પાંચ વર્તમાન

શ્રીજીમહારાજે પોતાના આશ્રિત તરીકેની લાયકાત (યોગ્યતા) પ્રાપ્ત કરવા માટે પાંચ નિયમો આપ્યાં જેને સાંપ્રદાયિક ભાષામાં પંચવર્તમાન કહેવાય છે. જેમાં ગૃહસ્થાશ્રમી (સાંસારિક જીવન જીવનારા) બાઈ-ભાઈ દરેક માટેનાં પાંચ વર્તમાન જુદાં આપ્યાં અને ત્યાગાશ્રમી (સંસારનો જેણે ત્યાગ કર્યો હોય) માટે તે ઉપરાંત બીજાં પાંચ વર્તમાન આપ્યાં. આ પ્રમાણે જે વર્તે એ જ ખરેખર શ્રીજીમહારાજનો આશ્રિત ભક્ત થવાને લાયક ગણાય. આ રહ્યાં તે વર્તમાન.

ગૃહસ્થનાં પંચવર્તમાન

(૧) દારૂ વર્તમાન :

જે જોવાથી, ખાવાથી, પીવાથી, સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયો-અંતઃકરણને કેફ કહેતાં નશો ચડે, એ તમામ વસ્તુ, પદાર્થ કે ક્રિયા દારૂ તુલ્ય ગણાય.

- દા.ત. : ચા, કૉફી, બીડી, સિગરેટ, ગાંજો, અફીણ, તમાકુ, ગુટખા, માવા-મસાલા, પાન આદિ પદાર્થો તથા કોઈ પણ પ્રકારનો બીઅર કે અન્ય કોઈ પણ પ્રકારનો દારૂ એ પણ વર્જ્ય છે.

- આ પદાર્થોનો ઉપયોગ કરવો તો નહિ, પણ કરાવવો પણ નહીં.

- આલ્કોહોલિક દવાઓ પણ દારૂ તુલ્ય ગણાય.

- ટી.વી., સિનેમા, સિરિયલો, નાટક, સટ્ટા, જુગાર, ચોપાટ, લોટરી, સરકસ તથા હાલના ઇન્ટરનેટ આદિક આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા બીભત્સ કંઈ પણ જોવું, જાણવું વગેરે મનને નશો કરનાર છે, માટે તે પણ દારૂ તુલ્ય ગણાય.

(૨) માટી વર્તમાન :

‘માટી’ એટલે માંસાહાર.

જેમાં સૂક્ષ્મ જીવજંતુઓનો સંસર્ગ હોય તથા જે શાસ્ત્રનિષિદ્ધ હોય તે તમામ પદાર્થ માટી તુલ્ય ગણાય.

- જેમાં પ્રત્યક્ષ માંસ, ઈંડાં તથા માંસ અને ઈંડાં મિશ્રિત બનાવટો, વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ કરવો એ પણ માંસાહાર તુલ્ય છે.

- ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘીના ઉપયોગથી પણ માટી વર્તમાન લોપાય છે.

- બજારમાં મળતાં ચૉકલેટ, બિસ્કિટ તથા ઠંડાં પીણાં, આઇસક્રીમ, કુલફી, વિવિધ કોલા આ બધાનો ઉપયોગ એ પણ માટી વર્તમાનનો લોપ જ છે.

- ચાળ્યા ને સાફ કર્યા વગરનાં અનાજ, લોટ, સૂક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી તે પણ માંસ તુલ્ય છે. દા.ત. : ફુલાવર, અમુક ભાજી વગેરે...

- તમોગુણપ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ જેવી કે કાંદા (ડુંગળી), લસણ, હિંગ વગેરે પણ માટી વર્તમાનમાં વર્જ્ય છે. એ પણ આપણાથી જમાય નહીં.

- બજારમાં તૈયાર મળતી કેટલીક વાનગીઓ જેવી કે ચીઝ, બ્રેડ, યીસ્ટ, પનીર આ બધું પણ માટી વર્તમાનમાં વર્જ્ય છે.

- ટૂંકમાં, ઘરમાં તો આ પદાર્થોનો ત્યાગ કરવો જ. આ ઉપરાંત બજારની તમામ ચીજવસ્તુઓ તથા લગ્નપ્રસંગોમાં કે બહાર જ્યાં નિયમ-ધર્મ પૂર્ણ રીતે સચવાતા ન હોય તેવી વસ્તુઓ ખાવાથી-પીવાથી આ વર્તમાન લોપાય જ. માટે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, સત્સંગીમાત્રએ બજારુ ખાણાં-પીણાંનો અવશ્ય ત્યાગ કરવો. જરૂર પડ્યે ઘરમાં જ ગાળી-ચાળીને, ઉપરના નિયમોનું પાલન કરી, વસ્તુ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી, પ્રસાદીની કરીને તેનો ઉપયોગ કરવો.

- અનિવાર્ય સંજોગોમાં બજારુ પાણીનો ઉપયોગ કરવાનો થાય તો તેને ગાળીને પીવું જોઈએ.

(૩) ચોરી વર્તમાન :

ચોરી એટલે માત્ર કોઈના ઘરમાંથી વસ્તુ લેવી એટલું જ નહિ, પણ એ સિવાય, કોઈની ધણિયાતી અલ્પ વસ્તુ પણ ધણીને પૂછ્યા વિના લેવી તે ચોરી ગણાય.

આ ઉપરાંત ઘણીબધી બાબતોમાં ચોરી વર્તમાન લોપાતું હોય છે. જેના નિષેધ દ્વારા આ પ્રમાણે વર્તમાન પાળવું :

- કોઈની વસ્તુ ઝૂંટવીને કે પરાણે, પડાવીને ન લેવી.

- રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી.

- કોઈની થાપણ પડાવી ન લેવી.

- અણહક્કની વસ્તુ કે રકમ કોઈ આપે તોય ન લેવી.

- લાંચ-રુશવત લેવી, ભેળસેળ કરવી, ઓછું આપવું, દગો કરવો, ક૫ટ કરવું વગેરેનો ત્યાગ કરવો.

- કોઈની બંધિયાર જગ્યા હોય ત્યાં પૂછ્યા વિના ઉતારો પણ ન કરવો.

- નોકરી કરતા હોય તો ક્યારેય કામચોરી કહેતાં સમયની ચોરી ન કરવી.

- સરકારી વસ્તુ કે લાઇટ, પાણી, ટેલિફોન વગેરે સેવાઓની ચોરી ન કરવી.

- ગેરકાયદેસર ધંધા, વ્યવસાય કે નોકરી ન કરવાં.

- દેવની ચોરી : કાયદેસર એવા ધંધા, વ્યવસાય, નોકરી કે ખેતીની ઊપજમાંથી દ્રવ્યની શુદ્ધિને અર્થે ઓછામાં ઓછો ૧૦ ટકા કે વ્યવહારે અતિ દુર્બળ હોય તો ૫ ટકા ધર્માદો ફરજિયાત કાઢવો.

- ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ દશાંશ ભાગ ધર્માદો કાઢવો. અર્થાત્‌ એટલો સમય ભગવાનની-સંતોની સેવા તથા સમાગમ અર્થે અચૂક કાઢવો. જો એ સમય ન નીકળે તો ચોરી વર્તમાન લોપાય.

(૪) અવેરી વર્તમાન :

અવેરી વર્તમાન એટલે બ્રહ્મચર્ય. ગૃહસ્થ ભલે સંસારમાં હોય તોપણ તેણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા આ પ્રમાણે બ્રહ્મચર્ય તો પાળવું જ પડે.

- પુરુષે પરસ્ત્રી સામે કે સ્ત્રીએ પરપુરુષ સામે કુદૃષ્ટિ ન કરવી કે કુવિચાર ન કરવો.

- પુરુષે પરસ્ત્રી કે સ્ત્રીએ પરપુરુષનો સંગ ન કરવો.

- પુરુષે યુવાન અવસ્થાવાળી એવી પોતાની મા, બહેન કે દીકરી સામે દૃષ્ટિ માંડીને જોવું નહિ કે એની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.

- એ જ રીતે, સ્ત્રીએ યુવાન અવસ્થાવાળા એવા પોતાના બાપ-ભાઈ કે દીકરા સામું પણ દૃષ્ટિ માંડીને જોવું નહિ કે એની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.

(તો સ્વાભાવિક છે કે દૂરનાં સગાંસંબંધી, વિજાતિ મિત્ર કે પુરુષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે દૃષ્ટિ માંડીને જોયાનો કે એકાંત સ્થળને વિષે રહ્યાનો નિષેધ હોય... હોય ને... હોય જ.)

- નાટક, સિનેમા, ટી.વી., ચૅનલો, સિરિયલો, ઇન્ટરનેટ તથા આજનાં આધુનિક ઉપકરણો દ્વારા પ્રદર્શિત નગ્ન, અર્ધનગ્ન, ચિત્ર-વિચિત્ર પરિધાને યુક્ત દૃશ્યો કે ચિત્રોને જોવાં એ પણ ખૂબ જ હાનિકારક છે. જેનો સત્સંગીમાત્રને નિષેધ છે. તેનો ખટકાપૂર્વક ત્યાગ રાખવો.

- વિકૃતિ જન્માવે તેવાં અને પોતાનાં અંગ દેખાય તેવાં ઝીણાં તથા ટૂંકાં વસ્ત્રો પહેરવાં નહિ અને પહેરેલાં હોય તેવાં દૃશ્યો જોવાં નહીં.

- ગરબા, પાર્ટીઓ અને ડિસ્કો તથા પોપ મ્યુઝિક જેવા કામુક, વૃત્તિઓને બહેકાવે તેવા પ્રસંગોમાં ભાગ લેવો નહિ કે હાજરી આપવી નહીં.

- બીભત્સ સાહિત્ય, લેખો, પુસ્તકો, મૅગેઝિનો જોવાં નહિ, વાંચવાં નહિ કે એવાં ચિત્રો-દૃશ્યો જોવાં નહીં.

- સ્ત્રીઓએ પોતાના રજસ્વલા ધર્મનું કડકપણે પાલન કરવું. ત્રણ દિવસ છેટા રહી, ચોથે દિવસે છોળે સ્નાન કરી બધે અડવું. જે અંગે વિશેષ ‘સ્ત્રીઓએ પાળવાનો રજસ્વલા ધર્મ’ તેમાં જણાવેલ છે.

- પોતાની સ્ત્રીનો પણ આસક્તિએ રહિત ઋતુ સમે સંગ કરવો. તેમાં પણ એકાદશીઓ, તેના આગલા-પાછલા દિવસો, શ્રીજીમહારાજનો પ્રાગટ્ય દિવસ તથા તેના આગલા-પાછલા દિવસો, અમાસ, શ્રાવણ માસ, અધિક માસ, વ્રત-યજ્ઞાદિક સમૈયાના દિવસો તથા તીર્થસ્થાનો વગેરેમાં પોતાની સ્ત્રીનો પણ દેહે કરીને ત્યાગ રાખવો.

(૫) વટલવું નહિ કે વટલાવવા નહીં :

ન ખપતું હોય તેનું ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવડાવવું નહીં. એટલે કે ધર્મ-નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું-પીવું નહિ અને આપણા ઘરમાં ધર્મ-નિયમ સચવાતા ન હોય તો પાળનારને પરાણે ખવડાવવું-પિવડાવવું નહીં.

સંતોનાં પંચવર્તમાન

ગૃહસ્થના ઉપરોકત વર્તમાન ઉપરાંત ત્યાગીએ નીચેના પાંચ વર્તમાન દૃઢપણે કરીને પાળવાં.

(૧) નિષ્કામી વર્તમાન :

ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું; તે મુજબ...

- સ્ત્રીનો સંગ ન કરવો.

- સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં.

- સ્ત્રીનો સ્પર્શ ન કરવો.

- સ્ત્રીનાં રૂપ-કુરૂપની વાત કરવી નહીં. સ્ત્રી કાળી છે, ગોરી છે, યુવાન કે વૃદ્ધ છે તેનો નિર્ણય ન કરવો.

- સ્ત્રીનું મનન ન કરવું.

- સ્ત્રીના ચિત્રને પણ નિહાળીને જોવું નહિ કે સ્પર્શ કરવો નહીં.

- સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ પણ ન કરવો તો ક્રિયા તો થાય જ કેમ ?

- સ્ત્રીઓ સાથે બોલવું નહીં.

આ માટે,

- સંતોએ જોડી વિના એકલા બહાર જવું નહિ કે ચાલવું નહિ એવી આજ્ઞા કરી છે કે જેથી એકબીજાની મર્યાદાએ કરીને પણ નિષ્કામીપણું દૃઢ રહે અને જો કંઈ અજાણે ભૂલચૂક થાય તો તેનું નિષ્કામ શુદ્ધિ મુજબ પ્રાયશ્ચિત્ત કરવું.

(ર) નિર્લોભી વર્તમાન :

- સાધુ થઈ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે અડે તો તેને મિનિટે મિનિટે હજાર ગાયો માર્યાનું પાપ થાય છે.

- કહેલાં અગિયાર વસ્ત્રો ઉપર બારમું વસ્ત્ર ન રાખવું.

- વસ્ત્રો પણ જાડાં માદરપાટનાં જ પહેરવાં, પણ ઝીણાં વસ્ત્ર ન પહેરવાં.

- વસ્ત્રો પણ રંગથી ન રંગવાં, પણ રામપુર ગામની માટીથી જ રંગવાં.

- સીવેલાં વસ્ત્ર ન પહેરવાં.

- રજોગુણી, રેશમી, મલમલ કે અન્ય વસ્ત્રો; રજોગુણી પદાર્થો પોતાના ઉપયોગ માટે ન રાખવાં.

(૩) નિર્માની વર્તમાન :

કોઈ પ્રકારનું માન તો રાખવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી માન-સન્માન મળે કે અપમાન મળે તોપણ બંને પરિસ્થિતિમાં સમભાવ રાખી વર્તવું.

(૪) નિઃસ્નેહી વર્તમાન :

- પોતાના પૂર્વાશ્રમનાં માતાપિતા, ભાઈ કે નિકટના સંબંધી સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન રાખવો.

- પોતાની જન્મભૂમિ કે પૂર્વાશ્રમના ઘર સાથે કોઈ વ્યવહાર ન રાખવો.

- સ્નેહ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનમાં તેમજ ભગવાનને લઈને સંતો-ભક્તોમાં જ કરવો.

(પ) નિઃસ્વાદી વર્તમાન :

- ખાવા-પીવા માટે કોઈ ધાતુના વાસણનો ઉપયોગ ન કરવો. પણ કાષ્ઠના પાત્રનો તથા તુંબડીનો જ ઉપયોગ કરવો.

- સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી જે મળે તે અન્નમાં પાણી નાખી, ભેળું કરી નિઃસ્વાદી કરીને જ જમવું.