ભગવાનના ભકતને કોઇ જાતના અબળખાઓ કે અભરખાઓ હોય ખરા? હા, હોય ને કેમ વળીના હોય? અરે, અથોક અબળખાઓ ને અભરખાઓ હોય, પણ એટલું ખરું કે જગતના જીવોના જેવા નહીં.
ભકતને તો પોતાના પ્રાણેશ્વર ઇષ્ટ પ્રભુને ભાવે કરીને જગાડવાના, સ્નાનાદિક વિધિ કરાવવાના, પ્રેમે કરીને તાણ કરી કરીને જમાડવાના, નિત્ય નવા શણગારો વડે સજાવવા, ધજાવવા અને પ્રીતે કરીને પોઢાડવાના એમ નિત્ય નવા ભાતભાતના ઉછરંગ હૈયે હિલોળા દેતા હોય. ભકત તો ભગવાનની સેવા કર્યાની ને લાડ-લડાવવાની તક કે મોકો શોધતો જ હોય.
ભકતને પ્રભુની સેવા કરવાનો અવસર બે પ્રકારે પ્રાપ્ય છે. (૧) દૈહિક (૨) માનસિક.
એમાં આપણે આજે શ્રીજીમહારાજની માનસિક સેવા એટલે કે માનસીપૂજા કેમ કરાય તે વિગતે જોઇશું.
શ્રીજીમહારાજે પોતાના આશ્રિતજનને દિવસમાં પાંચ વખત માનસીપૂજા કરવાની કહી છે. જે ભગવાનના ભકત હોય તે નિત્યે ભગવાનની માનસીપૂજા કરે તે માનસીપૂજાની વિકતી એમ છે જે શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસીપૂજા કરવી. (ગ.છે.-૨૩) તથા એવા જે ભગવાન તેની હેતે કરીને માનસીપૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભકિત કરવી. (ગ.મ.૧૯)
શ્રીજીમહારાજની પ્રત્યક્ષ પૂજા અધિક કે માનસીપૂજા અધિક એના અનુસંધાનમાં શ્રીજીમહારાજ કહે છે, "જે ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઇને તથા ગદ્ગદકંઠ થઇને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બંને શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદ્ગદકંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે ને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે." (સા.૩)
મોટા સંતો કહેતા, "દિવસમાં પાંચ વખત મરતાં શીખવું." પાંચ વખત મરવું એટલે શું ? તો દેહભાવથી પૃથ્ક થઇ રોમાંચિત ગાત્રે ભગવાનની પાંચ વખત માનસીપૂજા કરવી. એ પાંચ વખત મર્યા કહેવાય. દેહભાવથી અળગા થયા કહેવાય.
બાપાશ્રી માનસીપૂજા કેમ કરવી તે બાબતે કહેતા - એક વાર પર્વતભાઇ સાંતી હાકતાં હાકતાં માનસીપૂજા કરતા હતા, તે વખતે હાથમાંથી તાંસળું પડી ગયું, તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી કોઇક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસીપૂજા કરતા હોય ને કોઇક પૂછે જે કપચાની ટોપલી કયાં છે ? ત્યારે સાને કરીને બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસીપૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજં સંભારવું નહીં. (ભાગ – ૧ , વાત - ૨૦૬)
માનસીપૂજા એ પ્રેમલક્ષણા ભકિતનું એક શ્રેષ્ઠાંગ છે. મને કરીને કરેલી સેવા એને કહેવાય છે, માનસીપૂજા. અતિ ચંચળ એવા મનને ભગવાનના સ્વરૂપને વિષે પરોવવું. તેના માટે માનસીપૂજા શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે.
પ્રત્યક્ષ ઠાકોરજીની સેવા કરવી હોય તો ભારે ભારે વસ્ત્રો, અલંકારો, આભૂષણો, પુષ્પહારો, ભારે ભારે થાળની વિવિધ વાનગીઓ આ બધું કરવા કેટકેટલી મહેનત અને કેટલો બધો ખર્ચ થાય ! જે કદાચ બધાય ભકતને ન પણ પોસાય. જયારે માનસીપૂજાનું કૌતુક તો એવું છે કે કોઇપણ પ્રકારનો ભકત ચાહે તે ગરીબ હોય કે ગર્ભશ્રીમંત-બધાય સરખી જ સેવા કરી શકે છે. ભકતને ન કશી મહેનત કે ન કશો ખર્ચ, ન કોઇ ધાંધલ-ધમાલ કે કોઇ વધારાનો સમય. છતાં ય શ્રેષ્ઠતમ અને ઉચ્ચતમપદાર્થો વડે કોઇ પણ ભકત પ્રેમવિભોર થઇ, ગદ્ગદકંઠે માત્ર માનસિક ઉપચારો વડે, પોતાના પ્રાણેશ્વરની અલભ્ય સેવા સ્હેજે કરી શકે છે.
આ જ તો વળી ભગવાનની ભકતની ઉપર અતિશેકરુણા કહેવાય. ભગવાન હંમેશાં પોતાના ભકતની સેવા સ્વીકારવાને તત્પર હોય, વિના દાખડે ને વિના ખર્ચ કરેલી સેવા પ્રભુ પ્રેમથી સ્વીકારી, પ્રભુ પોતાનો દિવ્ય રાજીપો ભકત ઉપર વરસાવે એ કાંઇ ઓછી મહેર કહેવાશે? છતાંય ભકત એમ કહે કે મારાથી માનસીપૂજા નથી થાતી, અડધી થાય છે ને અડધી રહી જાય છે, કયારેક થાય ને કયારેક ભૂલી જવાય છે. ત્યારે એવા ભકત માટે કેવું વિશેષણ વાપરવું ઘટે ? ભકતથી ભગવાનની માનસીપૂજા ન થાય એ તો કેવું વળી ? તો એ ભકત શાનો ?
આપણા બાપાશ્રી જેવા સમર્થ મૂર્તિ પણ અવરભાવમાં જોઇએ તો માનસીપૂજા અવશ્ય કરતા. બાપાશ્રીની વાતોના અનેક પાને આવે છે કે બાપાશ્રી કાકરવાડીએ પધાર્યા ને પછી જાંબુડાના ઝાડ નીચે બેસીને માનસીપૂજા કરી. પૂ.સ્વામીશ્રી તો ત્યાં સુધી કહે છે કે "માનસીપૂજા નિયમિત અને સમયસર થઇ જવી જોઇએ. ગાડી ચલાવતા હોઇએ ને માનસીપૂજાનો સમય થયો તો ગાડીને બ્રેક મારી ગાડી ખડી કરી, માનસીપૂજા કરી જ લેવી જોઇએ."
બાપાશ્રી કહેતા, "મહારાજની માનસીપૂજા દિવસમાં પાંચ વાર કરવી, તે અડધો કલાક કે એક કલાક કરવી. માનસીપૂજા કરી રહીએ ને બે કલાક થાય પછી વળી માનસીપૂજા કરવી એમ ને એમ માનસીપૂજા કરે તો નવરું થવાય નહીં." (ભાગ – ૧ વાત - ૧૭૮)
આપણા એક હરિભકત જે શિક્ષક છે તેઓ એકવાર પૂ. સ્વામીશ્રીને મળ્યા એટલે સ્હેજે પૂ. સ્વામીશ્રીએ સત્સંગી સારા જાણીને પૂછયું, "આપ માનસીપૂજા નિયમિત કરો છો ?"
શિક્ષક : હા, દયાળુ ! કરું છું.
પૂ.સ્વામીશ્રી : પાંચેય માનસીપૂજા કરો છો ?
શિક્ષકઃ હા, દયાળુ ! પાંચેય માનસીપૂજા મહારાજની દયાથી થાય છે.
પૂ. સ્વામીશ્રી :- નિયમિત અને ટાઇમસર થાય છે?
શિક્ષકઃ- હા, દયાળુ, સમયસર જ થઇ જાય છે.
પૂ. સ્વામીશ્રી :- તમે જયારે નોકરી પર હો ત્યારે કેમનું થાય છે ? સમય સચવાય છે ? કેવી રીતે બધું એડજસ્ટ કરો છો ?
શિક્ષકઃ દયાળુ, મારે સ્કૂલમાં માનસીપૂજા માટે કોઇ વધારાનો સમય ફાળવવાની જરૂર પડતી નથી. મારા કલાસમાં પિરિયડ ચાલુ હોય અને જો માનસીપૂજાનો સમય થયો હોય તો હું ચાલુ પિરિયડે ભણાવતાં - ભણાવતાં માનસીપૂજા કરી લઉં છું. પ.પૂ.બાપજીની કૃપાથી એવી પ્રતિલોમપણાની લટક આવડી ગઇ છે કે મારે તો કોઇપણ ક્રિયા કરતાં કરતાં પણ પરભાવની માનસીપૂજા કરી લેવાય છે. શિક્ષકનો જવાબ સાંભળી પૂ. સ્વામીશ્રી તો ખૂબ રાજી રાજી થઇ ગયા. પૂ. સ્વામીશ્રી કહે છે, "હા, એવી જો લટક પ્રતિલોમપણાની આવડતી હોય તો જરૂર કોઇપણ ક્રિયામાં થઇ શકે..! પણ લટક હોય તો.. નહીં નહીં... !"
માનસીપૂજામાં પોતાની તમામ ભાવોર્મિને ઠાલવી દેવી ભગવાનની સેવા કરવામાં કોઇ કસર ન રાખવી. "યથા દેહ તથા દેવા." એમ પોતાને મનગમતા પદાર્થો અને વસ્તુઓ વડે અતિશે પ્રેમે કરી પૂજા કરવાથી ભગવાનને વિષે મન સ્હેજે સ્થિર થાય છે.
એક સત્સંગી વાણિયો નાનકડી એવી હાટડીનો માલિક. હાટડીના થડા ઉપર બેઠા-બેઠા પણ જો માનસીપૂજાનો સમય થાય તો માનસીપૂજા કરી લે એવો પાકો સત્સંગી. પણ વાણિયાભાઇ ખરા ને ! થોડી પ્રકૃતિ લોભી ખરી. એક દિવસ હાટડીના થડે જ સવારના પહોરે માનસીપૂજા શરૂ કરી છે. માનસીપૂજામાં ઠાકોરજી માટે દૂધ ધરાવવાનું છે. એટલે દૂધ તપેલીમાં લઇ તપેલી ગેસની ઉપર ગરમ કરવા મૂકી છે. સગડી ચાલુ છે. દૂધ ગરમ થાય છે. દૂધને ગળ્યું કરવા દૂધમાં એક મૂઠી મોરસ (ખાંડ) નાંખી છે, ત્યાં દુકાને ગ્રાહક આવ્યું. ગ્રાહકે બૂમ મારી, "શેઠ...!" શેઠે જાણ્યું કે ગ્રાહક આવ્યું છે તેથી માનસીપૂજા પડતી મૂકી ગ્રાહકને પતાવ્યું. ફરી આંખો બંધ કરી અધૂરી માનસીપૂજા શરૂ કરી. તેણે વિચાર્યું કે કયાં સુધી આવ્યો હતો ? કદાચ મોરસ (ખાંડ) નાંખવાની બાકી હતી એમ સમજી ફરી એક મૂકી મોરસ નાંખી દીધી. ત્યાં એને ઝબકારો થયો, "એલ્યા, એક મૂઠી મોરસ તો પહેલા જ નાખી દીધી છે. આ તો બીજીવાર ભૂલથી નંખાઇ ગઇ." પ્રકૃતિ લોભી હતી એટલે પ્રકૃતિ કામ કરી ગઇ. એણે વિચાર્યું કે જો ડબલ ખાંડવાળું દૂધ ઠાકોરજી પી જશે તો પછી ઠાકોરજીને આવું ગળ્યું દૂધ પીવાની આદત પડી જશે. ઠાકોરજી રોજ હળી જશે, પછી તો રોજ આવું જ ગળ્યું દૂધ માંગશે. આતો મારે રોજનો ખર્ચો. કેમ પોસાય ? એણે જોયું અને તપેલીમાં મોરસ હજુ ઓગળી નહોતી એટલે કાઢવા સારુ ગરમ દૂધમાં હાથ નાખ્યો. પણ વાણિયાનો હાથ મહારાજે પકડી લીધો. અને બોલ્યા, "હં... હં... વાણિયા શું કરે છે ?" "અરે મહારાજ જલદી મારો હાથ મૂકો. મોરસ વધુ પડી ગઇ છે તે કાઢવી છે." વાણિયો બોલ્યો. મહારાજ કહે, "વાણિયા, મોરસ પડી જ ગઇ છે તો હવે ભલે રહી." ત્યારે વાણિયો કહે, "ના... ના.. મહારાજ તમને આટલી બધી ખાંડવાળું દૂધ અપાય ? અમારેય જોવું પડે ને કાંઇક તમને ડાયાબિટીસ, બાયાબિટીસ...?" મહારાજ વાણિયાની હોશિયારી સાંભળી હસ્યા ને કહ્યું, "વાણિયા, રોજ આવું ગળ્યું દૂધ નહીં માંગું. મને ટેવ નહી પડે. પણ આ તો ગરમ દૂધમાં , તારો હાથ દાઝે નહીં ને એટલે હાથ ઝાલ્યો છે. મને દૂધની નહીં, તારા હાથની ચિંતા છે." વાણિયો છોભીલો પડી ગયો. એમ ગમે તે રીતે પણ આ વાણિયાની માનસીપૂજા મહારાજે પ્રત્યક્ષ પૂજામાં ફેરવી નાંખી.
ભગવાન પ્રત્યે અતિશે પ્રેમ અને રોમાંચિત ગાત્રે થયેલ માનસીપૂજા પ્રભુ જરૂર અંગીકાર કરે છે. તેનો પર્વતભાઇનો જાણીતો પ્રસંગ સંપ્રદાયમાં વિખ્યાત છે.
સોરઠનું નાનું ને છેવાડાનું ગામ અગતરાઇ. ગામમાં કણબી ખેડૂતોની મોટા ભાગે વસ્તી. એમાં કણબી પર્વતભાઇ રહે. પર્વતભાઇ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય સત્સંગી, માત્ર સત્સંગી તો નહીં પણ ખરા અનન્ય મહામુકતરાજ ! દેખાવે ને પહેરવેશે કણબી ખેડૂત જણાય, પણ માહીંલી કોરે ખૂબ જ સમૃધ્ધ...! ભર્યા-ભર્યા... શ્રીજીમહારાજની મૂર્તિમાં રમણ કરનારા મહાઅનાદિમુકત. જાડું બોલનારા,જાડું જમનારા ને જાડું પહેરનારા પર્વતભાઇની ઉપલક દૃષ્ટિએ સ્થિતિની ખબર ન પડે પણ એમની પાછળ-પાછળ તો અનંત અવતારોનું લશ્કર આત્યંતિક મોક્ષને માટે આંટા મારતા હોય એવા સમર્થ. પોતે ખેડૂત એટલે ખેતરમાં હોય. ખેતરનું કામકાજ કરતા હોય.
એક દિવસ ખેતરમાં સાંતી જોડયું છે. સાંતીએ બળદ જોડયા છે. બળદની રાશ હાથમાં પકડી સાંતી ઉપર ઉભા છે ને ખેતરમાં સાંતી ચાલી રહ્યું છે. માનસીપૂજાનો સમય થયો છે. એટલે પર્વતભાઇએ બળદની રાશ નીચે મૂકી સાંતી હાંકતાં-હાંકતાં જ માનસીપૂજા કરવા આંખો બંધ કરી દીધી. માનસીપૂજામાં મહારાજને જમાડવા એક હાથમાં થાળ ને બીજા હાથમાં દહીંની તાંસળી પકડી હોય, એમ હાથ ફેલાવીને ઉભા છે. બળદ બળદનું, સાંતી સાંતીનું અને પર્વતભાઇ પોતાનું કામ કરી રહ્યા છે. પર્વતભાઇ પ્રભુની પ્રેમથી માનસીપૂજામાં નિમગ્ન થયા છે ને ખેતરમાં સાંતીડું એમ ને એમ હાલતું રહ્યું છે. ખેતરમાં કામ કરનાર સાથીએ આ દૃશ્ય જોયું. ઘડીભર એને એમ જ લાગ્યું કે પર્વતભાઇ સાંતી હાંકતાં-હાંકતાં ઊંઘતા લાગે છે. કાં તો ઝોકે ચઢયા લાગે છે. એટલે એણે પર્વતભાઇને જગાડવા ધીમેથી હાક મારી... એક વખત, બે વખત, ત્રણ વખત. પણ પર્વતભાઇ તો ઊંઘતા હોય તો જાગેને ? પર્વતભાઇ માનસીપૂજામાં ઠાકોરજીને જમાડવામાં વ્યસ્ત છે. એમણે માનસીપૂજામાં તાવડીએથી તાજો ઉતારેલો ને તપીને લાલ ત્રાંબા જવો ને ગાડાના પૈડા જેવો સરસ ગોળ રોટલો, સાથે થીજી ગયેલું તેમજ કાપો તો ચોસલાં પડે એવું મજાનું દહીં, તાંસળીમાં પીરસ્યું છે. અને મહારાજને તાણ કરી કરીને ખૂબ જમાડી રહ્યા છે. સાથીએ જોયં કે પર્વતભાઇ સાદ પાડે નહીં હહળે ! એટલે પર્વતભાઇ બે હાથમાં થાળ પકડયો હોય એમ ઉભા હતા. એ હાથની કોણીએ લાકડીનો ઠોહો માર્યો લાકડીનો ઠોહો મારતા તો માર્યો પણ આ શું ? પર્વતભાઇના હાથમાંથી બાજરાનો રોટલો અને દહીં માંડયું ઢોળાવા. સાંતી ઉપર ને જમીન ઉપર રોટલો ને દહીં-દહીં થઇ ગયું.
આ જોઇ સાથી આભો બની ગયો. પળવાર તો હબક ખાઇ ગયો. તેણે પર્વતભાઇને પૂછયું કે, "આ બધું શું થઇ ગયું ?" ત્યારે પર્વતભાઇએ કહ્યું કે હું માનસીપૂજા કરતો હતો અને એમાં મહારાજને બાજરાનો રોટલો ને દહીં જમાડતો હતો ત્યારે તે આ લાકડીનું ઠેબું માર્યું એટલે મહારાજે આજે મારી માનસીપૂજાને પ્રત્યક્ષ પૂજામાં ફેરવી નાંખી. અને એટલે આ રોટલો ને દહીં તે ઠાકોરજીના થાળનું ઢોળાયું છે." આને કહેવાય માનસીપૂજા.
માનસીપૂજામાં વેઠ ન ઉતારવી. જે શ્રીજીમહારાજની પ્રત્યક્ષ સેવા મૂળજી બ્રહ્મચારી, લાડુબા-જીવુબા, ગંગામાને મળતી હતી એ જ મહાપ્રભુની અદ્ભુત સેવાનો લ્હાવો આપણને માનસીપૂજા દ્વારા મળે છે. માનસીપૂજામાં કેટલી એકાગ્રતા તેમજ મહારાજનું કેટલું બધું પ્રગટપણું હોવું ઘટે એ માટેનો એક સુંદર પ્રસંગ છે.
સુંથ પાસે રામપુરમાં સુખરામ નામે બ્રાહ્મણ હરિભકત હતા. તે અમદાવાદ સોનાનો દાગીનો વેચવા આવ્યા હતા. પણ ભાવ પૂરા ન મળ્યા એટલે દાગીનો પાછો લઇને ચાલતા પાછા જતા હતા. રસ્તામાં ઝાડી આવી. ત્યાં માર્ગમાં માનસીપૂજાનો સમય થયો એટલે માનસીપૂજા કરવા બેઠા. ત્યારે ઝાડીમાંથી ચોર આવ્યો ને ભગતનો સોનાનો દાગીનો લૂગડામાંથી છોડવા લાગ્યો. પણ ભગતે વિચાર્યું કે માનસીપૂજામાં હું શ્રીજીમહારાજને જમાડી રહ્યો છું તે તેમને જમાડવા પડતા મૂકી ચોરને કેમ પકડવો કે કેમ બૂમ પાડવી ? એટલે માનસીપૂજાનો ભંગ થવા ન દીધો. ચોર તો દાગીનો લઇને જતો રહ્યો ને ત્યારબાદ ભગત માનસીપૂજામાંથી ઉભા થયા અને સંકલ્પ કર્યો કે, "મૂઆ ! હું મહારાજને જમાડતો હતો ને તું દાગીનો છોડી ગયો તો તેને ઢીંચણમાં પથ્થર વાગો ને ભાઠા પડો ને તું મરી જા." આ બાજુ પેલા ચોરને દોડતાં-દોડતાં વચમાં વોકળો આવ્યો. તેમાં પડી ગયો ને ખૂબ વાગ્યું. તે આગળ એક ધર્મશાળામાં પડયો હતો. ત્યાં ભગત લોટ માંગીને ગયા ત્યારે એને ઓળખી કાઢયો. પછી તે બીન્યો ને દાગીનો ભગતને પાછો આપી દીધો. તે લઇને ભગત ગયા ને ચોર મરી ગયો. એમ એને મહારાજની માનસીપૂજા પણ થઇ અને દાગીનો પણ પાછો આવ્યો. માટે એવી માનસીપૂજા કરવી
બાપાશ્રી કહેતા, "કોઇકને ટોપલો, કોદાળી કે પાવડો દેખાડવો હોય, એટલામાં પણ સાન કરે કે હાથ હલાવે પણ માનસીપૂજા પૂરી કરે નહીં ને સાધુ કે સત્સંગી કહેવાતા હોય. માટે બહુ વિચાર કરવો ને મૂર્તિમાં સદાય રહેવું."
માટે શ્રીજીમહારાજના સત્સંગીએ દિવસ દરમ્યાન પાંચ માનસીપૂજા કરવાની હોય છે. તે માનસીપૂજા કયા સમયે અને કેવી રીતે કરવી તે જોઇએ.
(૧) પ્રથમઃ- પ્રાતઃસમયે-નિત્યપૂજામા (સવારે ૫ થી ૭)
(૨) દ્વિતીય :- જમાડવાની માનસીપૂજા (બપોરે ૧૦-૩૦ થી ૧૨)
(૩) તૃતીય :- ઉત્થાન માનસીપૂજા (બપોરે ૩-૩૦ થી ૪-૩૦
(૪) ચતુર્થ :- સંધ્યા સમયે જમાડવાની (સાંજે ૬-૩૦ થી ૮)
(૫) પંચમ :- શયન કે પોઢાડવાની માનસીપૂજા (રાત્રે ૯ થી ૧૦) |