મંદિર

આપણે રહીએ તેને ઘર કહેવાય, જ્યાં ભગવાન રહે, ભગવાનના સંતો રહે તેને મંદિર કહેવાય.

‘પૃથ્વીનો છેડો ઘર’ એમ આપણે ગમે ત્યાં જઈએ. ઑફિસે જઈએ, નોકરી-ધંધા પર જઈએ કે સગાંસંબંધીને ઘેર જઈએ પણ વધુ શાંતિ તો આપણા ઘેર આવીએ ત્યારે જ થાય છે. કારણ કે આપણા પરિવારજનો, માતાપિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની બધાં ઘેર હોય. એમને મળીએ એટલે આનંદ થાય, શાંતિ થાય.

આપણે રોજ એક પ્રાર્થના બોલીએ છીએ કે,

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ;

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ,

ત્વમેવ સર્વં મમ દેવ દેવ.

આ પ્રાર્થનામાં આપણે મહારાજને કહીએ છીએ કે, ‘હે મહારાજ ! તમે જ અમારાં માતા છો, પિતા છો, ભાઈ છો, મિત્ર છો. વળી તમે જ અમારી વિદ્યા છો, અમારું દ્રવ્ય છો. એટલું જ નહિ પણ અમારું સર્વસ્વ હે નાથ તમે જ છો.’

જેમ આપણે પરિવારજનોને મળવા આતુર હોઈએ છીએ; એમ આપણા સાચાં સગાં ભગવાન અને સંતોને મળવા આપણે હંમેશાં આતુર રહેવું જોઈએ. તેમનાં દર્શનની ઝંખના રહેવી જોઈએ.

તે માટે રોજ સવાર-સાંજ આપણે મંદિરે, મહારાજનાં-સંતોનાં દર્શન માટે જવું. આપણો જીગરજાન મિત્ર હોય તો એક દિવસેય તેને આપણે મળ્યા વગર રહીએ છીએ ખરા ? એને એક દિવસ ન મળ્યા હોય તો ત્યાં સુધી નિરાંત ન થાય. એમ આપણેય આપણા પ્યારા ઘનશ્યામ પ્રભુને એક દિવસ ન મળીએ તો દુ:ખ થવું જોઈએ. એમનાં અને સંતોનાં દર્શન વગર આપણાથી રહેવાય કેમ ?

મંદિરમાં ઘનશ્યામ પ્રભુની આપણા ઉપર દૃષ્‍ટ‍િ પડે તો આપણા દોષમાત્ર ટળી જાય, વિચારોમાં પવિત્રતા આવે, સદાચાર વધે અને ખોટું બોલવાનું અટકે અને સંતોનાં દર્શન-ચરણસ્પર્શ કરીએ તો આપણા મસ્તકે તેમનો દિવ્ય હસ્ત પડે અને આશીર્વાદ મળી જાય. જે આશીર્વાદથી આ લોક અને પરલોકમાં ખૂબ સુખી થવાય.

મંદિરમાં આવતા ભક્તો આપણા ઠેઠનાં સાચાં સગાં છે. બધા મહારાજના અનાદિમુક્તો છે. એટલે એમની સેવા ભગવાનની સેવા તુલ્ય છે એવો દિવ્યભાવ રાખવો.

માટે મંદિરમાં આવી આપણે આટલું તો કરવું જ.

મંદિરમાં રહેલી મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન છે. પણ કોઈ ફોટો કે પ્રતિમા નથી; એવો પ્રગટભાવ દૃઢ કરી, એકચિત્તે મૂર્તિેનાં દર્શન કરી, મૂર્તિને અંતરમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. દર્શન કરતાં કરતાં ચારેબાજુ ડાફોડિયાં મારવાથી મહારાજ કુરાજી થાય. માટે એકાગ્રચિત્તે મૂર્તિનાં દર્શન કરવાં. મહારાજના સેવક તરીકેનો દાસભાવ દૃઢ કરવા પુરુષો અને બાળકોએ ઓછામાં ઓછા પાંચ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા.

જ્યારે મહિલાઓએ અને બાલિકાઓએ પંચાગ પ્રણામ કરવા.

મહારાજને રાજી કરવા અને મૂર્તિઓમાં પ્રેમ કેળવવા, મહારાજની મૂર્તિ ધારી મૂર્તિનાં કીર્તન બોલવાં. મંદિરમાં મહારાજના નિજ મંદિરની - સિંહાસનની ફરતી પહોળી જગ્યાને પ્રદક્ષિણા કહેવાય છે. સદાય માટે મહારાજ સાથે વરેલા છીએ અને આપણા કેન્દ્રસ્થાને મહારાજ છે તે ભાવ પ્રદક્ષિણા દ્વારા ફલિત થતો હોવાથી ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષિણા તો કરવી જ.

સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી છૂટકારો મેળવી શાંતિ પ્રાપ્ત કરી ભગવાનમાં જોડાવાનું ઉતમ સ્થાન એટલે મંદિર. જ્યાં મહારાજની મૂર્તિ સાથે એકાગ્રતા કેળવાય. એ માટે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ મહામંત્રની મનોમન ઉચ્ચારથી માળા પણ ફેરવવી.

મંદિરમાં બિરાજતા સંતોને દિવ્યભાવથી દંડવત્ પ્રણામ અને દિવ્યભાવથી ચરણસ્પર્શ કરી દર્શન કરવાં, તેમનો સમાગમ કરવો. આમ મંદિર એટલે જગતની વિટંબણાઓને ભૂલી જઈ ભગવાનમાં જોડાવાનું સ્થાન. આપણા સંપ્રદાયમાં મંદિર બે પ્રકારનાં હોય છે. શિખરબદ્ધ મંદિર અને હરિ મંદિર. (જ્યાં આરસની, કાષ્ઠની કે પંચ ધાતુની મૂર્તિ હોય, અને શિખરબદ્ધ મંદિરમાં દરરોજ પાંચ આરતી થાય જ્યારે હરિ મંદિર જેમાં ચિત્ર, પ્રતિમા આદિક પટની મૂર્તિ સ્થાપન કરેલી હોય તે કહેવાય છે.) આપણું વાસણા અને મહેસાણાનું મંદિર એ શિખરબદ્ધ મંદિર કહેવાય છે. જ્યારે ઘનશ્યામનગરનું મંદિર શિખર હરિ મંદિર કહેવાય છે અને ઇસનપુરનું મંદિર એ હરિ મંદિર કહેવાય.