બાપાશ્રીની વાતોનો મહિમા

કારણ સત્સંગ એટલે મૂર્તિનો સત્સંગ. કારણ સત્સંગી તરીકે આપણો ધ્યેય છે. - મૂર્તિસુખ સુધી પહોંચવું. તો તેના માટેનો સિલેબસ છે - બે ગોલ ને એક રોલ.

બે ગોલ

 1. શ્રીજીમહારાજના સ્વરૂપને જાણવું.
 2. શ્રીજીમહારાજના સ્વરૂપમાં જોડાવું.

આ બે ગોલને પૂરા કરવા એક રોલ ભજવવાનો છે. એ રોલ છે : મૂર્તિસુખના પાત્ર થવું. પુરુષોત્તમરૂપ પાત્ર થવું.

માટે કહ્યું છે કે,

“પુરુષોત્તમ પામવા પુરુષોત્તમરૂપ બનવું,

એનું પ્રમાણ શ્રીમુખ વાણી એકાવન ગણવું.”

“જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે વેંધાતો નથી, તેમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે.” એવા પુરુષોત્તમરૂપ પાત્ર કરવા માટે મહારાજની ઇચ્છાથી, મહારાજના સંકલ્પથી પ્રગટ થયેલા સંકલ્પ સ્વરૂપ પધાર્યા છે.

“પોતામા ઘરની જે વાતો, તેની કોણ બતાવે જુક્તિ,

પોતે કાં પોતાની સંકલ્પ, ખરું રહસ્ય તો જાણે;

તેને જે જે જીવ મળે તે, મહા સુખડાં તો માણે.”

શ્રીજીમહારાજના અધૂરા રહેલા સંકલ્પને પૂર્ણ કરવા જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રગટ થયા ને બાપાએ કૃપા કરી મૂર્તિસુખના પાત્ર થવાની જ વાતો કરી છે. તેથી જ કહ્યું છે કે, “મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો.” બાપાશ્રીની વાતોમાં શું છે ? બાપાશ્રીએ આપણને ઠેઠ મૂર્તિ સુધી પહોંચવાનો રાજમાર્ગ આપી દીધો છે. જો બાપાશ્રી આ બ્રહ્માંડમાં ન પધાર્યા હોત તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ ન થઈ હોત. અને શ્રીજીમહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવવાના હેતુથી જ વાતોની રચના થઈ.

સ્વાભાવિક જ છે કે જેની પાસે જે હોય તે આપે. એટલે જ બાપાશ્રી પોકારી પોકારીને કહેતા કે અમારે તો એક જ (મૂર્તિનો) વેપાર છે.

“શ્રીજી સંકલ્પ તો અમે આવ્યા, ભેળી શ્રીજીની મૂર્તિ લાવ્યા;

જેને જોઈએ તે આવજો લેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા.

અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર;

કોઈ લ્યો કોઈ લ્યો એમ કહેતા, કેવળ કૃપાએ મૂર્તિ દેતા.”

અને જે જોગમાં આવે તેને મહારાજની મૂર્તિ આપી પણ દેતા.

બાપાશ્રીની વાતો સાંભળી દેશ-વિદેશના સંત-હરિજનો તથા મુમુક્ષુઓ, જેમ નદીઓ સમુદ્રને મળવા કેટલી આતુરતાથી જાય છે તેમ બાપાશ્રી પાસે દોડી દોડીને જોગ-સમાગમ કરવા જતા.

“શ્રીજીની ઇચ્છા થકી જ પ્રગટ્યા, બાપા દયા દિલ ધરી,

વચનામૃત સુગ્રંથ કેરી વ્હાલે, રહસ્યાર્થ ટીકા કરી;

મૂર્તિમાં રસબસ જનોને કરવા, બે ભાગ વાત થઈ,

પુરુષોત્તમ લીલામૃત ગ્રંથ કર્યો, વર્ણીજી દ્વારે લઈ...”

“બાપાશ્રીની વાતો મુને લાગે બહુ પ્યારી,

મૂર્તિના સુખમાં છે રમાડનારી.”

મોટા મુક્તોના તથા મુમુક્ષુઓના વાંચન બાદના અનુભવો છે કે બાપાશ્રીની વાતો જેટલી વાર વાંચીએ તેટલી વખત અંદરથી નવું ને નવું જ જ્ઞાન આવ્યા કરે છે. કારણ કે જેમ વચનામૃતનું વાંચન એટલે પ્રત્યક્ષ શ્રીજીમહારાજનો સમાગમ છે તેમ બાપાશ્રીની વાતોનું વાંચન એટલે પ્રત્યક્ષ બાપાશ્રીનો સમાગમ છે. બાપાશ્રીની વાતો નથી વંચાતી, સ્વયં બાપાશ્રી બોલે છે. બાપાશ્રી વાતો કરે છે. સમાગમ કરાવે છે. અને એટલે જ કીર્તનમાં કહ્યું છે ને કે...

“જ્યારે વાતો વંચાય ત્યારે, બાપા બોલનહાર...”

મહારાજ ને બાપા સદાય પ્રગટ ને પ્રત્યક્ષ છે. માટે બાપા આપણને જોઈને, આપણી કસરો, દોષોને જોઈને વાત કરે છે માટે જ્યારે વાંચીએ એટલે બાપા આપણને જરૂરિયાત પ્રમાણેની જ વાતો કરે છે. માટે નવી ને નવી લાગે છે. અને ઘણી વખત એવું પણ બને છે કે વાંચીએ ત્યારે એકની એક વાત જ આવે છે તો સમજવું કે હજુ આપણે તે પ્રમાણેનું જીવન જીવવાનું શરૂ નથી કર્યું, વર્તનમાં નથી મૂક્યું માટે આપણને બાપાશ્રી એ મુજબનો દૃઢાવ કરાવવા એકની એક વાત કરે છે.

અને ખરા ભૂખ્યા ને ગરજુ થઈને શ્રીજીમહારાજ અને બાપાને પ્રાર્થના કરીને જો વાંચવા બેસીશું તો બાપા આપણી ભૂખ ને ગરજ જોઈને, આપણા આગ્રહ પ્રમાણેની જ વાતો આપશે.

આવા ભૂખ્યા ને ગરજુ મુમુક્ષુને આ પુસ્તક એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી તુલ્ય શાંતિદાયક થશે. અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને મને મુક્ત કરીને મૂર્તિમાં રસબસ કર્યો છે એવું શ્રવણ થયા પછી તેનું મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર કરવાની ઇચ્છા થઈ હશે એવા મુમુક્ષુને જ આ પુસ્તક એક અનુભવી સદ્‌ગુરુની ગરજ સારશે.

બાપાશ્રીની વાતોમાં શું શું છે  ?

બાપાશ્રીની વાતમાં મૂર્તિ સિવાય બીજું કશું જ નથી. વાતે વાતે મૂર્તિ... મૂર્તિ... મૂર્તિ... ભરી દીધી છે.

બાપાશ્રીની વાતો જ્યારે છપાઈ ત્યારે ‘મૂર્તિ’ શબ્દના ટાઇપ ખૂટી ગયેલા. બે ભાગમાં મળીને મૂર્તિ શબ્દ લગભગ ૨૫૫૩ વખત આવે છે.

બાપાશ્રીની વાતો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ મૂર્તિસુખના પાત્ર થતા જવાય. એક એક વાત ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડનારી છે. મૂર્તિના સુખમાં રમાડનારી છે. અને આ જ આપણા બાપની કાયમી મૂડી છે. ખરી મિલકત છે. સાચા ગરજુ ને ભૂખ્યા થઈને આ બાપાની વાત વાંચે તે ખરેખર, મૂર્તિના સુખમાં રમતો થઈ જાય. તેને મૂર્તિ સિવાય બીજું કાંઈ ગમે જ નહીં. એક વાર વાંચ્યા પછી તેને વારંવાર વાંચવાની ઇચ્છા થયા જ કરે... થયા જ કરે... કારણ કે બાપાશ્રીની વાતો એટલે મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ.

અને કહ્યું છે ને કે, “બાપાશ્રીની વાણી તે છે મૂર્તિ સુખ દેનાર...”

હવે આપણે મૂર્તિ સુખ લેનાર બનીએ તો બાપાના દીકરા કહેવાઈએ. આપણા બાપનો વેપાર હવે આપણે કરતાં થઈએ.

 1. કાર્ય-કારણની સ્પષ્ટ વિક્તિ

સંપ્રદાય આખો કોને કહેવાય ? કારણ કોને કહેવાય ? એ વાત સમજી શક્યો નથી. તેથી કારણમાં જોડાવાને બદલે કાર્યને કારણ માનીને સત્સંગ કરે છે. પરિણામે મંદિરમાં, સાધુમાં બંધન થઈ જાય છે ને જ્યાં જોડાવાનું છે તે માર્ગ હાથ આવતો નથી.

બાપાએ પહેલા ભાગની ચોથી વાતમાં વિક્તિ બતાવી છે, “મહારાજ અને મુક્ત એ બે કારણ છે અને મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી એ સર્વે કાર્ય છે.”

 1. અન્વય-વ્યતિરેક સ્વરૂપની વાત

બાપાએ ઠેર ઠેર અન્વય સ્વરૂપ ને વ્યતિરે સ્વરૂપની વાતો કરી છે. શ્રીજીમહારાજ સર્વોપરી છે.... સર્વોપરી છે... એવું તો આખો સંપ્રદાય બોલે છે પણ સર્વોપરી કેવી રીતે છે તે જ્ઞાન હજુ હાથ આવ્યું નથી.

જે અન્વય-વ્યતિરેકની લાઇન જાણે તે જ શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરી જાણી શકે. માટે આવી ઉપાસનાની વાતો, અન્વય-વ્યતિરેકની વાતો જાણવી હોય તો વાંચો ‘બાપાશ્રીની વાતો.’

 1. ધ્યાનની સ્પષ્ટ રુચિ

બાપાશ્રીએ પહેલા ભાગની 167મી વાતમાં સ્પષ્ટ રુચિ બતાવી છે, “આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશો. જો ધ્યાનનો આગ્રહ રાખે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય ? બે મહિના ઠાકોરજી ન જમાડીએ તો દેહ રહે નહીં. તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ થાય.”

આ માટે મોટા સાથે જીવ જોડી દેવો તો એ આપણને દેહભાવથી પર કરી દે. તેથી જ  કહ્યું છે કે,

“મોટા સંગે જીવને જોડી, દેહાદિક સર્વેથી તોડી,

ધ્યાનની ચાવી મેળવવાને, વાંચો બાપાશ્રીની વાતો.”

 1. અનાદિમુક્તની લટકની વાત
 • બાપાએ પુરુષોત્તમરૂપ (મૂર્તિરૂપ) કહેતાં અનાદિમુક્તની લટક પણ બતાવી દીધી. ધ્યાનની ચાવી કેવી શીખવી ? તે વાત ભાગ-2ની 48મી વાતમાં કરી, “હાલનાર ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, તેવી લટક શીખવી.”
 • આ પ્રતિલોમપણાની લટક છે. આ લટકે ધ્યાન કરવું. આ જ કારણ સત્સંગની રીત છે.
 1. મહારાજ અને મુક્તની એકતાની રીત
 • શ્રીહરિ કલ્યાણકારી છે તેવા મુક્તો પણ હિતકારી કહેવાય ? હા... તો કેમ કહેવાય  ? કારણ કે શ્રીજીમહારાજ સાથે મુક્તોને રસબસપણે એકતા છે. જેમ શ્રીજીમહારાજ કલ્યાણકારી છે તેમ મુક્તો પણ કલ્યાણકારી છે. કારણ કે મુક્ત મૂર્તિમાં છે. પોતે કર્તા છે જ નહીં. એટલે બાપાની ભાગ-1ની પહેલી વાતમાં કહ્યું છે કે, “જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ ને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે.”
 • આજે સંપ્રદાયમાં ‘મુક્ત’ શબ્દની ખબર જ નથી. મુક્ત કોને કહેવાય ? માટે આજ સુધી મોટો ભાગ મુક્તને (સત્પુરુષને) ઓળખી શક્યો નથી ને જેને પરિણામે મુક્તમાં મનુષ્યભાવો જ પરઠ્યા કરે છે.
 1. અભાવ-અવગુણ-દ્રોહથી બચવાની વાત :
 • બાપાએ ભાગ-1ની 38મી વાતમાં રેડ લાઇટ બતાવી છે, “અપરાધથી બહુ બીવું ને કોઈ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં. સત્પુરુષના દ્રોહમાં ભગવાનનો દ્રોહ આવી જાય છે. જેમ રાણીના દ્રોહમાં રાજાનો દ્રોહ પણ ભેળો આવી જાય તેમ.”
 • આમ, જેને અવગુણ-દ્રોહ થકી બચવું હોય, મહારાજ ને મોટાનો મહિમા સમજવો હોય તો વાંચો ‘બાપાશ્રીની વાતો.’
 • સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. નિર્ગુણદાસજી સ્વામી, સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્. વૃંદાવનદાસજી સ્વામી, સદ્. મુનિસ્વામી જે સુખમાં ને જે સ્થિતિમાં રહ્યા છે તેવું સુખ જો લેવું હોય તો વાંચો ‘બાપાશ્રીની વાતો.’
 1. દિવ્યભાવનો રસ ઝરે છે આ વાતોમાં :

“આ દ્રાક્ષમાં રસ ભર્યો છે; એમ આવા દિવ્યભાવમાં પણ નકરો રસ છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને તો બધું દિવ્ય થઈ ગયું.”

 • બાપાશ્રીની વાતો : ભાગ-2 વાર્તા-46

“આ સભા અલૌકિક દિવ્ય છે. મહારાજ સામી સૌની નજર છે ને મહાપ્રભુની નજર આ સભા સામી છે એ વાત હાથ આવે એટલે દર્શનની, સેવાની ને જમાડ્યાની ત્વરા થાય.”

 • બાપાશ્રીની વાતો : ભાગ-2, વાર્તા-46

“આવા મહારાજ, આવા તેમના અનાદિ, આવી દિવ્ય સભા અને આ વાતો સંભારજો પણ ભૂલશો નહીં. આ બધુંય દિવ્ય છે તે જો અંત સમે સાંભરી આવે તો નિશ્ચે આત્યંતિક કલ્યાણ થાય.”

 • બાપાશ્રીની વાતો : ભાગ-2, વાર્તા-43

આમ, બીજા ભાગની કરાંચીની વાતો ખૂબ જ દિવ્યતામાં ડુબાડે તેવી છે. એક એક વાત ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડનારી છે. મૂર્તિના સુખમાં રમાડનારી છે. અને આ જ આપણા બાપની કાયમી મૂડી છે. ખરી મિલકત છે. સાચા ગરજુ ને ભૂખ્યા થઈને આ બાપાની વાત વાંચે તે ખરેખર મૂર્તિના સુખમાં રમતો થઈ જાય. તેને મૂર્તિ સિવાય બીજું કાંઈ ગમે જ નહીં. એક વાર વાંચ્યા પછી વારંવાર વાંચવાની ઇચ્છા થયા જ કરે, થયા જ કરે. કારણ કે બાપાશ્રીની વાતો એટલે કે મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ.

અને એટલે જ મોટાપુરુષોએ કીર્તનમાં વણી લીધું છે કે...

“મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો,

નારાયણ સકલના સ્વામી, સ્વામિનારાયણ બહુનામી,

                                     સર્વોપરી સમજવાને...

જે છે મૂર્તિ અક્ષરધામે, તે જ મનુષ્યરૂપ આ ઠામે,

                                તેવી જ પ્રતિમા જાણવાને....”

સદ્‌. ગોપાળાનંદ સ્વામી, સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી, સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી, સદ્‌. મુનિ સ્વામી જેવા મુક્તો જે સુખમાં ને જે સ્થિતિમાં રહ્યા છે તેવું સુખ જો લેવું હોય તો પણ વાંચો બાપાશ્રીની વાતો.

ટૂંકમાં મુક્તો,

 • શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના દૃઢ કરવી છે ?
 • જગતસંબંધી પંચવિષયમાંથી લુખ્ખા થવું છે ? પંચવિષયમાંથી પ્રીતિ તોડવી છે ?
 • દેહાભિમાનથી રહિત થવું છે ? દેહભાવથી પર થવું છે ?
 • નિર્માનીપણું દૃઢ કરવું છે ?
 • આંતરમુખી જીવન કરવું છે ?
 • સત્સંગમાં સૌને વિષે દાસભાવ-દિવ્યભાવ દૃઢ કરવો છે ?
 • શ્રીજીમહારાજ અને મુક્તના મહિમાથી છલકાવું છે ?
 • મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી છે ?
 • સાધનમાત્રની સમાપ્તિ કરવી છે ?
 • વ્યવહાર કરતાં કરતાં પણ મૂર્તિપ્રધાન બનવું છે ?
 • આપણામાં મુમુક્ષુતા પ્રગટાવી મુક્તભાવ દૃઢ કરવો છે ?
 • અનાદિમુક્ત શું તત્ત્વ છે તે જાણવું છે ?

આમ, મૂર્તિ સિવાય બધેથી લુખ્ખા કરનારું અદ્‌ભુત શાસ્ત્ર એટલે જ ‘બાપાશ્રીની વાતો.’

બાપાશ્રીની વાતોના બંને ભાગો અમૃતરસથી છલકાતાં, ઝરણા જેવાં શીતળ જ્ઞાનજળથી ભરેલા છે કે જે વાંચતા જ શાંતિ શાંતિ થઈ જાય છે. આ દિવ્ય ગ્રંથનું દરેક વાક્ય અને પાને પાનું વાંચીને ટાઢું ટાઢું થઈ જાય છે. બાપાશ્રીના મુખકમળમાંથી જ્ઞાનરસ ડગલે ને પગલે સરતો જ હતો. શબ્દ ને વાક્યે ટપકતો જ હતો. એ દિવ્યતાથી ભરેલો જ્ઞાનરસસભર ગ્રંથ એટલે ‘બાપાશ્રીની વાતો’.