મહાત્મ્ય - ૧૧

  December 27, 2021

એક વખત શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા ત્યારે વણથળીનાં એક બાઈને મહારાજનું મહાત્મ્ય સમજાવાથી સંસારથી વૈરાગ્ય થયો. રજા ન મળતાં તેઓ ઘરેથી નીકળી ગઢપુર આવ્યાં અને સાંખ્યયોગી કરવા આગ્રહ કર્યો. શ્રીજીમહારાજે તેમનો આગ્રહ જોઈ સાંખ્યયોગી બાઈ કર્યાં પરંતુ ઘરેથી રજા ન મળતાં પરાણે આવ્યાં હતાં તેથી દાદાખાચરને મોસલાઈ (સરકારી દંડ) ભરવો પડ્યો હતો તથા અન્ય કેટલીક મુશ્કેલીઓ પણ સહન કરવી પડી હતી. છતાંય તે બાઈ મહિમા બહુ હોવાથી બધું અવગણીને મહારાજની પાસે સાંખ્યયોગી થઈને રહ્યાં.
એક વખત તેઓ વડોદરામાં સત્સંગ કરાવવા માટે ગયા હતા. ત્યાં નિત્ય નવી રસોઈઓ લે અને જમાડે. તેની ખબર જેમને શ્રીજીમહારાજે સત્સંગમાં મોટેરા કર્યા હતા એવા સદ્‌. ગોપાળાનંદ સ્વામીને કોઈના દ્વારા પડતાં કહેવડાવ્યું કે, “સાંખ્યયોગી થઈને રોજ લાડવા ને નવી નવી રસોઈઓ લે તો કેમ ઠીક રહેશે ?”
મહારાજના મહાત્મ્યથી સભર હતા એટલે સંસાર છોડ્યો હતો. રાત-દિવસ મહારાજને રાજી કરવા મંડ્યા રહેતાં હતાં. અવરભાવમાં ક્યાંક કસર રહી તેને ટળાવવા સદ્‌. ગોપાળાનંદ સ્વામી જેવા સદ્‌ગુરુએ કોઈના દ્વારા ટકોર કરી તો ન ખમાઈ અને અવગુણ લીધો. એટલું જ નહિ, સામે કહેવડાવ્યું કે, “તમે સાધુ થઈ કેમ ખાવ છો ?” આવી રીતે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો અવગુણ આવ્યો ને છેવટે જાતા અપરાધ થયો તે પાપે કરીને તેઓનો આશ્રમ છૂટી ગયો. મળેલો સત્સંગ અને કરેલાં સાધનો બધું ધૂળ થઈ ગયું. તેથી જ શ્રીજીમહારાજે લોયાના ૧૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ, એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થાશે.”
સત્સંગમાં આવ્યા પછી મોટાપુરુષ કે સંતો-ભક્તો જ્યારે આપણી કસર દેખાડી રોકેટોકે ત્યારે જો રાજી થઈને સ્વીકારીએ તો સામેનાનો ગુણ આવે અને ભૂલ પણ સુધરે પરંતુ જો અવગુણ આવે તો ઉદ્‌વેગ, અશાંતિ વર્તે, રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે (વચ. ગ.પ્ર. ૨૮). તેથી જેનો અવગુણ આવ્યો હોય તેને વિષે પૂર્વાગ્રહની આંટી બંધાઈ જાય અને છેવટે જાતા મોક્ષનો માર્ગ પણ બંધ થઈ જાય.
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ ભાગ-૨ની ૩૬મી વાતમાં કહ્યું છે કે, “સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. જેમ રાજાનો કુંવર ગાંડો-ઘેલો હોય તેને થપાટ મારીએ તો કેદમાં જાવું પડે તેમ થાય.”
શાસ્ત્રોમાં પંચમહાપાપ જણાવ્યા છે તેનાથી છૂટવાનો ઉપાય કહ્યો છે પરંતુ અભાવ-અવગુણથી છૂટવાનો ઉપાય નથી કહ્યો. એટલે કે પંચમહાપાપ કરતાં પણ ભગવાન અને ભગવાનના ભક્તનો અભાવ-અવગુણ લેવો કે અપરાધ કરવો તે મોટું પાપ છે. જેમ ઝેરથી બાળકને તેનાં માવતર સાચવીને વારંવાર તેની નજીક ન જવા સલાહ આપે તેમ મહારાજે આ અભાવ-અવગુણરૂપી ઝેરથી દૂર રહેવાની ૨૭૩ વચનામૃતમાં ૧૮૮ વખત વાત કરી, તેનાથી ચેતવ્યા છે. માટે આ ખતરાનો કદી અખતરો ન કરવો અને અભાવ-અવગુણથી છેટે જ રહેવું.
અભાવ-અવગુણ આવવામાં મુખ્યપણે આપણો માની સ્વભાવ ભાગ ભજવતો હોય છે. આપણને આપણામાં રહેલા બે-ચાર ગુણ-આવડતનું માન રહેતું હોય તેના કારણે પોતાને બીજા કરતાં અધિક સમજીએ. પોતાનો મહિમા વધારે રહે તેથી બીજાને ન્યૂન મનાય અને તેમના અભાવ-અવગુણ આવે.
મનધાર્યું કરવાના અને કરાવવાના મનમુખી સ્વભાવને કારણે જો કોઈ આપણું ધાર્યું ન કરે કે ન કરવા દે તો તરત જ તેમનો અવગુણ આવે. તેમના પ્રત્યે દોષબુદ્ધિ થાય અને વેરવૃત્તિ પણ રહે. આ મનમુખી સ્વભાવે કરીને અપરાધ અને દ્રોહની પરાકાષ્ઠાએ પહોંચી જવાય.
દેહદૃષ્ટિ એ સર્વે દોષોનું મૂળ છે. દેહભાવ એ અનેક અવગુણોનો સરવાળો જ છે. તેથી જેટલી દેહદૃષ્ટિ વિશેષ રહે તેટલા દેહના અવગુણો જ દેખાય અને અવગુણ આકારે થઈ જવાય. સત્સંગમાં આવીને કરવાનું છે તે ન થાય અને પારકા દોષ, ક્રિયા, આકૃતિ અને સ્વભાવ જોવામાં આપણું બધું સાફ થઈ જાય. પ્રગતિની જગ્યાએ અધોગતિ થઈ જાય પરંતુ અભાવ-અવગુણ એ આપણા જીવનમાં ખતરનાક છે એવી ગંભીરતા નથી સમજાતી એટલે પાછા વળી શકતા નથી. ચારેય સ્વરૂપને વિષે દેહદૃષ્ટિ જ રાખી તેનો અવરભાવ જ જોયા કરવો તે જ અભાવ-અવગુણ. જે આપણા મહાત્મ્યના માર્ગમાં આડખીલીરૂપ બને છે.
આ મહાત્મ્યનો અવરોધક સત્સંગમાં સાપસીડીની રમત જેવું કરે છે. મહાત્મ્યરૂપી સીડી ચડતાં ચડતાં મહારાજ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એક ૯૯મા અભાવ-અવગુણરૂપી સાપના મુખમાં આવી જતા પાછા તળિયે આવી જઈએ છીએ. સત્સંગ કરવા છતાં તેનું કાંઈ ફળ મળતું નથી. ચૈતન્ય પ્રભુના સુખ માટેનો શુદ્ધ પાત્ર થઈ શકે છે પરંતુ તેમાં અભાવ-અવગુણરૂપી ગંદકી પેસી ગઈ છે તેથી મહાત્મ્યરૂપી સુખ તેમાં ઝીલી શકાતું નથી માટે નિરંતર અભાવ-અવગુણ ટાળવાના પ્રયત્નમાં રહેવું તો જ સત્સંગ નિર્વિઘ્ને પાર પડે.