીએ... અને અમે બોલીએ છીએ તે પણ ત્‍યાં બેઠા થકા જ બોલીએ છીએ અને તમે પણ ન્‍યાં જ બેઠા છો એમ હું દેખું છું. ગઢડા પ્રથમનું-૧૩

(૬) શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વેને નરનારાયણ ઋષિરુપ થઇને મળ્‍યા છે. જેતલપુરનું-૪
(૭)

આ સત્‍સંગને વિષે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી ચોવીશ અવતાર થયા છે. ને પોતે તો અવતારી જ છે. અમદાવાદનું-૬

(૮)

તે સર્વે થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્‍યાં પણ હું જ પુરુષોત્તમ છું પણ મારા વિના બીજો કોઇ મોટો દેખ્‍યો નહિ. અમદાવાદ-૭

(૯)

અનંત બ્રહ્માંડના અસંખ્‍ય શિવ, અસંખ્‍ય બ્રહ્મા, અસંખ્‍ય કૈલાસ, અસંખ્‍ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્‍ય કરોડ બીજી ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે... મારે તેજે કરીને સૂર્ય, ચંદ્ર, તારા આદિક તેજાયમાન છે... એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઇ કાળે વ્યભિચારને પામે નહિ. અમદાવાદનું-૭

       ઉપરોક્ત વચનો શ્રીજીમહારાજ જ બોલ્‍યાં છે... પણ તે જોતાં ભક્તજનને મૂંઝવણ થાય કે શ્રીજીમહારાજને ભક્ત સમજવા, મુક્ત સમજવા, શ્રી નરનારાયણ સમજવા કે સર્વોપરિ, સર્વાવતારી સમજવા...? કઇ વાત શ્રીજીમહારાજે શા માટે કરી છે તે વચનામૃતમાં નથી. ત્‍યારેઉપરોક્ત ભિન્નતા દૂર કરવા આ વચનામૃતની ટીકા સમજૂતીની આવશ્યકતા છે જ.

       શ્રીજીમહારાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને તથા ક્યારેક કરેલી રોચક, ભેદક, ભયાનક કે વાસ્‍તવિક વાતોને કોણ સમજાવી શકે...? આવા ગૂઢ અર્થોને કોણ સમજાવી શકે...? શું વિદ્વાનો, શાસ્‍ત્રીઓ, ભણેલાઓ કે કવિઓ સમજાવી શકે? ના... જ્યાં ન પહોંચે અનંત કવિ ત્‍યાં પહોંચે એક અનુભવી.

       કવિઓ તો કલ્‍પના કરે... શાસ્‍ત્રીઓ, વિદ્વાનો, પંડિતો તો શાસ્‍ત્રમાંથી જ કહી શકે. પરંતુ સાચા અનુભવી હોય તે યથાર્થ અર્થ કરી શકે... અને સ્વાભાવિક છે કે પોતાના ઘરની વાત કોણ જાણે...? તો પોતે કાં પોતાના ઘરનાં જ સભ્‍યો. તેમ શ્રીજીમહરાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને યથાર્થ કોણ જાણી શકે? તો પોતે કાં પોતાના ઘરના સભ્‍યો એટલે કે પોતાના ધામમાંથી આવેલા મુક્તો... પોતાના સંકલ્‍પો...

       ત્‍યારે કચ્‍છના બળદિયા ગામે શ્રીજીમહારાજના સંકલ્‍પથી અને આશીર્વાદથી જ પ્રગટ થયેલા શ્રીજી સંકલ્‍પ મૂર્ત‍િ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી આવા અનુભવી હતા... જેમના દ્વારે બોલનારા સ્વયં શ્રીજીમહારાજ હતા... બાળપણથી જ શ્રીજીમહારાજ જેવા જ ઐશ્વર્યો દેખાડતા... આદિ આચાર્ય શ્રી અયોધ્‍યાપ્રસાદજી મહારાજ, સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી, સદ્. લોકનાથાનંદ સ્‍વામી, આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ, શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ વગેરે જેવાએ પણ જેમને પ્રમાણ કર્યાં છે... અમદાવાદ, વડતાલ, મૂળી, જૂનાગઢ વગેરે દેશના મોટા મોટા સદ્ગુરુ સંતો આ બાપાશ્રીના ખોળામાં માથું મૂકી આશીર્વાદ માંગતા... આખા સંપ્રદાયના ઉપરી સંત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્‍વામી કે જેમની કૃપાથી સિધ્‍ધદશાને પામેલા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્‍વામી તથા માંડવીના લક્ષ્‍મીરામભાઇ જેવા સિધ્‍ધમુક્તો પણ જેમને જીવનપ્રાણ કહેતા, જેમનો અપાર મહિમા સમજતા અને અનેકને સમજાવતા તેવા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ગ્રંથની ટીકા કરી છે.

       ટીકા એટલે નિંદા કે ટિપ્‍પણી નહીં પરંતુ સમજૂતી-શ્રીજીમહારાજના વચનામૃતની ટીકા કરનાર આપણે કોણ.? આવી અણસમજણ અને અજ્ઞાન તથા જડતા ભરેલી દલીલોથી પર થઇ તટસ્‍થભાવે આ ટીકા કે જે શ્રીજીમહારાજના સ્‍વરૂપને જેમ છે તેમ ઓળખાવે છે, આપણને મળેલા ઇષ્‍ટદેવના સ્‍વરૂપની યથાર્થ પુષ્‍ટ‍િ કરાવે છે... શ્રીજીમહારાજનો આ બ્રહ્માંડમાં પ્રગટ થયાનો હેતુ પૂર્ણ કરે છે... આપણા બાપ શ્રીજીમહારાજના સિધ્‍ધાંતોને સમર્થન પૂરું પાડે છે... સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થ‍િતિ જેવી અજોડ અને કેવળ અનુભવાત્‍મક જ્ઞાનવાતોને સરળતાથી સમજાવે છે. તેવી ટીકાને વાંચવાથી ખૂબ ઊંચા જ્ઞાનની, સમજણની અને ઊંચી સ્‍થ‍િતિની પ્રાપ્‍ત‍િ થયાનો અનુભવ થશે.. જોઇએ આ રહસ્‍યાર્થ પ્રદીપિકા ટીકા એટલે શું અને તેની વિશેષતાઓ.

 
 

Top         

 
  રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની વિશેષતા  
 
(૧)

મૂળ વચનામૃતોને યોગ્‍ય પરિચ્છેદ(ફકરા)માં ગોઠવવામાં આવ્‍યાં છે. તેમાં પૂછવામાં આવેલાં પ્રશ્નો તથા શ્રીજીમહારાજનાં કૃપાવાક્યો વગેરેને નંબર આપવામાં આવ્યાં છે. કોઇ એક જ પ્રશ્ન કે કૃપાવાક્યમાં બે, ત્રણ કે વધુ અલગ અલગ બાબતોની સમજૂતી શ્રીજીમહારાજે આપી હોય તો તેને ક્રમવાર અલગ પાડવામાં આવી છે... (વચનામૃતમાં ડાબી બાજુ પ્રશ્નનો આંક તથા જમણી બાજુ બાબતનો આંક છે.)

(૨)

દરેક વચનામૃતના અંતે રહસ્યાર્થ ટીકાની શરૂઆતમાં શ્રીજીમહારાજની મૂળ શૈલી જળવાઇ રહે તે રીતે તે વચનામૃતનો સાર (સમગ્ર વચનમૃતનો ભાવાર્થ આવી જાય તે રીતે) આપેલો છે... પાઠકે કે શ્રોતાએ તે વચનામૃત કેવી રીતે સમજવું તેની તેમાં સ્પષ્‍ટતા કરી છે.

(૩)

જે તે વચનામૃતના તત્ત્વજ્ઞાન દર્શાવતા અઘરા-કઠિન શબ્‍દો તેમજ બીજાં વચનામૃતોમાં તે શબ્દો કે વાક્યાર્થને અનુરૂપ પૂર્વાપર સંબંધથી ઉદ્ભવતા પ્રશ્નો અને તે પ્રશ્નોના ઉત્તરો પણ ટીકામાં આલેખાયાં છે.

(૪)

વિશેષ ધ્‍યાનપાત્ર બાબત તો એ જ છે કે આ રહસ્‍યાર્થ ટીકામાં વચનામૃતોનાં જ આધારો આપવામાં આવ્યા છે. બીજાં શાસ્ત્રો કે બીજા સંતોનાં વચનોનો આધાર નહિ. કારણકે જેમને સર્વાવતારી સ્‍વામિનારાયણ ભગવાનનો વ્યતિરેક સંબંધ જ નથી થયો એવા પરોક્ષ શાસ્‍ત્રોના લેખકો શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણી કે સમજી શકે નહિ. તેથી પરોક્ષ શાસ્ત્રોની શાખ્‍ય લેવાથી શ્રીજીમહારાજનું માહાત્મ્ય સમજવામાં ઊણપ રહી જાય.
       વળી બીજાં સંતો કદાચ બધાને પ્રમાણ ન પણ હોય... જ્યારે શ્રીજીમહારાજ તો ભક્ત સમુદાય સૌને પ્રમાણ છે. માટે સ્વયં શ્રીજીમહારાજના વચનામૃતના જ સંદર્ભો (References) આપવામાં આવ્યા છે.

(૫)

શ્રીજીમહારાજે વચનામૃતમાં જેવી સભા તેવી વાત કરી છે. એટલે કે શ્રોતાઓની પાત્રતા પ્રમાણે ક્યાંક પોતાને ભક્ત તરીકે, ક્યાંક મુક્ત કે ક્યાંક સર્વાવતારી તરીકે કહ્યા છે. તો જે તે વચનામૃતમાં શા માટે પોતાને ભક્ત, મુક્ત કે સર્વાવતારી કહ્યા છે? આપણે તેમને કેવા સમજવા? તેની પણ ટીકામાં સ્પષ્‍ટતા કરેલી જોવા મળે છે.

(૬)

નારાયણ, નરનારાયણ, શ્રીકૃષ્‍ણ, પુરુષોત્તમ, અક્ષર, ગોલોક, ગુણાતીત વગેરે શબ્દોના ક્યારે કેવા અર્થ સમજવા તેની પણ ટીકામાં સમજૂતી આપેલી છે.

(૭)

વળી બ્રહ્મ, પરબ્રહ્મ, ચિદાકાશ, દ્રષ્‍ટા, દ્રશ્ય, બધ્‍ધજીવ, મુક્તજીવ, અન્વય, વ્યતિરેક વગેરે અનેક તત્ત્વજ્ઞાનના શબ્દો તથા પ્રશ્નોની ટીકામાં સ્પષ્‍ટ સમજૂતી આપેલી છે. ભલભલા વિદ્વાનો, શાસ્‍ત્રીઓને પણ શાસ્‍ત્રોમાંથી કે વચનામૃતમાંથી પણ આવા તત્ત્વજ્ઞાનના અર્થ મુશ્કેલ જ નહિ, અસંભવ છે.

(૮)

શ્રીજીમહારાજનું અન્‍વય-વ્યતિરેકપણું, સગુણ-નિર્ગુણ સ્વરૂપ, સર્વેના કારણ, સર્વેના નિયંતા, સર્વાવતારીપણું તથા એકાંતિક, પરમએકાંતિક તથા અનાદિમુક્તની સ્‍થ‍િતિ તથા સકામ ભક્ત એવા ઐશ્વર્યાર્થી, અવતારોના અવતારી... વગેરે ઊંડું અને ઊંચું તત્ત્વજ્ઞાન વચનામૃતના જ આધારે આ ટીકામાંથી સ્પષ્‍ટ જણાય છે.

(૯)

વચનામૃતમાં આવતા જુદા જુદા વિષયો તથા રહસ્‍યાર્થમાં વર્ણવેલા જુદાજુદા વિષયો પર વિગતવાર અનુક્રમણિકા તૈયાર કરીને રહસ્‍યાર્થ ટીકાની સાથે આપી છે. તેનાંથી એક શબ્દ, એક વિચાર કે એક વિષમનું સમાન કે વિષય વર્ણન કરતાં વચનામૃતો શોધવાની સુગમતા રહે છે.

(૧૦)

વચનામૃતમાં શ્રીજીમહારાજે ઘણી જગ્યાએ હરિભક્તોનાં નામ આપી પ્રશંસા કરી હોય, રાજીપો વરસાવ્યો હોય તેવું છે. (દા.ત. લો-૩ જેમાં ડડુસરના ગલુજી, કુશળકુંવરબાઇ, પર્વતભાઇ, રાજબાઇ, જીવુબા, લાડુબા, દાદાખાચર, માંચાખાચર, મૂળજી બ્રહ્મચારી વગેરે નામ આપ્‍યા છે.) તો આ ભક્તોએ કેવાં કાર્યો કર્યા છે કે તેમનામાં કેવા ગુણો હતા તેની પ્રસંગ સાથે વિસ્‍તારપૂર્વક સમજૂતી બાપાશ્રીએ આ ટીકામાં આપી છે. કોઇની પાસેથી સાંભળેલી કે વાંચેલી કે કલ્‍પના કરેલી આ વાતો નથી પરંતુ સ્વયં શ્રીજીમહારાજે જ જેમના દ્વારે કહી હોય તેવા બાપાશ્રીની અનુભવવાણી છે.

(૧૧)

ક્યારેક શ્રીજીમહારાજ અતિશે ઉદાસ થઇ ગયા હોય, ક્યારેક મર્મવચનો કહ્યાં હોય, ક્યારેક હસતા હસતા ઉતારે પધાર્યા હોય તો આ લીલાઓનું શું કારણ હોય... શ્રીજીમહારાજના અંતરનો અભિપ્રાય શું હોય તે કોણ કહી શકે...? એ તો પોતે જ કહી શકે ને ! એટલે કે સ્વયં શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારે આ રહસ્‍યાર્થ ટીકામાં સ્પષ્‍ટ સમજાવ્યું છે.

 
 

Top