અસત્યનું મૂળ-2

  June 5, 2018

‘સત્યતા એ વિશ્વસનિયતાની સુગંધ પ્રસરાવનાર તત્ત્વ છે’ એવી જાણ હોવા છતાં કયા કયા કારણોસર આપણે અસત્યનો સહારો લઈ લેતા હોઈએ છીએ તે જાણીએ આ નિબંધ દ્વારા.

આપણા જીવનમાં ક્ષણે ક્ષણે અને પળે પળે અસત્યનો આશરો લઈ લેતા હોઈએ છીએ પણ તે શા માટે ?

અસત્યનો આશરો કેવાં કારણોસર લઈએ છીએ ?

1. આબરૂ સાચવવા તથા યશ-કીર્તિ મેળવવા :

વ્યક્તિમાત્રને સૌથી વ્હાલામાં વ્હાલી વસ્તુ એટલે આબરૂ. આપણે કદાચ સીડી પરથી પડી જઈએ તો પહેલાં શું જોઈએ ?  કેટલું વાગ્યું છે એ ? ના. આજુબાજુમાં કોઈ જોતું તો નથી ને ! આપણા દેહને વાગે તે કરતાં પણ આબરૂ વધુ વ્હાલી છે. કંઈ પણ ખોટું થયું હોય તો તેનાથી કેટલું નુકસાન થશે એની ચિંતા નથી હોતી પરંતુ તે બધાની વચ્ચે મારું કેવું લાગશે એવા આબરૂના વિચારે કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર તરત કહીએ કે મેં નથી કર્યું, મને કાંઈ ખબર નથી. પછી ભલે બધાને ખબર પડે. જો કંઈક સારું થયું હોય તો ઊપસવા, સારા દેખાવાનો દેખાડો કરીએ. કદાચ ન કર્યું હોય તોય અસત્ય બોલીને પણ યશ-કીર્તિ વધારીએ છીએ. કાર્ય કરવા પાછળ ફક્ત અને ફક્ત આબરૂ સાચવવાની તથા યશ-કીર્તિ મેળવવાની ઘેલછા જ સતત કાર્યરત હોય છે.

2. નિજ સ્વાર્થ સાધી સ્વબચાવ કરવા :

આપણા સ્વકેન્દ્રિત જીવનમાં બહુધા આપણી નજર નિજ સ્વાર્થ સાધવા તરફની હોય છે. જો આપણને ફાયદો થતો હોય તો ગમે તેવું અસત્ય બોલતાં પણ ખચકાટ થતો નથી. તથા કેટલીક વાર કોઈ ભૂલ થાય કે મુશ્કેલીનો કે કટોકટીનો સમય આવે ત્યારે ગમે ત્યાં, ગમે તેની હાજરીમાં સ્વબચાવ કરવા ખોટું બોલતા હોઈએ છીએ.

એક શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા મોબાઈલ પર વાત પણ કરતા હતા. શાળાનો નિયમ હતો કે ચાલુ ક્લાસે મોબાઇલ પર વાત ન કરવી. શાળાના આચાર્યશ્રી શાળાની મુલાકાતે નીકળ્યા હતા. તેમણે દૂરથી આ શિક્ષકને ફોન પર વાત કરતા જોયા. તેથી તેઓ એ શિક્ષકના વર્ગની મુલાકાતે આવ્યા અને પૂછ્યું, “તમે શું કરતા હતા ?” “પાઠ ભણાવતો હતો.” ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “તમે મોબાઇલ પર વાત કરતા હતા તે મેં દૂરથી જોયું છે.” ત્યારે શિક્ષકે સ્વબચાવ કરતાં કહ્યું, “ના... ના... એ તો આજે ફોન સ્વિચ ઓફ કરવાનો રહી ગયો હતો એટલે સ્વિચ ઓફ કરતો હતો.” વિદ્યાર્થીઓની હાજરીમાં આજે ફોન પર વાત કરવાનું ખોટું કાર્ય કર્યું તે બદલ આચાર્યશ્રીનો ઠપકો ન સાંભળવો પડે તેના કારણે નિજ સ્વાર્થ માટે થઈ સ્વબચાવ કરવા અસત્યનો સહારો લીધો. ક્લાસના બધા વિદ્યાર્થીઓ જાણતા હોવા છતાં ખોટું બોલ્યા જેનાથી વિદ્યાર્થીઓના માનસમાંથી તેમનું મૂલ્ય આપમેળે ઘટી ગયું. તો શું એ વિદ્યાર્થીઓ શિક્ષકમાંથી આવું જૂઠું બોલવાની પ્રેરણા ન લે ?

3. આળસ-પ્રમાદીપણાના કારણે :

આપણામાં રહેલી આળસ અને પ્રમાદીપણું ખુલ્લાં ન પડી જાય તે માટે અસત્ય બોલાતું હોય છે. પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને સભામાં લાભ આપતાં ઘણી વાર કહેતા હોય છે કે, “લાઇબ્રેરીમાં જવાની આળસ આવતી હોય અથવા લેશન કરવું ગમતું ન હોય ત્યારે કહે, ‘મને પેટમાં દુઃખે છે’. આ બે બાબક એવી જ છે કે જે કહે એનું માની લેવું પડે. કારણ, તે બહાર દેખાતું નથી. વિધ્યાર્થી તો ખોટું બોલે પરંતુ અતિ નવાઈની વાત તો એ છે કે ઘણી વખત વાલી પણ આવું અસત્ય બોલતા બાળકની ભેગા ભળી જાય અને ચિઠ્ઠી પણ લખી આપે. આવું એક-બે વખત બને પછી તો માતા-પિતાની જાણ બહાર જાતે જ ચિઠ્ઠી લખતાં શીખી જાય અને આગળ વધતાં તે પોતાના પ્રગતિપત્રકમાં જાતે માતાપિતાની સહી કરતા થઈ જાય છે. આ બધું તેના જીવનનો સત્યનો પંથી ભુલાવી દે છે.

ક્યારેક કમાવું ન હોય કે કામ ન કરવું હોય એવી આળસને કારણે ખોટું બોલાય અને ખોટું કરાય, કામચોરી થાય.

સરકારી દફ્તરમાં એક યુવાન કમપ્યુટર ઓપરેટરની નોકરી કરતા હતા. કોલેજકાળ દરમ્યાન હરવા-ફરવાના શોખીન આ યુવાનને નોકરીનો સમસ બોજારૂપ અને જેલ જેવો લાગતો હતો. એક દિવસ તેમને મિત્રો સાથે ફરવા જવું હતું. તેથી કામ કરવામાં ક્યાંય મન લાગે નહી. તેમણે બારીમાં બેઠેલા કબૂતરને જોઈ એક યુક્તિ કરી. કી-બોર્ડમાં જારના દાણા ભભરાવ્યા. એક જોડી બૂટ બહાર મૂક્યા અને બીજી જોડી પહેરી બારી ખોલી ત્યાંથી તેઓ ફરવા ગયા. કબૂતરો કી-બોર્ડમાં જારણા દાણા ચણે એટલે કી-બોર્ડનો ટક ટક અવાજ આવે. બૂટ બહાર પડેલા દેખાય એટલે બાજુની કેબિનમાં રહેલા સાહેબને એવું થાય કે બાજુમાં કામ ચાલુ છે. સાંજે સાહેબ પૂછે કે, ‘કેટલું કામ થયું ?’ તો ખોટેખોટા જવાબ આપે. પણ આવું જૂઠ ક્યાં સુધી ચાલે ? આળસ અને પ્રમાદના કારણે અસત્યનું કેટલું મોટું જાળું રચ્યું ?! આવી રીતે પ્રમાદીના કારણે કામચોરી, સમયની ચોરી, હાથની ચોરી પણ થતી હોય છે.

4. પોલ (ખોટું) પકડાઈ ન જાય :

ધંધા-નોકરીમાં કે મંદિરમાં આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા હિસાબ-કિતાબમાં ક્યાંય ગોટાળો થઈ ગયો હોય તો તે પકડાઈ ન જાય તે માટે કેટલીક વાર અસત્ય બોલાતું હોય છે. આપણી ભૂલનો ખ્યાલ હોવા છતાં કોણે કર્યું ? કેવી રીતે થયું ? એમ બોલી બધાની ભેળા ખોટું બોલાય. સતત આપણું પોલ પકડાઈ ન જાય, કોઈને ખબર ન પડે તેની તજવીજમાં લાગેલા રહીએ. પરંતુ આજે નહિ તો કાલે એ અસત્ય, થયેલી ભૂલની પોલ પકડાયા વિના રહેતી જ નથી. આ ઉપરાંત કોઈ પણ ક્ષેત્રે ‘આપણી ભૂલ ઉપરીને ખબર ન પડવી જોઈએ’ એ બીકે ખોટું બોલાય અને કાર્ય પણ કરાય. પરંતુ એ પોલથી રચેલું જાળું ખુલ્લું પડ્યા વિના રહેતું જ નથી.

5. બહાનાબાજી કરવા માટે :

બહાનાબાજી એટલે અસ્ત્યનો સિલસિલો. પૂ. સંતોએ આજ્ઞા કરી હોય કે સભામાં નિયમિત આવવું. પરંતુ કોઈ વાર ફરવા ગયા હોઈએ અને બીજા દિવસે મંદિરે જઈએ ત્યારે સંતો પૂછે કે, “કાલે સભામાં કેમ નહોતા આવ્યા ?” તો ધંધા-વ્યવસાયમાં, કુટુંબ-વ્યવહારમાં પણ અનેક બહાનાં કાઢતા હોઈએ છીએ. આપણો રોજબરોજના જીવનમાં બહાનાં કાઢવામાં અસત્ય બોલતા હોઈએ છીએ તેથી મંદિરમાં પણ બોલાય છે.

6. ખોટો દેખાડો કે દંભ પ્રદર્શિત કરવા માટે :

આદર્શતા કંઈક જુદી હોય અને વાસ્તવિકતા જુદી હોય તેને કહેવાય ખોટો દેખાડો. દંભ-કપટ-યુક્તિ પ્રયુક્તિ આ બધાંને લીધે ખોટો દેખાડો કરવા અસત્ય બોલાય છે. જ્યારે સત્સંગમાં આવીએ ત્યારે રાજીપાનાં સાધનો કરવામાં, સેવામાં કે નિયમધર્મ પાળવામાં કોઈ રીપોર્ટ ભરવાના હોય તેમાં વાસ્તિવિકતા કંઈક જુદી હોય અને ભરીએ કંઈક જુદું. કાદચ કોઈ પૂછે તોપણ ત્યાં સારું દેખાડવા ખોટું બોલાય.

7. આંતરિક-બાહ્યિક દોષો છુપાવવા :

અવરભાવમાત્ર એટલે સર્વ દોષોનો સરવાળો. જેમાં દેહભાવવને યોગે કરીને વર્તમાન સંબંધિત ઘણી ભૂલો થતી હોય તે મોટાપુરુષની આગળ નિષ્કપટ થયા સિવાય ટાળવી અઘરી છે તેમ છતાં તેને છુપાવવા અસત્ય બોલીએ છીએ. તથા ઈર્ષ્યા જેવા સૂક્ષ્મ આંતરિક દોષો હોય તોપણ તેને છુપાવવા ખોટું બોલાય કે ખોટું કરાય પણ ખરું. આ ઉપરાંત નિર્દોષ ઠરવા પણ અસત્યનો સહારો લેતા હોઈએ છીએ.

આ સિવાય પણ રોજબરોજના જીવનમાં આવતી નાની-મોટી સ્થિતિપરિસ્થિતિમાં અકારણ અસત્ય બોલાતું હોય છે. કેટલીક વાર ખોટું બોલવામાં જાણે આપણે માસ્ટરી કેળવી હોય તેવું બનતું હોય છે. કેટલીક વાર ખોટું બોલીને અન્યને જૂઠા પાડવાના પ્રયત્ન થાય પરંતુ તેમ કરવા જતાં જૂઠ પકડાઈ જતું હોય છે.

આદર્શ વ્યક્તિત્વની ખિલવણી માટે અસત્યના સહારાને છોડી સત્યના સહારે જીવતા શીખીએ એ જ અભ્યર્થના.