વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 9

  August 30, 2021

ચાલો ત્યારે વિષયમાંથી પ્રીતિ ટાળવાના ઉપાય ટાળવાના ઉપાય જોઈએ : નદીઓના પ્રવાહ દરિયા સન્મુખ ચાલે છે તેને ઠેલવા પડતા નથી તેમ જીવાત્માને પંચવિષય તરફ વહેવાના સાહજિક ઢાળને કારણે વગર કર્યે સહેજે જ પંચવિષયમાં પ્રીતિ થાય છે. પંચવિષયના ભોગની તૃષ્ણા, અતિ તીવ્રતા વધુ ને વધુ તેના આશિક બનાવે છે, વિષયમાં પ્રીતિ વધુ દૃઢ બનાવે છે. જે મોક્ષ માર્ગમાં પરમ બાધારૂપ નીવડે છે. સદ્. ગોપાળાનંદ સ્વામીએ ૩૬૯મી વાતમાં કહ્યું છે, “પંચવિષય છે તે જીવને મુક્ત થવા દેતા નથી ને બદ્ધ ને બદ્ધ રાખે છે; માટે તેમને જીત્યા વિના મુક્ત થવાય નહીં.” તેથી મોક્ષ માર્ગમાં મુમુક્ષુતા પ્રગટાવવા બ્રહ્માનંદી થઈ મુક્તભાવ કેળવવા પંચવિષયમાંથી પ્રીતિ ટાળવી ફરજિયાત છે માટે તેના ઉપાય કરીએ.
મહારાજના સ્વરૂપનું અને સ્વ-સ્વરૂપનું મહાત્મ્ય સમજવું :
જેને ચિંતામણિ મળી જાય તેને અવરભાવના કોઈ પદાર્થમાં મોહ ન રહે. તેમ શ્રીજીમહારાજનું સર્વાવતારીપણું, સર્વોપરીપણું સમજાય ત્યારે યથાર્થ મહાત્મ્ય સમજાય તથા એવા રાજામહારાજાધિરાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, મને એમના જેવો પુરુષોત્તમરૂપ કર્યો છે એવું બેય સ્વરૂપનું મહાત્મ્ય વિષયમાંથી આપમેળે જ પ્રીતિ ટળાવી નાખે છે. કેવા વિચારથી વિષયમાંથી પ્રીતિ ટાળવી તેની અદ્ભુત સમજણ શ્રીજીમહારાજે ઘણાં વચનામૃતમાં દૃઢ કરાવી છે. સારંગપુરના ૧લા વચનામૃતમાં જણાવ્યું છે કે, “તે ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તોપણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહિ અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મુને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું ઇચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુ:ખરૂપ જ છે.”
સરખેજના ડોસાતાઈને મહારાજના અવરભાવનાં એક નિમિષમાત્ર દર્શન થયાં હતાં તોપણ તેમને સંસારનાં તમામ વિષયસુખ નરકના કુંડ જેવાં ભાસતાં. છેવટે સંસારનાં પંચવિષયનાં સુખનો ત્યાગ કરી શ્રીહરિચરણે જૂનાગઢમાં આજીવન સમર્પિત થઈ ગયા હતા. અવરભાવનાં દર્શન પણ જો વિષયસુખની પ્રીતિને ટાળી નાખતા હોય તો પરભાવનાં દર્શનની તો વાત જ ક્યાંથી થાય ?
તથા સારંગપુરના ૧લા વચનામૃતમાં આગળ કહ્યું છે, “એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્યે કરીને સર્વે વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં.”
તથા લોયાના ૧૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકારને પામે નહિ અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઈ જાય નહિ; સ્વતંત્રપણે ગ્રહણ કરે, જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે.”
શ્રીજીમહારાજના પરભાવના સ્વરૂપનો વિચાર કરવાની રીત પણ લોયાના ૧૮મા વચનામૃતમાં કહી છે કે, “ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશે સુખરૂપ છે ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે.”
મહારાજ કોણ છે ! કેવા છે ! તથા હું કોણ છું ! મને કેવો કર્યો છે ! તેનો વિચાર કરવાથી પંચવિષયમાંથી પ્રીતિ ટળી જાય. મહારાજ પરભાવનું દિવ્ય સ્વરૂપ છે તેવું સમજ્યા પછી મને (આત્માને) પણ દેહથી નોખો અનાદિમુક્ત કર્યો છે, મારે વિષે દેહ નથી. સદા પરભાવમાં જ છું, હું અનાદિમુક્ત જ છું એવો પરભાવ દૃઢ થાય તેમ તેમ પંચવિષયમાંથી તરત જ પ્રીતિ તૂટતી જાય.
શ્રીજીમહારાજે છેલ્લાના ૩૯મા વચનામૃતમાં પંચવિષયમાંથી પ્રીતિ ટાળવાના આ બે જ ઉપાય દર્શાવતાં કહ્યું છે, “પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આ બે જેને સિદ્ધ થયા હોય, ને તે જો ગમે તેવા પંચવિષયસંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તોપણ તેમાં બંધાઈ રહે નહિ; તેને તોડીને નીકળે જ રહે.”
આમ, મહારાજના સ્વરૂપનું તથા સ્વસ્વરૂપનું મહાત્મ્ય સમજી વિષયમાંથી પ્રીતિ ટાળવાના અભ્યાસમાં રહીએ.