મહાત્મ્ય - ૯

  December 13, 2021

 સંતો-ભક્તોનું મહાત્મ્ય :
સંતો-ભક્તોનું પણ શ્રીજીમહારાજ ખૂબ મહાત્મ્ય સમજતા અને સમજાવતા. કારિયાણીના ૯મા વચનામૃતમાં સંબંધમાં આવેલા સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવતાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ તેનો જે ભક્ત તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુ-પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે તો જે મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ-સ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે અને અવગુણ ન લે તેમાં શું કહેવું ?” અર્થાત્‌ મહારાજના સંબંધમાં આવેલા સંતો-હરિભક્તોનું ખૂબ મહાત્મ્ય સમજવું; તેમનો અવગુણ લેવો નહીં.
મહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાંય સંતો-હરિભક્તોનું ખૂબ મહાત્મ્ય સમજી સેવા કરતા અને સંતો-હરિભક્તો પાસે સેવા કરાવતા તથા સેવા કરનાર પર અત્યંત રાજીપો દર્શાવતા તથા ન કરનાર પર નારાજગી પણ દર્શાવતા.
એક વખત શ્રીજીમહારાજ ગઢપુરથી વિચરણમાં પધાર્યા હતા. એ વખતે સદ્‌. ચૈતન્યાનંદ સ્વામી અને સદ્‌. સચ્ચિદાનંદ સ્વામી સાલેમાળના જંગલમાંથી આવતા હતા. ત્યારે સદ્‌. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજના વિયોગના સમાચાર મળતા તત્કાળ સમાધિ થઈ ગઈ અને રસ્તામાં પડી ગયા. જોડે કોઈ બીજા મનુષ્ય પણ નહોતા અને વાઘ જેવા જંગલી જનાવરોની બીક તેથી સ્વામીને મૂકીને પણ જવાય નહીં.
સદ્‌. ચૈતન્યાનંદ સ્વામીએ પથ્થર વીણીને ઢગલો કર્યો અને ત્રણ દિવસ-રાત ઉજાગરો કરી સ્વામીની પાસે બેસી રહ્યા. પછી ચોથે દિવસે ગઢપુરમાં ખબર પડતા માણસો ખાટલો લઈ આવ્યા અને તેમાં સદ્‌. સચ્ચિદાનંદ સ્વામીને ઉપાડીને લઈ ગયા. સ્વામીની આવી સેવા કરવાથી મહારાજે તેમને સામે ચાલીને બોલાવ્યા, મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને કહ્યું કે, “આ ચૈતન્યાનંદ સ્વામીને હું એકાંતમાં બેઠો હોઉં તોપણ મારા દર્શનની કોઈ બંધી કરશો નહીં. અમે એમની ઉપર ખૂબ રાજી થયા છીએ.”
પછી તે વખતે શ્રીજીમહારાજે વાત કરી કે, કાનમ દેશમાંથી સદ્‌. વ્યાપકાનંદ સ્વામી સાથે સંતો અમારાં દર્શન કરવા આવતા હતા તેમાં બામણગામે સદ્‌. વ્યાપકાનંદ સ્વામી માંદા થયા તેથી માધવાનંદ સ્વામીને સ્વામીની સેવામાં રાખી બીજા સંતો ગઢપુર ભણી ચાલ્યા. એ વખતે માધવાનંદ સ્વામીને સંકલ્પ થયો જે બધાને મહારાજનાં દર્શન થશે ને મને નહિ થાય. તેમનો આ સંકલ્પ સદ્‌. વ્યાપકાનંદ સ્વામી અંતર્યામીપણે જાણી ગયા તેથી કહ્યું, “સ્વામી તમને મહારાજનાં દર્શને જવાનો સંકલ્પ હોય તો જાવ. હું છું ને મહારાજ છે.”
માધવાનંદ સ્વામી માંદા સદ્‌. વ્યાપકાનંદ સ્વામીને એકલા મૂકી ચાલવા માંડ્યા; તે સંતોની ભેળા થઈ ગયા. બધા સંતો દિવાળી નજીક ગઢપુર આવ્યા. મહારાજ અક્ષરઓરડીમાં બિરાજ્યા હતા તેથી પૂછાવ્યું કે સંતો દર્શન માટે આવે ?
ત્યારે મહારાજે કહ્યું, “સદ્‌. વ્યાપકાનંદ સ્વામીને માંદા એકલા મેલીને અમારાં દર્શને આવ્યા છે ને મને દર્શન કરી રાજી કરવો છે તે હું એમ રાજી નહિ થાઉં ને દર્શન નહિ દઉં. માટે સંતોને કહો જે પાછા જાવ.” મહારાજનાં આવા નારાજગીનાં વચન સાંભળી સંતો દર્શન કર્યા વગર પાછા સદ્‌. વ્યાપકાનંદ સ્વામી પાસે આવવા નીકળ્યા હતા. તેઓ બામણગામ પાછા આવ્યા ત્યારે તો સદ્‌. વ્યાપકાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા હતા. સંતોને મહારાજનાં દર્શન પણ ન થયા અને સ્વામીની સેવા પણ ન થઈ તેનો જીવનપર્યંત પસ્તાવો થયો. માંદા સંતની સેવાને અવગણનાર પર મહારાજે નારાજગી દર્શાવી, આ પ્રસંગ સંતની સેવાનું મહાત્મ્ય સમજાવે છે.
ઉકાખાચરને એવી સંતો-હરિભક્તોની સેવા કરવાનું વ્યસન હતું તો મહારાજ તેમની ઉપર અત્યંત રાજીપો દર્શાવતા. આ વાતો સદ્‌. અદ્‌ભુતાનંદ સ્વામીએ તેમની ૨૧૧મી વાતમાં જાતે અનુભવી, સાંભળીને લખી છે.
સંતો-હરિભક્તોનું મહાત્મ્ય સમજવું અને ગમે તેવી સ્થિતિને પામીએ તોપણ તેમની ગૌણતા ન થવા દેવી તેવું સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે ને એવો સમર્થ થયો છે તોપણ એ આત્મદર્શન થકી ભગવાન ને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય.” ગમે તેવી સ્થિતિ થાય તોપણ સંતનું મહાત્મ્ય તેનાથી અધિક સમજવું.
આવી રીતે સંતો-હરિભક્તોનું ખૂબ મહાત્મ્ય સમજવું અને મહાત્મ્ય સમજતા કોનો કેવો વિવેક રાખવો તે વાત પણ સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો ઝાઝું સમજવું નહિ; કેમ જે, એ મહાત્મ્યને મિષે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે, માટે મહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું, જે એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક-ન્યૂનપણે મહાત્મ્ય લેવું નહિ અને જો અધિક-ન્યૂનપણે મહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે.”
આવી રીતે શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોનું મહાત્મ્ય સમજતા અને સમજાવતા.
 સ્વ-સ્વરૂપનું મહાત્મ્ય :
સ્વરૂપનિષ્ઠા સમજ્યા પછી સ્વ-સ્વરૂપને ઓળખવું જ પડે. દેહથી આત્મા નોખો છે તે ન સમજાય તો સત્સંગમાં કાચું રહી જાય તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૫મા વચનામૃતમાં કહ્યું છે કે, “પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે.” તેથી શ્રીજીમહારાજ અવારનવાર સંતો-હરિભક્તોને સ્વ-સ્વરૂપનો ખ્યાલ કરાવતા. દેહથી આત્માની નોખી વિક્તિ સમજાવતા અને પછી મુક્તભાવ દૃઢ કરાવતા.
એક વખત શ્રીજીમહારાજ ડાંગરવા વેણીદાસ પટેલને ત્યાં પધાર્યા હતા. સભામાં જતનબા આદિક બાઈઓ આવીને બેઠાં હતાં. શ્રીજીમહારાજ પોતાના આશ્રિતમાત્રમાં સ્વ-સ્વરૂપનું મહાત્મ્ય દૃઢ થાય તે માટે બાઈ હરિભક્તોને પણ આ સમજણ દૃઢ કરાવતા. શ્રીજીમહારાજે જતનબાને સ્વ-સ્વરૂપની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “જતનબા તમે વેણીદાસના પુત્રી નથી. ડાંગરવાના વતની નથી. પટેલ તમારી જ્ઞાતિ નથી. જતનબા તમારું નામ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનો બનેલો પંચભૂતનો દેહ એ તમે નથી. તમને અમારા સિવાય કોઈ મોહ પમાડનાર નથી. તમારે માથે કાળ, કર્મનો ભય પણ નથી. હે જતનબા ! તમે ‘एकमेवाद्वितीयब्रह्म’ છો એટલે કે અમારા રૂપ, અમારા અનાદિમુક્ત છો. તમારું શરીર અને આત્મા બેયનો ક્ષેત્રજ્ઞ હું છું. માટે તમને અમારી મૂર્તિનું ઉત્તમ સુખ છતે દેહે આપીશું.” આવી રીતે શ્રીજીમહારાજ પોતાના આશ્રિતોને સ્વ-સ્વરૂપની દૃઢતા કરાવતા.
ચારેય સ્વરૂપની પૂરી દૃઢતા થાય ત્યારે જ સ્થિતિના માર્ગે આગળ વધી શકાય. ચારેય સ્વરૂપના મહાત્મ્યસભર થઈ જે સત્સંગ થાય તે જ જીવંત સત્સંગ છે. જ્યારે મહાત્મ્ય વગરનો સત્સંગ મૃતઃપ્રાય બની જાય છે. સમજણ અને વિવેકપૂર્ણ રીતે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું એ આધ્યાત્મિક માર્ગમાં સાધનિક માટે અવરભાવનું યથાર્થ સુખ છે.
ચારેય સ્વરૂપનું અવરભાવનું મહાત્મ્ય સમજવાની સાથે સાથે દેખાતો અવરભાવ એ તો દેખાવામાત્ર છે, નાશવંત છે, ખોટો છે. માટે પરભાવનું ખરું મહાત્મ્ય સાથે સાથે સમજવું તથા અવરભાવ અને પરભાવનું બૅલેન્સ કરવું. ત્રાજવામાં બાટ (વજનિયું) અને વસ્તુનું બૅલેન્સ કરીએ છીએ તેમ સત્સંગમાં અવરભાવ અને પરભાવનું બૅલેન્સ કરવું.
ચારેય સ્વરૂપનો અવરભાવ દેખાવા છતાં પરભાવ જ સાચો છે એવી પરભાવની દૃઢતા કરવા માટે પાંચમો દેખાતા સ્થળ-સ્થાનને વિષેથી પણ અવરભાવ ટાળી પરભાવ દૃઢ કરવો જ પડે એટલે કે મહારાજ, મોટાપુરુષ, સંતો-ભક્તો બધા પરભાવમાં છે; મને પણ પરભાવમાં રાખ્યો છે. પરભાવમાં એક મહારાજની મૂર્તિ જ છે. કોઈ સ્થળ કે સ્થાન નથી એવી રીતે દેખાતા સ્થાનને વિષેથી પણ અવરભાવ ટાળી પરભાવ દૃઢ કરવો. જેમ કે, ‘આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી.’ બસ, મહારાજ સદા પરભાવમાં જ છે અને મને પણ પરભાવમાં-મૂર્તિમાં જ રાખ્યો છે.
આવી રીતે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું જ પડે તો જ સદાય સુખ અને આનંદમાં રહેવાય.