ધ્યેયસભર જીવન - 4

  September 30, 2019

સત્સંગમાં આવ્યા પછી આપણો ધ્યેય નક્કી થવો એ સૌપ્રથમ બાબત છે. જો ધ્યેય હશે તો ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો થશે. ધ્યેય જ નહિ હોય તો !!! “મૂળો નાસ્તિ કુતો શાખા' અર્થાત્ “મૂળ જ નથી તો તેની શાખાઓ તો હોય જ ક્યાંથી!” તેમ ધ્યેય જ નક્કી નથી તો પછી તેને પૂર્ણ કરવાના પ્રયત્નો તો હોય જ ક્યાંથી ! માટે ધ્યેય નક્કી થવો ફરજિયાત છે. “Well begining is half done" અર્થાત્ કોઈ પણ કાર્યની સારી શરૂઆત એ અડધું કાર્ય પૂર્ણ થયાની નિશાની છે તેમ આપણા જીવનનો ધ્યેય નક્કી – નિર્ધારિત થઈ જાય કે જેમાં કોઈ કાળે પરિવર્તન ન થાય તે અધ્યાત્મમાર્ગનું અડધું કાર્ય પૂર્ણ થયા બરાબર જ છે. માટે ધ્યેયને પૂર્ણ કરવા માટેનું સૌપ્રથમ પગથિયું છે ધ્યેયની મક્કમતા, નિર્ધારિતતા'.
ધ્યેય નક્કી થયા પછીનું બીજું પગથિયું છે “ધ્યેયની સ્પષ્ટતા'. ધ્યેય નક્કી થઈ જવાથી પણ પૂરું થઈ જતું નથી. ધ્યેય નક્કી થયા
પછી આપણને એ બાબતની સ્પષ્ટતા સંપૂર્ણપણે હોવી ફરજિયાત છે કે મારે મારા ધ્યેયને પૂર્ણ કરવા, હાંસલ કરવા માટે શું કરાય ? અને શું શું ન કરાય ? શું કરવાથી હું મારા ધ્યેય તરફ વધુ આગળ વધી શકીશ અને શું કરવાથી હું મારા ધ્યેયથી વધુ દૂર જઈશ ? ટૂંકમાં કહીએ તો પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે કયા રસ્તે મારે ચાલવું ? અને કયા રસ્તે ન ચાલવું ? તેનો સ્પષ્ટ ખ્યાલ. જેને બીજા શબ્દોમાં કહીએ તો પોતાના ધ્યેયને પુષ્ટિ કરતાં સાર શું છે ? અને ધ્યેયથી દૂર કરનાર અસાર શું છે ? તેનો સ્પષ્ટ ખ્યાલ. આ સ્પષ્ટ ખ્યાલ હોવો શા માટે જરૂરી છે ? તો પોતાના ધ્યેય તરફ આગળ વધવામાં ઘણાબધા રસ્તાઓ ખુલ્લા થશે તેમાં જો આ સ્પષ્ટતા ન હોય તો ક્યારેક ખોટા રસ્તે ચડી જવાય અને ધ્યેયથી વધુ ને વધુ દૂર થઈ જવાય.
જેમ નક્કી કર્યું કે મારે અમદાવાદથી મુંબઈ જવું છે એ પછી મુંબઈના રસ્તે આગળ ચાલતા વચ્ચે ઘણાબધા ચાર રસ્તા આવે છે, ઘણાબધા જોવાલાયક સ્થળો, ધંધા-રોજગારોની આવકાર્યતાઓ, મનોરંજનનાં સ્થાનો આવું ઘણુંબધું આવે છે. પરંતુ જો એ વખતે એટલું સ્પષ્ટ હોય કે મારે જો મુંબઈ વહેલામાં વહેલી તકે પહોંચવું હશે તો મારે આમાં ક્યાંય નહિ જવાય. મારે સીધા મુંબઈના ટૂકડામાં ટૂકડા રસ્તે ચાલવું પડશે. તો જ મુંબઈ સવેળા પહોંચાશે. મુંબઈ સવેળા પહોંચવા માટે સ્પષ્ટતા હોવી ફરજિયાત છે કે મારે કયા રસ્તે ચાલવાનું છે. તેમ આપણા ધ્યેય સુધી પહોંચવા માટે પણ સ્પષ્ટતા જરૂરી છે કે મારે શું કરવાનું છે અને શું નથી જ કરવાનું.
ધ્યેયની સ્પષ્ટતા પછીનું પગથિયું છે ધ્યેયનું નિરંતર જાણપણું'. ધ્યેયની સ્પષ્ટતા હોવા છતાં જયારે આપણે ખરેખર આપણા ધ્યેય તરફ આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા ધ્યેય પરત્વેના નિરંતર અનુસંધાનના અભાવે ખબર હોવા છતાં થાપ ખાઈ જઈએ છીએ. પ્રલોભનોમાં કે બીજાને જોઈને પણ આપણે જે આપણને આપણા ધ્યેયથી દૂર લઈ જાય છે તેમાં લોભાઈ જઈએ છીએ. પરિણામે આપણા ધ્યેયમાં આગળ વધવામાં રકાવટ આવે છે. માટે ધ્યેયની સ્પષ્ટતા થયા પછી પણ જ્યારે પ્રેક્ટિકલ ધ્યેય ઉપર ચાલવાનું શરૂ કરીએ ત્યારે પોતાના ધ્યેયનું, ધ્યેય માટે નક્કી કરેલી સ્પષ્ટતાનું નિરંતર અનુસંધાન હોવું ફરજિયાત છે. - નિરંતર અનુસંધાન છે એ બ્રેકનું કાર્ય કરે છે. જ્યાં આપણે આપણા ધ્યેયથી વિચલિત થઈશું અથવા તો મન આપણને આપણા ધ્યેયથી વિચલિત કરવાનો પ્રયત્ન કરાવશે ત્યાં નિરંતરનું જે અનુસંધાન છે તે તુરત આપણને પાછા વાળશે. જેમ મુંબઈ જવાના રસ્તે ચડ્યા પછી આપણી જેમ જ મુંબઈ જવાવાળી બીજી ઘણીબધી ગાડીઓ હશે જે જુદા જુદા રસ્તે વળશે, જુદાં જુદાં સ્થળોએ ઊભી પણ રહેશે. રસ્તામાં ઘણુંબધું એવું આવે કે જેની વિઝિટ લેવા, જોવા, જાણવા આપણું મન આપણને પ્રેરે. પરંતુ, એવા સમયમાં જો એટલું અનુસંધાન રહ્યા કરે કે મારે મુંબઈ પહોંચવું હશે તો આ બધામાં સમય નહિ બગાડાય તો આપણે ક્યાંય લેવાઈશું નહીં.
બસ, એ જ રીતે જો આપણને આપણા ધ્યેયમાં નિરંતર જાગૃતિ વર્તશે તો આપણા હરેક કાર્યમાં, સેવામાં, આયોજનો અને નિર્ણયોમાં આપણે સતત આપણા ધ્યેય તરફ પાછા વળેલા રહી શકીશું. વળી એટલું જ નહિ, આપણા ધ્યેય ઉપર ચાલવામાં ગમે તેવાં વિક્નો, કષ્ટો, મુશ્કેલીઓ, આફતો, વિરોધો આવશે તોપણ આપણે ધ્યેયના નિરંતરના અનુસંધાનના બળે એ બધાં વિક્નોની સામે હિંમત ન હારતાં વધુ સાહસ કેળવી આગળ વધી શકીશું. વળી, આપણા જ ધ્યેયના માર્ગે ચાલનારા અન્ય મુમુક્ષુઓના સંગે કરીને આપણા માટે ધ્યેયથી ચલિત થવાની ક્યાંક સંભાવના છે તે પણ નિરંતર જાગૃતિએ કરીને દૂર કરી શકાશે.
ધ્યેયની આવી નિરંતરની જાગૃતિ કેળવવા માટે નિરંતર કોઈ પણ કાર્યમાં પોતાને આવા પ્રશ્નો પૂછવાની ટેવ પાડો. “શું હું જે કરી રહ્યો છું અથવા કરવા જઈ રહ્યો છું તેનાથી મહારાજ રાજી થશે ?” “શું હું જે કાર્ય કરી રહ્યો છું, જે રીતે કરી રહ્યો છું તે મારા ધ્યેયના કૂડાળામાં આવે છે ?” “શું કાર્ય કરવાથી મારા ધ્યેયને પુષ્ટિ મળવાની છે ? અથવા તો એમાં વધારો થવાનો છે ?' “મારા ધ્યેયને પુષ્ટિ થાય એવું જ મારે કરવું છે, એથી બહારનું મારે કશું જ જોઈતું નથી હોં !'
ધ્યેયની નિરંતર જાગૃતિમાં રહેવાથી આપણા ધ્યેયની સિદ્ધિનું અંતિમ ચરણ આપણને પ્રાપ્ત થશે - “ધ્યેયની દઢતા'. ધ્યેયની દઢતા એટલે શું ? તો ઇદમ્ અવસ્થા, સાહજિક અવસ્થા. અર્થાત્ આપણે આપણા ધ્યેયનું અનુસંધાન રાખવું ન પડે. ધ્યેયમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો ન પડે. આ બધું જ એની મેળે સહજ અવસ્થાએ થયા જ કરે. આપમેળે પોતાના ધ્યેયમાં મગ્ન રહેવા પોતાના ધ્યેયને જ મધ્ય કેન્દ્રમાં રાખીને બધી પ્રવૃત્તિઓ થાય. એને કોઈની રોકટોક કે પાછા વાળનારની જરૂર જ ન પડે. આવી સાહજિક અવસ્થા જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે આપણને આપણા ધ્યેયની દઢતા થઈ ગઈ છે. આ ધ્યેયની દઢતા એટલે જ ધ્યેયનો સાક્ષાત્કાર, ધ્યેયના ફળની અનુભૂતિ જે આપણે સૌએ કરવું ફરજિયાત છે. આવી ઇદમ્ અવસ્થાએ પહોંચીએ તો જ આપણું જીવન ધ્યેયસભર કહેવાય. તો જ આપણા જીવનમાં કે આપણા ધ્યેયમાં ઉતાર-ચડાવ કદી ન આવે. ગમે તેવાં દેશ, કાળ, ક્રિયા, સંગમાં પણ એકસરખી અને એકધારી સ્થિતિમાં વર્તી શકાય. માટે આપણે સૌ આ ધ્યેયની સિદ્ધિનાં અતિ મૂલ્યવાન પગથિયાં : ધ્યેય, ધ્યેયની સ્પષ્ટતા, ધ્યેયની જાગૃતિ, ધ્યેયની દૃઢતા તેને ક્રમશઃ દૃઢ કરી આપણું જીવન ધ્યેયસભર બનાવીએ એ જ અભ્યર્થના.