હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 5

  June 1, 2020

દેહ-આત્માની વિક્તિ નોખી કેવી રીતે રાખવી ?
દેહ અને આત્મા એકબીજાથી તદ્દન ભિન્ન છે એવી સ્પષ્ટતા સમજ્યા પછી તેના જ્ઞાનપ્રકાશમાં સદંતર રહેવું. આપણા રોજિંદા વ્યવહાર તથા કામકાજ કરતી વેળાએ જાગૃતિમાં રહેવું જે, હું દેહ નથી, દેહથી નોખો છું. દેહાદિક ક્રિયા કે કાર્યો કરતી વેળાએ પણ આત્મા દેહથી નોખો જ છે તેના જાણપણામાં રહેવું પરંતુ દેહ સાથે ઓતપ્રોત બનીને ક્રિયા ન કરવી. આવી રીતે જ્યારે જ્ઞાનજાગૃતિમાં રહેવાય ત્યારે દેહ-આત્માની વિક્તિ નોખી રાખી કહેવાય.
અનાદિકાળથી આપણે દેહ અને આત્માને એક માનીને વર્તતા હોવાથી પ્રારંભિક તબક્કે વિક્તિ નોખી રાખવી અઘરી લાગવા છતાં અશક્ય તો નથી જ. વિક્તિ નોખી રાખવા શરૂઆતમાં અલગ સમય ફાળવી જ્ઞાનવિચાર કરવો જે, ‘હું દેહ નથી. મારું સ્વરૂપ તો દેહથી નોખું છે. હું તો મૂર્તિમાં રહેનારો અનાદિમુક્ત છું.’ હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, જમતાં સર્વે ક્રિયામાં અનુસંધાન રાખવું કે, ‘આ ક્રિયા કરનાર દેખાતો દેહ એ માત્ર ક્રિયા કરવાનું અને વિષય ભોગવવાનું સાધન છે. હું તેથી અલગ છું. દેહથી નોખો માત્ર આત્મા નહિ પણ અનાદિમુક્ત છું.’ આ પ્રૅક્ટિસ સતત કરવાથી મુક્તભાવ દૃઢ થાય જે વાત વિસ્તૃત  રીતે આગળ જોઈશું.
પરંતુ અહીં એવું સ્પષ્ટ રાખી વર્તવું કે, હું દેહ નથી ને દેહાદિક ભાવો મારે વિષે નથી. શ્રીજીમહારાજે સારંગપુરના ૧૨મા વચનામૃતમાં વિક્તિ નોખી કેવી રીતે રાખવી તે સમજાવી છે કે, “દ્રષ્ટા ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશે જુદાં જ છે, એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિષે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ, એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ; એ ગુણ તો આત્માને વિષે જ સમજવા.” આવી રીતે દેહથી આત્માની વિક્તિ નોખી રાખવી.
જમીનમાં વાવણી કરતા પહેલાં તેને ખેડવી ફરજિયાત છે. તેમ અનાદિમુક્તની સ્થિતિને પામતા પહેલાં દેહ-આત્માની વિક્તિ નોખી સમજવી ફરજિયાત છે.
દેહ-આત્માની વિક્તિ નોખી સમજવાની આવશ્યકતા
અનાદિમુક્તની સ્થિતિ પામવી એ આપણા સૌનું અંતિમ લક્ષ્ય છે. પરંતુ અનાદિમુક્તની સ્થિતિ પામતા પૂર્વે મુમુક્ષુ બનવું એ અતિ મહત્ત્વનું પ્રથમ પગથિયું છે. જેટલી મુમુક્ષુતા કેળવાય એટલા જ સ્થિતિથી ઢૂંકડા જવાય. મુમુક્ષુતા કેળવવા માટે સૌપ્રથમ હું કોણ છું ? તેની સ્પષ્ટતા અર્થાત્ દેહ-આત્માની વિક્તિ નોખી સમજવી ફરજિયાત છે. જેટલી વિક્તિ નોખી થતી જાય એટલું મુમુક્ષુતાનું પ્રગટીકરણ થતું જાય. સાધનકાળમાં રહેલા સાધનિકના માર્ગમાં સ્થિતિ સુધી પહોંચવામાં અનેક વિઘ્નો આવતાં હોય છે. જેમાં નિર્વિઘ્ને આગળ વધવા દેહથી પૃથક્ બની આત્મભાવ પર જવું શા માટે આવશ્યક છે તે સમજીએ.
૧. મુક્તભાવ પર ત્યારે જ પહોંચાય :
‘દેહ (શરીર) એ જ હું છું.’ એવા ખ્યાલમાં (અજ્ઞાનમાં) રહેવું એ દેહભાવ.
‘હું દેહ નથી, આત્મા છું.’ એવા ખ્યાલમાં રહેવું એ આત્મભાવ.
‘હું દેહ નથી, આત્મા પણ નથી, મૂર્તિમાં રહેનારો અનાદિમુક્ત જ છું.’ એ ભાવમાં રહેવું તેને મુક્તભાવ કહેવાય.
દેહનો અંત આવે કહેતાં દેહથી નોખા પડાય તો જ મુક્તભાવ સુધી પહોંચાય. સદ્. વૃંદાવનસ્વામીને ૮૨મી વાતમાં દેવરાજભાઈએ પ્રશ્ન પૂછ્યો “દેહનો અંત ક્યારે કહેવાય ? ત્રણ દેહથી જુદો પડીને મૂર્તિમાં જોડાઈ ગયો એટલે દેહનો અંત આવ્યો.”
એટલે કે પહેલાં દેહ-આત્માની વિક્તિ નોખી થાય પછી જ મુક્તભાવે મૂર્તિમાં જોડાઈ મૂર્તિના સુખ તરફ આગળ વધી શકાય.
જેમ વિમાનઘરથી વિમાનને ઊંચે ઊડવું હોય (Plane take of) તો તે પહેલાં વિમાનઘરના રન વે (Run way) પર વિમાન દોડાવવું ફરજિયાત છે. રન વે પર વિમાન દોડાવ્યા વિના સીધું ઊડવું (take off) અઘરું નહિ પરંતુ અશક્ય જ છે. ઊડવું (take off) અર્થાત્ વિમાનની ઊંચાઈ પર ઊડવાની સ્થિતિ. વિમાન પોતાની સ્થિર અવસ્થામાંથી સીધું ઊડી ન શકે; તે પહેલાં તેને Run way પર દોડવું જ પડે. તેમ મુક્તભાવ પર પહોંચતાં પહેલાં આત્મભાવ સમજવો જરૂરી છે. દેહાદિક અવસ્થામાંથી મુક્તભાવ પર સીધા પહોંચવું એ અશક્ય છે. તેના માટે દેહ-આત્માની નોખી વિક્તિ સમજવી જ પડે. એટલે જ શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થામાં અંતદૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશે ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. (મુક્તભાવ પર પહોંચે છે.) અને નારદ-સનકાદિક (અનાદિમુક્ત) જેવો સુખિયો પણ થાય છે.”
મહારાજના આ અભિપ્રાયથી એવું સાબિત થાય છે કે મુક્તભાવ પર પહોંચવાનો અધિકાર દેહની અંદર રહેલો જે આત્મા તેની પાસે જ છે. માટે મુક્તભાવ તરફ આગળ વધવા માટે દેહ-આત્માની વિક્તિ પ્રથમ સમજવી આવશ્યક છે.

દેહ-આત્માને જુદા સમજીએ, રાખીએ અને મુક્તસ્થિતિ પર પહોંચીએ.