વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-7

  March 30, 2020

‘મા’ બાળકને ન ગમે તોપણ તેને રોકેટોકે, વઢે, ક્યાંક ધોલધપાટ પણ કરે. કારણ, ‘મા’ને બાળકનું એકમાત્ર હિત જ કરવું છે. તેમ સત્પુરુષ સત્સંગ સમાજની ‘મા’ છે. તેઓ કોઈને ગમે કે ન ગમે તોપણ અળખા થઈને જોગમાં આવનારને મહારાજ અને મોટાના ગમતામાં વર્તાવવા, ધર્મમાં વર્તાવવા રોકટોક કરે જ; તેને જો અક્ષરાનંદ સ્વામીની જેમ સવળી ગ્રહણ કરે તો મોક્ષ માર્ગનાં વિઘ્નમાત્ર ટળી જાય અને ન ગમે તો સત્સંગમાંથી વિમુખ પણ થાય.
રોકટોક કરી જીવને પાછો વાળવાનો પરવાનો શ્રીજીમહારાજે સત્પુરુષને આપ્યો છે. પોતાના આ સંકલ્પથી જ સત્પુરુષને આ બ્રહ્માંડમાં મોકલ્યા છે. પરંતુ જીવની અવળાઈ છે તે સત્પુરુષની રોકટોકથી પોતાના સ્વભાવ, કસરને મૂકવાને બદલે સત્પુરુષને પોતાના જીવનમાંથી એક બાજુ મૂકી દે છે. જેના થકી મોક્ષ પામવાનો છે એવા મોક્ષના દ્વાર સમા સત્પુરુષનો પણ અભાવ આવે છે.
સદ્. શુકસ્વામી અને સદ્. ગુણાતીતાનંદ સ્વામીને પરસ્પર અતિશે હેત હતું. શ્રીજીમહારાજ અંતર્ધાન થઈ ગયા પછી એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સદ્. શુકસ્વામીને જૂનાગઢના નાઘેર બાબરિયાવાડ વિસ્તારમાં પધારવા વિનંતી કરી. તેથી શુકસ્વામી પોતાના મંડળે સહિત આ વિસ્તારમાં વિચરણ માટે પધાર્યા હતા.
હરિભક્તો અતિ હેતવાળા અને પ્રેમી. શુકસ્વામી વર્ષો સુધી શ્રીજીમહારાજની નિકટ સેવામાં રહેલા તેથી હરિભક્તોને તેમની પાસેથી મહારાજનાં લીલાચરિત્રો સાંભળવાની અતિશે તાણ રહેતી. તેથી સૌ સ્વામીને પોતાના ગામમાં વધુ રોકાવા આગ્રહ કરતા. પરંતુ શુકસ્વામીના એક મોટેરા શિષ્યને જલદી કાર્તિક સમૈયો આવતા પહેલાં વડતાલ પહોંચવું હતું. તેથી ક્યાંય સ્વામીને રોકાવા જ ન દે. ક્યારેક ઉદ્ધતાઈભર્યું વર્તન કરી હરિભક્તોને અને સ્વામીને તોછડાઈથી બોલવા માંડતા. તેથી સ્વામી ખૂબ દુ:ખી થઈ આગળ પધારી જતા.
શુકસ્વામી વિચરણ કરતાં કરતાં સેંજણ ગામ પધાર્યા. ત્યાંના ગામધણી દરબાર માણશિયા ખુમાણ આત્મનિવેદી ભક્ત હતા. શુકસ્વામી પધાર્યા એ અરસામાં તેમનો દીકરો ધામમાં ગયો હતો. તેથી સમગ્ર દરબારગઢ શોકમગ્ન હતો. સ્વામી પધાર્યા એટલે સૌને થયું : સ્વામીના મુખ થકી કથાવાર્તા સાંભળી શોકને હળવો કરીશું. તેથી સ્વામીને વધારે દિવસ રોકાવા આગ્રહ કર્યો. પણ મોટેરા શિષ્યએ રોકાવા દીધા નહીં.
દરબાર માણશિયા ખુમાણ ખૂબ મહિમાવાળા હતા. તેથી શુકસ્વામી સાથેનું તેમના શિષ્યનું ઉદ્ધતાઈભર્યું વર્તન તેમને ન રુચ્યું. તેઓએ જૂનાગઢ જઈ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને આ અંગે વાત કરી.
શુકસ્વામી મંડળે સહિત વડતાલ પધાર્યા એ પહેલાં આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ પાસે શુકસ્વામીના શિષ્યની ઘણી ફરિયાદો આવી હતી. તેથી મહારાજશ્રીએ ઠપકો આપ્યો કે, “અહીં તમારા વિના શું અટકી પડતું હતું તો તમે સ્વામીને આટલી ઉતાવળ કરી લઈ આવ્યા ? અમારે હરિભક્તોની કેટલી રાવ સાંભળવી પડી.” મહારાજશ્રીની ટકોર તેમને ગમી નહિ પણ તેમની આગળ કશું બોલી શક્યા નહીં.
થોડા દિવસમાં પાછું બળતામાં ઘી હોમાયું. સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ વડતાલ સમૈયામાં પધાર્યા. તેમણે પણ શુકસ્વામીના શિષ્યને ટકોર કરી કે, “શુકસ્વામી તમારા ગુરુ છે, તમારે એમની આજ્ઞામાં રહેવું જોઈએ, એને બદલે તમે હુકમ ચલાવો છો. આ જોઈ મહારાજ રાજી ન થાય.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીની આ હેતભરી સાચી ટકોર પણ શુકસ્વામીના શિષ્યને આકરી લાગી અને અવળી પડી. સદ્. ગુણાતીતાનંદ સ્વામીનો માંહીથી અભાવ આવી ગયો. અંતરમાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીને હેરાન કરવાના, હલકા પાડવાના વિચારના બીજ વવાઈ ગયાં.
શ્રીજીમહારાજે લોયાના ૧લા વચનામૃતમાં ધર્મવાળા સંતની રોકટોક ન ખમાય તે દર્શાવતાં કહ્યું છે, “સંત છે તે તો ધર્મવાળા છે તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતાં આવડે નહિ ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહિ ત્યાં સુધી મહાત્મ્ય રહે ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે.”
વડતાલ છાવણીમાં સૌ કથાવાર્તાનો લાભ લઈ આનંદમગ્ન બનતા હતા. પરંતુ શુકસ્વામીના શિષ્યને બળતરા શમતી ન હતી. તેથી ગમે તેમ કરી સદ્. ગુણાતીતાનંદ સ્વામીને ભરસભામાં ઠપકો અપાવવાનું કાવતરું કર્યુ.
શુકસ્વામીના શિષ્યએ એક બ્રહ્મચારીને સાથે લઈ બારસના દિવસે વાળંદ પાસેથી સદ્. ગુણાતીતાનંદ સ્વામીના કેશ (વાળ) અને નખ મગાવ્યા. સભા વચ્ચે સદ્. ગુણાતીતાનંદ સ્વામીનું ભૂંડું દેખાડવા બ્રહ્મચારી પાસે આચાર્યશ્રી સમક્ષ બોલાવડાવ્યું કે, “આ જૂનાગઢના જોગી ભગવાન થઈ પૂજાય છે. લોકોને વાળ અને નખ પૂજવા આપે છે. આવું ક્યાં સુધી ચલાવવાનું ? આ રહ્યો તેનો પુરાવો.” તેમ કહી નખ અને કેશ બતાવ્યા. આવી રીતે સદ્. ગુણાતીતાનંદ સ્વામી પર આક્ષેપો મુકાયા. આ બનાવના મુખ્ય સૂત્રધાર શુકસ્વામીના શિષ્ય હતા.
બાંધકામમાં આર.સી.સી. કામ ચાલતું હોય તો તેમાં વાઇબ્રેટરથી માલ ખાંચવામાં આવે છે. જો વાઇબ્રેટર ન હોય તો ક્યાંક પોલાણ રહી જાય અને ભવિષ્યમાં ઇમારત પડે. જેટલું વધુ વાઇબ્રેટર વાપરે એટલું બાંધકામ નક્કર થાય. તેમ સત્સંગમાં પણ મોક્ષરૂપી ઇમારત ચણવામાં મોટાપુરુષ રોકીટોકી, તિરસ્કાર કરી કે વઢવારૂપી વાઇબ્રેટર વાપરી મુમુક્ષુનું જીવન નક્કર બનાવે છે, સત્સંગમાં મજબૂત બનાવે છે.
જે સત્સંગમાં મનમુખીપણે વર્તવા જ ટેવાયેલા હોય, વખાણ અને પ્રશંસા જ ગમતાં હોય, પૂર્વાગ્રહની ગાંઠો બાંધીને બેઠા હોય, હું સમજું છું, પૂર્ણ જ છું એવા અહંકારના ખ્યાલમાં રાચતા હોય, નરી દેહદ્રષ્ટિએ જ વર્તતા હોય, મોટાપુરુષના વચનનો સ્વીકાર જ ન હોય તેવાં પાત્રો માટે મોટાપુરુષ સ્વતંત્ર હોવા છતાં રોકટોક ને વઢવારૂપી વાઇબ્રેટર વાપરી શકતા નથી. પોતે ઓશિયાળા અને ઉદાસ થઈ સંકલ્પ ટૂંકાવે છે પણ આવા હોય તેને રોકટોક કરી શકતા નથી.
મોટાપુરુષ કે કોઈ સંતો-ભક્તો રોકટોક કરે ત્યારે તેમાં દુ:ખી થઈ જવાનું, ઓશિયાળા થવાનું મોટું કારણ આપણું મનધાર્યું મૂકવું પડે તે જ છે. દેહના દુ:ખ કરતાં પણ મનધાર્યું મૂકવું પડે તેનું દુ:ખ વધુ લાગે છે. મરવા કરતાં પણ મનગમતું મૂકવાનું દુ:ખ વધુ લાગે છે. એમાં પણ જો પોતાને સત્સંગમાં અધિક વર્તાતું હોય ને ટોકે તો અતિશે દુ:ખ લાગે છે. આધ્યાત્મિક માર્ગ જ મનમુખી મટી ગુરુમુખી થવાનો છે. માટે સત્સંગમાં પહેલા જ દિવસથી એવું નક્કી થઈ જાય કે હું સત્સંગમાં મનધાર્યું કરવા નહિ, મૂકવા આવ્યો છું. તો સહેજે સહેજે રોકણી-ટોકણી ખમાય. તેમાં કોઈ મનનો ભીડો પણ ન લાગે કે મૂંઝવણ પણ ન લાગે.

આપણું ગમતું, ધાર્યું મૂકી, ઠરાવો મૂકી મોટાપુરુષ અને સૌની આગળ સાવ સરળપણે વર્તીએ.