અસ્મિતા-2

  January 28, 2019

મળેલા સર્વોપરી મહારાજ અને મળેલા દિવ્ય સત્પુરુષના અહોભાવથી અસ્મિતાસભર થઈએ.

૧. મળેલા સર્વોપરી શ્રીજીમહારાજની અસ્મિતા :

સ્વમુખવાણી વચનામૃત ગઢડા મધ્યના ૨૭માં શ્રીજીમહારાજે મંદિરનિર્માણનો સ્પષ્ટ હેતુ જણાવતાં કહ્યું છે કે, “અમે મંદિર કરાવ્યાં છે તે અખંડ ભગવાનની કહેતાં અમારી ઉપાસના રાખ્યા સારુ કરાવ્યાં છે.” ઉપાસના રાખ્યા સારુ એટલે પોતાનું સ્વરૂપ ઓળખાવવા સારુ જ બનાવ્યાં છે. શ્રીજીમહારાજના સ્વરૂપની યથાર્થ નિષ્ઠા અર્થાત્ સ્વરૂપનિષ્ઠાની દઢતા એટલે જ શ્રીજીમહારાજની અસ્મિતા. આ બ્રહ્માંડને વિષે સહજાનંદરૂપી સૂર્ય ઉદય થયો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન થયું. ઉપાસના પ્રવર્તનનો પ્રારંભ થયો. વર્તમાનકાળે શ્રીજીમહારાજની યથાર્થ સ્વરૂપનિષ્ઠા ગુરુવર્ય પ.પૂ. બાપજી સમજાવી અસ્મિતાના ઓજસ પાથરી રહ્યા છે. વચનામૃતના એક એક શબ્દ અનુપમ અસ્મિતાના પર્યાય છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં રોમ રોમમાં સ્વરૂપનિષ્ઠાની ખુમારીનાં આગવાં દર્શન થાય છે. એમાંય તેઓ ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતની “અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે.” આ અમૃત વચન સમજાવતા હોય ત્યારે તેમના સ્વરૂપના અસ્મિતાસભર દર્શન જ અલૌકિક હોય છે. તેઓ પોતાની આગવી છટાથી આ અમૃત વચન વહાવતા હોય. પછી સૌને અમૃત વચનનો પણ ગુજરાતી અર્થ સમજાવતા હોય : ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વોપરી, સનાતન, અજોડ અને અદ્વિતીય એક જ છે, બે નહીં.

સ્વરૂપનિષ્ઠાની આવી ખુમારી હોય તેને જે મળ્યું છે તેનો જ આનંદ હોય, એમાં જ પૂર્ણતા મનાય. બીજું બધું તુચ્છ જ થઈ જાય. વડોદરાના નાથ ભક્ત સૂકો રોટલો ને ખાટી છાશ જમતા પરંતુ રોમ રોમમાં ‘કેવા મહારાજ મળ્યા !’ તેની અસ્મિતા, પ્રાપ્તિનો કેફ હતો. એક વખત સગાંસંબંધીઓએ નાથ ભક્તને લૂખુંસૂકું જમતા જોઈ પૂછ્યું કે, “ભગત ! આમ કેમ લૂખું લૂખું જમો છો ?” ત્યારે તેમનો અસ્મિતાસભર રણકાર હતો કે, “લૂખું તો દુનિયા જમતી હશે. મારા ભેળા તો મહારાજ અને અનંત મુક્તો જમે છે.”

અવરભાવમાં આવી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં શ્રીજીમહારાજ મળ્યાની અસ્મિતા હતી તો તેઓ સદા આનંદમાં રહી શકતા. બીજું કે તેમને આશ્રયમાં અનાશ્રયનો ઘાટ થયો ન હતો કે કોઈના કહેલા બે ઢીલા શબ્દો પણ તેમને અડ્યા નહીં. શ્રીજીમહારાજની અસ્મિતા હતી તો તેઓ સમયે સમજણની સ્થિરતા પણ રાખી શક્યા હતા. ‘મને તો સર્વોપરી ઉપાસના છે તોય મારી જ પરિસ્થિતિ આવી કેમ ?' આવા કોઈ પ્રશ્નો તેમને ઉદ્ભવ્યા નહોતા. આ હતી તેમને શ્રીજીમહારાજ મળ્યાની રોમ રોમમાં મસ્તી, અસ્મિતા.

આપણને પણ એ જ સર્વોપરી મહારાજ મળ્યા છે. તેમની આપણા રૂંવાડે રૂંવાડે જેટલી અસ્મિતા પ્રગટાવીશું તેટલા જ અવરભાવનાં નાશવંત દુ:ખ, ઉદ્વેગ, અશાંતિથી પર થઈ સદા આનંદમાં રાચી શકીશું.

૨. મળેલા મોટાપુરુષની અસ્મિતા :

કીર્તનમાં મોટાપુરુષનું લક્ષણ જણાવ્યું છે કે,

“પોતે અખંડ મૂર્તિમાં રહે છે, સંકલ્પે શ્રીજી દેખાય રે.”

દેહના રોગ ટાળવા માટે આ લોકના ડૉક્ટર જરૂરી છે તેમ આત્માના રોગ ટાળવા સત્પરુષરૂપી ડૉક્ટર ફરજિયાત છે. આત્માના રોગ કહેતાં કામ-ક્રોધાદિક દોષો ટાળવા મોટાપુરુષ ક્યાંક રોકે, ટોકે, વઢે, રાજીપાની રીત શિખવાડે, બે શબ્દો કહે તોપણ મહિમા, અહોભાવ જ રહે એ જ મોટાપુરુષની અસ્મિતા, મહાત્મ્ય છે. ‘મોટાપુરુષ તો હિતકારી સ્વરૂપ છે, અનંતનું હિત કરનારા છે તો મારું અહિત તો કરે જ શાના ?’ આવી સકારાત્મક વિચારધારાથી તેમના પ્રત્યેની અસ્મિતા અને અહો અહોભાવ દિન-પ્રતિદિન વધતાં જ જાય.

દેશની સરહદ પર લડનારા સૈનિકોમાં દેશદાઝ હોય જ. મરી મીટવાની તૈયારી સાથે હરીફ દેશથી ‘મા’ભોમની રક્ષા માટે તત્પર બે સૈનિકો ઉપર અચાનક હુમલો થયો. બંદૂકની ગોળીએ તેમના દેહને વીંધી લોહીલુહાણ કરી દીધા હતા. ઊભા થવાની પણ હામ રહી નહોતી. તેમની આવી જન્મમરણ વચ્ચે ઝોલા ખાતી દયનીય સ્થિતિ જોઈ હરીફ દેશના સૈનિકોએ કહ્યું કે, “તમે એટલું બોલી જાવ કે અમે ભારતના સૈનિક નથી, ભારત અમારો દેશ નથી તો અમે સારવાર કરાવી તમને અમારા દેશમાં લઈ જઈશું.” જે સૈનિકોમાં દેશદાઝ હતી, ‘મા’ભોમની રૂંવાડે રૂંવાડે અસ્મિતા હતી તેઓ આ કેમ સ્વીકારે ? પેટ ઢસડાતા ભારતની સરહદ સુધી પહોંચ્યા. શક્તિ ન હોવા છતાં સરહદ પર ફરકતો ભારતનો ઝંડો ખેંચી હાથમાં લઈ લીધો. એકબીજાના સહારે લથડિયા ખાતા ઊભા થયા અને અસ્મિતાસભર બુલંદ અવાજે બોલ્યા કે, “અમે ભારતીય છીએ, છીએ અને છીએ. અમારી ‘મા’ભોમ માટે સર્વસ્વ ન્યોછાવર છે, અમે પણ શહીદ થવા તત્પર છીએ.”

સૈનિકોને દેશની અસ્મિતા હતી તો પોતે દેશને ખાતર શહીદ થઈ ગયા. પોતાના દેહની પણ પરવા કરી નહીં. ‘મા’ સમાન આપણને મળેલા મોટાપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની અસ્મિતા “મા”ભોમ કરતાં પણ કંઈક વિશેષ હોવી જોઈએ. તેમને રાજી કરવાનો રોમ રોમમાં થનગનાટ જોઈએ. તેમનાં વચન, આજ્ઞા અધ્ધરથી ઝિલાય જ. તેમના માટે સર્વસ્વ ન્યોછાવર થાય, કુરબાન થઈ જવાય, તેમના વચનમાં કે ક્રિયામાં ક્યારેય સંશય પણ ન થાય. એટલું જ નહિ, મોટાપુરુષ માટે કોઈ હીણું બોલે ત્યારે તેને મોબતમાં લેવાઈ ખમી ન જતાં સામે જડબાતોડ જવાબ અપાય. આ બધી મળેલા મોટાપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી પ્રત્યેની અસ્મિતા છે. આપણા લોહીની બુંદ બુંદમાં જેટલી આ અસ્મિતા વહેતી રહે એટલા જ એમના સંકલ્પસમા પાત્ર થવાય. રાજીપાનો ધોધ આપણી ઉપર વરસ્યા કરે.

મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષના અસ્મિતાસભર થઈ અહોભાવના ઘોડાપૂરમાં રાચતા રહીએ એ જ પ્રાર્થના.