Spiritual Essay << Back
 
કથાવાર્તા ના આગ્રહી
Date : 11/07/2017
 

24મી જાન્યુઆરી, 2003ની પ્રભાત હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી 4-5 હરિભક્તોને સાથે લઈ સુરેન્દ્રનગર બ્રહ્મસત્રમાં લાભ આપવા માટે પધારી રહ્યા હતા. સરખેજથી આગળ હાઈવે ઉપર એક ટ્રેલર અથડાતા ગુરુવર્ય પ.પૂ. બાપજી જે ગાડીમાં બિરાજ્યા હતા તેનો એક્સિડન્ટ થયો. ગાડીનો આગળનો કાચ ફૂટી ગયો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના ભાલમાં તથા મસ્તકમાં કાચના કટકા ઘૂસી ગયા તથા બ્રેકની પછડાટ વાગતાં તમ્મર આવી ગઈ હતી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડીમાંથી બહાર પધાર્યા. તેમન મસ્તકેથી ખૂબ લોહી વહી રહ્યું હતું. ગાડીને ઘણું નુકસાન થયું હતું. તેથી ગાડી આગળ જઈ શકે તેમ નહોતી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હરિભક્તોને કહ્યું કે, “વાસણા મંદિરે ફોન કરી બીજી ગાડી મંગાવો; આપણે અહીંથી સીધા સુરેન્દ્રનગર નીકળી જઈએ. મંદિરે એક્સિડન્ટની કોઈ વાત કરશો નહીં. ગાડી બગડી છે એટલું જ કહો; નહિ તો પાછા આપણને કોઈ જવા નહિ દે.”

વાસણાથી બીજી ગાડી મંગાવી એટલે સંતોને થયું કે કંઈક થયું હોય તો જ બીજી ગાડી મંગાવે. તેથી બે સંતો ગાડીમાં બેસી ઘટના સ્થળે પહોંચ્યા. સંતોએ જઈ જોયું તો ગાતડિયાનો છેડો ફાડીને મસ્તકે બાંધેલો કકડો લોહીથી લથપથ થઈ ગયો હતો. છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સુરેન્દ્રનગર જવાનો આગ્રહ ચાલુ જ હતો. સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઘણા મનાવી આગ્રહભરી પ્રાર્થના કરી વાસણા મંદિરે લાવ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને થયેલી ગંભીર ઈજા જોઈ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોએ ડોક્ટર પાસે જવાની પ્રાર્થના કરી. ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “ડોક્ટર ટાઈમ બગાડશે માટે એક પાટો બાંધી દો. અમારે સુરેન્દ્રનગર જવા નીકળવું છે.” પ.પૂ. સ્વામીશ્રી ખૂબ આગ્રહભરી વિનંતી કરી પરાણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટર વાગેલા ઊંડા ઘાને સાફ કરી કાચના કણ બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમણે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું કે, “માથામાં વાગ્યું છે તેથી સિટીસ્કેન અથવા MRI કરાવવો પડશે. બીજા કેટલાક રિપોર્ટ પણ કરાવવા પડશે.” પરંતુ આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો સુરેન્દ્રનગર કથાવાર્તાનો લાભ આપવા જવાની એક એક પળ કપાતી હતી તે તેમને કેવી રીતે પોસાય ? એમાંય ડોક્ટરે જુદા જુદા રિપોર્ટ કરાવવાની વાત કરી તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી નારાજ થઈ ગયા અને કહ્યું, “ઘા સાફ કરી જલ્દી પાટો બાંધી દો તો કશું નહિ થાય. અને જો રિપોર્ટ કરાવશો તો નક્કી કંઈક આવશે.”

12:30 વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી સારવાર લઈ વાસણા મંદિરે પધાર્યા. ઠાકોરજી જમાડી 1 વાગ્યે સુરેન્દ્રનગર જવા માટે તૈયાર થઈ ગયા. મસ્તક ઉપર ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખૂબ સોજો હતો તેથી ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હતું. તેથી પ.પૂ. સ્વામીશ્રી, પૂં. સંતો, હરિભક્તોએ ખૂબ પ્રાર્થના કરી કે, “દયાળુ, આટલો બધો સોજો છે તો આપ ન પધારો. આ બે દિવસ પૂરતો બીજા કોઈ સંતો લાભ આપી દેશે.” પરંતુ કથાવાર્તાના અતિશે આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી કેવી રીતે રહી શકે  ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત બોલી ઊઠ્યા, “હરિભક્તો સવારના રાહ જોઈને બેઠા છે. એક સેશન તો ગયું. હવે બીજું ન જવા દેવાય. મહારાજની કથા અધિક કે આ દેહ અધિક  માટે કોઈ માથાકૂટ કરશો નહી. મને જવા દો.” કથાવાર્તાના આગ્રહની સામે ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના વ્હાલા શિષ્ય પ.પૂ. સ્વામીશ્રીની પ્રાર્થના પ્રત્યે દુર્લક્ષ સેવી સુરેન્દ્રનગર જવા નીકળી ગયા. 4 વાગ્યાના સેશનમાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેવા માંડ્યો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી જેમ જેમ કથા કરતા જાય એમ માથામાં ઝાટકા વધતા જાય, સોજો વધતો જાય તેથી દુ:ખાવો પણ વધતો હતો. છતાંય કોઈને પણ એ વાતનો અણસાર ન આવવા દીધો. સોજો વધતો જોઈ સંતોએ પ્રાર્થના કરી કે, “બાપા આજનું રાત્રિ સેશન વહેલું પૂરું કરી આપ આરામ ગ્રહણ કરો.” છતાંય ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમના કથાના સમયમાં એક મિનિટની પણ છૂટ ન મૂકી ને 11:30 વાગ્યે કથા પૂરી કરી, ચેષ્ટા કરી રાત્રે 12:30 વાગ્યે પોઢ્યા.

બીજા દિવસે સવારે  7 થી 9, 10 થી 1, 4 થી 7 અને 8:30 થી 11:30 એમ ચાર સેશનમાં એક મિનિટનો પણ કાપ  મૂક્યા વિના એક દિવસમાં 11 કલાક લાભ આપ્યો. જેમ જેમ સેશનમાં લાભ આપતા જાય તેમ તેમ સોજો વધતો જાય. છેવટે આખું ભાલ, મુખારવિંદ બધું લાલચોળ થઈ ગયું હતું. આંખો સૂજી ગઈ હતી. છતાંય બંને દિવસ મસ્તકે પાટો બાંધીને પણ અખંડ કથાવાર્તાનો લાભ આપ્યો. એટલું જ નહિ, 26મી એ સવારે વાસણા પહોંચી 9 વાગે કથાવાર્તા શરૂ કરી દીધી. કથાવાર્તા કરી એક એક જીવમાં મહારાજ પધરાવવાનો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો આગ્રહ અકલ્પનીય છે. કથાવાર્તા માટે થઈ તેમણે કદી રાત-દિવસ કે દેહ સામું પણ જોયું નથી.

2010ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને અવરભાવમાં દંત કઢાવીને દાંતનું નવું ચોકઠું ફીટ કરાવ્યું હતુ. એક દિવસ ભાવનગરના તથા સુરતના 4-5 હરિભક્તો વાસણા ગુરુવર્ય પ.પૂ. બાપજીના દર્શન કરવા માટે આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો સામે લાભ લેનાર કોઈ ઘરાક મળ્યા એટલે કથાવાર્તાનો પ્રવાહ ચાલુ થઈ ગયો. સળંગ 4-5 કલાક લાભ આપી રહ્યા હતા અને અચાનક મુખારવિંદમાંથી ચોકઠું નીકળી ગયું. ફરી બેસાડવાનો પ્રયત્ન કર્યો. પણ ફીટ ન બેસતાં લોહી નીકળી ગયું. છતાં કથા ચાલુ રાખી. છેવટે બોલતાં ન ફાવે એવી પરિસ્થિતિ થઈ ત્યારે કથાવાર્તા રાખી.

માત્ર અત્યારે વર્તમાનકાળે જ કથાવાર્તાનો આવો આગ્રહ છે એવું નથી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ આવો જ રહ્યો છે. આજે ખાખરીયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહે છે કે, “અમે જ્યારે કડી કોલેજ કરતા ત્યારે સવારો સવાર સુધી તેમનો લાભ લીધો છે. એકલા હાથે થાળની સેવા કરતાં, મંદિરનો વહીવટ કરતા, ઠાકોરજીની સેવા કરતા છતાં કથાવાર્તામાં કદી 1 મિનિટનો કાપ નથી મૂક્યો.” અત્યારે વર્તમાનકાળે કેટલાય એવા વડીલો એની સાક્ષી પૂરે છે કે, “અમે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો ખાખરીયાના, ઝાલાવાડના ગામડામાં તથા મૂળીમાં આખી-આખી રાત સુધી એ કથાવાર્તાનો રસ ચાખ્યો છે જેને આજે પણ અમે ભૂલી નથી શકતા.”

વર્તમાનકાળે 85 વર્ષની અવરભાવની ઉંમરે તેમનો કથાવાર્તા કરવાનો આગ્રહ રંચમાત્ર ઓછો થયો નથી. કાયમ પ.પૂ. સ્વામીશ્રીને તથા સંતોને કહે, “મારા 24 કલાકના કથાવાર્તાના પ્રોગ્રામ ગોઠવો. શું અમે બેસી રહેવા આવ્યા છીએ ?” અવરભાવમાં ડાયાબિટીસની લીલાને કારણે શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું હોવાથી સંતો-હરિભક્તો કથાવાર્તામાં થોડો કાપ મૂકવા પ્રાર્થના કરે ત્યારે કહે, “કથાવાર્તા તો અમારો ખોરાક છે. એને લઈને તો અવરભાવમાં અમે ટકીએ છીએ; નહિ તો અમારું અવરભાવનું અસ્તિત્વ જ ન રહે.”

આવી રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનની હર એક પળે કથાવાર્તાનો આગ્રહ છતો થયા વિના રહે જ નહીં. જેની માત્ર એસ.એમ.વી.એસ.ના હરિભક્તો જ નહિ; સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભક્તો શાખ પૂરે છે કે, ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવો કથાવાર્તાનો આગ્રહ હજુ કોઈનો જોયો જ નથી. અદ્ભુત.... અદ્ભુત... અદ્ભુત !!!

 
<< Back
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy