ધૂન

ધૂન એટલે સ્વામિનારાયણ નામનો ઉચ્ચ સ્વરે કરવામાં આવતો જપ.

જપ શબ્દમાં        

જ - જન્મ મરણને ટાળનાર  અને પ - પાપ માત્રને બાળનાર

ટૂંકમાં, સ્વામિનારાયણ મંત્રના જપથી જીવના જન્મ-મરણના ફેરા ટળે છે અને અનેક જન્મના પાપ બળે છે. તો પછી શા માટે ધૂન ન કરવી?

ધૂનનો બીજો અર્થ થાય છે લગની લાગવી. કોઇને પૈસાની ધૂન લાગે છે. કોઇને ભણવાની ધૂન લાગે છે તો કોઇને રમતની ધૂન લાગે છે.

એમ આપણે મહારાજના બાળકો છીએ. આપણે એમને રાજી કરવા છે. તો એમની ધૂન લાગવી જોઇએ ને!  નેત્ર બંધ કરી. શ્રીજીમહારાજની મૂર્ત‍િધારી, ધૂન કરનારને જોઇ મહારાજ કેવા રાજી થાય?  કે અહોહોહો...! મારો ભકત મને રાજી કરવા માટે કેવો મંડયો છે? ધન્યવાદ છે તેને! અને હાં... ધૂન તો તાળી પાડીને કરવી જોઇએ કારણકે જેમ કોઇ ઝાડ પર પક્ષી બેઠા હોય ને તેને ઉડાડવા હોય તો આપણે તાળી પાડી કેવા ઉડાડીએ છીએ? તેમ આપણને જે કામ, ક્રોધ, લોભ, માન વિગેરે દોષ અંતરમાં વળગ્યા છે તેને ભગાડવા માટે તાળી પાડીને ધૂન બોલવી જોઇએ.

રોજ આપણા ઘરમાં ઘરમંદિર આગળ, ઘરસભામાં, શેરીમાં, મિત્રોની સાથે રમતમાં, સ્કૂલમાં, નવરા પડીએ તો ત્યાં અને મંદિરમાં કે બાળસભામાં તો ધૂન ભેળા મળીને બોલવી જ જોઇએ. બોલો મિત્રો,

સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...

મૂર્ત‍િમાં રહીને બોલો સ્વામિનારાયણ

ખાતા બોલ, પીતા બોલ, હરતા બોલ, ફરતા બોલ

સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...

મૂર્ત‍િમાં રહીને બોલો સ્વામિનારાયણ...

ધૂનથી તો ભગવાન આપણું કેવું રક્ષણ કરે? ખબર છે. તો સાંભળો...

એક મોટા વડમાં એક હોલા ને હોલીએ માળો બનાવેલો. તેમાં હોલો, હોલી અને તેમના બચ્ચાઓ સાથે રહેતા હતા. હોલો હોલી રોજ વારાફરતી બહાર જઇ આવે અને પોતાના બચ્ચા માટે કંઇક ચણ લઇ આવે. આમ, તેઓ ભેળા મળી આનંદ કરતા હતા.

એવામાં એક દિવસ હોલો, હોલી ને તેના બચ્ચા જયારે માળામાં બેઠેલા ત્યારે હોલાએ માળાની બહાર જરા નજર કરી જોયું તો, નીચે શિકારી હાથમાં ધનુષ્ય-બાણ લઇને બરાબર આ હોલા હોલી પર નિશાન તાકીને ઉભો છે. હોલાએ જયાં માળાની બહાર ઊંચે જોયું તો એક બાજ પક્ષી ઓઠે ભરાઇ હોલા હોલી અને બચ્ચાને મારી નાખવા રાહ જોઇએ બેઠુ છે. ઉપર અને નીચે બંને બાજુ મોત હતું.

હોલો હોલી આ જોઇ ગભરાઇ ગયા. હવે શું થાય? મૃત્યુ નિશ્ચિત અને સાવ નજીક હતુ. પણ... એમાં હોલીને ઉપાય સૂઝયો. તેણે હોલાને કહ્યું, "જુઓ રક્ષણ કરનાર ભગવાન છે. આપણે તેમનું ભજન કરો, ધૂન કરો, મંડી જ પડો." અને એમણે તો માળામાં બેઠા બેઠા ધૂન ચાલુ કરી.

મિત્રો, જેને હરિ રાખે તેને કોણ ચાખે? ભગવાન જરૂર દયા કરે. કારણકે એ બહુ દયાળુ છે. પણ જો ભકત દયાનું ઊંધુ ભગવાનને "યાદ" કરે તો.

અને ભગવાન હોલા હોલીની મદદે આવ્યા. બન્યુ એવુ કે વડના થડમાં નીચે નીચે એક ઝેરી સર્પનું દર હતું. તેમાંથી એ જ વખતે સાપ નીકળ્યો અને નિશાન તાકીને ઉભેલા શિકારીના પગે ડંશ માર્યો. એટલે શિકારી પડયો હેઠો. અને તેના હાથમાંથી તીર છટકયું ને ગયુ બાજ પર. એટલે બાજ પણ પડયો. આમ બંને મારનાર પોતે જ મરી ગયા અને મરનાર બચી ગયા.

કેવી રીતે બચ્યા? એ વિચારાય એવુ નથી. પણ બચાવનારાએ બચાવ્યા.

બાલ મિત્રો, આ ધૂનનો પ્રૌઢ પ્રતાપ! માટે ધૂન તો રાજ કરવી જ. અડધો કલાક, પા કલાક, અરે, છેવટે પાંચ મિનિટેય કરવી. કોઇ સાથે બોલનાર ન હોય તો આપણે એકલાએ પણ કરવી.

ભગવાન જોઇને ખુશ થાય કે મારો ભકત મને કેટલો યાદ કરે છે?

તો બોલો બંધુઓ-

"બોલો રે તમે સ્વામિનારયણ બોલો (ર)

હરતા ને ફરતા તમે સ્વામિનારાયણ બોલો

સ્વામિનારાયણ બોલો ભાઇઓ, સ્વામિનારાયણ બોલો

મૂર્ત‍િમાં રહીને તમે સ્વામિનારાયણ...."