મૂર્તિ

ભગવાનમાં અને મુક્તમાં સાક્ષાત્ ભાવ કે પ્રગટભાવ દૃઢ કરવાનું માધ્યમ એટલે મૂર્તિ.

પ્રેમી ભક્તોના મનોરથોને, પ્રેમને, સેવાને અંગીકાર કરતું માધ્યમ એટલે મૂર્તિ.

શ્રીજીમહારાજ અને તેમના મુક્તો ક્યારેય જતા નથી, પણ સદાય પ્રગટ જ હોય છે. એટલે, જીવનપ્રાણ બાપાશ્રીએ શ્રીજીમહારાજનો એક પાયાનો સિધ્‍ધાંત સમજાવ્યો કે,

"જે ઘનશ્યામ મહારાજ સંવત ૧૮૩૭માં છપૈયાપુરને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થયા અને આ લોકમાં રહી અનેક લીલાઓ કરી જાણે અદૃશ્ય થયા હોય તેવું પણ દેખાડ્યું એ મનુષ્યરૂપ મૂર્તિ, અક્ષરધામમાં જે તેજોમય છે તે મૂર્તિ અને આપણે જે મૂર્તિની સેવા-પૂજા-અર્ચન-આરાધના કરીએ છીએ એ પ્રતિમા સ્વરૂપે બિરાજમાન મૂર્તિ, આ ત્રણે સ્વરૂપમાં રોમમાત્રનો પણ ફેર નથી."

અને એટલે જ આપણે તેમને દંડવત, દર્શન, પૂજા, આરતી, થાળ વગેરે કરીએ છીએ. ભગવાનના સંબંધવાળા સત્પુરુષ જ્યારથી એની પ્રતિષ્ઠા કરે ત્યારથી તે ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ બને છે. પછી ભલે તે આરસની મૂર્તિ હોય કે નાની-મોટી ચિત્ર પ્રતિમા હોય. પછી મૂર્તિમાં ભગવાન રહ્યા છે એમ પણ ન બોલાય પણ એ મૂર્તિ જ સ્વયં ભગવાન છે એમ કહેવાય. પછી આપણા પ્રેમને વશ થઈને મૂર્તિરૂપ મહારાજ આપણી સેવાઓને અંગીકાર કરે છે, આપણી પ્રાર્થના સાંભળે છે, અને આપણા મનોરથ પૂર્ણ કરે છે.

જેમ સો રૂપિયાની નોટ અણસમજુ અને અજ્ઞાની બાળકને માટે કાગળિયું છે, પણ વાસ્તવમાં રૂપિયા જ છે. તેમ નાસ્તિકને માટે મૂર્તિ એ ફોટો છે. પણ આપણા માટે મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન છે.

સદ્ગુરુ નિર્ગુણાનંદ બ્રહ્મચારી ભૂજ મંદિરમાં મહારાજની સેવા કરતા. એક વખત સવારમાં મહારાજને શણગાર અને વાઘા ધરાવતા તેમને પેટમાં ખૂબ દુખાવો ઉપડ્યો. એટલે તેઓ તે મહારાજ આગળ પડદા પાછળ સૂઈ ગયા. આરતીનો સમય થવા આવેલો અને હજુ સેવા તો બધી બાકી જ હતી. સેવામાં મહારાજને વિષે પ્રગટભાવ સમજનારા આ બ્રહ્મચારીજીએ સૂતાં સૂતાં પ્રેમથી મહારાજને કહ્યું, "હે દયાળુ, ક્યારેક સેવકને તકલીફ હોય ત્યારે આપ આપની જાતે વાઘા પહેરી લો તો કંઈ વાંધો આવે ?" અને... ત્યાં તો મહારાજે પોતે જ પોતાની મેળે સુરવાળ પહેર્યો, ઉપર અંગરખું ધારણ કરવા માંડયું, માથે પાઘ બાંધવા માંડી. અને એમ જાતે જ બધા શણગાર ધારણ કરી લીધાં. આમ એક વખત નહિ, પણ પછી તો જ્યારે જ્યારે આવું થાય ત્યારે પ્રેમી ભક્તના પ્રેમને વશ થઈ મહારાજ આમ સેવા અંગીકાર કરી લેતા. આમ, મૂર્તિ સ્વરૂપે મહારાજ સદાય પ્રગટ જ છે.

જુઓ, આ મૂર્તિને વિષે પ્રગટભાવ. જો મૂર્તિ એ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ ન હોય તો કંઈ આવું બને ?

ભીલકુમાર એકલવ્યને ગુરુ દ્રોણાચાર્યે જ્યારે બાણવિદ્યા શીખવવાની ના પાડી ત્યારે એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યની ગારાની એક મૂર્તિ બનાવી. તેમાં સાક્ષાત્ ભાવ કેળવ્યો અને વિદ્યા શીખવા માંડી. પછી તો એકલવ્ય અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બાણાવાળી બન્યો. આનું મુખ્ય કારણ હતું ગુરુની પ્રતિમામાં સાક્ષાત્ ભાવ.

જેમ ભગવાનની મૂર્તિ એ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે એમ તેમના મુક્તોની મૂર્તિ હોય તે પણ મુક્તનું સ્વરૂપ છે. દા.ત. બાપાશ્રીની મૂર્તિ એ સાક્ષાત્ બાપાશ્રી જ ગણાય. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની મૂર્તિ એ સાક્ષાત્ દિવ્યપુરુષોનું સાંનિધ્ય જ ગણાય. એમની મૂર્તિને વિષે પણ પ્રગટભાવ અને આદર-મર્યાદાભાવ રહેવો જ જોઈએ.

માટે મંદિરમાં દર્શન કરીએ, ઘરમંદિરની સેવા કરીએ કે પોતાની વ્યક્તિગત પૂજા કરીએ કે પછી આરતી કે થાળ કરીએ પણ એમાં સાક્ષાત્ મહારાજની અને તેમના મુક્તોની હું સેવા કરું છું. મહારાજ મારી સામે જ બિરાજ્યા છે તે ભાવથી સેવાભક્તિ કરવી. તો મહારાજ અને મોટાપુરુષનો આપણી પર રાજીપો થાય.