મહાત્મ્ય - ૮

  December 6, 2021

શ્રીજીમહારાજનું સ્વરૂપ, સત્પુરુષનું સ્વરૂપ, સંતો-ભક્તોનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ (સ્વ-સ્વરૂપ) - આ ચાર સત્સંગના આધારસ્તંભ છે. આ ચારેય પાયા ઉપર જ સત્સંગની રચના થઈ છે. કોઈ એક કે બે તત્ત્વથી માત્ર સત્સંગ નથી સ્થપાતો પણ ચારેય તત્ત્વના સહયોગથી જ સ્થપાય છે. આ ચારેયનું યથાર્થ સ્વરૂપ ઓળખાય અને તેનું મહાત્મ્ય સમજાય ત્યારે જ સુખિયા થવાય.
સત્સંગમાં આવ્યા પછી આ ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું જ પડે. તેમાંથી એક પણ સ્વરૂપનું મહાત્મ્ય સમજવામાં કસર ન જ ચાલે. જેમ રૂમને ચાર બારી હોય ને સાંજ પડે ત્રણ બારી બંધ કરીએ અને એક ખુલ્લી રહી જાય તો ચાલે ? અને ખુલ્લી રહે તો શું ૨૫% જ મચ્છર આવે ? ના. એક બારીમાંથી પણ બધા મચ્છર ઘરમાં આવી જાય. એ તો ચારે ચાર બારી સંપૂર્ણ બંધ કરવી જ પડે. અર્ધી ખુલ્લી પણ ન ચાલે. તેમ સત્સંગમાં આવ્યા પછી ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું જ પડે, એકેયનું ઓછું ન ચાલે.
ખાટલાના ચાર પાયા હોય છે તેમાંથી એક પાયો પણ જો દોરાવાર નાનો-મોટો હોય તો શું તે ખાટલામાં સૂવાનું સુખ આવે ? ના. એ તો ચારેય પાયા સરખા હોય તો જ સુપેરે ઊંઘ આવે. તેમ સત્સંગમાં આવ્યા પછી ચારેય સ્વરૂપનું યથાર્થ મહાત્મ્ય સમજાય તો જ સુખિયા થવાય; નહિ તો દુઃખિયા રહેવાય. તેથી ‘મહિમાગીત’માં કહ્યું છે,
“મહારાજ-મોટા, સંતો-ભક્તો, પોતે પણ છે એક;
ચારેયનું જો મહાત્મ્ય, સમજે તો પહોંચે છેક.
ચાર સ્વરૂપનું મહાત્મ્ય, સમજવું જ પડશે;
ચારમાંથી એકેયનું જો, ઓછું હશે તો નડશે.”
એક પ્રશ્ન થાય કે, શ્રીજીમહારાજ સર્વાધાર, સર્વોપરી ભગવાન છે તો એમનું એકનું મહાત્મ્ય સમજીએ અને બીજાનું ન સમજીએ તો શું ન ચાલે ? ન ચાલે. રાજાનો મહિમા સમજે અને રાણી કે કુંવરનો મહિમા ન સમજે, તેમની સાથે જેમ તેમ વર્તવા માંડે તો શું ચાલે ? ન ચાલે. કારણ, તે સર્વેને રાજાનો સંબંધ છે માટે તેમનો પણ રાજાને લઈને યથાર્થ મહિમા સમજવો જ પડે. તેમ મહારાજ રાજાને ઠેકાણે છે, સત્પુરુષ રાણીને ઠેકાણે છે અને સંતો-ભક્તો રાજાના કુંવરને ઠેકાણે છે.
માટે ચારેય સ્વરૂપનો મહિમા સમજવો જ પડે, નહિ તો શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૩૧મા વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે જો ભક્તનો અવગુણ આવે તો વધતાં વધતાં મોટાપુરુષમાં પણ દોષ પરઠાય. છેવટે મહારાજ જો અવરભાવમાં દર્શન આપતા હોય તો અવળી બુદ્ધિએ કરીને તેમનામાં પણ દોષ દેખાય. માટે નિર્વિઘ્ને સત્સંગ પાર પાડવા અને અંતરે સુખિયા રહેવા ચારેય સ્વરૂપનું મહાત્મ્ય ફરજિયાતપણે સમજવું જ પડે.
 શ્રીજીમહારાજનું મહાત્મ્ય :
શ્રીજીમહારાજના સ્વરૂપનો મહિમા જ સર્વેથી મુખ્ય સમજવાનો છે. તેમનો મહિમા કેવો છે તેની વાત તેઓએ પોતે જ સ્વમુખે કહી સમજાવી છે :
શ્રીહરિ કહે સૌ સાંભળો, કહું મુજ સ્વરૂપ મહિમાય;
જે સુણી સૌ જીવને, અખંડ આનંદ થાય. ।।૧।।
સર્વોપરી હું એક છું, સર્વેનો હું કારણ;
પુરુષોત્તમ પરિબ્રહ્મ હું, મેં કર્યું તન ધારણ. ।।૨।।
કલ્યાણ કરવા આત્યંતિક, પમાડવા મમ સુખ;
દયા કરી હું આવ્યો છું, ચાલી તવ સનમુખ. ।।૩।।
પણ જે મૂરખ જીવ છે, તે માને નહિ લગાર;
કેવળ મનુષ્ય જેવો તે, જાણે મુને નિરધાર. ।।૪।।
પણ દિવ્ય સ્વરૂપ મારું, માને નહિ તે નર;
સાકાર સ્વતંત્ર હું જ છું, સર્વોપરી નટવર. ।।૫।।
એમ હું સદાય છું, સાકાર દિવ્ય સ્વરૂપ;
અક્ષર કોટિનો ઉપરી, બ્રહ્મકોટિનો ભૂપ. ।।૬।।
સર્વે કારણનો કારણ, સર્વનો શ્યામસુજાણ;
સર્વ નિયંતા હું જ છું, પ્રગટરૂપ પ્રમાણ. ।।૭।।
દિવ્ય હું સાકાર સદા, નિર્ગુણ પુરુષોત્તમ;
દયા કરી દર્શન દેવા, થયો આજ સુગમ. ।।૮।।
મારી મૂર્તિને વિષે, નથી ત્યાગ ભાગ લગાર;
જેમ સાકરના રસની, મૂર્તિ હોય શુભ સાર. ।।૯।।
તેમાં જેમ ત્યાગ ભાગ, નથી જાણો નિરધાર;
તેમ મારી મૂર્તિમાં, કિંચિત્‌ નહિ ફેરફાર. ।।૧૦।।
વળી કહ્યું જે, “જેના રોમસુછિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટિ ફરે” અર્થાત્‌ શ્રીજીમહારાજની એક કિરણમાં અનંતકોટિ અક્ષરરૂપી બ્રહ્માંડો અણુની પેઠે રહ્યા છે. વળી, ગઢડા પ્રથમના ૭૨મા વચનામૃતમાં પોતાનું સ્વરૂપ ઓળખાવતા કહ્યું છે કે, “અમે તો જેમ ક્ષરના આત્મા છે. તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, જેના એક એક રોમના છિદ્રને વિષે અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે.” તથા અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે, “તમને સર્વેને આજ ભગવાન મળ્યા છે તે તો સર્વના કારણ છે ને સર્વ અવતારના અવતારી છે.” તથા અમદાવાદના ૭મા વચનામૃતમાં કહ્યું છે, “સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં.” આવી રીતે શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત પોતાનો સર્વોપરી મહિમા સંતો-ભક્તોને સમજાવી દૃઢ કરાવતા.
સત્પુરુષનું મહાત્મ્ય :
શ્રીજીમહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં સદ્‌ગુરુ સંતોનો અપરંપાર મહિમા સમજતા. એક વખત સદ્‌. મુક્તાનંદ સ્વામી વિચરણમાં પધારવા રથમાં બિરાજ્યા હતા. હજુ ઘોડા હાંકનાર આવ્યા નહોતા. તક જોઈ શ્રીજીમહારાજ સ્વયં તે સ્થાન પર બિરાજી ગયા. સંતોએ ઘણી ના પાડી તો કહ્યું, “આવા સદ્‌. મુક્તાનંદ સ્વામી જેવા સદ્‌ગુરુ સંતોના સારથિ બનવાનું મળે ક્યાંથી ? એમની સેવા મળે ક્યાંથી ?” એમ સત્પુરુષનું મહાત્મ્ય સમજાવ્યું.
વળી, એક દિવસ શ્રીજીમહારાજે સદ્‌. મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “સ્વામી તમને આ તુંબડી સાંધતા આવડે ?” તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું, “ના મહારાજ...” ત્યારે મહારાજે કહ્યું, “સ્વામી, તમારા કાંડામાં એટલું જોર છે કે તમે કોઈને કાંડું ઝાલીને ફંગોળો (વર્તમાન ધરાવો) તો ઠેઠ મૂર્તિના સુખમાં મૂકી દો છો.” આ રીતે શ્રીજીમહારાજે સ્વમુખે પોતાના સત્પુરુષનો મહિમા પ્રસંગો દ્વારા સમજાવ્યો છે. સત્પુરુષ નિરંતર મૂર્તિમાં રહે છે. તેમના હાલનારા, ચાલનારા સર્વે ક્રિયાના કરનારા મહારાજ જ છે માટે સત્પુરુષનું પણ મહારાજના ભાવથી મહાત્મ્ય સમજવું એવું શ્રીજીમહારાજ સમજાવતા.
એક વખત સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી પાસે સમાધિનિષ્ઠ ઉપલેટાના લાલાભાઈ દર્શને આવ્યા હતા. તેમણે સદ્‌. ગુણાતીતાનનંદ સ્વામીને વ્યવહારસંબંધી વાત પૂછી. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ તેમને ‘થોડું ખર્ચ કરવું’ તેમ કહ્યું. પણ સ્વામીની વાતનો તેમને સહર્ષ સ્વીકાર ન થયો અને શંકા-કુશંકા થઈ તેથી વાત મનાઈ નહીં.
બીજા દિવસે તેઓ પોતાને ગામ ઉપલેટા પાછા વળ્યા. રાત્રે શ્રીજીમહારાજે દર્શન આપી ઠપકો આપ્યો જે, “તમે સ્વામીનાં વચનમાં શંકા કરી ને માન્યા નહિ પણ સ્વામીમાં રહીને અમે બોલ્યા હતા માટે મોટાપુરુષને પૂછવા જવું ત્યારે તે કહે તેમ કરવું.” આવી રીતે મહારાજ સત્પુરુષનું વચન ન મનાવાથી નારાજગી દર્શાવી અદૃશ્ય થઈ ગયા.
લાલાભાઈને પોતાની ભૂલ સમજાતા પારાવાર પસ્તાવો થયો કે મોટાપુરુષનું વચન ન માન્યું. તેથી તેઓ બીજા દિવસે ફરી જૂનાગઢ ગયા. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરી પગે લાગી માફી માંગી પ્રાર્થના કરતા કહ્યું કે, “હે સ્વામી ! મારાથી તમારું વચન મનાણું નહિ માટે માફ કરજો.” એમ પ્રાર્થના કરી સ્વામીને રાજી કરી પાછા ઉપલેટા પોતાના ઘરે ગયા.
સત્પુરુષ થકી જ મહારાજનું સુખ થાય છે ને પ્રીતિ થાય છે તે સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૪૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “એવી દૃઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થાવાનું કારણ છે.”
આમ, શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત મોટાપુરુષનું મહાત્મ્ય સમજાવતા.
વળી, જીવનપ્રાણ બાપાશ્રી પણ અનેક વાર મોટાપુરુષની દિવ્યતા, પ્રતાપ, સામર્થી, અલૌકિકતા વર્ણવી મોટાપુરુષનું ખૂબ મહાત્મ્ય સમજાવતાં. બાપાશ્રીએ એક વખત કહ્યું જે, “મોટાના સંકલ્પો તો અનંતકોટિ બ્રહ્માંડોને મૂર્તિના સુખમાં લઈ જાય છે.” એક દિવસ શાકનો એક પીતો હાથમાં લઈ કહ્યું જે, “આ એક પીતો જો કોઈ મોટાપુરુષને અર્પણ કરે તો તેને અનંત બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ (રાજીપો) મળે છે.”
આપણે પણ મહારાજ અને મોટાપુરુષના મહાત્મ્યસભર થઈએ.