વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-૨

  February 24, 2020

વખાણની આ ઇચ્છાને સંતોષવા ઊપસવાના પણ પ્રયત્ન થાય. કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તેની પ્રશંસા થતી હોય એ વખતે આપણે પણ જો તેવું કાર્ય કર્યું હોય તો સાહજિક રીતે બધાને આપણા કાર્યની ખબર પડે અથવા કોઈ નોંધ લે તેવા ઊપસવાના પ્રયત્નો પણ થાય. ખરેખર આપણે કરેલી સેવા કે સત્સંગ ભગવાનના સુખને પામવા કર્યા હોવા છતાં રસ્તો ભુલાઈ જાય.
એક વખત એક સંત એક ગામમાં વિચરણાર્થે પધાર્યા હતા. ગામના મંદિરમાં સાંજે સભાનું આયોજન ગોઠવાયું હતું. સભાનો સમય થતાં ગામવાસીઓથી મંદિર ચિકકાર ભરાઈ ગયું. સખત ગરમી હોવાથી મંદિરમાં બધા જ પંખા ચાલુ કરીને સૌ હરિભક્તો બેઠા હતા.
કીર્તનભક્તિ બાદ વડીલ સંતની સભાનો પ્રારંભ થયો. સભાજનો સૌ કથાવાર્તા સાંભળવામાં મશગૂલ હતા. અચાનક એક હરિભક્તે ઊભા થઈ મંદિરની  વચ્ચેનો પંખો બંધ કરી દીધો. કથાકાર સંત તેમજ શ્રોતાગણ સૌની નજર તે હરિભક્ત તરફ મંડાઈ. સંતે પૂછયું, “ભાઈ, અત્યારે ખૂબ ગરમી છે. સભા પણ ચાલુ છે તો તમે શા માટે પંખો બંધ કર્યો ?” હરિભક્તે કહ્યું, “સ્વામી, આપ હમણાં સભામાં વાત કરતા હતા કે મંદિરમાં સેવા કરવી જોઈએ. તો જે પંખો બંધ કર્યો છે તેની સેવા મેં કરી છે. એની ઉપર મારું નામ લખેલું છે. પંખો ચાલુ હોય તો તમને નામ કેવી રીતે વંચાય ? નામ વંચાય તેથી પંખો બંધ કર્યો છે.” હરિભક્તને પોતે કરેલી સેવાની બધાને ખબર પડી ત્યારે શાંતિ થઈ.
તે હરિભક્તને પોતાની સેવાની નોંધ લેવાય, વખાણ થાય તેવી ઇચ્છા હતી તો કોઈના પૂછ્યા વગર પોતાના કાર્યને ઉપસાવવા પ્રયત્ન કર્યો. ખરેખર તે હરિભક્તે સેવા ભગવાન અને સંતોને રાજી કરવા માટે જ કરી હતી. તેમ છતાં વખાણની ઇચ્છાએ તેમની સેવાનો ઇશક બદલાવી નાખ્યો.
સત્સંગમાં આવ્યા પછી સેવા, ભજન-ભક્તિ, શ્રવણ-કીર્તનાદિક નવધાભક્તિ બધા કરે છે તેમ છતાં તેમાં બે ભેદ જોવા મળે છે. કેટલાક વખાણની, નામની, પ્રશંસાની, મનાવાની, પૂજાવાની, વાહવાહ કરવાની ઇચ્છાથી બધું કરે છે.
હંમેશાં વખાણ દેહનાં કે દેહના કાર્યનાં થાય છે. તેથી જેને વખાણની ઇચ્છા રહે તેવા દેહધારીની સેવા, ભજન-ભક્તિમાં બાહ્ય ઉદ્ઘોષ ઘણો જણાતો હોય. લોકો તેમની સેવા કરવાની પદ્ધતિ, કાર્યકુશળતા, કથા કરવાની છટા, આવડત, ચાતુર્યતાથી ઘણા પ્રભાવિત થઈ જતા હોય. પણ જેની દ્રષ્ટિ એકમાત્ર મૂર્તિના સુખ તરફ મંડાયેલી હોય તેવા મુમુક્ષુના જીવનમાં કોઈ બાહ્ય ઉદ્ઘોષ ન હોય. તે આત્મરંજનમાં ડૂબેલો રહી માંહી વધવા માટે સત્સંગ કર્યા કરે. સેવા કે નવધાભક્તિ કોઈને દેખાડવા માટે ન કરે. એકમાત્ર મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાની અને રાજીપાના બદલામાં આત્યંતિક કલ્યાણ કહેતાં મૂર્તિનું સુખ પામવાની જ ઇચ્છા હોય.
શ્રીજીમહારાજે તેથી જ પોતાના ભક્તજનને ઉપદેશ આપતાં ગઢડા મધ્યના ૪૧મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને તે સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને કરવી, પણ કોઈ વખાણે તે સારુ ન કરવી.”
તથા ગઢડા છેલ્લાના ૬ઠ્ઠા વચનામૃતમાં નવધાભક્તિ કરવાની રીત શીખવતાં કહ્યું છે કે, “ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધાભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે, પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે.”
ઘણી વાર સત્સંગમાં સેવા કે ભજન-ભક્તિ આદિક સાધન કરવામાં નામની, માનની, હારની, પ્રશંસા-વખાણની ગર્ભિત ઇચ્છા રહેલી હોય છે. ભલે સ્પષ્ટ રીતે કોઈ તેવું જણાવે નહિ પણ માંહી રહેલી વખાણની ઇચ્છાને બીજા શબ્દોથી પ્રયોજે. જેમ કે, બધાને મોટિવેટ કરવા જોઈએ, રાજીપો દર્શાવવો જોઈએ, ગુણાનુવાદ ગાવા જોઈએ. ઘણી વાર કોઈના ગુણાનુવાદ ગવાતા હોય તો મારા પણ ગવાય એવી ઇચ્છા રહે તે પણ વખાણની જ ઇચ્છા છે.
વખાણ, ગુણાનુવાદ, પ્રોત્સાહન આ બધા શબ્દો જુદા છે. તેના ભેદને સમજીએ.
વખાણ : કરેલાં કાર્ય કે સેવાની કોઈ નોંધ લઈ કાર્ય કરનારને બિરદાવવા માટે તથા તેને ફુલાવવા માટે જે કાંઈ પણ સારા લાગે તેવા શબ્દો બોલે તેને વખાણ કહેવાય.
વખાણમાં બહુધા ઔપચારિકતા જોવા મળતી હોય છે. તે ક્યારેક પોતાના સ્વાર્થ સાધવા થતા હોય છે. જેના વખાણ થાય તેમને કોઈ ફાયદો થતો નથી; બહુધા અહંકારની પુષ્ટિ જ થાય, દેહભાવનો વધારો જ થાય માટે તે ન ઇચ્છવા.
ગુણાનુવાદ : કોઈ જીવનની સારી બાબત, ગુણો કે સ્વભાવ જોઈ તેમનો મહિમા સમજવો અને તેમનામાંથી પ્રેરણા લેવાના ભાવથી તેને દિવ્યભાવથી ગાવા તેને ગુણાનુવાદ કહેવાય.
ગુણનો ભંડાર એકમાત્ર મહારાજ છે. તેથી સૌમાં જે કાંઈ ગુણ દેખાય છે તે મહારાજના જ છે. તેથી સૌમાં મહારાજનાં દર્શન કરી તે ગુણને અહોભાવ સાથે ગાવાથી મહિમાઆકારે થવાય, જીવનપરિવર્તન થાય.
પ્રોત્સાહન : કોઈ પણ કાર્ય કે સેવા-પ્રવૃત્તિ અંગે ઉત્સાહ જગાવવા કે નકારાત્મકતાને દૂર કરવા તેમને હકારાત્મક વચનો કહી આગળ વધવાની પ્રેરણા આપવી તેને પ્રોત્સાહન કહેવાય. સામાન્ય રીતે પ્રોત્સાહન એટલે ઉત્સાહપ્રેરક હિંમત કહેવાય.
પ્રોત્સાહનથી ઉત્સાહ જાગૃત થાય પરંતુ જો ન મળે તો દુ:ખી પણ થઈ જવાય માટે તેની ઇચ્છા પણ ન રાખવી.

હંમેશાં પ્રલોભન, પ્રશંસા, વખાણ, પ્રોત્સાહનથી દૂર રહી એકમાત્ર રાજીપાના ઇશકથી આગળ વધ્યા કરીએ.