સભામાં બેઠેલો વર્ગ તો સદ્. રામાનંદસ્વામીને વિષે જ દ્રઢનિષ્ઠાવાળો સમાજ હતો. તેમને આ કેમ પથ્ય પડે ? એમને આ વાત અસહ્ય થઇ પડી. સભામાં માંહોમાંહી ચણભણાટ પણ શરૂ થયો. અધૂરામાં પૂરુ પાછું શ્રીજીમહારાજે ભરસભા વચ્ચે સ્વામિનારાયણ મંત્રની ધૂન્ય ઊચ્ચ સ્વરે શરૂ કરાવી. તે નામનું જેણે ભજન કર્યું કે જેણે એ નામ સૂણ્યું કે જેના કર્ણપટલ ઉપર આ અલૌકિક ષડાક્ષરી મહામંત્રની ભણક પડી તે બધાયને થઇ ગઇ નિર્વિકલ્પ સમાધિ ! હજારો ભકતજનો સભા મધ્યે સમાધિ થવાથી શબવત્ થઇ ગયા.
આખી સભામાં સોપો પડી ગયો. તો કોઇએ વળી ગોકીરો મચાવી દીધો. પરંતુ આ તો હજુ અહીંથી સમાધિ પ્રકરણની શરૂઆત થઇ હતી.
પછી તો શ્રીજીમહારાજ જયાં પણ જાય ત્યાં ચાહે કોઇ પાત્ર હોય કે કુપાત્ર હોય, મનુષ્ય હોય કે પશુ-પંખી હોય તેને પણ દ્રષ્ટિમાત્રથી સમાધિ કરાવી દે. અરે, સોટી અડાડે ને સમાધિ થાય, ચાખડીના ચટાકાના અવાજે સમાધિ, સ્પર્શથી સમાધિ કે એમના દર્શનમાત્રે પણ જીવોને સમાધિ કરાવી દે. એમ શ્રીજીમહારાજ જયાં જાય ત્યાં સમાધિ, સમાધિ અને સમાધિની જ વાતું ચર્ચાતી. એમ આ સમાધિ પ્રકરણ એવું તો ધૂમ-ધડાકાભેર મહારાજે ચલાવેલું કે લોકોમાં અને ખાસ કરીને સદ્. રામાનંદસ્વામીના શિષ્યોમાં અફડાતફડી મચી ગઇ. ઘણાને આ વાત ખટકી.
“આવું તો બની જ કેમ શકે ? સદ્. રામાનંદસ્વામીએ કદી આવું કર્યું ન હતું. અરે, મોટા મોટા અષ્ટાંગ યોગીઓને પણ આ સમાધિ દુર્લભ ને દુષ્કર છે. અત્યાર સુધીના અનંત અવતારો જે થઇ ગયા તેનાથી પણ આવું થઇ શકયું નથી. શાસ્ત્રમાં પણ આટલી સહજ સમાધિનો કયાંય ઉલ્લેખ નથી. તે આ સહજાનંદ સ્વામી જેને ને તેને કેમ સમાધિ કરાવી શકે ? નક્કી કાંઇક કામણ-ટૂમણ જણાય છે. આ નવયુવાન ને બિનઅનુભવી સહજાનંદસ્વામી ઐશ્વર્ય અને પરચા-ચમત્કાર ચલાવી રામાનંદસ્વામીની શુધ્ધ પરંપરાને કલંક લગાવી દેશે.” એમ સૌને સંશયના વમળો ઉઠવા માંડયા.
હવે તેને સમાવે કોણ ? એમાં રામાનંદસ્વામીના પ્રમુખ શિષ્યો સદ્. મુકતાનંદ સ્વામી, માધવદાસ અને હરિભકતોમાં પર્વતભાઇએ નક્કી કર્યું કે આ સહજાનંદ સ્વામી ગમે તેવું ને ગમે તેટલું ઐશ્વર્ય બતાવે પણ આપણે રામાનંદસ્વામીને વિષેથી ભગવાનપણાની નિષ્ઠા ડગવા દેવી નહીં એમ નક્કી કરી રાખેલું અને... પ.પૂ.બાપજી ઘણી વાર કહેતા હોય છે કે બધાય “વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ” એમ બોલતાં જયારે આ ત્રણેય “વંદું રામાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ.” એમ બોલતા. આટલી બધી એમણે મડાગાંઠ વાળી હતી. છતાં સમય જતાં પર્વત ડગ્યો. માધવદાસ પણ ડગ્યા અને રહ્યા માત્ર મુકતાનંદ સ્વામી.
મુકતાનંદસ્વામી, રામાનંદસ્વામીના મુખ્ય શિષ્ય હતા. તેઓ અવરભાવમાં શ્રીજીમહારાજથી ઉંમરમાં ૨૩ વર્ષ મોટા હતા. શ્રીજીમહારાજના ગુરુભાઇ હતા. સહુના વડીલ હતા એટલે શ્રીજીમહારાજ પણ એમની મર્યાદા રાખતા.
કચ્છમાં રામાનંદસ્વામીના શિષ્યોનો સમુદાય બહોળો. રામાનંદસ્વામી અંતર્ધ્યાન થયા હોવાથી તે ભકતોને રામાનંદસ્વામીનો વિરહ ને વિયોગ ન સાલે એટલે મુકતાનંદ સ્વામી આશ્વાસન, દિલાસો-સાંત્વના આપવા કચ્છ જઇ રહ્યા છે. માર્ગમા કેટલાક શિષ્યોએ, સહજાનંદ સ્વામીએ સમાધિનો સોથ વાળેલો, એવી ફરિયાદ કરી. સહજાનંદ સ્વામી જેને ને તેને સમાધિ કરાવે છે. શું એમ તે કાંઇ સમાધો થાતો હશે ? જરૂર કાંઇક મંત્ર-જંત્ર કે કામણ-ટૂમણ કરે છે. એમણે તો રામાનંદસ્વામીની આખી પ્રથા ફેરવી નાંખી છે. એમને કહેનારું હવે કોણ છે ? એમને તો છૂટો દોર મળી ગયો છે. માટે સ્વામી, તમે વડીલ છો, મોટા છો, બે શબ્દ કહી શકો એમ છો, માટે તમે જ એમને વારો ! એ તમારા જ વાર્યા વળશે અને આ બધી ફરિયાદો સાંભળ્યા પછી મુકતાનંદ સ્વામીએ પણ એક અદ્ભૂત લીલા આદરી ! ખરેખર મુકતાનંદ સ્વામી તો શ્રીજીમહારાજ સાથે ધામમાંથી આવેલા મુકત હતા. એમનાથી મહારાજની લીલા શી રીતે અજાણી હોઇ શકે ? છતાં અવરભાવવાળાને અવરભાવની રીતે ફિટ કરવા, મહારાજ અને મુકતાનંદ સ્વામીએ એક અદ્ભૂત નાટક ભજવ્યું.
મુકતાનંદ સ્વામીએ બધાયની વાત કાને ધરી અને નક્કી કરી દીધું કે સહજાનંદ સ્વામીને ઠપકો આપવો અને વારવા. પછી એમણે ભૂજ જવાનું માંડી વાળ્યું ને ત્યાંથી જ પાછા ફર્યા. ઠપકો આપવા સારુ ઉતાવળે ઉતાવળે ચાલતા થકા જયાં મહારાજ બિરાજમાન હતા તે સોરઠની ભૂમિ પર કાલવાણી ગામે આવ્યા છે. જઇને સીધા મહારાજને મળ્યા ! ઉતાવળા અને હાંફળા - ફાંફળા મુકતાનંદ સ્વામીના મુખારવિંદના ભાવો પરથી જ મહારાજે પારખી લીધું કે આજ મુકતાનંદ સ્વામી રોજ કરતાં કાંઇક જુદા જણાય છે. એટલે એમણે લાગલું જ પૂછયું, “સ્વામી, કેમ તમે અચાનક પધાર્યા ? આપ તો કચ્છ જવા નીકળ્યા હતા ને ! કેમ આજે આટલી રઘવાટમાં છો ?” સ્વામીએ થોડું રોષપૂર્વક કહ્યું, “એ બધીય વાત પછી ! પણ મને કહો મહારાજ, કે આપ સત્સંગમાં કેમ બહુ ફેલી થયા છે ! આ સમાધિ પ્રકરણના તમાશા બંધ કરો ! એમ તે કાંઇ સમાધિ શું સાવ સહેલી છે ? તે તમે જેને ને તેને કરાવવા લાગ્યા છો ? મહારાજ ! સમાધિ તો બહુ દોહ્યલી છે. માટે આ બધું ધતિંગ સંકેલી લ્યો.” એમ ખૂબ ઠપકો આપ્યો.
મહારાજે પણ મુકતાનંદ સ્વામીની પૂર્ણ મર્યાદા જાળવી ! એક હરફ પણ ન ઉચ્ચાર્યો. ત્યારે મહારાજ કહે, “સ્વામી, મને ખ્યાલ નથી આવતો કે આ સમાધિ કેમ થાય છે ? જો આપ સંકલ્પ કરો તો પણ સમાધિ થશે.” અને પછી મુકતાનંદ સ્વામીએ જયાં સંકલ્પ કર્યો ત્યાં તો શાંતાનંદ સ્વામીને થઇ ગઇ સમાધિ. ત્યારે મહારાજ કહે, “સ્વામી, તમે આ શું કર્યું ?” એટલે સ્વામી વિચારમાં પડી ગયા.
બીજા દિવસે વહેલી સવારે મુકતાનંદ સ્વામી શૌચાદિક વિધિ માટે મેઘવતી નદીના કાંઠે આવેલા ખાખરાના વનમાં ગયા છે. મળસકુ થવાને હજુ વાર છે. વનમાં ચોતરફ ભેંકાર નિઃશબ્દ સ્તબ્ધતા છવાયેલી છે. એટલામાં ખાખરાના ઝાડ ખડ - ખડયા હોય એવું જણાયું. સ્વામીએ ચોપાસ નજર કરી પણ કશું નજરે ચડયું નહીં. હશે કોઇ પશુ-પક્ષી, જંગલી જનાવર ! એમ વિચારી મનને પાછું વાળ્યું. ફરી પાછો ખળભળાટ ને કોઇકની હાજરીને અણસાર વર્તાણો !
સ્વામીએ આંખ ને કાનને સરવા કર્યા. ત્યાં તો કોઇકનો સુપરિચિત ને સુમધુર અવાજ સ્વામીના કાને અથડાયો. ‘મુકતાનંદ સ્વામી !’ સ્વામી તો પળભર અવાક્ થઇ ગયા. અરે, આ તો ગુરુ રામાનંદસ્વામીનો અવાજ ! પણ સ્વામી અત્યારે અહીં કયાંથી હોય ? કાંઇ મને ભ્રમતો નથી થયો ને ? એમ વિચારી જે દિશા ભણીથી અવાજ આવ્યો હતો ત્યાં નજર ફેરવીને જોયું તો એ દ્રશ્ય જોઇ સ્વામી દિગ્મૂઢ થઇ ગયા. સદ્.રામાનંદસ્વામી મંદ મંદ હાસ્ય વેરતા ને આછેરા રોષે ભરેલા મુખારવદનાં દર્શન થયા ! કાંઇ હું સ્વપ્ન તો નથી જોતો ને તેની ખાતરી કરવા આંખના પોપચાને બે હાથે ચોળ્યા. આંખ ફાડીને જોયું તો સદ્. રામાનંદસ્વામીનાં દર્શન થાય. સ્વામી તો રામાનંદસ્વામીના ચરણમાં પડી ગયા. રામાનંદસ્વામીએ નજીક આવીને કહ્યું, “સ્વામી, તમે આટલું જલદી અમારું વચન ભૂલી ગયા ?” હું નહોતો કહેતો કે ખરા સનાતન પુરુષોત્તમનારાયણ તો આ સહજાનંદ સ્વામી છે. માટે તમે હવેથી એમના કોઇ કાર્યમાં સંશય કરશો નહીં. એ તો સર્વ અવતારના ઉપરી એવા સ્વયં સર્વોપરી ભગવાન છે. હું અને મારા જેવા તો અનેક એમના સેવકો છીએ. સ્વામી, હું તમારો ગુરુ છું પણ એ તો મારાય ગુરુ અને સૌના સદ્ગુરુ છે. સૌના ઇષ્ટદેવ છે. માટે જાવ, તેમનો મહિમા સમજી, સ્તુતિ કરો અને એમને રાજી કરો.
મુકતાનંદ સ્વામી આ વાત સાંભળી રાજી રાજી થઇ ગયા. એમના સર્વે સંશયો આજ ઝાડવેથી સૂકા પાંદડાં ખરે એમ ખરી ગયાં !! અંતરમાં શાતા વળી ગઇ. સહાજનંદ સ્વામી વિષેનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઇ ચૂકયો ! સ્વામી ભાવવિભોર બની ચૂકયા, અંતરે દિવ્યભાવની સરવાણીઓ ફૂટી નીકળી. સર્વ અવતારના અવતારી સર્વોપરી મહાપ્રભુની પ્રાપ્તિના કેફે હૈયું હરખાઇ ઉઠયું. મેઘવતી નદીમાં સ્નાન કરી, સ્વામીએ પોતે વનમાંથી સુદંર મજાના પુષ્પો ચૂંટયાં. મહાપ્રભુને પહેરાવવા અતિ સ્નેહે અને અદકેરા માહાત્મ્યથી પુષ્પનો સુંદર હાર તૈયાર કર્યો. સુંદર હાર બનેલો જોઇ સ્વામીને હૈયે હરખ માતો નથી, સ્વામીનું હૈયું હાથવગું રહેતું નથી. કયારે મહારાજ પાસે પહોચું ને કયારે એમને હાર પહેરાવું ને કયારે એમની સ્તુતિ કરું !! પછી તો એવા દિવ્યસંકલ્પોની વણઝાર ચાલી.
કાલવાણી ગામે શ્રીજીમહારાજ સભા મધ્યે બિરાજમાન થઇ ચૂકયા છે. મોટા-મોટા સંતો તથા મોટા-મોટા હરિભકતોની સભા હકડેઠઠ જામી ગઇ છે. ત્યાં મુકતાનંદ સ્વામી પુષ્પનો સુંદર મજાનો હાર લઇ પધાર્યા છે. સ્વામીએ દંડવત્ શરૂ કર્યા છે. મહારાજની દ્રષ્ટિ સ્વામી તરફ ફરી એ સાથે જ આખી સભાની નજર પણ સ્વામી તરફ મંડાઇ ગઇ. સ્વામી ધીરે ધીરે ડગ માંડતા મહારાજ તરફ ચાલ્યા છે. આખી સભાને કુતૂહલ હતું કે સ્વામી હવે શું કરશે ? મહારાજને વઢશે કે શું ? ત્યાં તો સ્વામીએ હરખભેર મહારાજને પુષ્પનો હાર પહેરાવી દીધો. અતિશે પ્રેમઘેલા બનેલા સ્વામીને, મહારાજને શી સ્તુતિ - પ્રાર્થના કરવી ? કેવા શબ્દોમાં મહાપ્રભુનું માહાત્મ્ય વર્ણવું ? એવી ગડમથલમાં ને ગડમથલમાં જ સ્વામીની નજરે આરતી સ્ફુરી ! સ્વામીએ આરતી હાથમાં લઇ સહજાનંદ સ્વામીની આરતી ઉતારવા માંડ ને તે સમયે સ્વામીના મુખકમળમાંથી મહાપ્રભુની મહિમાસભર પ્રાર્થના-સ્તુતિ આર્તનાદે સરી પડે છે અને તે જ સંપ્રદાયની સુપ્રસિધ્ધ અને નિત્ય ગવાતી આરતી...
“જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી...પ્રભુ જય”
આમ, મુકતાનંદસ્વામી જેવા મોટેરા સંતને દિવ્યભાવ સભર આરતી ઉતારતા જાણી અને ત્યારનું આખું વાતાવરણ દિવ્યતાસભર નિહાળી, આખી સભા કિંકર્તવ્યમૂઢ બની ચૂકી હતી. સૌને આજે શ્રીજીમહારાજનું અનેરું માહાત્મ્ય સમજાયું હતું. આવી રીતે મહારાજ ને મુકતાનંદસ્વામીની એક અદ્ભૂત લીલાથી સુંદર આરતીનું પદ સંપ્રદાયને ભેટમાં મળ્યું ! |