વચનામૃત પરિચય

 

૧. વચનામૃત એટલે શું ?

સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ સમગ્ર ભરતખંડને તથા અનેક દેવ-મનુષ્યાદિકને મોક્ષદાન આપવા ઠેર ઠેર વિચરતા અને અનેક જીવોને પોતાની વાતોરૂપી અમૃતપાનથી સુખિયા કરતા. શ્રીહરીની આ વાતો સર્વ શાસ્ત્રોના સારરૂપ હોવા છતાં એટલી બધી સરળ અને હૃદયભેદક હતી કે સામેની વ્યક્તિને જીવ સોંસરી ઊતરી જતી. તેઓ પોતાની રહસ્યમય વાતો તે સમજાવવા ઘણી વખત એવા તો રોજબરોજના જીવનમાં બનતા કે જોવા મળતા ઘરેલું પ્રસંગોને ઉદાહરણ તરીકે મૂકી સમજાવી દેતા કે જે ગમે તેવી તત્ત્વજ્ઞાનની અઘરી વાત હોય તે સાવ અભણને પણ સરળ રીતે સમજાઈ જતી. આવા શ્રીજીમહારાજના સ્વમુખવાણીરૂપ અમૃતવચનોને ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા સંતો-હરિભક્તોએ ખરડા રૂપે સંગ્રહિત કર્યા. જેને સ્વયં શ્રીજીમહારાજે પ્રમાણ કરી ‘વચનામૃત’ શાસ્ત્ર રૂપે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ આપી.

૨. વચનામૃતની રચના ક્યારે થઈ ?

સંવત ૧૮૭૬ માગશર સુદી ચતુર્થીને દિવસ વચનામૃતનું લેખનકાર્ય શરૂ થયું.

૩. વચનામૃતનો ઉદ્ભવ કેવી રીતે થયો ?

શ્રીજીમહારાજની જ સ્વમુખવાણી વચનામૃતમાં ગ.મ. ૫૮માં જણાવે છે કે, “પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દા’ડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, તમે પણ પોતાના સંપ્રદાયસંબંધી ને પોતાના ઇષ્ટદેવસંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહપર્યંત કર્યા કરજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે.”

શ્રીજીમહારાજના મુખ થકી આવો અભિપ્રાય સૌ સંતો અને હરિભક્તો સાંભળતા અને શ્રીજીમહારાજ જ્યારે જ્યારે કથાવાર્તાનો પ્રવાહ વહાવતા ત્યારે ત્યારે સૌ તેના ખરડા લખી લેતા. શ્રીજીમહારાજની પરાવાણી અનેકાનેક શાસ્ત્રોના પણ સારરૂપ અને રહસ્યમય અભિપ્રાયરૂપ હતી; જે અનંત વર્ષો સુધી અનંત જીવો સુધી પહોંચાડવા તેને ગ્રંથસ્થ કરવી જરૂરી હતી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી મોટેરા સંતોએ આ પરાવાણીને ગ્રંથસ્થ કરવાનું મહાભગીરથ કાર્ય આરંભ્યું.

પાંચ પ્રખર વિદ્વાન સંતોએ દરેક પ્રકારના વ્યક્તિને તથા સમાજને ધ્યાનમાં લઈ સર્વગ્રાહ્ય બને તે રીતે શ્રીજીમહારાજની પરાવાણીને ગ્રંથ સ્વરૂપે ગ્રંથસ્થ કરી. જે ગ્રંથને સંતોએ સંવત ૧૮૭૭માં શ્રીજીમહારાજના શ્રીચરણોમાં અર્પણ કર્યો તેનો ઉલ્લેખ વચનામૃત લોયાના ૭માં આવે છે. આ વચનામૃત ગ્રંથમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા ભગવદ્ સ્વરૂપની નિષ્ઠા ને આત્મસ્વરૂપની નિષ્ઠા જેવા સનાતન સિદ્ધાંતોને પ્રશ્નોત્તરી સ્વરૂપે સાવ સરળપણે સમજાય તે રીતે રજૂ કર્યા છે. આ વચનામૃત ગ્રંથની એવી વિશેષતા છે કે સંસાર, વ્યવહાર કે કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્નો ને મૂંઝવણોના સમયે જો ભગવાન સ્વામિનારાયણને સાચા ભાવે પ્રાર્થના કરી વચનામૃત ગ્રંથ ખોલે ને જે અમૃતરૂપી વાણી આવે તેમાંથી એ પ્રશ્ન ને મૂંઝવણનું નિવારણ મળી જ જાય છે.

૪. વચનામૃતના રચનાકાર કોણ કોણ છે ?

પાંચ મોટેરા સદ્દગુરુશ્રીઓ સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુકતાનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી અને સદ્. શુકાનંદ સ્વામીએ વચનામૃતની રચના કરી છે.

૫. વચનામૃતની સર્વોત્કૃષ્ટતા શું છે ?

અધ્યાત્મ શાસ્ત્રોની પરંપરા સંસ્કૃતમાં રહી છે. તેથી એ વાંચવા-સમજવામાં મુમુક્ષુને સ્વાભાવિક રીતે અગવડ પડે છે. આવા અઘરા ગ્રંથોનું અધ્યયન સંપૂર્ણ રીતે પામી શકાય નહીં. ટૂંકમાં સંસ્કૃતમાં રચાયેલ ગ્રંથો સામાન્ય મનુષ્યને સમજવા કઠણ છે. વળી, જનસમાજની બોલચાલ ને વ્યવહારની ભાષા સંસ્કૃત ન હોવાને લીધે તેના જાણનાર કુશળ વર્ગ પોતાની રીતે અર્થ સમજાવી તેમને ખોટી દિશામાં દોરતા હોય છે, ભરમાવતા હોય છે.

ગુજરાતી ભાષાના અધ્યાત્મ સાહિત્ય બહુધા પદ્ય સ્વરૂપે જોવા મળે છે. એમાં ઘણી વખત ગૂઢ મર્મ અને અવળવાણી (ન સમજાય તેવી વાણી)ને લીધે સામાન્ય જન સમાજને સમજવામાં દ્વિધા ઊભી થતી હતી.

જ્યારે ‘વચનામૃત’ ગ્રંથ સુગમ ને સરળ ગુજરાતી ગદ્ય પદ્ધતિમાં રચાયેલો હોવાને લીધે જનભોગ્ય બન્યો છે. જેને લીધે પ્રાથમિક ભણતર પામેલ આપમેળે અધ્યયન કરીને કે અશિક્ષિત કેવળ સાંભળીને પણ તેના હાર્દને સાચી રીતે પામી શકે છે.

‘વચનામૃત’ ગ્રંથમાં શ્રીજીમહારાજે અધ્યાત્મનાં અનુભવનું અદ્ધિતીય ભાથું પીરસ્યું છે. આ ગ્રંથમાં ક્યાંય કઠિન કે સંકુલ શબ્દોની ભ્રમસભર સૃષ્ટિ જોવા મળતી નથી. વળી, ક્યાંય પંડિતાઈનું પ્રદર્શન અને મુમુક્ષુઓને આકર્ષવા કોઈ ભાષાકીય વિદ્વતા જોવા મળતી નથી. પરંતુ આ ગ્રંથમાં શ્રીજીમહારાજ લોકસુલભ ઉપદેષ્ટા તરીકે નિર્દેશિત થયા છે. તેમણે અધ્યાત્મનાં મૂલગામી રહસ્યોને લક્ષ્યાર્થ કરાવવા અનુભવ સિદ્ધ દિશાદર્શન આપ્યું છે.

આમ, વચનામૃત ગ્રંથ અધ્યાત્મના સર્વ શાસ્ત્રોનાં સારભૂત રહસ્યોને નિરર્થક વાદવિવાદમાંથી ઉગારીને મુમુક્ષુના જીવનમાં ઉજાગર કરવા માટે સાદી, સીધી અને સરળ ગુજરાતી ભાષામાં રચાયો છે.

શ્રીજીમહારાજની સભામાં લાભ લેનાર ભણેલા અને અભણ અર્થાત્ ગામડાંના તળના લોકો પણ હતા. આવા ભિન્ન પ્રકારના શ્રોતાગણને અનુલક્ષમાં રાખીને શ્રીજીમહારાજે ગહન તત્ત્વચર્ચાને અર્થબોધપૂર્ણ દૃષ્ટાંતસભર શૈલીમાં સમજાવી છે. તેઓએ આ ગ્રંથમાં લૌકિક, પૌરાણિક અને મૌલિક દૃષ્ટાંતોનો વિપુલ પ્રમાણમાં ઠેર ઠેર ઉપયોગ કર્યો છે. વળી, સાહિત્યિક કલાનાં પાસાં સમાન ઉપમાઓ, રૂપકો, કહેવોતો, રૂઢિપ્રયોગો અને લોકભોગ્ય તર્કનો ક્યાંક વિસ્તૃત તો ક્યાંક સંક્ષિપ્ત ઉપયોગ કરી મુમુક્ષુને શાસ્ત્રમાંથી જન્મતી નીરસતાથી બચાવી લીધા છે.

શ્રીજીમહારાજે ખાસ કરીને વ્યવહારિક જીવનમાં પ્રચલિત પારિવારિક, સામાજિક, વ્યવહારિક દૃષ્ટાંતો, પ્રસંગો, અને ઘટનાઓનો સારી રીતે ઉપયોગ કરી મુમુક્ષુને અધ્યાત્મ માર્ગનાં ગહન ભિન્ન વિષયો સાવ સુગમતા-સરળતાથી સમજાવ્યા છે. આને લીધે મુમુક્ષુના માનસમાં અધ્યાત્મ માર્ગનાં સત્યો સમજવા માટે આબેહૂબ શબ્દચિત્રો સર્જાય છે. આમ, શ્રીજીમહારાજની આ શૈલી મુમુક્ષુને સફળતાપૂર્વક અધ્યાત્મને અનુભવસિદ્ધ કરવા પ્રેરે છે.

‘વચનામૃત’ ગ્રંથની પ્રશ્નોત્તર શૈલી એક અનોખી વિશેષતા છે. આ શૈલી અધ્યાત્મ માર્ગનું ફળ દેનારી છે. આ શૈલીને લીધે કંટાળાથી બચી શકાય છે. આ શૈલીને લીધે સ્વસ્થ સંવાદ કે વાર્તાલાપની શ્રેણી રચાય છે. વળી, આ શૈલી જ્ઞાનદાયક, આનંદદાયક અને રસસંવર્ધક છે. આ શૈલીથી વિષયની સમીક્ષા ઊંડાણપૂર્વક થાય છે.

આ શૈલીથી શ્રીજીમહારાજે મુમુક્ષુના ભાવવિશ્વમાં આંતરખોજ અને મનન-ચિંતન જેવા ઉત્કૃષ્ટ ગુણોની ખિલવણી કરી છે. અધ્યાત્મ માર્ગમાં મુમુક્ષુના મનોવિશ્વને ઉગારવા પ્રશ્નોત્તર શૈલીનો ઉપયોગ શ્રીજીમહારાજે કુનેહપૂર્વક કર્યો છે. અને જેના પરિણામ રૂપે મુમુક્ષુની સાધના ગુણવત્તાસભર ને ઝડપભેર ઉત્કૃષ્ટતા પામી છે. અર્થાત્ અધ્યાત્મ માર્ગમાં વિવિધ વિઘ્નોથી ઉગારવામાં આ શૈલી મુમુક્ષુઓને પથદર્શક બની છે. ઘણી વાર શ્રીજીમહારાજે સ્વયં મુમુક્ષુની સાધના માર્ગનાં વણઉકલ્યા વિષયો પર પ્રશ્નોત્તર કરી, એના સાવ સુગમ ઉપાય અને નિવારણો આપ્યા છે. જેથી મુમુક્ષુની સાધના પૂર્ણવિરામપણાને પામી છે. વચનામૃત ગ્રંથમાં શ્રીજીમહારાજે અધ્યાત્મ માર્ગના ભિન્ન ભિન્ન વિષયોના અર્થઘટનો, વિભાવનાઓ અને સૂત્રાત્મક ઉપદેશ મુમુક્ષુને મૌલિક રૂપે સમજાવ્યા છે. જેની પ્રતીતિ સૌને હૈયે નિરાંત કરાવે છે; આ માર્ગે વધવાનું બળ આપે છે; વિઘ્નોથી નિવારવાનું સમાધાન આપે છે અને પુરુષોત્તમનારાયણ એવા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરે છે.

દરેક વચનામૃતની શરૂઆતમાં જ સચોટ પુરાવા રૂપે મહાપ્રભુ કઈ સાલમાં, કયા દિવસે, કયા સમયે, ક્યાં, કેવા વસ્ત્ર-અલંકાર ધારણ કરીને કેવી રીતે બિરાજમાન થયા હતા તે માહિતી આપેલ છે. જે કોઈ ઇતર સંપ્રદાયમાં વિદિત નથી. વળી જ્ઞાન સમજતા પહેલાં મહાપ્રભુ સદાય પ્રગટ છે એ ભાવે મૂર્ત‍િનું સભાએ સહિત ધ્યાન થાય તે પણ પ્રારંભિક પેરેગ્રાફનો એક હેતુ છે.

માનવજીવનમાં અનુભવાતો કોઈ પણ પ્રશ્ન કે ઉદ્ભવતો કોઈ પણ પ્રશ્ન અને તેનો ઉકેલ આ વચનામૃત ગ્રંથથી બાકાત નથી.

૬. વચનામૃત કેટલાં છે ? અને કયાં કયાં ?

                  પ્રકરણ વચનામૃત સંખ્યા

૧. ગઢડા પ્રથમ ૭૮

૨. સારંગપુર ૧૮

૩. કારિયાણી ૧૨

૪. લોયા ૧૮

૫. પંચાળા ૦૭

૬. ગઢડા મધ્ય ૬૮

૭. વરતાલ ૨૦

૮. અમદાવાદ ૦૮

૯. અશ્લાલી ૦૧

૧૦. જેતલપુર ૦૫

૧૧. ગઢડા છેલ્લા ૩૯

કુલ ૨૭૩

૭. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત એટલે શું ?

અધ્યાત્મ માર્ગના બહુધા શાસ્ત્રો દેવનાગરી લિપિ સંસ્કૃતમાં રચાયેલાં છે. તેની સાપેક્ષમાં ‘વચનામૃત’ ગ્રંથ ગુજરાતી ભાષામાં ગદ્યમાં લખાયો છે માટે સહજતાથી તેને વાંચીને સમજી શકાય. પરંતુ વચનામૃત એ શ્રીજીમહારાજની પરાવાણી છે. તે ગુજરાતીમાં હોવાથી વાંચી શકાય, સમજી શકાય; પરંતુ તેનાં ગૂઢાર્થ રહસ્યો ને સિદ્ધાંતોને સમજવા એટલા સુગમ નથી. વચનામૃતમાં કયા શબ્દો કયા ઠેકાણે શ્રીજીમહારાજ કેમ બોલ્યા ? તેમાં પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થ શું છે ? વગેરે જેવાં અનેક રહસ્યો સામાન્ય વ્યક્તિને સીધા સમજાય તેમ નથી. જેથી આ ઘાંટીને કાઢી સર્વે રહસ્યોને ખુલ્લા કરવા તથા શાસ્ત્રમાં રહી જતો ગુરુભાગ પણ દૂર કરી સ્પષ્ટ સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવવા શ્રીજીમહારાજના સંકલ્પથી જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રગટ થયા. તેમણે આ સર્વે રહસ્યો તથા સનાતન સિદ્ધાંતોને જેમ છે તેમ વચનામૃતના જ શબ્દોના બાધ-બાધાંતર દ્વારા સમજાવ્યા. અને એ પણ વચનામૃતની જ પ્રશ્નોત્તરી શૈલી દ્વારા. અબજીબાપાશ્રીએ વચનામૃતના શબ્દોને સમજાવવા જે કાંઈ પ્રશ્નોત્તર રૂપે અર્થ સમજાવ્યા તેને સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા રૂપે તૈયાર કર્યા. જેને શ્રીમુખના વચનરૂપી ગ્રંથ ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ રૂપે પ્રકાશિત કર્યા.

ટીકા એટલે નિંદા કે ટિપ્‍પણી નહિ પરંતુ સમજૂતી. શ્રીજીમહારાજના વચનામૃતની ટીકા કરનાર આપણે કોણ ? આવી અણસમજણ અને અજ્ઞાન તથા જડતા ભરેલી દલીલોથી પર થઈ તટસ્‍થ ભાવે આ ટીકા કે જે શ્રીજીમહારાજના સ્‍વરૂપને જેમ છે તેમ ઓળખાવે છે, આપણને મળેલા ઇષ્‍ટદેવના સ્‍વરૂપની યથાર્થ પુષ્‍ટ‍િ કરાવે છે; શ્રીજીમહારાજનો આ બ્રહ્માંડમાં પ્રગટ થયાનો હેતુ પૂર્ણ કરે છે; આપણા બાપ શ્રીજીમહારાજના સિદ્ધાંતોને સમર્થન પૂરું પાડે છે અને સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થ‍િતિ જેવી અજોડ અને કેવળ અનુભવાત્‍મક જ્ઞાનવાતોને સરળતાથી સમજાવે છે. તેવી ‘ટીકા’ને વાંચવાથી ખૂબ ઊંચા જ્ઞાનની, સમજણની અને ઊંચી સ્‍થ‍િતિની પ્રાપ્‍ત‍િ થયાનો અનુભવ થશે..

૮. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કોણે કરી ?

શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ વચનામૃત પર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી.

૯. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાનો સંગ્રહ કોણે કર્યો ?

નીડર સિદ્ધાંતવાદી અનાદિમુક્ત સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ રહસ્યાર્થ પ્રદીપીકાનો સંગહ કર્યો.

૧૦. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતનો ઉદ્ભવ કેવી રીતે થયો ?

વિક્રમ સંવત ૧૯૬૨માં કચ્છમાં રામપુર ગામમાં મુક્તરાજ ધનબાએ ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ બીજ સુધી પારાયણ કરાવવાનું નક્કી કર્યું. તેઓએ સદ્‌ગુરુશ્રીઓ સાથે અબજીબાપાશ્રીને પારાયણમાં પધારવા માટે પ્રાર્થનાપત્ર લખ્યો. અબજીબાપાશ્રીએ પત્ર લખ્યો સદ્‌ગુરુઓ પર. પત્ર મળતાં સદ્‌ગુરુઓ કચ્છમાં પધાર્યા.

પારાયણની પૂર્ણાહુતિ બાદ બાપાશ્રી સદ્‌ગુરુઓ સાથે વૃષપુરમાં પધાર્યા. પરંતુ રસ્તામાં સદ્‌ગુરુ ઈશ્વરસ્વામીના મનમાં એક જ વાત ચાલતી હતી. એક જ સંકલ્પ થયા કરતો કે, વર્તમાનકાળે અબજીબાપાશ્રી મૂર્તિસુખની વાતો કરી અપાર ખાંગા કરે છે તે સંગ્રહ થાય તો સારું. બાપા બોલે છે તે લખાતું નથી તો પછીની પેઢીનું થશે શું ? આ ફેરે બાપાશ્રીને પ્રાર્થના કરવી છે.

તેવા વિચારો સાથે વૃષપુર પધાર્યા. સદ્‌ગુરુ ઈશ્વરસ્વામી રાત્રે નિયમો પતાવ્યા બાદ આ વિચારો બાપા પાસે કઈ રીતે રજૂ કરવા તે વિચારી રહ્યા હતા. ત્યાં તો અબજીબાપાશ્રીએ અંતર્યામીપણે સામેથી કહ્યું, “સ્વામી, તમે દર વર્ષે અહીં આવો છો. ખૂબ સમાગમ કરી રાજી થાવ છો. ત્યારે ભારે પ્રશ્નોત્તરી થાય છે. તે વાતોની યાદી થતી નથી. જો આ વાતોની યાદી થાય તો અનંત જીવોને સમાસ થાય.”

સદ્‌ગુરુશ્રી ઈશ્વરસ્વામીના આનંદનો પાર ન રહ્યો. સદ્‌ગુરુ ઈશ્વરસ્વામીએ કહ્યું, “મને તો ઘણું થાય છે કે લખું પણ આપની આજ્ઞા કેવી રીતે લેવી એ જ વિચાર આવતો.” ત્યારે અબજીબાપાશ્રીએ કહ્યું, “સ્વામી, હવેથી લખતા રહેજો. નકરો પરભાવ ચાલ્યો આવે છે. આગળ જતા અનંતને સમાસ કરશે.”

અને આમ, અબજીબાપાશ્રીના મુખારવિંદમાંથી નીકળતી શ્રીહરિની જ્ઞાનગંગાને ઝીલવાનું કાર્ય શરૂ થયું વિક્રમ સંવત ૧૯૬૨ વૈશાખ વદ એકમથી. અને આ અરસામાં શ્રી બળદેવભાઈ શેઠ સત્સંગમાં આવ્યા. અબજીબાપાશ્રીનો ભેટો થયો. સદ્‌ગુરુ ઈશ્વરસ્વામીએ અબજીબાપાશ્રીનો ખૂબ મહિમા સમજાવ્યો. અને બળદેવભાઈ શેઠને કહ્યું કે, વચનામૃતના જે જે પ્રશ્ન-ઉત્તર થાય છે તેનું લખાણ થાય અને ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ થાય તો સામાન્ય જીવોને પણ સહેજે સરળ રીતે સમજાય. તે માટે વિનય વચને પ્રાર્થના કરી બાપાશ્રીને રાજી કરજો. અને રહસ્યાર્થવાળા વચનામૃત છપાવવાની મંજૂરી લેજો.

અને વિક્રમ સંવત ૧૯૬૯માં બાપાશ્રી સદ્‌ગુરુશ્રીઓ સાથે બારેજડી બળદેવભાઈ શેઠની મીલમાં પધાર્યા હતા. ત્યાં બાપાશ્રીની ખૂબ પ્રસન્નતા જોઈ બળદેવભાઈ શેઠે તક ઝડપીને રહસ્યાર્થવાળા વચનામૃત છપાવવાની પ્રાર્થના કરી દીધી. ત્યારે અબજીબાપાશ્રીએ કહ્યું,

“શ્રીજીમહારાજે વચનામૃતમાં કઈ જગ્યાએ, કઈ વાત, કયા કારણોથી કરી છે ? તેમાં શ્રીજીમહારાજનો અંતર્ગત અભિપ્રાય તથા સિદ્ધાંતો શા છે ? એ તો એમના અનાદિમુક્ત જ યથાર્થ જાણતા હોય. માટે સદ્‌ગુરુશ્રીનો અને તમારો વિચાર ઘણો સારો છે.” આમ કહી રાજી થકા મંજૂરીની મહોર મારતાં બાપાશ્રી સદ્‌ગુરુશ્રી પ્રત્યે બોલ્યા જે, “સ્વામી, ગ્રંથરાજ વચનામૃતની રહસ્યાર્થ વચનામૃતની ટીકાનું કામ શરૂ કરો. મહારાજનો બહુ રાજીપો છે. મહારાજ ને મુક્ત આ કામમાં ભેળા ભળશે. માટે આ અલૌકિક કાર્ય જરૂર શરૂ કરો. આ ટીકાથી તો સામાન્ય જીવો પણ વચનામૃતના ગૂઢ રહસ્યોને સહેલાઈથી સમજી શકશે.” આમ, આપણા સમર્થ સદ્‌ગુરુશ્રીએ આ સર્વોપરી ગ્રંથ કરવા માટે ૧૯૮૦ સુધી લખ્યે જ રાખ્યું, લખ્યે જ રાખ્યું ને ૧૮-૧૮ વર્ષ સુધી ખૂબ દાખડા કર્યા. અને આપણને બે મહાન ગ્રંથોની અદ્‌ભુત ભેટ આપી. (૧) રહસ્યાર્થવાળા વચનામૃત અને (૨) અબજીબાપાશ્રીની વાતો.

૧૧. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની સર્વોત્કૃષ્ટતા શું છે ?

(૧) મૂળ વચનામૃતોને યોગ્‍ય પરિચ્છેદ(ફકરા)માં ગોઠવવામાં આવ્‍યાં છે. તેમાં પૂછવામાં આવેલાં પ્રશ્નો તથા શ્રીજીમહારાજનાં કૃપાવાક્યો વગેરેને નંબર આપવામાં આવ્યાં છે. કોઈ એક જ પ્રશ્ન કે કૃપાવાક્યમાં બે, ત્રણ કે વધુ અલગ અલગ બાબતોની સમજૂતી શ્રીજીમહારાજે આપી હોય તો તેને ક્રમવાર અલગ પાડવામાં આવી છે. (વચનામૃતમાં ડાબી બાજુ પ્રશ્નનો આંક તથા જમણી બાજુ બાબતનો આંક છે.)

(૨) દરેક વચનામૃતના અંતે રહસ્યાર્થ ટીકાની શરૂઆતમાં શ્રીજીમહારાજની મૂળશૈલી જળવાઈ રહે તે રીતે તે વચનામૃતનો સાર (સમગ્ર વચનમૃતનો ભાવાર્થ આવી જાય તે રીતે) આપેલો છે. પાઠકે કે શ્રોતાએ તે વચનામૃત કેવી રીતે સમજવું તેની તેમાં સ્પષ્‍ટતા કરી છે.

(૩) જે તે વચનામૃતના તત્ત્વજ્ઞાન દર્શાવતા અઘરા-કઠિન શબ્‍દો તેમજ બીજાં વચનામૃતોમાં તે શબ્દો કે વાક્યાર્થને અનુરૂપ પૂર્વાપર સંબંધથી ઉદ્ભવતા પ્રશ્નો અને તે પ્રશ્નોના ઉત્તરો પણ ટીકામાં આલેખાયા છે.

(૪) વિશેષ ધ્‍યાનપાત્ર બાબત તો એ જ છે કે આ રહસ્‍યાર્થ ટીકામાં વચનામૃતોના જ આધારો આપવામાં આવ્યા છે. બીજાં શાસ્ત્રો કે બીજા સંતોનાં વચનોનો આધાર નહિ, કારણ કે જેમને સર્વાવતારી સ્‍વામિનારાયણ ભગવાનનો વ્યતિરેક સંબંધ જ નથી થયો એવા પરોક્ષ શાસ્‍ત્રોના લેખકો શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણી કે સમજી શકે નહીં. તેથી પરોક્ષ શાસ્ત્રોની સાખ્‍ય લેવાથી શ્રીજીમહારાજનું મહાત્મ્ય સમજવામાં ઊણપ રહી જાય.વળી બીજા સંતો કદાચ બધાને પ્રમાણ ન પણ હોય.જ્યારે શ્રીજીમહારાજ તો ભક્ત સમુદાય સૌને પ્રમાણ છે. માટે સ્વયં શ્રીજીમહારાજના વચનામૃતના જ સંદર્ભો (references) આપવામાં આવ્યા છે.

(૫) શ્રીજીમહારાજે વચનામૃતમાં જેવી સભા તેવી વાત કરી છે. એટલે કે શ્રોતાઓની પાત્રતા પ્રમાણે ક્યાંક પોતાને ભક્ત તરીકે, ક્યાંક મુક્ત કે ક્યાંક સર્વાવતારી તરીકે કહ્યા છે. તો જે તે વચનામૃતમાં શા માટે પોતાને ભક્ત, મુક્ત કે સર્વાવતારી કહ્યા છે ? આપણે તેમને કેવા સમજવા ? તેની પણ ટીકામાં સ્પષ્‍ટતા કરેલી જોવા મળે છે.

(૬) નારાયણ, નરનારાયણ, શ્રીકૃષ્‍ણ, પુરુષોત્તમ, અક્ષર, ગોલોક, ગુણાતીત વગેરે શબ્દોના ક્યારે કેવા અર્થ સમજવા તેની પણ ટીકામાં સમજૂતી આપેલી છે.

(૭) વળી બ્રહ્મ, પરબ્રહ્મ, ચિદાકાશ, દૃષ્‍ટા, દૃશ્ય, બદ્ધજીવ, મુક્તજીવ, અન્વય, વ્યતિરેક વગેરે અનેક તત્ત્વજ્ઞાનના શબ્દો તથા પ્રશ્નોની ટીકામાં સ્પષ્‍ટ સમજૂતી આપેલી છે. ભલભલા વિદ્વાનો, શાસ્‍ત્રીઓને પણ શાસ્‍ત્રોમાંથી કે વચનામૃતમાંથી પણ આવા તત્ત્વજ્ઞાનના અર્થ મુશ્કેલ જ નહિ, અસંભવ છે.

(૮) શ્રીજીમહારાજનું અન્‍વય-વ્યતિરેકપણું, સગુણ-નિર્ગુણ સ્વરૂપ, સર્વેના કારણ, સર્વેના નિયંતા, સર્વાવતારીપણું તથા એકાંતિક, પરમએકાંતિક તથા અનાદિમુક્તની સ્‍થ‍િતિ તથા સકામ ભક્ત એવા ઐશ્વર્યાર્થી અવતારોના અવતારી... વગેરે ઊંડું અને ઊંચું તત્ત્વજ્ઞાન વચનામૃતના જ આધારે આ ટીકામાંથી સ્પષ્‍ટ જણાય છે.

(૯) વચનામૃતમાં આવતા જુદા જુદા વિષયો તથા રહસ્‍યાર્થમાં વર્ણવેલા જુદા જુદા વિષયો પર વિગતવાર અનુક્રમણિકા તૈયાર કરીને રહસ્‍યાર્થ ટીકાની સાથે આપી છે. તેનાથી એક શબ્દ, એક વિચાર કે એક વિષમનું સમાન કે વિષય વર્ણન કરતાં વચનામૃતો શોધવાની સુગમતા રહે છે.

(૧૦) વચનામૃતમાં શ્રીજીમહારાજે ઘણી જગ્યાએ હરિભક્તોનાં નામ આપી પ્રશંસા કરી હોય, રાજીપો વરસાવ્યો હોય તેવું છે. (દા.ત. લો-૩ – જેમાં ડડુસરના ગલુજી, કુશળકુંવરબાઈ, પર્વતભાઈ, રાજબાઈ, જીવુબા, લાડુબા, દાદાખાચર, માંચાખાચર, મૂળજી બ્રહ્મચારી વગેરે નામ આપ્‍યાં છે.) તો આ ભક્તોએ કેવાં કાર્યો કર્યાં છે કે તેમનામાં કેવા ગુણો હતા તેની પ્રસંગ સાથે વિસ્‍તારપૂર્વક સમજૂતી બાપાશ્રીએ આ ટીકામાં આપી છે. કોઈની પાસેથી સાંભળેલી કે વાંચેલી કે કલ્‍પના કરેલી આ વાતો નથી પરંતુ સ્વયં શ્રીજીમહારાજે જ જેમના દ્વારે કહી હોય તેવા બાપાશ્રીની અનુભવવાણી છે.

(૧૧) ક્યારેક શ્રીજીમહારાજ અતિશે ઉદાસ થઈ ગયા હોય, ક્યારેક મર્મવચનો કહ્યાં હોય, ક્યારેક હસતા હસતા ઉતારે  પધાર્યા હોય – તો આ લીલાઓનું શું કારણ હોય. શ્રીજીમહારાજના અંતરનો અભિપ્રાય શું હોય તે કોણ કહી શકે? એ તો પોતે જ કહી શકે ને ! એટલે કે સ્વયં શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારે આ રહસ્‍યાર્થ ટીકામાં સ્પષ્‍ટ સમજાવ્યું છે.

૧૨. વચનામૃત ગ્રંથની ટીકા-સમજૂતી કે વિવેચન લખવાની જરૂરિયાત શું ?

પ્રશ્ન એ થાય કે આવો સર્વોત્તમ, લોકભોગ્ય ગ્રંથ વચનામૃત છે તો પછી તેના પર ટીકા-સમજૂતી કે વિવેચન લખવાની શી જરૂર?

પરંતુ વચનામૃતનો અતિ ધ્‍યાનપૂર્વક બારીકાઈથી અભ્‍યાસ કરતાં જણાય છે કે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે વાતો પીરસી છે તે, તે સમયે સામે સભામાં બેઠેલા શ્રોતાઓની કક્ષા પ્રમાણે એટલે કે પાત્રતા પ્રમાણે વાતો  કરી છે. તેથી કેટલીક વાતો પરોક્ષભાવે કરવી પડી છે. શ્રીજીમહારાજે ક્યાંક પોતાને ભક્ત તરીકે, તો ક્યાંક પોતાને અનાદિમુક્ત તરીકે તો ક્યાંક પોતાને સાધુ તરીકે તો ક્યાંક પોતાને અવતાર તરીકે તો ક્યાંક પોતાને સર્વાવતારી ભગવાન તરીકે વર્ણવ્યા છે. તેથી ભક્તજનોને-સાચા મુમુક્ષુજનોને ભગવાનના સ્‍વરૂપ વિષે નિર્ણય કરવામાં મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે.

જેમ કે,

(૧) “અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈના ઉપદેશે કરીને મુક્ત થયો નથી.” - ગઢડા પ્રથમનું ૧૮

(૨) “નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી.” - ગઢડા પ્રથમનું ૩૨

(૩) “અમે તો ભગવાન જે નરનારાયણ ઋષિ તે છીએ.” - જેતલપુરનું ૫

(૪) “શ્રીકૃષ્‍ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્‍ય બિરાજે છે.” - જેતલપુરનું ૫

(૫) “મારા હદયમાં તેજને વિષે જે મૂર્ત‍િ છે તેને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છીએ... અને અમે બોલીએ છીએ તે પણ ત્‍યાં બેઠા થકા જ બોલીએ છીએ અને તમે પણ ત્‍યાં જ બેઠા છો એમ હું દેખું છું.” - ગઢડા પ્રથમનું ૧૩

(૬) “શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વેને નરનારાયણ ઋષિરૂપ થઈને મળ્‍યા છે.” - જેતલપુરનું ૪

(૭) “આ સત્‍સંગને વિષે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી ચોવીશ અવતાર થયા છે. ને પોતે તો અવતારી જ છે.” - અમદાવાદનું ૬

(૮) “તે સર્વે થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્‍યાં પણ હું જ પુરુષોત્તમ છું પણ મારા વિના બીજો કોઈ મોટો દેખ્‍યો નહીં.” - અમદાવાદનું ૭

(૯) “અનંત બ્રહ્માંડના અસંખ્‍ય શિવ, અસંખ્‍ય બ્રહ્મા, અસંખ્‍ય કૈલાસ, અસંખ્‍ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્‍ય કરોડ બીજી ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે... મારે તેજે કરીને સૂર્ય, ચંદ્ર, તારા આદિક તેજાયમાન છે... એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં.” - અમદાવાદનું ૭

 

ઉપરોક્ત વચનો શ્રીજીમહારાજ જ બોલ્‍યાં છે. પણ તે જોતાં ભક્તજનને મૂંઝવણ થાય કે શ્રીજીમહારાજને ભક્ત સમજવા, મુક્ત સમજવા, શ્રી નરનારાયણ સમજવા કે સર્વોપરી, સર્વાવતારી સમજવા? કઈ વાત શ્રીજીમહારાજે શા માટે કરી છે તે વચનામૃતમાં નથી. ત્‍યારે ઉપરોક્ત ભિન્નતા દૂર કરવા આ વચનામૃતની ટીકા સમજૂતીની આવશ્યકતા છે જ.

શ્રીજીમહારાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને તથા ક્યારેક કરેલી રોચક, ભેદક, ભયાનક કે વાસ્‍તવિક વાતોને કોણ સમજાવી શકે? આવા ગૂઢ અર્થોને કોણ સમજાવી શકે? શું વિદ્વાનો, શાસ્‍ત્રીઓ, ભણેલાઓ કે કવિઓ સમજાવી શકે ? ના. “જ્યાં ન પહોંચે અનંત કવિ ત્‍યાં પહોંચે એક અનુભવી.”

કવિઓ તો કલ્‍પના કરે. શાસ્‍ત્રીઓ, વિદ્વાનો, પંડિતો તો શાસ્‍ત્રમાંથી જ કહી શકે. પરંતુ સાચા અનુભવી હોય તે યથાર્થ અર્થ કરી શકે. અને સ્વાભાવિક છે કે પોતાના ઘરની વાત કોણ જાણે? તો પોતે કાં પોતાના ઘરના જ સભ્‍યો. તેમ શ્રીજીમહારાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને યથાર્થ કોણ જાણી શકે ? તો પોતે કાં પોતાના ઘરના સભ્‍યો એટલે કે પોતાના ધામમાંથી આવેલા મુક્તો. પોતાના સંકલ્‍પો.

ત્‍યારે કચ્‍છના બળદિયા ગામે શ્રીજીમહારાજના સંકલ્‍પથી અને આશીર્વાદથી જ પ્રગટ થયેલા શ્રીજીસંકલ્‍પમૂર્ત‍િ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી આવા અનુભવી હતા. જેમના દ્વારે બોલનારા સ્વયં શ્રીજીમહારાજ હતા. બાળપણથી જ શ્રીજીમહારાજ જેવા જ ઐશ્વર્યો દેખાડતા. આદિ આચાર્ય શ્રી અયોધ્‍યાપ્રસાદજી મહારાજ, સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી, સદ્. લોકનાથાનંદ સ્‍વામી, આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ, શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ વગેરે જેવાએ પણ જેમને પ્રમાણ કર્યાં છે. અમદાવાદ, વડતાલ, મૂળી, જૂનાગઢ વગેરે દેશના મોટા મોટા સદ્દગુરુ સંતો આ બાપાશ્રીના ખોળામાં માથું મૂકી આશીર્વાદ માગતા... આખા સંપ્રદાયના ઉપરી સંત સદ્દગુરુ શ્રી ગોપાળાનંદ સ્‍વામી કે જેમની કૃપાથી સિદ્ધદશાને પામેલા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્‍વામી તથા માંડવીના લક્ષ્‍મીરામભાઈ જેવા સિદ્ધમુક્તો પણ જેમને જીવનપ્રાણ કહેતા, જેમનો અપાર મહિમા સમજતા અને અનેકને સમજાવતા તેવા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ગ્રંથની ટીકા કરી છે.