અસત્યનું મૂળ-3

  June 12, 2018

‘જૂઠનો દશકો અને સત્યની શતાબ્દી’ એ ન્યાયે જૂઠ કેટલું જલદી પકડાઈ જાય છે અને સત્યનો હંમેશાં વિજય થાય છે તે જાણીએ આ નિબંધશ્રેણી દ્વારા.

નૌકાદળના એક સૈનિક ઘરે જવા રજા લેવા પોતાના અધિકારી પાસે ગયા. રજાની મંજૂરી માંગી. અધિકારી તેનું કારણ પૂછ્યું ત્યારે સૈનિકે કહ્યું કે, “મારી પત્ની બીમાર છે, ઘરેથી સમાચાર આવ્યા છે તેથી જવું પડે એવું જ છે.” અધિકારીએ કહ્યું કે, “હું તમારા ઘરે પત્ર લખી હકીકત પૂછાવી જોઉં છું. સાત દિવસ પછી નિર્ણય લઈશું કે રજા આપવી કે નહીં ?” સાતેક દિવસ બાદ સૈનિકને કેબિનમાં બોલાવી અધિકારીએ કહ્યું કે, “મેં તમારા ઘરે પત્ર લખ્યો હતો તેનો જવાબ આવ્યો છે કે તમારાં પત્નીને કોઈ બહુ ગંભીર બિમારી નથી, માત્ર થોડો તાવ જ આવ્યો હતો. તેથી તેમને રજા નહિ મળે.” આ સાંભળી સૈનિક કેબિનની બહાર જઈ મોટેથી ખડખડાટ હસવા લાગ્યો . અધિકારી આ જોઈ અવાચક થઈ ગયા. સૈનિકને ખંધું હાસ્ય કરતા અધિકારીને કહ્યું કે, “હું એવું વિચારતો હતો કે, આપણા બંનેમાંથી વધારે જૂઠું કોણ બોલી શકે છે ? કારણ કે હજુ તો મારી સગાઈ પણ નથી થઈ તો લગ્ન તો ક્યાંથી થયાં હોય ? તો પછી મારાં પત્નીની બિમારીની ચિઠ્ઠીનો વળતો જવાબ તમારી પાસે ક્યાંથી આવ્યો હોય ?” આ રીતે ક્યારેક અન્યના અસત્યની પોલ ખોલવામાં પોતાના અસત્યની જ પોલ ખૂલી જાય છે. એટલે જ કહ્યું છે કે,

“એક અસત્યમાંથી જન્મે, અસત્યો બહુ જૂજવા;

રોપે અસત્ય જે, તેને પડે એ ઝુંડ વેઠવા.”

પંક્તિમાં જણાવ્યા મુજબ અસત્યનાં પરિણામ તેને પોતાને જ ભોગવવા પડે છે. તેની કેવી અસરો પોતાના અને અન્યના જીવનમાં થાય છે ?

  1. કોઈ આપણા પર વિશ્વાસ ન કરે.
  2. દંભ-કપટ, યુક્તિ-પ્રયુક્તિ, છાનું-છપનું જેવા અનેક દોષોનો પ્રાદુર્ભાવ થાય.
  3. ભયગ્રસ્ત જીવન જીવાય.
  4. કાયમ ખોટું બોલવાની કુટેવ પડી જાય.

કોઈ વ્યક્તિએ કપડાં એકલા પહેર્યાં હોય પરંતુ તેની ઉપર આભૂષણ પહેરે તો વધારે શોભે છે. તેમ કોઈ વ્યક્તિ શૂરવીર હોય અને તેમાં જો સત્યપાલનનો ગુણ હોય તો તે વધારે દીપી ઊઠે છે. સત્યપાલન એ 24 કેરેટના સોના જેવું છે. જેમ સોનું કોઈ પણ સ્થાનમાં જાય પણ તેની કિંમત તો યથાવત્ જળવાઈ રહે છે. 24 કેરેટના શુદ્ધ સોનામાં કોઈ ભેગ જોવા મળતો નથી તેમ સત્યની કિંમત કોઈ પણ સ્થાનમાં યથાવત્ રહે છે. માટે મૂલ્યસભર જીવન જીવવા સત્યનું પાલન કરવું ફરજિયાત છે.

‘સત્યનું પાલન કરવું એ કોઈ કાયરતા નથી. પરંતુ શૂરવીરતા છે.’ અસત્ય બોલવામાં અનેક મૂશ્કેલીઓ આવવા છતાં સત્ય બોલીએ તો અંતે સત્યનો ઘોષ (વિજય) જ થાય છે. એટલે જ તો આપણી રાષ્ટ્રિય મુદ્રામાં કંડારેલું છે કે, “સત્યમેવ જયતે” એટલે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો કઠિન છે તેમ છતાં સત્યના પૂજારી એવા મહાત્મા ગાંધીજીને તે સહેલામાં સહેલો લાગ્યો. સત્યપાલન અને અહિંસાના રાહ ઉપર ચાલી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યો.

સત્યપાલન એ એક વર્તનલક્ષી ખ્યાલ છે. સત્યપાલન એક પ્રકારની ખુમારી અને ખમીર જન્માવી વ્યક્તિને આઝાદ અને નિર્ભય બનાવે છે. સત્યપાલન કરવાથી આત્મા બળિયો થાય છે. તેનાથઈ આત્માની શુદ્ધિ, દેહની શુદ્ધિ, ધનની શુદ્ધિ અને આચરણની શુદ્ધિ થાય છે. સત્યપાલન કરવાથી દૃઢ સંકલ્પશક્તિ, પવિત્રતા, દિવ્યતા, સહનશીલતા જેવા અનેક ગુણો પ્રગટે છે. ગમે તેવા કપરા સમયમાં પણ તેનો રસ્તો મહારાજ કાઢી આપે છે. આધ્યાત્મિક માર્ગ અને વ્યવહાર માર્ગ બેયની ઉજ્જવળતાનો મદાર સત્યપાલન પર રચાયેલો છે.

રાજસ્થાનના અંતરિયાળ ગામમાં એક વિધવાબાઈ તેના પુત્ર સાથે રહેતાં હતાં. વિધવાબાઈ લોકોનાં ઘરકામ કરી ગુજરાન ચલાવતાં અને દીકરાને ભણાવતાં. દીકરો ભણવામાં ખૂબ હોશિંયાર હતો. તેણે જોધપુર જેવા મોટા શહેરમાં આગળ ભણવા જવા તેની ‘મા’ને વાત કરી. દીકરાને એકલો ભણવા મૂકવા માટે ‘મા’નું મન માનતું નહોતું પરંતુ દીકરાના ભવિષ્યનો વિચાર કરી ભણવા મોકલવાનું નક્કી કર્યું. પોતાના જીવનની ભેગી કરેલી 50 રૂપિયાની મૂડી દીકરાના ખિસ્સામાં સીવીને મૂકી આપી અને કહ્યું, “જરૂર પડે તો આ વાપરજે અને ખંતથી ભણજે.”

દીકરાને જોધપુર તરફ વળાવતાં તેની ‘મા’એ શિખામણ આપી કે, “દીકરા, ગમે તેવા સંજોગ આવે તોપણ હંમેશા સાચું જ બોલજે અને ભગવાનનો ડર રાખજે.” એમ કહી કાફલા સાથે ઊંટ પર બેસાડી રવાના કર્યો. નિર્જન રસ્તામાં ચોર-લૂંટારુંએ પકડ્યા. કાફલામાં રહેલા બધા આમતેમ ભાગી ગયા પરંતુ લૂંટારાઓએ આ છોકરાને પકડી ફેંટ ઝાલી કહ્યું, “બોલ તારી પાસે શું છે ? લાવ કાઢી આપ.” ત્યારે છોકરાએ નિર્ભયતાથી કહ્યું કે, “મારી ‘મા’એ ખિસ્સામાં 50 રૂપિયા ભણવા માટે સીવી આપ્યા છે.” લૂંટારુઓ છોકરાને પકડી બધું પડાવી લેવાના ઈરાદાથી તેમના સરદાર પાસે લઈ ગયા અને બધી વાત કરી.

સરદારે છોકરાને કહ્યું કે, “તારી પાસે જે હોય તે આપી દે. ત્યારે તેણે 50 રૂપિયા તરત કાઢી આપી દીધા.” સરદારે કહ્યું, “છોકરા, તેં અમને જો કહ્યું ન હોત કે મારી પાસ 50 રૂપિયા છે તો તને અમે પજવણી ન કરત. પણ તને કહેતાં લુંટાઈ જવાની બીક ના લાગી ?  શા માટે તેં કહી દીધું ?” ત્યારે છોકરાએ કહ્યું, “મને મારી માએ કીધું છે કે, ‘હંમેશા સાચું વચન બોલજે અને ભગવાનથી ડરીને ચાલજે.’  માટે હું જીવનમાં કદી અસત્ય ન બોલી શકું.”

ચોરોના સરદારને એ બાળકના સત્યપાલનના ટંકારની જોરદાર ચોટ લાગી. તેથી તેમની પાસેના વધારાના પૈસા બાળકને આપી છેક જોધપુર પહોંચાડ્યો અને પોતે જીવનમાં કદી ખોટું ન કરવાનો નિયમ લઈ જીવન બદલી નાખ્યું. સત્યપાલન એ મહાનતાનો પાયો છે.

“Tust is just like surgery. It may hurt nut it cures… ! Lie is like a pain killer, it gives relief immediately but it has side effects later… !”

અર્થાત્ “સત્ય સર્જરી જેવું છે. તે દુઃખ આપે છે પણ સાજા કરે છે. જૂઠ એ પેઈનકિલર જેવું છે જે તાત્કાલિક રાહત આપે છે. પરંતુ તેની ઘણીબધી આડઅસર થાય છે.”

શ્રીજીમહારાજ પણ સત્યપાલનના ખરા આગ્રહી હતા. સંતો-હરિભક્તોનું ખોટું વચન, ક્રિયા કે ઘાટ પણ ચલાવી લેતા નહીં. એક વખત શ્રીજીમહારાજ વડતાલ ફૂલદોલનો સમૈયો કર્યા પછી પૂર્વદિશામાં એક રાયણનું વૃક્ષ હતું ત્યાં બિરાજ્યા હતા. સૌ સંતોને બોલાવ્યા અને હરિભક્તોને આવવાની ના પાડી. પછી શ્રીહરિ દરેક સંતોને વારાફરતી નજીક બોલાવી કાનમાં ગુપ્ત રીતે પ્રશ્ન કરતા હતા કે તમને સ્વપ્નમાં કંઈ વિકાર થાય છે કે નથી થતા ?

ત્યારે સભામાં બેઠેલા સૌ સંતોએ પોતાને સ્વપ્નમાં જેમ વર્તવું હતું તેવું સાચેસાચું નિષ્કપટભાવે શ્રી હરિને કહી દીધું. તેથી શ્રીજીમહારાજ સંતો ઉપર અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું જે, “સાચા ભાવે નિષ્કપટ થાય છે તેને જ અને સાચા પરમહંસ માનીએ છીએ.” આ પ્રસંગ સદ્. આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃતસાગર પૂર -17, તરંગ- 10માં આલેખ્યો છે.

તેથી જ શ્રીહરિલીલામૃતમમાં કળશ-9, વિશ્રામ-11માં કહ્યું છે કે,

“અંત જાતા સત્યની જીત થાય,

શાસ્ત્રો પુરાણ સહુ એમ ગાય.

નિષ્કપટભાવ એ આધ્યાત્મિક માર્ગમાં જેટ સ્પીડે આગળ વધના માટેનું માધ્યમ છે. જોકે નિષ્કપટભાવ કેળવવા માટે સત્યપાલનનો ગુણ આત્મસાત્ કરવો ફરજિયાત છે. સત્યતપાલનતા એ નિર્દોષભાવની દુનિયા ભણી લઈ જતા શોર્ટકટ છે. આ ગુણની જીવનમાં હરએક ડગલે જેટલી દ્રઢતા હોય તેટલી જ શ્રેય અને પ્રેય બંને માર્ગમાં સફળતા મળે છે અને બધેથી સહકાર પણ મળે છે.

પ.પૂ. સ્વામીશ્રીનું પૂર્વાશ્રમનું નામ ઘનશ્યામભાઈ હતું. એ વખતનો એક પ્રસંગ આપણા જીવનમાં કોઈ પણ સંજોગોમાં સત્યપાલન કરવાની પ્રેરણા આપે છે.

એક દિવસ ઘનશ્યામભાઈને કોઈ કામ માટે અમદાવાદ – લાલદરવાજા જવાનું થયું. એલિસબ્રિજ ઊતરી એક ખાલી ત્રિકોણ જગ્યા હતી ત્યાં લાઈકલ પાર્ક કરી કોઈ કામ અંગે ગયા. થોડીવાર પછી તેઓ પાછા આવ્યા ત્યારે ત્યાં સાઈકલ ન મળે તેથી સામેની દુકાનવાળા ભાઈને પૂછ્યું કે, “અહીં સાઈકલ પડી હતી તે ક્યાં ગઈ ?” ત્યારે તેમણે કહ્યું, “ટ્રાફિક પોલીસની ગાડી આવી હતી તે લઈ ગઈ, કારણ કે આ પાર્કિંગની જગ્યા નથી.” ત્યારે ઘનશ્યામભાઈએ જોયું તો ત્યાં ‘No Parking’ નું બોર્ડ મારેલું હતું જે તેમને દેખાયું નહોતું. બીજા પણ જે યુવકોની સાઈકલો ગઈ હતી તે બધા ભેગા થઈ ટ્રાફિક પોલીસના સ્ટેશને ગયા અને પૂછ્યું, “મારી સાઈકલ અહીં છે ?” એ વખતે તેઓ દૂર પડેલી સાઈકલ ઓળકી ગયા. જોડે બીજા પણ ઘણા યુવકો હતા.

પોલીસે બધાને પૂછ્યું કે, “તમે ક્યાં સાઈકલ મૂકી હતી ?” ત્યારે બધાએ ખોટા જવાબ આપ્યા અને બનાવટ કરી. જ્યારે ઘનશ્યામભાઈએ સાચેસાચું કહી દીધું કે, “મેં ‘No Parking’ નું બોર્ડ વાંચ્યા વગર સાઈકલ પાર્ક કરી હતી માટે મારી ભૂલ થઈ ગઈ... માફ કરો.” ખરેખર 100 રૂપિયા દંડ ભરવાનો હતો ત્યારે તે ઘમશ્યામભાઈએ કહ્યું, “અત્યારે મારી પાસે 10 રૂપિયા બચ્યા છે; જો આપ સાઈકલ આપો તો હું 90 રૂપિયા લઈ આવું ને દંડ ભરી દઉં. ઘનશ્યામભાઈએ સાચું બોલી સાચી રજૂઆત કરી તેથી બધી પોલીશ ખુશ થઈ ગઈ અને માત્ર 10 રૂપિયાનો દંડ લઈ સાઈકલ પાછી આપી દીધી જ્યારે બીજા યુવકો પાસેથી 100 રૂપિયાનો દંડ લીધો. સત્યપાલન કરવાથી દંડ તો ન ભરવો પડ્યો પરંતુ સૌને તેમના પ્રત્યે આદર થયો.”

આવી રીતે પ.પૂ. સ્વામીશ્રીના (અવરભાવના) જીવનમાં પ્રથમથી જ સત્યનો રણકાર પડઘાતો આવ્યો છે તેથી વર્તમાનકાળે સત્યપાલન કરવાનો અતિશે આગ્રહ દર્શાવે છે.

આપણે પણ આવા પ્રસંગમનન દ્વારા સત્યના બળે જીવન જીવતા થઈએ એ જ અભ્યર્થના.