વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 13

  September 27, 2021

બ્રહ્માનંદી થવા આપણે  ત્રણ ઉપાય જોઈએ.
૧. જીવનધ્યેયની સ્પષ્ટતા કરવી :
મનુષ્યજન્મમાં મળેલા આ કારણ સત્સંગ અને મળેલા દિવ્યપુરુષનું તાત્પર્ય શું ? તો છતે દેહે દેહભાવ ટાળી મૂર્તિસુખના અનુભવી થવું અર્થાત્ બ્રહ્માનંદી થવું.
કોઈએ વિદેશમાં ડૉલર કમાવવા જવાનો ધ્યેય નક્કી કર્યો હોય તો તેની સર્વે ક્રિયામાં કેમ કરીને ડૉલર મળે ? એટલું જ નહિ, શું કરું તો વહેલામાં વહેલા અને વધુમાં વધુ ડૉલર મળે તેવા વિચારોમાં મગ્ન રહે. તથા તેના માટેના જ પ્રયત્ન કર્યા કરે. તેમ જીવનનો એક ધ્યેય બંધાઈ જાય કે મારે બ્રહ્માનંદી થવું જ છે તો તેની સર્વે ક્રિયા આ લક્ષ્યની પૂર્તિ માટેની જ બની જાય. માટે પ્રથમ બ્રહ્માનંદી બનવા માટે જ મહારાજ આપણને આ કારણ સત્સંગના દિવ્ય યોગમાં લાવ્યા છે. હવે મારું લક્ષ્ય એકમાત્ર આ જ છે. આ સિવાય મારા જીવનમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. બસ ગમે તેમ કરી મૂર્તિનું સુખ પામવાનું જ છે. આ ધ્યેય જેટલો સ્પષ્ટ થાય એટલો બ્રહ્માનંદી થવા વધુ ને વધુ પ્રયત્ન થાય.
૨. મહારાજના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી :
બ્રહ્માનંદી એટલે સદા બ્રહ્મના આનંદમાં રાચવું. તે માટેનો પ્રારંભ હાલતાં-ચાલતાં સર્વે ક્રિયાને વિષે મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાથી કરવો. પંચવિષય મનની વૃત્તિએ કરીને જ ભોગવાય છે તેથી પ્રથમ મહારાજના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવાથી પંચવિષય ભુલાતા જાય અને મહારાજમાં સ્નેહ થતો જાય. નિરંતર મહારાજનું સ્મરણ થવાથી મૂર્તિમાં અતિશે સ્નેહ થશે.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દૃઢ સ્થિતિ થાય છે.”
મને કરીને મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાથી વિચારોની ચંચળતા ટળે છે. તેથી ઇન્દ્રિયો-અંત:કરણની પણ વિષય કોરની ચંચળતા ટળે છે અને મહારાજના સ્વરૂપમાં સ્નેહ વધે છે, જે અતિશય સ્નેહ સુધી લઈ જાય છે. આથી, શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૩૧મા વચનામૃતમાં અભિપ્રાય જણાવ્યો છે, “બ્રહ્મના (મૂર્તિના) મનને કરીને જ બ્રહ્મના ગુણ આવતા જાય છે.”
૩. જગતસુખથી વૃત્તિને પાછી વાળી દેવી :
જગત આખામાં દેહધારી જીવો દેહનાં પંચભૂતાત્મક સુખ સારુ રચ્યાપચ્યા રહે છે. તેમને માયાની પુષ્ટિ થાય તેવી જ ક્રિયા ગમે અને પોતાના સંગમાં આવનારને પણ તે માટે જ પ્રેરે. અવરભાવમાં સત્સંગના યોગમાં આવનારને પણ દેહધારી જીવો પોતા તરફ જ ખેંચે છે. મુમુક્ષુ તરીકે બ્રહ્માનંદી થવા તરફ લક્ષ્ય હોય તો તેમાં લેવાઈ કે લોભાઈ જાવું નહીં. જગતસુખથી વૃત્તિઓ પાછી વાળી લેવી.
બોટાદના શિવલાલભાઈ નાની ઉંમરે ઘરભંગ થયા હતા. તેમના પિતા ભગા શેઠ તેમને બીજી વખત વ્યવહારમાં પડવા સમજાવતા હતા. પરંતુ શિવલાલ શેઠને સંસારનું સુખ અસાર થઈ ગયું હતું, વૃત્તિઓ પાછી વળી ગઈ હતી તેથી તેઓ ના પાડતા હતા.
આ અરસામાં આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ બોટાદ પધાર્યા હતા. તક જોઈ ભગા શેઠે આચાર્યશ્રીને શિવલાલભાઈને બીજા લગ્ન માટે સમજાવવા વાત કરી. શિવલાલભાઈ આચાર્યશ્રીનાં દર્શને આવ્યા. આચાર્યશ્રીએ એકાંતમાં બેસાડી કહ્યું, “શિવલાલ, તું ને હું ગુરુ-ચેલા. તેથી તારે મારી વાત માનવી જોઈએ.”
શિવલાલભાઈ કહેવાનો મર્મ સમજી ગયા તેથી કહ્યું, “સાચી વાત છે. પણ ક્યારેક ગુરુએ પણ ચેલાની વાત માનવી પડે. હું તમારી વાત માનીશ. તમે મારી વાત માનજો.” “હા જરૂર.” તેમ કહી આચાર્યશ્રીએ કહ્યું, “શિવલાલ, તારી નાની ઉંમર છે; વળી વ્યવહાર મોટો છે માટે મારું માની તું બીજાં લગ્ન કર.” શિવલાલભાઈએ વળતા જવાબમાં કહ્યું, “રાજી રહેજો મહારાજશ્રી, આપ પણ નાની ઉંમરે વિધુર થયા છો તો શરત પ્રમાણે મારી વાત માની પહેલાં આપ લગ્ન કરો. કારણ, તમારે કોઈ વડતાલની ગાદી પર બેસનાર વંશ-વારસ નથી માટે આપ લગ્ન કરો, પછી હું કરીશ.”
આચાર્યશ્રીએ કહ્યું, “શિવા, તું શું વાત કરે છે ? આવા મહારાજ મળ્યા, એમનો બ્રહ્મરસ ચાખ્યો; હવે સંસારની ખાટી છાશ હું શીદ પીઉં ?” ત્યારે શિવલાલભાઈએ કહ્યું, “તો મને શા વાસ્તે આગ્રહ કરો છો ?” આચાર્યશ્રીએ કહ્યું, “શિવા, આ બાબતમાં તારે મારું ન માનવું ને મારે તારું ન માનવું.”
શિવલાલભાઈને બ્રહ્માનંદી બનવાનું લક્ષ્ય બંધાયું હતું તો સંસારથી વૃત્તિઓ પાછી વળી ગઈ. કોઈની મોબતમાં ન લેવાયા; સંસારનાં સુખ ખાટી છાશ જેવાં લાગ્યાં. ‘આ મારા માટે નથી’ તેમ જ વર્તતું હતું. મહારાજનું સુખ જ ઉત્તમ લાગ્યું હતું ત્યારે તેઓ બ્રહ્માનંદી બની ધ્યાનમાં મહારાજની મૂર્તિનું ઉત્તમ સુખ પામી શક્યા.
ચાલો , આપણે પણ શિવલાલભાઈની જેમ બ્રહ્માનંદી થઈએ.