અસ્મિતા-1

  January 19, 2019

અસ્મિતાનાં ઓજસ અંતરાત્મામાંથી સ્ફુરે છે ત્યારે કુરબાની અપાય છે.

“વેરા ભગત, ગીરમાં જઈને દૂઝણી ગાયો લઈ આવો.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા શિરે ધરી વેરા ભગત ગીરમાં જવા નીકળ્યા. ગીરમાં જઈ એક ભરવાડના નેસમાંથી ગાયો લઈ જૂનાગઢ તરફ પાછા વળ્યા. રસ્તામાં ભરવાડણ બાઈ પાણી ભરીને આવતાં હતાં. તેઓ પોતાની ગાયો ઓળખી ગયા. ગાયોને લઈ જતા વેરા ભગતને બાઈએ વિનંતી કરી કે, “મારી ગાયોને તમે ઝોકમાં થોડી વાર પાછી લાવો !”

ભરવાડણ બાઈએ ગાયોને શિંગડે, પૂંછડે ને કપાળે કંકુ કરી ચોખા ચોડ્યા. એક મા જેમ દીકરી સાસરે જતી હોય અને તેને ભલામણ કરે તેમ આ બાઈએ પણ ગાયોને ભલામણ કરી : “માવડિયું, જ્યાં જાવ ત્યાં નરવી થઈને રહેજો. કોઈને શિંગડે, પૂંછડે કે પગે પાટું મારશો નહીં. ટાણે ટાણે દૂધ દેજો અને આપણી ઝોકની લાજ વંજાવશો નહીં.” અબોલ પશુ પણ જાણે આ બધું સમજતું હોય તેમ આંખમાં આંસુ સાથે બાઈએ કરેલી ભલામણ પ્રમાણે કરવા મૂક સંમતિ આપતું હતું.

આ બાઈને પોતાની ઝોકનું ગૌરવ હતું. પોતાની ઝોકની ગાયો બીજે જઈને કોઈને હેરાન ન જ કરે એવું ગૌરવ હતું તેથી ભલામણ કરી. તેમને તે ઝોકની લાજનું કેટલું ગૌરવ ! તે ઝોકનું ગૌરવ એ જ અસ્મિતા. ટૂંકમાં,

અસ્મિતા એટલે માત્ર ગૌરવ નહિ, ગૌરવભાન.

અસ્મિતા એટલે માત્ર ખ્યાલ નહિ, વિશેષ ખ્યાલ.

અસ્મિતા એટલે માત્ર સભાન નહિ, સભાનતા.

અસ્મિતા એટલે જાગૃત નહિ, જાગૃતતા.

અસ્મિતા એટલે આંતરિક લાગણીઓની સકારાત્મક રજૂઆત.

અસ્મિતા એટલે જોમ, જુસ્સો, તરવરાટ. કંઈક કરી છૂટવાની તમન્ના.

અસ્મિતામાં ગર્વ નહિ, ગૌરવ જ હોય. ધ્રુવનો તારો આકાશમાં ટમટમતા બીજા તારાને મિટાવતો નથી. છતાં તે સૌ વચ્ચે આગવો પ્રભાવ પાથરે છે. તેમ અસ્મિતા ધરાવનાર વ્યક્તિ પણ ધ્રુવના તારા જેવી છે. તેનો આંતરિક અને બાહ્યિક પ્રભાવ અલગ જ હોય. કારણ કે અસ્મિતા અનેક સદ્ગણોની જનની છે. સૂર્ય હોય ત્યાં અજવાળું હોય જ, ચંદ્ર હોય ત્યાં શીતળતા હોય જ, અસ્મિતાસભર હોય તેના લોહીની બુંદ બુંદમાં વ્યવહારિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રે કુરબાન થઈ જવાની તત્પરતા હોય જ.

વર્ષો પહેલાં ચીનના યાત્રાળુઓ ભારતમાં આવ્યા. તેમાંના કેટલાક ભારતીય ભાષાથી પરિચિત હતા. તેઓ ભારતીય પુસ્તકોથી ખૂબ પ્રભાવિત થયા. ચીન પાછા ફરતાં પુસ્તકો સાથે એક ભારતીય વ્યક્તિ પણ તેમની સાથે જોડાયા હતા. ભારતથી ચીનની યાત્રા દરમ્યાન અચાનક વાવાઝોડું આવતાં મધદરિયે વહાણ ડોલવા લાગ્યું. ચીનના યાત્રાળુઓએ ભારતીય વ્યક્તિને કહ્યું કે, “જો આપણે જીવ બચાવવો હશે તો વહાણમાંથી સામાન ઓછો કરવો જ પડશે, માટે આપણે પુસ્તકોને પાણીમાં જવા દઈએ.” જેના લોહીની બુંદ બુંદમાં દેશની અસ્મિતા હતી તેવી ભારતીય વ્યક્તિએ કહ્યું કે, “ભારતીય સંસ્કૃતિરૂપી પુસ્તકોને હું પાણીમાં નહિ જવા દઉં, મને તેનું ગૌરવ છે. તેના કરતાં હું પડવાનું વધુ પસંદ કરીશ.” એટલું બોલતાં તેઓ પાણીમાં કૂદી પડ્યા. દેશના પુસ્તકોની આવી અસ્મિતા જોઈ ચીની યાત્રાળુઓ તો દંગ જ રહી ગયા.

આપણને પણ શ્રીજીમહારાજની મળેલી ભેટ સમા આપણાં પુસ્તકો જેવાં કે, વચનામૃત, બાપાશ્રીની વાતો, શિક્ષાપત્રી સાર આદિ પુસ્તકોની એથી પણ અધિક અસ્મિતા હોવી જ જોઈએ. તે સ્વયં શ્રીજીમહારાજનું જ સ્વરૂપ છે. તેથી તેને નીચે જમીન પર પણ ન મુકાય. અને તેને વાંચવાનો, સાંભળવાનો અતિશે આગ્રહ રહેવો જોઈએ.

તેનું જતન શ્રીજીમહારાજ તુલ્ય કરવાનું હોય. આ દરેક પુસ્તકના શબ્દે શબ્દે અસ્મિતાનાં ઓજસ પથરાય છે તે જોઈ શકાય છે. અસ્મિતા જીવનમાં જોમ, જુસ્સો ને ઉત્સાહ વધારે છે.

એક ૮-૧૦ વર્ષની દૂબળી-પતલી ગિરિકન્યા તેના હૃષ્ટપુષ્ટ ભાઈને તેડીને ગિરનાર ચડતી હતી. રસ્તામાં ઉપર ચડતા બધા તેને આશ્ચર્યથી પૂછતા કે, “આ કોણ છે ?”

“મારો ભઈલો...”

“તને ભાર નથી લાગતો ?”

“ના... ના.. ભાઈનો વળી ભાર શાનો ?”

ગિરિકન્યાને “મારો ભાઈ એવો મમત્વભાવ અને ગૌરવ હતાં તેથી જેમ જેમ પર્વત ચઢતી હતી તેમ તેમ તેનો ઉત્સાહ વધતો જતો હતો. અસ્મિતાના અહોભાવમાંથી જાણે કે જુસ્સો અને ઉત્સાહનાં સ્પંદનો મનોવિચારમાં વહેવા માંડતા હોય તેવું લાગે.

અસ્મિતા એ અહોભાવનું ઘોડાપૂર છે. તેમાં તરબતર હોય તે હંમેશાં મળેલી પ્રાપ્તિની અસ્મિતામાં જ ખોવાયેલા હોય. ભરવાડણને પોતાની ઝોકની તથા ગિરિકન્યાને પોતાના ભાઈની કેટલી અસ્મિતા ! આ લોકની વ્યક્તિને પોતાની ઝોકની, શાખની એટલી અસ્મિતા હોય તો પછી આપણને મળેલી અલૌકિક પ્રાપ્તિની કેટલી અસ્મિતા હોવી જોઈએ !